ગુજરાતી બાળવાર્તા સંપદા/સોનુનો ઉપવાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સોનુનો ઉપવાસ

હેતલ મહેતા

બાળદોસ્તો, શું તમે જાણો છો કે પહેલાં કૂતરાં અને બિલાડાં એકબીજાનાં પાકાં મિત્રો હતાં? પરંતુ અત્યારે તમે જોતાં હશો કે એકબીજાંની નજરે પડે કે યુદ્ધ કરવા તૈયાર, કૂતરાં બિલાડાંને જુએ કે તરત એની પાછળ દોડે. જાણે એકબીજાનાં દુશ્મન! પણ આવું કેમ થયું એ તમે જાણો છો? ના...! ચાલો! હું તમને આવું થવાં પાછળની વાત કહું. ઘણાં વર્ષો પહેલાંની વાત છે, હોં...! એક નાનકડું ગામ હતું. તે ગામમાં એક કૂતરો રહેતો હતો. તેના શરીરનો રંગ કાળો હોવાથી બધાં તેને કાળુ કહીને બોલાવતાં. તે ગામના સરપંચના ઘરની ચોકી કરતો. તે ખૂબ જ વફાદાર અને ઈમાનદાર હતો. એક દિવસ ગામમાં મેળો ભરાયો હતો. ગામના લોકો મેળો જોવા ગયા હતા. કાળુ ઘરની ચોકી કરતો બેઠો હતો. ત્યાં તેના કાને કોઈકનો રડવાનો અવાજ સંભળાયો. "માંઉ... વાંઉ... માંઉ... વાંઉ..." કાળુને થયું કે બધા લોકો મેળામાં ગયા છે. આ કોણ રડતું હશે? તે અવાજની દિશામાં ગયો. શેરીને છેડે એક બિલાડી બેઠી બેઠી રડતી હતી. કાળુએ જોયું કે તે ખૂબ જ રૂપાળી હતી. તેની આંખો માંજરી હતી અને રુંવાટી સોનેરી રંગની હતી. તેને પગે વાગ્યું હતું અને લોહી નીકળતું હતું. કાળુએ પૂછ્યું, "તું આ ગામની લાગતી નથી! ક્યાંથી આવી છે? તારું નામ શું છે?" બિલાડીએ રોતાં રોતાં જવાબ આપ્યો, "મારું નામ સોનુ છે. હું બાજુના ગામમાં રહેતી હતી. હું જે ઘરમાં રહેતી હતી; તેમણે મને ઘરમાંથી કાઢી મૂકી. આથી હું ફરતાં ફરતાં આ ગામમાં આવી ગઈ." "પણ તને પગે વાગ્યું કેવી રીતે?" કાળુએ પગ સામું જોતાં પૂછ્યું. "મને મેળામાં ફરતી જોતાં આ ગામનાં છોકરાંઓ મને પકડવા મારી પાછળ પડ્યાં. મને થયું કે એ બધાં મને પજવશે. આથી, દોડી અને પગે વગાડી બેઠી." કાળુ દોડતો જઈને દવા અને પાટો લઈ આવ્યો. તેણે સોનુના પગે દવા લગાડી; પાટો બાંધી દીધો. સોનુને ખાવા માટે રોટલો આપ્યો. તેણે પેટ ભરીને રોટલો ખાધો. પાછી તે ઉદાસ થઈ ગઈ. કાળુએ પૂછ્યું, "હવે પાછું શું થયું?" સોનુ પાછી જોરજોરથી રડવા લાગી. બોલી, "હવે હું ક્યાં જાઉં? મારી પાસે ઘર નથી. ત્યાં મને ખાવાનું પણ મળી રહેતું હતું. હવે મને કોણ ખવડાવશે?" કાળુને તેની દયા આવી. તેણે કહ્યું, "હું સરપંચના ઘરે રહું છું. એટલે મારું ઘર ખાલી જ છે. તું ત્યાં રહેજે. હું તને રોજ ખાવાનું મોકલી આપીશ." સોનુ રાજી રાજી થઈ ગઈ. તેનાં રહેવાની અને જમવાની ચિંતા દૂર થઈ ગઈ. તે કાળુ કૂતરાના ઘરે રહેવા લાગી. કાળુ આખી રાત ચોકી કરતો અને તેને સવારે જે જમવાનું મળે તેમાંથી અડધું સોનુને આપી આવતો. સોનુને તો મજા પડી ગઈ હતી. મહેનત કરવાની નહીં અને બેઠાં બેઠાં ખાવાનું. એક દિવસ કાળુ કૂતરો સોનુ બિલાડીને સરપંચનું ઘર બતાવવા લઈ આવ્યો. બીજા દિવસથી શ્રાવણ મહિનો શરૂ થતો હતો. સરપંચના ઘરે માખણમાંથી ઘી બની રહ્યું હતું. સોનુના નાકમાં સુગંધ પેઠી અને તેની જીભ લબલભ થવા લાગી. તેણે જોયું કે ઘીને ઠંડું કરીને બરણીમાં ભરવામાં આવ્યું છે. તેને ઘી ખાવાનું મન થઈ ગયું. એ રાતે કોઈને ખબર ના પડે એમ... તે દબાતાં પગલે રસોડામાં ઘૂસી. ઘીની બરણીનો આંકડિયો મોંમાં નાખી દોડી. સવારે સરપંચના ઘરના લોકો ઘીની બરણી શોધવા લાગ્યા, પણ તેમને બરણી મળી નહીં. તેમને કાળુ કૂતરા પર શંકા ગઈ. આથી સરપંચે કાળુને પૂછ્યું. કાળુને તો કાંઈ ખબર જ ન હતી. સરપંચે ફરી આંખો કાઢી પૂછ્યું, "સાચું બોલ કાળુ! તું ઘી ખાઈ તો નથી ગયો ને?" કાળુ બોલ્યો, "ના, ના... સરપંચજી! હું શા માટે ખાઉં? તમે મને રોજ ખાવાનું આપો છો; તો મારે શા માટે ઘી ખાવું પડે!" પણ સરપંચને એની વાત પર વિશ્વાસ આવ્યો નહીં: એટલે તેણે કાળુને કાઢી મૂક્યો. ખાવાનું પણ આપ્યું નહીં. કાળુ મનમાં દુઃખી થયો. તેને પોતાના કરતાં સોનુની ચિંતા થઈ. તેને થયું કે હવે સોનુને ખાવા માટે શું આપીશ? તે ઘરે ગયો. તેણે બારણું ખખડાવ્યું અને બોલ્યો, "સોનુ! બારણું ઉઘાડ." સોનુ અંદરથી બોલી,

