ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગુજરાતી ભાષાનો ઉદ્દગમ અને વિકાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



ગુજરાતી ભાષાનો ઉદ્ગમ અને વિકાસ: ગુજરાતી ભાષા ભારતીય-યુરોપીય ભાષા પરિવારની ભારતીય – આર્ય શાખાની ભાષા છે. આદિમ ભારત-યુરોપીય પ્રજા ઈશુની ત્રણેક હજાર વર્ષ પૂર્વે દક્ષિણ રશિયાના પ્રદેશોમાં વસતી હતી એવો એક મત છે. આ પ્રજાએ સ્થળાંતર કરવા માંડ્યું, એનાં જુદાંજુદાં જૂથો જુદેજુદે સમયે મૂળ પ્રદેશમાંથી બહાર નીકળી જુદીજુદી દિશામાં આગળ વધતાં ગયાં તે સાથે એની ભાષામાં સ્વાભાવિક રીતે જ પરિવર્તનો આવતાં ગયાં અને આમ ભારત-યુરોપીય પરિવારની અનેક શાખાઓ અસ્તિત્વમાં આવતી ગઈ. જે જૂથ મૂળ નિવાસસ્થાનમાંથી બહાર નીકળી ભારત અને ઈરાનને માર્ગે આગળ વધ્યું તે ભારત-ઈરાની જૂથ અને એની ભાષા તે ભારતઈરાની ભાષા કહેવાય છે. એ જૂથ બે દિશામાં ફંટાતા એક સમૂહ ઈરાનમાં અને બીજો ભારતમાં પહોંચ્યો ને ઈરાની તથા ભારતીય-આર્ય શાખાઓ અસ્તિત્વમાં આવી. આ વિકાસને આપણે નીચેના આલેખ દ્વારા દર્શાવી શકીએ: ભારત-યુરોપીય | ---|---------|--------|------|--------|-------------|- | ભારત-ઈરાની | ---|----------------|--------- ઈરાની ભારતીય-આર્ય

ભારતમાં આવેલો પ્રજાસમૂહ આર્યને નામે ઓળખાય છે. ઈ.સ. પૂર્વે ૧૫૦૦ના અરસામાં એ સપ્તસિંધુના પ્રદેશમાં પહોંચ્યો હશે એવું અનુમાન છે. આ ભારતીય આર્યોમાં વિકસેલી ભાષા તે ભારતીય-આર્ય ભાષા. ભારતીય આર્ય ભાષાના વિકાસને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવે છે: ૧, પ્રાચીન ભારતીય-આર્ય: ઈ.સ. પૂ. ૧૫૦૦થી માંડીને ઈ.સ. પૂ. ૫૦૦ સુધીની ભાષાભૂમિકા, જેમાં વૈદિક ભાષા અને પ્રશિષ્ટ સંસ્કૃતનો સમાવેશ થાય છે. ૨, મધ્યમ ભારતીય-આર્ય: ઈ.સ.