ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ

એઓ જાતે લેઉઆ પાટીદાર, પેટલાદ તાલુકામાં આવેલા સોજીત્રાના વતની છે. એમનો જન્મ સન ૧૮૭૪માં આણંદ પાસે નાર ગામમાં થયો હતો. એમના માતાનું નામ હરખાબા છે. એમણે કૉલેજના પ્રિવિયસ કલાસ સુધી અભ્યાસ કરેલો છે; પણ તે પરીક્ષા આપેલી નહિ. એમના પ્રિય વિષયો, સમાજશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર અને પૂરાતત્ત્વ છે; અને વિશેષમાં બંગાળી અને જર્મન ભાષાઓનો બારીક અભ્યાસ કરેલો છે.

સન ૧૯૦૧થી લેખનકાર્ય આરંભેલું. એમનું પ્રથમ પુસ્તક ‘સામાજિક પ્રોત્સાહન’ નામે છે, જે એક ઇંગ્રેજી ચોપાનિયાનો અનુવાદ છે. પછીથી ‘લતાકુમારી’, ‘પદ્માલયા’, ‘મહારાષ્ટ્ર જીવન સંધ્યા’, ‘રાજપુત જીવન પ્રભાત’, ‘ગેરિબલ્ડી’ વગેરે ગ્રંથો બંગાળીના આધારે રચેલાં પણ એમની ખ્યાતિ છેલ્લા પુસ્તક ‘ગેરિબલ્ડી’થી વિશેષ થઈ હતી. તે પછી ઇંગ્રેજીના આધારે અમેરિકન પ્રેસિડન્ટ મહાવીર ગાર્ફિલ્ડનું જીવનચરિત્ર અને ‘ઈશ્વરે આ વિશ્વ રચ્યું’, એ બે પુસ્તકો બહાર પાડ્યાં હતાં. પણ તે અરસામાં સરકારની એમના પર અવકૃપા થવાથી એમને પરદેશ વેઠવો પડેલો. તે વર્ષો એમણે જર્મન ઈસ્ટ આફ્રિકામાં ગાળેલાં; અને તે સમયે લખાયેલાં એમના પત્રો, જેમ તે પ્રદેશની મહત્વની જાણવા યોગ્ય માહિતી આપે છે, તેમ માતૃભૂમિ માટે એમનું અંતર કેટલું બધું સીઝતું હતું તેની સરસ છાપ પાડે છે. તે પછી હિન્દમાં આવી તેઓ થોડોક સમય કવિવર ટાગોરના શાન્તિનિકેતન આશ્રમમાં જઈ રહ્યા હતાઃ અને ત્યાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું હતું. ત્યારબાદ તેઓ પોતાના વતન નજદિક આવી વસ્યા છે. આણંદમાં પાટીદાર આશ્રમ કાઢી અને ‘પાટીદાર’ માસિક ચલાવી, કોમના ઉત્કર્ષ અર્થે તેઓ અત્યારે ભારે સેવા કરી રહ્યા છે.

વયે પહોંચ્યા છતાં એક યુવકને જેબ આપે એવો તેઓ જુસ્સો ધરાવે છે. એમના વિચાર અને આદર્શ પણ એટલા જ ક્રાંતિભર્યાં છે.

સમાજસેવા અને કોમસેવાના કાર્ય સાથે સાથે એમને સાહિત્ય વ્યવસાય પણ ચાલુ છે. થોડાંક વર્ષો પર ‘તરંગવતી’ નામે એક પ્રાચીન જૈન વાર્તા ગ્રંથનો એમણે અનુવાદ પ્રકટ કર્યો હતો. કવિવર ટાગોરના ‘નૈવેદ્ય’ની પ્રસાદી આપણને તાજી જ મળેલી છે અને તે આગમચ કવિ શિલરનું સુપ્રસિદ્ધ નાટક ‘દેશભક્ત વિલ્હમ ટેલ’નું જર્મનમાંથી ભાષાંતર કરી, એક લંબાણ ઐતિહાસિક ઊપોદ્ઘાત તેમ જૂદા જૂદા આવશ્યક ટીપ્પણો સાથે છપાવ્યું હતું, તે એક કિમતી નાટક છે; અને દરેક સ્વદેશભક્તને અવશ્ય વાંચવા લાયક છે.

ટુંકાણમાં તેઓ એક સમાજસેવકનું જીવન જીવી રહ્યા છે અને પોતાનો બધો સમય અને શક્તિ, સાહિત્યના, દેશના અને કોમના અભ્યુદય અને ઉન્નતિ માટે વાપરે છે.

એમના ગ્રંથોની યાદીઃ

સામાજિક પ્રોત્સાહન [અંગ્રેજીમાંથી અનુવાદ] સન ૧૯૦૧
લત્તાકુમારી [બંગાળીને આધારે] ”  ૧૯૦૩
પદ્માલયા [બંગાળીમાંથી અનુવાદ] ”  ૧૯૦૪
ગેરીબલ્ડી [બંગાળી–ઇંગ્રેજીને આધારે] ”  ૧૯૦૫
મહારાષ્ટ્ર જીવનસંધ્યા [બંગાળીનો અનુવાદ] ”  ૧૯૦૮
રાજપુત જીવન પ્રભાત [બંગાળીનો અનુવાદ] ”  ૧૯૦૮
મહાવીર ગાર્ફિલ્ડ [અંગ્રેજીને આધારે] ”  ૧૯૦૯
‘ક્યા ઈશ્વરે આ વિશ્વ રચ્યું’ ? ”  ૧૯૧૦
તરંગવતી [મૂળ પ્રાકૃતમાંથી જર્મનનો અનુવાદ] ”  ૧૯૨૩
નૈવેદ્ય [બંગાળીનો અનુવાદ સન ૧૯૨૯] ”  ૧૯૨૩
પાપીનો પસ્તાવો [ઇંગ્રેજીનો અનુવાદ] ”  ૧૯૨૨
બુદ્ધ અને મહાવીર [જર્મનનો અનુવાદ] ”  ૧૯૨૪
વિલ્હેલ્મ ટેલ [જર્મનનો અનુવાદ] ”  ૧૯૨૭
ઇટાલીનો મુક્તિયજ્ઞ ”  ૧૯૨૯