“શ્રાવણ કેરો માસ આવ્યો,
સોનુને ઉપવાસ આવ્યો;
મહિને તપ પૂરું થાશે
બારણું ત્યારે ખોલાશે.”

કાળુએ વિચાર્યું, "સોનુ ઉપવાસ કરે છે. તે ભગવાનની ભક્તિ કરે છે. તપ કરે છે. એટલે મારે તેને ખલેલ ના પહોંચાડવી જોઈએ." કાળુ બહાર ફરતો રહેતો, પણ તેને સોનુની ચિંતા થતી હતી. તેને થતું કે સોનુ આટલા બધા દિવસ ભૂખી રહેશે તો માંદી પડશે. તે ફરીવાર ઘરે ગયો અને બારણા પાસે જઈ બોલ્યો, "સોનુ આવા ઉપવાસ કરવાથી તું માંદી પડી જઈશ. મને તારી ચિંતા થાય છે. જો હું તારા માટે દૂધ લાવ્યો છું. તું દૂધ પી લે. દૂધ તો ઉપવાસમાં પિવાય ને!" સોનુ પાછી બોલી,

“શ્રાવણ કેરો માસ આવ્યો,
સોનુને ઉપવાસ આવ્યો;
મહિને તપ પૂરું થાશે
બારણું ત્યારે ખોલાશે.”

કાળુ કૂતરો પાછો જતો રહ્યો. પણ કાળુને સોનુની ખૂબ ચિંતા થતી. તે વારેવારે ઘરે જતો અને દર વખતે સોનુ એક જ જવાબ આપતી. એક દિવસ કાળુ કૂતરો મંદિરનો પ્રસાદ લઈને ગયો. "સોનુ! એ... સોનુ! સોનુ...! બારણું ઉઘાડ. જો! હું તારા માટે પ્રસાદ લઈને આવ્યો છું. પ્રસાદ તો ખવાય જ, હોં...!" સોનુ બોલી, "ના, દોસ્ત! મારે તો બિલકુલ ઉપવાસ છે. મારે કંઈ ખવાય નહીં અને પાણી સિવાય બીજું કંઈ પિવાય નહીં. મારે તો આખો દિવસ મહાદેવની ભક્તિ કરવાની. તું જા... મહિનો પૂરો થશે ત્યારે મારું તપ પૂરું થશે." પાછી તે બોલી,

“શ્રાવણ કેરો માસ આવ્યો,
સોનુને ઉપવાસ આવ્યો;
મહિને તપ પૂરું થાશે
બારણું ત્યારે ખોલાશે.”

કાળુ કૂતરો સોનુની ચિંતા કરતો, દુઃખી થતો, પાછો જતો રહ્યો. મહિનો પૂરો થવાની તૈયારીમાં હતો. કાળુ કૂતરાને થયું કે સોનુ સાવ દૂબળી થઈ ગઈ હશે! આવાં તપ અને ઉપવાસ કરીને એ મરી જશે. તે પાછો ઘરના બારણા પાસે આવી ઊભો રહ્યો. તેણે બૂમ પાડી, "સોનુ! એ... સોનુ...!" સોનુ તો ખાટલે બેઠી બેઠી ઘી ખાતી હતી. તેને બોલવાની પણ નવરાઈ ન હતી. તેથી તે કાંઈ બોલી નહીં. તેને થયું કે કાળુ થોડીવાર બૂમો પાડશે પછી જતો રહેશે. બહાર ઊભેલા કાળુને ચિંતા થઈ કે સોનું કેમ કંઈ બોલતી નહીં હોય? તેને કંઈ થયું તો નહીં હોય ને? તે ઘરની બારી પાસે આવ્યો અને તેણે બારીને જોરથી ધક્કો માર્યો. બારી ખૂલી ગઈ. તે સીધો અંદર કૂદ્યો. ત્યાં તેણે જોયું કે સોનુ તો ખાટલે બેઠી બેઠી ઘી ખાતી હતી. તે જાડીપાડી થઈ હતી. આખા ઘરમાં ઘીની મહેક આવતી હતી. કાળુ બરણી ઓળખી ગયો. તેને બધી વાતની ખબર પડી ગઈ. સોનુની ચોરી પકડાઈ ગઈ. સોનુ અચાનક કૂદી પડેલા કાળુને જોતાં જ ગભરાઈ ગઈ. કાળુ હજી કંઈ પૂછે એ પહેલાં જ એણે ખાટલામાંથી છલંગ મારી અને બારીની બહાર નાઠી. કાળુ કૂતરો તેની પાછળ દોડ્યો. ગામમાં બધાંને આ વાતની ખબર પડી ગઈ. બસ.... આ વાત! બાળદોસ્તો, ત્યારથી લઈને આજ સુધી કૂતરાં બિલાડાંને જુએ કે તરત એની પાછળ દોડે.