પૂ. ૫૦૦થી ૧૦૦૦ સુધીની ભાષાભૂમિકા, જેમાં પાલિ, પ્રાકૃતો તથા અપભ્રંશનો સમાવેશ થાય છે. ૩, અર્વાચીન ભારતીય-આર્ય: ૧૦૦૦થી આજ સુધીની ભાષાભૂમિકા, જેમાં ગુજરાતી, મરાઠી, બંગાળી, હિંદી, પંજાબી વગેરે વર્તમાન ભારતીય ભાષાઓનો સમાવેશ થાય છે. ૧૦૦૦ના અરસામાં ભિન્નભિન્ન પ્રાકૃતો અને અપભ્રંશ બોલાતી બંધ થઈ અને સ્થાનિક બોલીઓ આગળ આવવા લાગી તેનું કારણ એ જણાય છે કે ભારતમાં મુસ્લિમ રાજ્યઅમલ આવતાં સંસ્કૃત-પ્રાકૃતને જે રાજ્યાશ્રય મળતો હતો તે જતો રહ્યો અને સાહિત્યને લોકાશ્રય શોધવો પડ્યો. રાજકીય સંઘર્ષો અને ઊથલપાથલોએ પણ સ્થાનિકતાને ઉત્તેજન આપ્યું હોય. બધી સ્થાનિક બોલીઓ એકસાથે ઉદય નથી પામી, એ પ્રક્રિયા ૮૦૦થી ૧૨૦૦ સુધી ચાલી છે. નર્મદાની ઉત્તરમાં સિંધ, પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્રને આવરી લેતા શૌરસેની પ્રાકૃતના ભાષાપ્રદેશમાં ૬૦૦ પછી અપભ્રંશે સ્થાન લીધું હતું ને તેમાંથી ૯૦૦-૧૧૦૦ના ગાળામાં રાજસ્થાની-ગુજરાતી જૂથ જુદું પડે છે. નપુંસકલિંગ ટકી રહેલું ‘અઉ’ ‘અઉં’ દ્વારા ‘ઓ’કારાંત અને ‘ઉં’કારાંત નામો સિદ્ધ થવાં વગેરે મુખ્ય દોઆબ પ્રદેશથી જુદાં પડતાં લક્ષણો એ બતાવે છે. આજની ગુજરાતી સાથે સંબંધ ધરાવતાં અપભ્રંશોત્તર ભૂમિકાનાં કેટલાંક મહત્ત્વનાં લક્ષણો જેમાં સ્પષ્ટપણે વ્યક્ત થયાં હોય એવી સાહિત્યરચનાઓ બારમી-તેરમી સદીમાં મળે છે, જેમકે વ્રજસેનકૃત ‘ભરતેશ્વર-બાહુબલિ-ઘોર’(૧૧૬૯ આસપાસ), શાલિભદ્રકૃત ‘ભરતેશ્વર–બાહુબલિ–રાસ’(૧૧૮૫), ધર્મકૃત ‘જંબૂસામિચરિય’(૧૨૧૦), વિજયસેનસૂરિકૃત ‘રેવંતગિરિાસુ’(૧૨૩૦ આસપાસ) વગેરે. પણ સાહિત્યમાં પ્રતિષ્ઠિત થયેલાં લક્ષણો બોલચાલમાં તો ઘણાં વહેલાં આવી ગયાં હોય અને એના નિર્દેશોયે આપણને પ્રાપ્ત થાય છે. હેમચંદ્રના ‘સિદ્ધહૈમ–શબ્દાનુશાસન’(બારમી સદી)ના અપભ્રંશ વ્યાકરણ વિભાગમાં દૃષ્ટાંત રૂપે અપાયેલા દુહાઓમાં ક્યાંક-ક્યાંક અપભ્રંશોત્તર ભૂમિકાનાં ભાષાલક્ષણો ડોકાઈ જાય છે, જે તત્કાલીન બોલીમાંથી જ આવેલાં હોય. આ પહેલાં છેક ૧૦૧૪માં ભોજે ‘ગુર્જરો પોતાના અપભ્રંશથી સંતોષ પામે છે, અન્યનાથી નહીં.’ એમ કહી ગુર્જરોને પોતાનો અપભ્રંશ હોવાનું કહ્યું હતું. એટલેકે ગુર્જરોની ભૂમિમાં અપભ્રંશોત્તર ભાષાભૂમિકાનો ઉદય થઈ ચૂક્યો હતો. આ ભાષાભૂમિકાને ‘અપભ્રંશ’ નામથી જ ઓળખવામાં આવે તો એથી કંઈ સંભ્રમમાં પડવાની જરૂર નથી. ભાષાસ્વરૂપ ધીમેધીમે બદલાતું હોય છે અને એને નવું નામ ઘણું મોડું મળતું હોય છે. ‘ગુજરાતી ભાષા’ એવો શબ્દપ્રયોગ તો છેક સત્તરમી સદીમાં પ્રેમાનંદના ‘દશમસ્કંધ’માં મળે છે ને તે પહેલાં સોળમી સદીમાં ભાલણે પોતાની ભાષાને એક વખત ‘ગુર્જર ભાષા’ કહેલી. તે સિવાય પ્રેમાનંદ સુધીના સર્વ કવિઓ સામાન્ય રીતે પોતાની ભાષાને ‘પ્રાકૃત’ તરીકે ઓળખવતા રહ્યા છે. વળી, દસમી-બારમી સદીમાં અપભ્રંશોત્તર ભૂમિકાની જે ભાષા ઉદ્ભવી તે આજના ગુજરાતની સીમાઓ પૂરતી મર્યાદિત નહોતી. એ વિશાળ ગુર્જર પ્રદેશની ભાષા હતી – આજના ગુજરાત-રાજસ્થાન-માળવાના પ્રદેશની, સ્થૂળ રીતે કહેવું હોય તો છેક દ્વારકાથી માંડીને મથુરા સુધીના પ્રદેશોની. એમાંથી આજની ગુજરાતી ભાષા જ નહીં, આજની રાજસ્થાની ભાષા અને મારવાડી, મેવાતી, જયપુરી, મેવાડી, માળવી, ખાનદેશી વગેરે બોલીઓ વિકસી છે. આથી, એવો પ્રશ્ન જરૂર કરી શકાય કે આ અપભ્રંશોત્તર ભાષાને ગુજરાતી એટલેકે ગુજરાતીની પહેલી ભૂમિકા કે પ્રાચીન ગુજરાતી કહી શકાય ખરી? રાજસ્થાનીઓ એને પ્રાચીન રાજસ્થાની તરીકે ઓળખવાના. અર્વાચીન વિદ્વાનોએ પણ આ ભાષાને જુદાંજુદાં નામે ઓળખાવી છે. જેમકે તેસ્સિતોરીએ એને ‘પ્રાચીન પશ્ચિમ રાજસ્થાની’ તરીકે, નરસિંહરાવે ‘અંતિમ અપભ્રંશ’ કે ‘ગૌર્જર અપભ્રંશ’ તરીકે, કે. હ. ધ્રુવે ‘અપભ્રંશ’ કે ‘પ્રાચીન ગુજરાતી’ તરીકે, કે. કા. શાસ્ત્રીએ ‘ગુર્જર ભાષા’ કે ‘જૂની ગુજરાતી’ તરીકે અને ઉમાશંકરે ‘મારુ-ગુર્જર તરીકે ઓળખાવી છે. ખરી પરિસ્થિતિ લક્ષમાં હોય તો નામનો પ્રશ્ન ગૌણ છે, છતાં અપભ્રંશોત્તર ભૂમિકાની આ ભાષાને ‘અપભ્રંશ’ (અંતિમ કે ગૌર્જર) તરીકે ઓળખાવવામાં જોખમ છે, કેમકે એથી એ અપભ્રંશનો જ એક પ્રકાર લેખાઈ જાય અને નવા ભાષાસ્વરૂપનો ઉદય થયો છે એનું વિસ્મરણ થાય. ‘રાજસ્થાની’ અને ‘મારુ-ગૂર્જર’ એ આધુનિક સમયનાં નામો છે અને પ્રાચીન સમયની ભાષાકીય સ્થિતિને દર્શાવવા એમને યોજવાં કેટલે અંશે યોગ્ય ગણાય એ વિચારણીય છે. ‘રાજસ્થાન’ ત્યારે હતું જ નહીં અને ‘મારુ’ અને ‘ગુર્જર’નો ભેદ શિષ્ટ કે સાહિત્યભાષાની કક્ષાએ હતો