ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧લું/બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

એઓ વીશા બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના, ભરૂચના વતની છે. એમના પિતા કલ્યાણરાય ચતુર્ભુજદાસની અટક સેહેની હતી, તે પરથી એમ સમજાય છે કે એમણે શરૂઆતમાં પોતાના લેખો, કાવ્યો “સેહેની” એ ઉપનામથી લખવા માંડેલાં. એમનો જન્મ ભરૂચમાં આશો વદ ૩–૪ વિ. સં. ૧૯૨૫–૨૩મી ઓકટોબર ૧૮૬૯ ને શનિવારે થયો હતો. એમના માતાનું નામ જમનાબ્હેન, જેઓ વકીલ ગણપતરામ ગોવિંદરામ ઠાકોરના મોટા પુત્રી થાય. પ્રાથમિક શિક્ષણ ભરૂચમાં અને રાજકોટમાં એમના પિતાની ત્યાં નોકરી હોઈ, લીધેલું. રાજકોટમાં એમની માતા પાસેથી કથાવાર્તા સાંભળવાનો તેમને કેવો અજબ રંગ લાગેલો તેનો કંઇક પરિચય આપણને કાઠિયાવાડની લોકવાર્તાઓ ભા. ૧માં એમણે લખેલા ઊપોદ્ઘાતમાં તેઓ કરાવે છે. માધ્યમિક શિક્ષણ ઘણુંખરું રાજકોટમાં લીધેલું અને ઉંચી–કોલેજ–કેળવણી તેમણે સામળદાસ, એલ્ફિન્સ્ટન અને ડેકકન કૉલેજમાં લીધેલી. તેમના સહાધ્યાયીઓમાં હાઇસ્કૂલમાં સર પ્રભાશંકર પટ્ટણી, કોલેજમાં સર રમણભાઈ, મણિશંકર રત્નજી ભટ્ટ, કાશીરામ દવે, સર મનુભાઈ નંદશંકર, કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, પ્રોફેસર ગંભીર, માનશંકર પીતાંબરદાસ, વગેરે હતા. યુનિવરસિટીની મેટ્રિક્યુલેશનની પરીક્ષા એમણે સન ૧૮૮૩માં પાસ કરેલી અને બી. એ.ની પરીક્ષા બીજા વર્ગમાં, લોજીક અને ફીલસુફી, ઐચ્છિક વિષયો લઇને સન ૧૮૮૯માં માનભરી રીતે પસાર કરી હતી. ઇંગ્રેજીમાં ફર્સ્ટ કલાસ માર્કસ સાથે પ્હેલો નંબર આવવાથી એમને યુનિવર્સિટી તરફથી એલિસ સ્કોલરશિપ મળી હતી. સન ૧૮૯૨માં તેઓ ડેક્કન કોલેજમાં દક્ષિણા ફેલો નીમાયા હતા અને બીજે વર્ષે તેમને રેસિડેન્સીના સુપ્રિન્ટેન્ડન્ટનું કામ સોંપવામાં આવ્યું હતું. એજ સમયમાં યુનિવર્સિટી ઇનામી નિબંધ માટે હરીફાઇ કરી તેમણે માણેકજી લીમજી સોનાનો ચાંદ મેળવ્યો હતો. તે પછી સન ૧૮૯૫ના બીજા ટર્મમાં તેમને દયારામ જેઠમલ સિંધ કૉલેજ કરાંચીમાં ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રોફેસરની એકિટંગ જગો મળી હતી અને સન ૧૯૦૬માં એક ટર્મ માટે વડોદરા કૉલેજમાં અંગ્રેજી અને ફિલસુફીના પ્રોફેસર તરીકે કામ કર્યું હતું; અને સંજોગવશાત્ પાછા તા. ૧–૯–૧૯૨૭થી તા. ૧૫–૨–૧૯૨૯ સુધી એજ સ્થાને, સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ ઇતિહાસ અને અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે ફરી કામ કરવાનો સુયોગ પ્રાપ્ત થયો હતો.

