ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શૃંગારપ્રકાશ
શૃંગારપ્રકાશ : ભોજરાજચિત સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો મહત્ત્વપૂર્ણ ગ્રન્થ. એના ૩૬ પ્રકાશોમાં નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રની રસસિદ્ધાન્ત, શબ્દ, અર્થ, પદ, વાક્ય, અભિધા, વિવક્ષા, તાત્પર્ય, દોષ, ગુણ, શબ્દાલંકાર, અર્થાલંકાર, ઉભયાલંકાર, નાટકનાં વિભિન્ન પાસાં તેમજ હર્ષાદિ ભાવો જેવા વિષયાંગોમાં વિશદ અને તલસ્પર્શી વિચારણા થઈ છે. ગ્રન્થમાં પ્રતિપાદિત મત અનુસાર ‘અભિમાન અને અહંકારના પ્રતીકરૂપ શૃંગાર જ એકમાત્ર રસ છે. જે સ્થાન વાણીમાં તાત્પર્યનું, કાવ્યમાં ધ્વનિનું, પ્રિયજનના ગુણરાશિમાં સૌભાગ્યનું, સુન્દરીના દેહમાં લાવણ્યનું છે એ જ સ્થાન અભિમાનયુક્ત વ્યક્તિના હૃદયે શૃંગાર રસનું છે.’ ધારા રાજવી ભોજ (૧૧૦૫-૧૧૪૫) કલાનિપુણ વિદ્વાન હતા. એમણે અલંકાર, કોશ, જ્યોતિષ, ધર્મદર્શન, યોગ, રાજનીતિ, વાસ્તુવિદ્યા, વૈદક વગેરે વિષયો પર ‘સરસ્વતી- કંઠાભરણ’, ‘શબ્દાનુશાસન’, ‘રાજમૃગાંક’, ‘રાજમાર્તંડયોગ- સૂત્રવૃત્તિ’, ‘સિદ્ધાન્તસારપદ્ધતિ’, ‘ચાણક્ય રાજનીતિશાસ્ત્ર’, ‘સમરાંગણસૂત્રધાર’, ‘આયુર્વેદસર્વસ્વ’ તથા ‘સુભાષિતપ્રબંધ’ જેવા નાના-મોટા ૮૪ ગ્રન્થો રચ્યા છે. ર.ર.દ.