ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણસાગર સૂરિ-૧
કલ્યાણસાગર(સૂરિ)-૧ [જ. ઈ.૧૫૭૭/સં. ૧૬૩૩, અસાડ સુદ ૨, ગુરુવાર કે વૈશાખ સુદ ૬ - અવ. ઈ.૧૬૬૨/સં. ૧૭૧૮, વૈશાખ સુદ ૩ના દિવસે કે શ્રાવણ વદ ૫ પછી] : અંચલગચ્છના જૈન સાધુ. ધર્મમૂર્તિના શિષ્ય. જન્મ વઢિયાર દેશના લોલાડા ગામમાં. મૂલ નામ કોડણ. પિતા શ્રીમાળી કોઠારી નાનીગ, માતા નામિલદે. દીક્ષા ઈ.૧૫૮૬, આચાર્યપદ ઈ.૧૫૯૩, ગચ્છનાયકપદ ઈ.૧૬૧૪ કે ઈ.૧૬૧૫. અવસાન ભૂજમાં. કલ્યાણસાગરસૂરિ અંચલગચ્છના અત્યંત પ્રભાવશાળી અને મેધાવી આચાર્ય હતા. તેમની પ્રેરણાથી અનેક જિનપ્રાસાદો બંધાયા હતા, અનેક જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ હતી અને કેટલીક તીર્થયાત્રાઓ પણ યોજાઈ હતી. છેક આગ્રાના મંત્રી કુંવરપાલ અને સોનપાલ સુધી આચાર્યનો પ્રભાવ વિસ્તરેલો હતો. કચ્છના મહારાવ ભારમલ્લે એમના ઉપદેશથી માંસાહાર છોડ્યો હતો અને પોતાના રાજ્યમાં પર્યુષણના દિવસોમાં પ્રાણીહિંસા બંધ કરાવી હતી. કલ્યાણસાગરસૂરિને નામે ગુજરાતીમાં ‘અગડદત્ત-રાસ’, ‘વીસ-વિહરમાનજિન-ભાસ’, ૨૭ કડીની ‘ચતુર્વિંશતિજિન-સ્તુતિ’(મુ.) અને કેટલાંક સ્તોત્રો-સ્તવનો એ કૃતિઓ નોંધાયેલી છે. એમાંથી ‘અગડદત્ત-રાસ’ની હસ્તપ્રત પ્રાપ્ય નથી ને એમના આચાર્યકાળમાં એમના ગચ્છના સ્થાનસાગરે રચેલ ‘અગડદત્ત-રાસ’ મળે છે, તેથી સ્થાનસાગરની કૃતિ કલ્યાણસાગર-સૂરિને નામે ચડી ગઈ હોય એવો સંભવ છે. નોંધાયેલાં સ્તવનો પણ બધાં જ એમનાં હશે એવું નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. એમણે સંસ્કૃતમાં ‘શાંતિનાથ-ચરિત્ર’, ‘સુરપ્રિય-ચરિત્ર’, ‘મિશ્રલિંગ-કોશ’ તથા કેટલાંક સ્તોત્રો, અષ્ટકો, સ્તવનો વગેરેની રચના કરેલી છે. કૃતિ: આર્ય-કલ્યાણ-ગૌતમ સ્મૃતિગ્રંથ, સં. કલાપ્રભસાગરજી, સં. ૨૦૩૯ - ‘શ્રી ચતુર્વિંશતિજિનસ્તુતિ’, સં. ‘ગુણશિશુ’. સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮; ૨. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [હ.યા.]