તા. ૧૩મી ઑકટોબર ૧૮૯૬થી તેઓ સરકારી નોકરીમાં જોડાયા ત્યારથી તે સન ૧૯૦૪ સુધી ગવર્મેન્ટ કૉલેજ અજમેરમાં હતા; અને ફક્ત વચ્ચે બે વર્ષ પૂણા ડેકકન કૉલેજમાં એકિટંગ પ્રોફેસર મેળે ગાળેલા. સન ૧૯૦૪માં એમની નોકરી રાજકુમાર કૉલેજ કાઠિયાવાડમાં ઉછીની અપાઈ હતી, જ્યાં તેઓ સન ૧૯૧૩ સુધી રહ્યા હતા; અને તે વર્ષના છેલ્લા આઠ માસ કાઠિયાવાડ એજન્સીના એજ્યુકેશન ઑફીસર તરીકે કામ કર્યું હતું. સન ૧૯૧૪માં સરકારી નોકરીમાં પાછા ફરતાં, તેમની નિમણુંક પૂણામાં ડેક્કન કૉલેજમાં થઈ હતી, જ્યાંથી તેઓ સન ૧૯૨૪માં રીટાયર થયા. શરૂઆતમાં એમની નોકરી પ્રોવિન્સિયલ સર્વિસમાં હતી પણ પાછળથી સન ૧૯૧૭–૧૮માં હિન્દીઓને એજ્યુકેશનલ સર્વિસમાં જગાઓ આપવા માંડી ત્યારથી એમની નિમણુંક એ ગ્રેડમાં–આઈ. ઈ. એસ.માં થઈ હતી.

નોકરીના કામ સાથે બીજા વ્યવસાયમાં તેઓ રસ લેતા; પણ ઘણી ખરી પ્રવૃત્તિ અને સમય અભ્યાસ અને સાહિત્ય લેખનમાંજ વ્યતીત થતો. અજમેરમાં હતા ત્યારે ત્રણ વર્ષ માટે તેઓ મ્યુનિસિપાલેટીના સભાસદ નિમાયા હતાઃ અને રાજકોટમાં દુકાળ નિવારણ કમિટીમાં કેટલુંક જવાબદારીવાળું કાર્ય ઉપાડી લીધું હતું. યુનિવર્સિટી સેનેટમાં સરકાર નિયુક્ત ફેલો લગભગ દશ કે વધુ વર્ષ માટે હતા, તે દરમિયાન ઇતિહાસના અભ્યાસ મંડળમાં, ગુજરાતીના અભ્યાસ મંડળમાં, (Board of studies) તેમની ઇન્સ્પેકશન કમિટીમાં તેમને ઘણું કામ કરવાનું આવતું; અને હિસ્ટોરિકલ રેકર્ડઝ કમિશનના આરંભથી સરકારે તેમને નિમ્યા તેમાં છ વર્ષ તેમણે એકસરખો ભાગ લીધો હતો. મુંબઈ સરકારે શિવાજીના સમયના ઐતિહાસિક સાધનોનું એક અંગ્રેજી વાલ્યુમ બ્હાર પાડ્યું છે, તે હિસ્ટોરિકલ રેકડર્સ કમિશન મારફત એમણે ચલાવેલી ચળવળનું એક સીધું પરિણામ હતું. ઉપર કહ્યું તેમ સાહિત્યસેવા એજ એમનો પ્રિય અને અભ્યાસનો વિષય હતો.