નહીં. અલબત્ત, મારુ, ગુજ્જર, લાડ વગેરેની બોલીઓના ઉલ્લેખ ઘણા વહેલા સમયથી મળે છે. મહત્ત્વની વાત એ છે કે આઠમીથી અગિયારમી સદી સુધી પશ્ચિમ રજપૂતાના અને ઉત્તર ગુજરાતનો ઘણો ભાગ સંયુક્તપણે ‘ગુજરાત્તા’ કે ‘ગુર્જરત્રા’ તરીકે ઓળખાતો હતો. તેથી એ સમયની ભાષાને ‘ગુર્જર ભાષા’ કે ‘ગુજરાતી’ કહીએ તો એમાં એક પ્રકારની યોગ્યતા છે જ ઉપરાંત, નપુંસકલિંગની જાળવણી જેવી કેટલીક બાબતોમાં આજની ગુજરાતીએ એ પ્રાચીન ભાષાસ્વરૂપનો વારસો જાળવ્યો છે; રાજસ્થાન પ્રદેશની ભાષા તો બીજી અસરો નીચે આવી, સમગ્ર ભાષાવિસ્તારથી છૂટી પડી છે. એ બધું જોતાં ટી.એન. દવે, હરિવલ્લભ ભાયાણી જેવા વિદ્વાનો દસમી-બારમી સદીમાં ઉદ્ભવેલી વિશાળ પ્રદેશની આ ભાષાને ‘ગુજરાતી’ (એની પહેલી કે પ્રાચીન ભૂમિકા) કહેવાનું પસંદ કરે છે. ગુજરાતી ભાષા(કે પ્રાચીન પશ્ચિમ રાજસ્થાની કે મારુગુર્જર)ની પહેલી કે પ્રાચીન ભૂમિકા ચૌદમી સદી સુધીની ગણાય છે કેમકે ત્યાં સુધી તત્કાલીન રાજકીય પરિસ્થિતિ અને પ્રવાસશીલ વેપારીવર્ગ તથા જૈન સાધુવર્ગના વર્ચસ્વને કારણે ગુજરાત-રાજસ્થાનના પ્રદેશોની એક સહિયારી સાહિત્યભાષાની સ્થિતિ ચાલુ રહે છે. આ ભાષાભૂમિકાનાં કેટલાંક મહત્ત્વનાં, ખાસ કરીને એને અપભ્રંશથી જુદી પાડતાં, લક્ષણો આ પ્રમાણે બતાવી શકાય: ધ્વનિવિકાસની દૃષ્ટિએ ૧, અપભ્રંશના સંયુક્ત વ્યંજનો એકવડા બને છે (પાછળનો વ્યંજન રહે છે) અને એની પહેલાંનો સ્વર દીર્ઘ બને છે. જેમકે (સં. कर्म), અપ. कम्म, ગુ. ‘કામ’, ૨, સંયુક્ત વ્યંજનોમાં પૂર્વ વ્યંજન જ્યારે અનુનાસિક હોય ત્યારે એ લુપ્ત થાય છે અને દીર્ઘ થયેલો પૂર્વસ્વર સાનુનાસિક બને છે. જેમકે (સં. पञच्), અપ. पंच, ગુ. ‘પાંચ’. ૩, આ રીતે નીપજેલી આનુનાસિક સ્વરોની શ્રેણી – ‘પાંચ’નો ‘આં’ ‘સીંચવું’નો ‘ઈં’, ‘ગૂંથવું’નો ‘ઊં’ વગેરે – એ ગુજરાતી ધ્વનિતંત્ર’ની વિશેષતા બને છે. ૪, અમુક સંયોગોમાં પ્રથમ વર્ણ રૂપે રહેલા ‘અ’ ‘ઉ’નો અપભ્રંશમાં લોપ થતો હતો તે પ્રક્રિયા ગુજરાતીમાં પણ નજરે પડે છે. જેમકે, (સં. आ-क्षे-ति), અપ. अच्छई, ગુ. ‘છઇ’ ‘છે’, (સં. अन्यदपि), અપ. अन्नई, ગુ. ‘નઇ’ ‘ને’ ૫, સંપર્કમાં રહેલા સ્વરોનો સંકોચ થવાની પ્રાકૃતઅપભ્રંશની પ્રક્રિયા પણ ગુજરાતીમાં ચાલુ રહે છે, આગળ વધે છે. જેમકે, અપ. ओउरइ, ગુ. ‘ઓરે’; અપ. थोअडउं, ગુ. ‘થોડું’; અપ. करिअ, ગુ. ‘કરી’. ૬, અંત્ય ‘ઉં’ કાર – ખાસ કરીને અપભ્રંશના પ્રથમા – દ્વિતીયા એકવચનના – નો ‘અ’ થાય છે. જેમકે, (સં. कम्भकार:), અપ. कुंभआरु, ગુ. ‘કુંભાર’. રૂપવિકાસની દૃષ્ટિએ ૧, અપભ્રંશ સુધી આવતાં સંસ્કૃતનું વિભક્તિતંત્ર વિચ્છિન્ન થઈ ગયેલું અને સંસ્કૃતના પ્રત્યયો ઘસાઈ જતાં અપભ્રંશમાં નવા વિભક્તિદર્શક અનુગોનો પ્રચાર થવા લાગેલો. જૂની ગુજરાતીમાં આ પ્રક્રિયા આગળ ચાલે છે અને ‘સિઉં’ ‘નઇ’ ‘થિકઉં’ ‘પાસિ’ વગેરે નવા અનુગો પ્રચારમાં આવે છે. ૨, ‘છ’ અને ‘હો’ ધાતુનાં રૂપો સહાયકારક તરીકે પ્રયોજાવા લાગે છે અને કૃદંતમૂલક મિશ્ર કાળોની રચના થવા લાગે છે. જેમકે ‘કરઇ છઇ’, ‘કરતઉ હતઉ’, ‘કરતઉ હોઅઇ છઇ’ વગેરે. ૩, આ બન્નેને પરિણામે ગુજરાતી ભાષાનું બંધારણ વધુ વ્યસ્તતા કે અશ્લિષ્ટતા ધરાવતું થાય છે. શબ્દભંડોળની દૃષ્ટિએ ૧, ખુલ્લા અક્ષરો એટલેકે બે સ્વર વચ્ચે રહેલા વ્યંજનો બોલવાની ખાસિયતને કારણે સંસ્કૃત શબ્દો એમના અધિકૃત રૂપમાં અપનાવવાનું શક્ય બને છે. તેથી ગુજરાતીમાં તત્સમ શબ્દોનો વપરાશ વધતો જાય છે. પ્રાકૃત અપભ્રંશકાળમાં સ્વર પછી આવતો બેવડો વ્યંજન જ ટકી શક્યો હતો, એકવડો વ્યંજન ઉચ્ચારી શકાતો નહોતો કે એના ઉચ્ચારણમાં પરિવર્તન થતું હતું. જેમકે, वचननुं वयण, नगरनुं नयर, भाजननुं भाअण, धृतनुं धिअ, भटनुं भड, दीपकनुं दीवउ, मुखनुं मुह, दधिनुं दहि, लाभनुं लाह – વગેરે થતું હતું. પરંતુ હવે વચન, નગર, ભાજન, ઘૃત, ભટ, દીપક, મુખ, દધિ, લાભ એ શબ્દો પણ વપરાતા થાય છે. ૨, અપભ્રંશમાં અજ્ઞાત મૂળના ‘દેશ્ય’ શબ્દોનું ઘણું ભરણું થયેલું. આ પ્રક્રિયા ગુજરાતીમાં ચાલુ રહે છે અને અનેક નવતર શબ્દો – કદાચ ગુર્જરોની ભાષામાંથી – આવે છે. જેમકે, ઓઢવું, પેટ વગેરે. ૩, રવાનુકારી અને દ્વિરુક્ત શબ્દોના પ્રમાણમાં પણ વધારો થાય છે. પંદરમી સદીથી ગુજરાતીની બીજી