ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/‘પ્રબોધ-બાવની’
‘પ્રબોધ-બાવની’ [ર.ઈ.૧૮૧૪/સં.૧૮૭૦, ફાગણ વદ ૩] : ૫૨ કુંડળિયાની દયારામકૃત આ રચના (મુ.) ઉખાણાગ્રથિત કૃતિઓની મધ્યકાલીન પરંપરાની છે. કવિએ દરેક કુંડળિયામાં આરંભે ‘ઉખાણું’ એટલે લોકોકિત મૂકી એને આધારે કશોક બોધ આપ્યો છે. જેમ કે, “તરસ્યો ખોદે કૂપ જડ, પ્રકટ પિયે નહીં ગંગ” એ કહેવતની મદદથી કવિ સમજાવે છે કે જડ, મૂર્ખ માણસ પરબ્રહ્મના પ્રગટ રૂપ સમા શ્રીવલ્લભવંશને શરણે ન જતાં કુપંથમાં પોતાનું મન સ્થાપે છે. “પારસમણિને વાટકે ભટજી માગે ભીખ”, “મસાણ મોદકમાં કયાં ઇલાયચીનો સ્વાદ” “અજગર ભાસે અળશિયું, મરઘું ભાસે મોર” આદિ અનેક રસપ્રદ રૂઢોક્તિઓનો સચોટ વિનિયોગ કરી બતાવતી ને પ્રાસાદિક અભિવ્યક્તિથી મનોરમ બનતી આ કૃતિ રચાઈ તો છે “નિજ મન” તે કૃષ્ણકીર્તનરત રહેવાનો બોધ આપવા માટે, પરંતુ એમાં કૃષ્ણકીર્તનના ઉપદેશ નિમિત્તે કવિએ ઇશ્વરની શાશ્વતતા, સંસારની ક્ષણભંગુરતા, પ્રપંચી ભક્તો અને ઢોંગી ગુરુઓ, સત્સંગમહિમા આદિ વિષયોને પણ આવરી લીધા છે.[સુ.દ.]