રાજકોટમાં ત્રીજી સાહિત્ય પરિષદ એમના પ્રયાસ અને શ્રમથી મળેલી અને યશસ્વી નિવડેલી. ત્યાં પરિષદ ભંડોળ ફંડનો આરંભ કરી આપેલે અને તે મંડળનો વહિવટ એમણે મંત્રી તરીકે સન ૧૯૨૬ સુધી, મુંબાઇ પરિષદમાં પરિષદ મંડળ નિમાતાં સુધી કર્યો હતો. વળી એ ૧૯૦૯ની પરિષદનું કાર્ય સફળ અને લોકપ્રિય થાય એ હેતુથી એમણે ગુજરાતમાં જૂદા જૂદા શહેરોની મુલાકાત લીધેલી અને ત્યાં જૂદા જૂદા વિષય પર વ્યાખ્યાનો આપેલાં, જે તેજ વર્ષે પુસ્તકરૂપે, પરિષદ વ્યાખ્યાનમાળા એ નામથી પ્રકટ થયલાં અને તેજ વર્ષના અંત પ્હેલાં ખપી ગયાં હતાં. એ પ્રવૃત્તિને આગળ જારી રાખી, એ વિષયપર પ્રસંગોપાત ચર્ચાપત્રો, લેખો વગેરે લખવા જરૂર પડેલી, તેના સંગ્રહ “પરિષદ પ્રવૃત્તિ” ભા. ૨ અને ૩ એવા નામથી છપાવવામાં આવ્યા છે.

એમનું પ્રથમ પુસ્તક સન ૧૯૦૫માં બહાર પડ્યું હતું અને તે અભિજ્ઞાન શકુન્તલાનો અનુવાદ છે. એ નાટકનો એમણે કેટલો બધો ઝીણો અને માર્મિક અભ્યાસ કરેલો છે, એ સમજવા સારૂ, એમણે પહેલી ઓરિયંટલ કોન્ફરન્સ પૂણામાં મળી હતી, તેમાં એ નાટકમાંના સંદિગ્ધ પાઠોની વિસ્તૃત ચર્ચાનો જે નિબંધ ઇંગ્રેજીમાં લખ્યો હતો, તે વાંચી જવાની વાચકને ભલામણ કરીશું. એજ વર્ષમાં પ્લુટાર્કના જીવનચરિત્રોનું પુસ્તક ભા. ૧ એમના મિત્ર સ્વ. હરિલાલ માધવજી ભટ્ટ સાથે લખીને બહાર પાડ્યું હતું. આવું કિંમતી પુસ્તક અપૂર્ણ રહે, એ ખરેખર ખેદજનક છે. સન ૧૯૧૬માં તેમના કાવ્યોનો સંગ્રહ ‘ભણકાર’ એ નામથી પ્રસિદ્ધ થયો; અને તેમાંનો ઊપોદ્ઘાત છંદશાસ્ત્રના અભ્યાસીને અવશ્ય મનનીય માલુમ પડશે. ગયે વર્ષે તે પછી લખાએલી કવિતાનો સંગ્રહ, ‘ભણકાર’ની પૂરવણીરૂપે બહાર પડ્યો છે અને એ કાવ્ય સંગ્રહ, સામાન્ય વાચકને કંઈક કઠિન જણાશે પણ એક વાર તે સમજાયા પછી, તેનો આસ્વાદ લેવામાં કંઇ જૂદી જ મિઠાશ અનુભવવામાં આવશે.

સન ૧૯૨૩માં “ઉગતી જુવાની” એ નામનું નાટક અને સન ૧૯૨૪માં ‘દર્શનિયું’ એ નામનું એમની નવલિકાઓનું પુસ્તક, એ બે બહાર પડ્યાં હતાં. એમના પ્રકીર્ણ લેખો, નિબંધો વગેરે જે બહુ મોટી સંખ્યામાં છે, તે એમણે ફરી પુસ્તકરૂપે છપાવવાનું કાર્ય હમણાં હાથ ધરેલું છે; અને તેમાંથી યુનાઇટેડ સ્ટેટ્સ, લિરિક, કવિતા શિક્ષણ, ઇતિહાસ દિગ્દર્શન, દી. બા. અંબાલાલભાઈ વગેરે પુસ્તકો પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે.