એટલેકે મધ્યકાલીન ભૂમિકા શરૂ થાય છે એમ કહેવાય. ૧૨૯૭માં ગુજરાત પર અલ્લાઉદ્દીન ખલજીનું આક્રમણ આવ્યું ને ગુજરાતમાં મુસ્લિમ રાજ્ય-અમલનાં મંડાણ થયાં. ગુજરાત-રાજસ્થાનના સાંસ્કૃતિક સંબંધો, એથી, સ્વાભાવિક રીતે જ શિથિલ થયા હોય. ૧૪૦૭માં તો ગુજરાતી સલ્તનત સ્વતંત્ર બને છે. અને દિલ્હી સાથેના એના સંબંધનો તંતુ પણ કપાઈ જાય છે. ૧૪૧૧માં ગુજરાતની રાજધાની પાટણથી ખસીને અમદાવાદ આવે છે. ગુજરાત-રાજસ્થાનને એ રીતે છેટું પડવા લાગે છે. બીજી બાજુથી રજપૂતાનાનાં રાજ્યો દિલ્હીની નિકટ રહે છે અને તેનો ભાષાકીય પ્રભાવ ઝીલે છે. પરિણામે ગુજરાત અને રાજસ્થાનની ભાષાઓ સ્વતંત્ર રીતે વિકસવા લાગે છે. પંદરમી સદીથી આ પ્રક્રિયા શરૂ થાય છે અને સોળમી સદીથી ગુજરાતી લગભગ આજના ગુજરાતની ભાષા તરીકે વિકસવા લાગે છે. ગુજરાતીની આ બીજી ભૂમિકા કે મધ્યકાલીન ગુજરાતીનો સમયગાળો સત્તરમી સદી પૂર્વાર્ધ સુધી (અખાના કવનકાળ સુધી)નો ગણી શકાય. આ ભૂમિકાનાં, એને પહેલી ભૂમિકાથી (અને રાજસ્થાનીથી) જુદી પાડનારાં કેટલાંક ભાષાલક્ષણો આ પ્રમાણે છે: ધ્વનિવિકાસની દૃષ્ટિએ ૧, અપભ્રંશના ‘અઇ’ ‘અઉ’ એ સ્વરયુગ્મોને સ્થાને અમુક પરિસ્થિતિઓમાં વિવૃત્ત ‘ઍ’ અને ‘ઑ’ આવે છે. જેમકે ‘પઈસઈ’નું પૅસે, ‘ચઉક’નું ચૉક વગેરે. વિવૃત્ત ‘ઍ’ અને ‘ઑ’ ગુજરાતીની એક આગવી લાક્ષણિકતા બની રહે છે. ૨, બીજા અક્ષરમાં ‘આ’ હોય ત્યારે પહેલા અક્ષરના ‘આ’નો ‘અ’ થાય છે. જેમકે, ‘આણાવઇ’નું ‘અણાવે’, ‘આવાસ’નું ‘અવાસ’, ‘આસાઢ’નું ‘અસાડ’ વગેરે. ૩, અનન્ત્ય ‘ઇ’ અને ‘ઉ’નો ‘અ’ થાય છે. જેમકે, ‘લિખઇ’નું ‘લખે’; ‘છુરઉ’નું ‘છરો’ વગેરે. ૪, ‘ઇ’ ‘ઉ’માંથી હ્રસ્વત્વ – દીર્ઘત્વનો ભેદ લુપ્ત થાય છે. ૫, મધ્યવર્તી ‘લ’નો ‘ળ’ થાય છે. જેમકે ‘મિલઇ’નું ‘મળે’. ૬, સ્વીકૃત શબ્દોમાં ‘અ’ના આગમ વડે સંયુક્ત વ્યંજનો વિશ્લિષ્ટ બને છે. જેમકે, ‘ધર્મ’નું ‘ધરમ’, ‘સૂત્ર’નું ‘સૂતર’, ‘તર્ફ’ (ફા.)