ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/ઇન મેમોરિયમ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઇન મેમોરિયમ : ૧૮૫૦માં પ્રગટ થએલી ટેનિસનની આ કરુણપ્રશસ્તિનું તેમાંની અંગતતા અને વૈશ્વિકતાને કારણે અંગ્રેજી સાહિત્યમાં ઊંચું સ્થાન છે. પોતાના મિત્ર હેલમના ૨૨ વર્ષની વયે થયેલા અવસાનના આઘાતમાંથી આ કૃતિ ૧૮૩૩થી ૧૮૫૦ દરમિયાન છૂટક છૂટક લખાઈ છે. પોતાના મિત્રના અવસાનનો અવસાદ અને એને સદેહે પ્રાપ્ત કરવાની અપેક્ષા જેવી અંગત સૂક્ષ્મ લાગણીના તાણા સાથે ધીમે ધીમે તે મિત્રને ગૂઢગહન રીતે પામવાની આધ્યાત્મિકતાના વાણા વણાતા જાય છે. પરિણામે કવિને મૃત મિત્રની પ્રતીતિ પ્રભુ અને પ્રકૃતિના પ્રત્યેક તત્ત્વમાં થાય છે. સ્થૂળ રીતે મિત્ર નથી પણ તેની સૂક્ષ્મ હાજરી સર્વત્ર અને સર્વકાલીન છે તેવો આશાવાદ એમાં પ્રકટ થાય છે. વિજ્ઞાન અને શ્રદ્ધાના સમન્વયનો તંતુ રચાતો આવે છે. પણ પ્રેમ અને શ્રદ્ધાવિહોણું જ્ઞાન વ્યર્થ છે તેમ પ્રસ્થાપિત કરે છે. આ વિશ્વના રહસ્યને પામવા માટે શ્રદ્ધા અને પ્રેમ મહામૂલી ચાવીઓ છે તેવું પ્રતિપાદિત કરે છે. કાવ્ય છૂટક છૂટક લખાયું હોઈ એમાં કથાનિરૂપણની એકતા નથી પરંતુ એનો સંગીતમય છંદોલય અદ્ભુત છે. એની કેટલીક ઊમિર્મય અને વિચારમય કંડિકાઓ કાવ્યતત્ત્વની દૃષ્ટિએ ઉત્તમ નીપજી આવી છે. આપણે ત્યાં નરસિંહરાવ દિવેટિયાની રચના ‘સ્મરણસંહિતા’માં ઉક્ત રચનાનો સારો એવો પ્રભાવ છે. ધી.પ.