સન ૧૮૯૮માં સ્વ. મણિશંકર રત્નજી ભટ્ટે અબ્રાહમ લિંકનનું ચરિત્ર ગુ. વ. સોસાઇટીને લખી આપલું, તેનો ઊપોદ્ઘાત એમણે લખી આપેલો, તેજ ઉપર ગણાવેલી ચોપડીઓમાં “યુનાઇટેડ સ્ટેટસ્” ને નામે છૂટો છપાવેલો છે. કાઠિયાવાડની જૂની વાર્તાઓ ભા. ૧ હરગોવિંદ પ્રેમજીએ બહાર પાડ્યો, તે માટે તેમણે એક વિસ્તૃત ઊપોદ્ઘાત લખેલો; એજ ધોરણે ગોવર્ધનરામના સાક્ષરજીવન અને દી. બા. અંબાલાલભાઇના લેખોના સંગ્રહમાં વિસ્તૃત પ્રસ્તાવનાઓ લખી આપેલી છે, જે તે લેખક અને તેનું લખાણ સમજવા માટે કિંમતી છે. સાતમી સાહિત્ય પરિષદમાં રજુ કરેલો “કવિતા શિક્ષણ” વિષેનો નિબંધ તેમ લિરિક વિષે ‘કૌમુદી’માં ઉપાડેલી ચર્ચા એ વિષયમાં રસ લેનારે અવશ્ય વાંચવા વિચારવા જેવા છે.

દક્ષિણા ફેલો હતા ત્યારે પહેલા માધવરાવ પેશ્વા વિષે નિબંધ લખેલો (માણેકજી લીમજી ગોલ્ડ મેડલ નિબંધ) તે અદ્યાપિ મૂલ્યવાન અને મૌલિક જણાશે. હિન્દી રાજ્યબંધારણ અને વહિવટ વિષેનું એમનું પુસ્તક, જેની બે આવૃત્તિઓ થઈ છે, તે એ વિષયપર એક પ્રમાણભૂત ગ્રંથ લેખાય છે અને જૂદી જૂદી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ તેનો એક પાઠ્યપુસ્તક તરીકે ઉપયોગ કરે છે, એ પરથી તે ગ્રંથની મહત્તા લક્ષમાં આવશે.

ગુજરાતી સાહિત્યમાં પ્રો. બળવંતરાયનું સ્થાન પ્રથમ પંકિતના વિદ્વાનોમાં છે. સન ૧૯૨૦માં તેઓ અમદાવાદમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ચુંટાયા હતા.

એમના ગ્રંથોની યાદીઃ

અભિજ્ઞાન શકુંતલા નાટક સમશ્લોકી અનુવાદ ૧૯૦૬
પ્લૂટાર્કનાં જીવન ચરિત્રો ૧૯૦૬
ભણકાર (કવિતા) ૧૯૧૭
   “ બીજીધારા ૧૯૨૯
દર્શનિયું (નવલિકાઓ) ૧૯૨૪
ઉગતી જુવાની (નાટક) ૧૯૨૩
લગ્નમાં બ્રહ્મચર્ય (નાટિકા) ૧૯૨૮
યુનાઇટેડ સ્ટેટસ (ઇતિહાસ) ૧૯૨૮
ઇતિહાસ દિગ્દર્શન ૧૯૨૮
(ગુજરાતી સાહિત્ય પરિષદમાં વિભાગ પ્રમુખ લેખે વ્યાખ્યાન)
અંબાલાલભાઈ (જીવનચરિત) ૧૯૨૮
લિરિક (સાહિત્ય વિષયક) ૧૯૨૮
કવિતા શિક્ષણ [ “ ] ૧૯૨૪
પરિષદ પ્રવૃત્તિ વિભાગ ૨ જો (પરિષદ વિષયક) ૧૯૨૮
    “ “ વિભાગ ૩ જો [ “ “ ] ૧૯૨૯
An Account of the First Madhav Rao Peshwa 1895
Text of the Shakuntala. 1920
Indian Administration to the Dawn of 1°, 1921
Responsible Government 2°, 1927