ગુજરાતી બાળવાર્તા સંપદા/હરીફાઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હરીફાઈ

પ્રેમજી પટેલ

એક મોટું વન. આવા ગાઢ જંગલમાં સિંહ રાજા મજાથી ૨હે. તે જંગલનો રાજા, તેથી જે પ્રાણી તેની સામેથી પસાર થાય તે અચૂક સલામ ભરે. ઘણાં પ્રાણીઓ રાજાને મળવા પણ આવે. એક દિવસ શિયાળ ત્યાંથી નીકળ્યું. રાજાને સલામ કરી અને મળ્યું. બન્ને જંગલની વાતોએ ચડી ગયાં. સિંહ અભિમાનથી શિયાળને કહે, ‘આમ તો આ જંગલમાં મારા જેટલું બળવાન પ્રાણી એકે નથી. સલામ મારે છે એ ઉ૫૨થી પણ જોઈ શકો.’ શિયાળ કશું બોલ્યું નહીં. શિયાળને આવી અભિમાનભરી વાત ગમી નહીં, મોં મચકોડી તે મૌન રહ્યું. સિંહ ફરી બોલ્યોઃ ‘મારા જેટલી કોઈનામાં શક્તિ હોય, એવું કોઈ પ્રાણી તારા ધ્યાનમાં છે ?’ આ સવાલથી શિયાળ ખિજાયું. તેણે સિંહને હળવેથી જવાબ આપ્યો, ‘જુઓ રાજાજી, દરેકમાં કંઈ ને કંઈ વિશેષતા હોય. દરેકને જરૂરી બળ આપ્યું હોય એમ તમનેય ...’ સિંહને આવી વાત ગમે ખરી ? તેણે શિયાળને કહ્યું, ‘જા, જો મારાથી જોરાવર કોઈ હોય તો બોલાવ તો માનું ! બાકી, તારી વાત કોઈ ના માને !’ શિયાળ બોલ્યું, ‘રાજાજી, આપ તો બળવાન છો જ, પણ દરેક બાબતમાં એવું ના કહી શકાય. દરેકમાં કોઈ ને કોઈ વિશેષતા મળે જ’. એ બે વાતો કરતાં હતાં એટલામાં ત્યાં થઈ એક ઊંટ નીકળ્યું. ઊંટે રાજાને સલામ કરી. એ તરત જ ચાલવા લાગ્યું. સિંહની નજર ઊંટ ઉપર પડી. તેણે શિયાળ ત૨ફ જોઈ કહ્યું, ‘આ ઊંટભાઈ, તાડ જેટલા ઊંચા છે, લાંબી ડોક છે. પણ શીંગડાં નથી, નખ નથી અને પૂંછ સાવ ટૂંકી... બિચારા શાનાથી લડે ?’ શિયાળથી રહેવાયું નહીં. તેણે કહ્યું, ‘રાજાજી, એ બિચારા પણ કોઈ એક બાબતે તમારાથી જબરા હશે.. રાજા ચમકી ગયો. તેણે ‘લે કહી બતાવ, શામાં ચડિયાતું છે ?’ જાતે પ્રયોગ કરી જોયા વગર માનીશ નહીં...?’ શિયાળે સિંહને કહ્યું, ‘હું ઊંટને બોલાવી લાવું...’ જોઈએ – ‘શિયાળ દૂર પહોંચી ગયેલા ઊંટને બોલાવવા દોડ્યું. છેટેથી શિયાળે બૂમ પાડી. ’ ઊંટ, ઓ ઊંટ !.., તને રાજાજી બોલાવે છે !’ ’ ઊંટે પાછા જોતાં પૂછ્યું, ‘કેમ ? શું કામ પડ્યું ?’ શિયાળે માંડીને વાત કરી. બીજી એક યુક્તિ પણ ઊંટને સમજાવી દીધી. બેય આવીને સિંહને મળ્યાં. ઊંટે સલામી કરી. સિંહે શિયાળ સામે હસીને કહ્યું, ‘બિચારું ઊંટ મારાથી કઈ વાતે ચડિયાતું છે ? કહો...’ ‘દોડવામાં.’ ‘હા... હા... હા... હા...’ સિંહ હસવા લાગ્યો. શિયાળે તરત કહ્યું: ‘બોલો, હરીફાઈ કરવી છે ?’ સિંહે ફરી હસતાં હસતાં કહ્યું: ‘પ્રયોગ કર્યા વગર હું નથી માનવાનો ભાઈ...?’ શિયાળે ઊંટને પૂછ્યું. ઊંટે કહ્યું: ‘હરીફાઈ તો કરું પણ મારી એક વાત માનો તો જ કરાય...’ ‘શું ?’ સિંહે ગર્વથી પૂછ્યું. ‘દોડવાની હરીફાઈ રાખીએ, ના નથી, પણ મારું શરી૨ ખૂબ મોટું છે. જંગલમાં દોડવા જાઉં તો એટલાં બધાં ઝાડ તે ફાવે નહીં. બધું નડે એટલે હારી જાઉં તો ?’ શિયાળે રસ્તો સૂચવ્યો. ‘હરીફાઈ જંગલની બહા૨ રાખીએ! તું તૈયાર છે ?’ હા, જંગલના પશ્ચિમ છેડે ઝાડ-ઝાંખરું કશું નથી, ખુલ્લો રણ વિસ્તાર છે. ત્યાં કાલે સવારે આવી જજો.’ તરત શિયાળે સિંહને પૂછ્યું, ‘કાલે સવારે હરીફાઈ નક્કી ?’ સિંહે પણ હા કહી. તરત જ આખા જંગલમાં ઢંઢેરો પિટાવી દીધો. ઊંટ અને સિંહ વચ્ચેની હરીફાઈ છે, તો દરેકે જોવા માટે પશ્ચિમ છેડે આવી જવું... દરેક પ્રાણીને આવું જાણી નવાઈ લાગી. આ નવી જ વાત હતી. બધાં પ્રાણીઓ બીજા દિવસે હરીફાઈ હતી ત્યાં ખુલ્લી જગ્યા પર આવી ગયાં. સિંહ તો હસતો હસતો ઊભો હતો. ઊંટ પણ હાજર થયું. હરીફાઈ જોવા માટે અનેક પ્રાણીઓ હાજર થયાં. દરેકને મનમાં થતું, ‘કોણ જીતી જશે ?’ શિયાળે હરીફાઈના નિયમો બન્ને હરીફોની સામે કહ્યા. બધાંની હાજરીમાં બંને દોડવા તૈયાર થઈને ઊભાં. શિયાળે એક, બે અને ત્રણ કહેતાં બન્ને દોડ્યાં. સિંહ શરૂમાં આગળ નીકળ્યો. ઊંટ પાછળ પડ્યું. થોડી વારે રણ શરૂ થયું. ઊંટ મોટી ફલાંગો ભરતું દોડ્યું. રેતાળ ધરતી પર સિંહ વધારે દોડવા જતો હતો, પરંતુ તેના પગ રેતીમાં ઊંડે જતા રહેતા. તે જોર કરી કાઢે પણ પાતળા પગ ઊંડા જતા જ રહે. તેને થાક લાગ્યો. તે સાવ ધીમો પડી ગયો. ઊંટને તો રેતી પર ચાલવું એ સરળ હતું. તેના પગ તો થાળી જેવા મોટા તે રેતીમાં ફસાતા નહોતા. બેપાંચ મિનિટમાં ઊંટ તો સિંહને પાછળ પાડી આગળ નીકળી ગયું. ધબા... ધબ... કરતું ક્યાંય પહોંચી ગયું. સિંહ હાંફી ગયો. જેટલી હદ રાખી હતી ત્યાં જઈને ઊંટ તો પાછુંય વળ્યું. સિંહ તો ત્યાં પહોંચ્યો નહોતો પછી પાછો શી રીતે વળે ? બધાંએ જોયું કે ઊંટ આગળ હોઈ વિજયી થઈ જશે. રાજાજી તો થાકીને લોથપોથ થઈ ગયા હતા. સિંહને બોલવાના પણ હોશ નહોતા. શિયાળે બધાં પ્રાણીઓની સામે ઊંટની જીત થયાની જાહેરાત કરી. સિંહનું મોં પડી ગયું હતું. મોડેથી શિયાળે પૂછ્યું, ‘કેવી રહી આ હરીફાઈ ?’ તેણે કહ્યું, ‘દરેક પ્રાણીમાં કંઈક ને કંઈક વિશેષતા હોય છે, તે આજે જાણવા મળ્યું. દોડવામાં ઊંટ જીતી ગયું.’ બધાંએ ઊંટના વિજયને અભિનંદનથી વધાવી લીધો.