નું ‘તરફ’ વગેરે. ૭, સ્વીકૃત શબ્દોમાં ‘ય’નો ‘જ’ થાય છે. જેમકે ‘યાત્રા’નું ‘જાતરા’ વગેરે. રૂપવિકાસની દૃષ્ટિએ ૧, કર્મણિનું ‘આ’ પ્રત્યયવાળું નવું રૂપ પ્રચારમાં આવે છે. જેમકે, ‘કરીઈ’ને સ્થાને ‘કરાય’. ૨, વર્તમાનકાળના પહેલો પુરુષ બહુવચનનું ‘ઇએ’વાળું રૂપ ‘કરીએ’ (જૂનું રૂપ ‘કરહું’) જેવાં નવાં આખ્યાતિક રૂપો સિદ્ધ થાય છે. ૩, ‘ઇસિઉં’ ‘રહંઇ’ જેવા કેટલાક પ્રયોગો રાજસ્થાનીમાં સીમિત રહે છે. ગુજરાતીમાં ‘ઇસિઉં’ને સ્થાને’એહવું’ અને’રહઈ’ને સ્થાને’નઈ’ અનુગ પ્રચલિત થાય છે. શબ્દભંડોળની દૃષ્ટિએ ૧, પુરાણો સાથે પ્રસ્થાપિત થયેલા ગાઢ સંપર્કને કારણે સંસ્કૃત તત્સમ શબ્દો અને સમાસરચનાઓ પ્રચુર માત્રામાં નજરે પડે છે. ૨, મુસ્લિમ રાજય-અમલ અને મુસ્લિમપ્રજા સાથેના ગાઢ સંપર્કને કારણે વહીવટ, શસ્ત્રસરંજામ, વેપારવણજ અને રોજિંદા વ્યવહારના અનેક ફારસી-અરબી શબ્દો ભાષામાં ઉમેરાય છે. ઉપર્યુક્ત ભાષાકીય લક્ષણો સત્તરમી સદીના પૂર્વાર્ધ સુધીમાં ભાષાના સ્થિર અંગરૂપ બની જાય છે અને સત્તરમી સદીના ઉત્તરાર્ધથી એટલે કે વિશ્વનાથ જાની ને પ્રેમાનંદના સમયથી ધ્વનિતંત્ર અને રૂપતંત્રની દૃષ્ટિએ તો લગભગ આજની ગુજરાતી ભાષાનું સ્વરૂપ નજરે પડે છે. પછીના સમયમાં અંગ્રેજી ભાષાના સંપર્કને કારણે ગુજરાતી ભાષાના શબ્દભંડોળનો ઘણોબધો વિકાસ થાય છે અને ઘણા નવા રૂઢિપ્રયોગો અને નવી વાક્યરચનાઓ પણ ગુજરાતીમાં પ્રવેશ્યાં છે. નર્મદ-દલપતથી માંડીને આજના કેટલાયે સર્જકો-વિચારકોને હાથે ગુજરાતી ભાષાની અનેક નિગૂઢ શક્તિઓ પ્રગટ થઈ છે ને આધુનિક સમયનો જ્ઞાનવિસ્ફોટ ગુજરાતી ભાષાને અનેક રીતે સમૃદ્ધ કરતો રહ્યો છે. આ રીતે અંગ્રેજી ભાષાના સંપર્ક પછી ગુજરાતી ભાષાએ એક મહત્ત્વનું સ્થિત્યંતર અનુભવ્યું છે એમ કહેવાય. આમ છતાં ઉચ્ચારણ કે વ્યાકરણ જેવા ઘટકોમાં કોઈ મોટું કે પાયાનું પરિવર્તન થયું નથી – પ્રેમાનંદ વાંચીએ ત્યારે આપણને ખાસ કંઈ અપરિચિત લાગતું નથી એ એનો પુરાવો છે – તેથી પ્રેમાનંદકાળથી આજ સુધીની ભાષાને એક ભૂમિકાની, ત્રીજી કે અર્વાચીન ભૂમિકાની ગણવામાં આવે છે. અંગ્રેજી–સંપર્ક પછીના ભાષાવિકાસને એના પેટાતબક્કામાં અવશ્ય મૂકી શકાય. આ ત્રીજી ભૂમિકાનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણો આ પ્રમાણે છે: ધ્વનિવિકાસની દૃષ્ટિએ ૧, સૌથી ધ્યાન ખેંચતું લક્ષણ તે અંત્ય તથા અમુક પરિસ્થિતિઓમાં મધ્યવર્તી ‘અ’નો લોપ છે. જેમકે, ‘રમત’નું ‘રમત્’, ‘બોલતો’નું ‘બોલ્તો’, ‘અમદાવાદ’નું ‘અમ્દાવાદ્’, ‘અંગરખું’નું ‘અંગર્ખું’, ‘કરવત’નું ‘કર્વત્’ વગેરે. ૨, ‘હ’ ‘હિ’ કે ‘હુ’નો ‘હૅ’ કે ‘હૉ’ થાય છે. જેમકે ‘લહર’નું ‘લહૅર’, ‘શહર’(ફા.)નું ‘શહૅર’, ‘પહર’નું ‘પહૉર’, ‘બહિનિ’નું ‘બહૅન’, ‘બહુલઉં’નું ‘બહૉળું’ વગેરે. રૂપવિકાસની દૃષ્ટિએ ૧, બહુવચનનો ‘ઓ’ પ્રત્યય પ્રચારમાં આવે છે. ૨, ‘વિધ્યર્થ+માં+આવ્’વાળી કર્મણિ રચના થવા લાગે છે. જેમકે ‘કરાય’ને સ્થાને ‘કરવામાં આવે.’ ૩, અવતરણવાચક સંયોજક ‘કે’ વપરાતો થાય છે. જેમકે ‘એણે કહ્યું કે ગાડી ઊપડી ગઈ છે.’ શબ્દભંડોળની દૃષ્ટિએ ૧, ગુજરાતમાં પોર્ચુગીઝો અને ફ્રેન્ચોએ ઘણા વહેલા સમયથી થાણાં નાખ્યાં હતાં. તેમાં ગુજરાતમાં દીવ અને દમણમાં પોર્ચુગીઝ સત્તા વીસમી સદી સુધી રહી. તેથી એમની ભાષામાંથી ઘણા શબ્દો ધીમેધીમે ગુજરાતી ભાષામાં પ્રચારમાં આવતા ગયા. જેમકે કૉફી, તમાકુ, બટાટા, પગાર, પિસ્તોલ, ચાવી, ફાલતુ, લિલામ વગેરે. ૨, પણ ગુજરાતી પ્રજાનો વધારે વ્યાપક, દીર્ઘજીવી અને ઊંડો સંબંધ તો અંગ્રેજ પ્રજા સાથે બંધાયો તેથી અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીને અનેક શબ્દો લેવાના થયા. અંગ્રેજી વિશ્વજ્ઞાનનું માધ્યમ બની રહ્યું તેથી અંગ્રેજી રાજ્ય ગયા પછી પણ અંગ્રેજી ભાષામાંથી શબ્દોનું ભરણું ચાલુ રહ્યું. આજે યે જ્ઞાનવિજ્ઞાનની નવીનવી શાખાઓ વિકસે છે તેના શબ્દો અંગ્રેજીમાંથી ગુજરાતી ઝીલતી રહે છે. ૩, પંડિતયુગમાં સંસ્કૃત વિદ્યાના પુનરુત્થાનને કારણે સંસ્કૃત તત્સમ શબ્દોના વપરાશને વેગ મળ્યો. કવિતામાં સંસ્કૃત શબ્દોનું વિશિષ્ટ સ્થાન ઊભું થયું. ને વૈજ્ઞાનિક પરિભાષા તો આજેયે સંસ્કૃતની સહાયથી ઘડાય છે. ૪, ગાંધીયુગમાં તળપદી ભાષાને મહત્ત્વ મળ્યું ને હવે તો અનેક સર્જકો ભિન્નભિન્ન બોલીઓનો સર્જનાત્મક વિનિયોગ કરી રહ્યા છે ને એમ ગુજરાતી સાહિત્યભાષા સમૃદ્ધ થઈ રહી છે. જ.કો.