ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ

સ્વ. ઇચ્છારામનો જન્મ ઈ.સ. ૧૮૫૩ના ઑગસ્ટની ૧૦મી[1] તારીખે (વિ. સં. ૧૯૦૯ ના શ્રાવણ સુદ ૬ ને બુધવાર) તેમના વતન સુરતમાં થયો હતો. જ્ઞાતિએ તેઓ સૂરતી તળપદા દશા શ્રીમાળી વૈષ્ણવ વણિક હતા. તેમના પિતાનું નામ સૂર્યરામ (સૂરજરામ) દલરામ દેસાઈ અને માતાનું નામ પ્રાણકુંવર હતું. તેમના એક પૂર્વજ નારણદાસ તાપીદાસે અકબર પાદશાહની ખેરખાહી બજાવેલી અને રાજા ટોડરમલને જમાબંદીના કામમાં મદદ કરેલી તેથી ઉત્તર વયમાં જ્યારે નારણદાસ પોતાના વતન સુરત પાછા ફર્યા ત્યારે અકબરશાહે તેમને સુરત અને ભરૂચ જિલ્લાનાં મુખ્ય અગરસ્થાનો –પારચોળી, મરોલી, ગણદેવી, ઓરપાડ હાંસોટ, ચોરાશી અને મહાબળેશ્વર-એ ગામોના મીઠાના અગર પર વેરો ઉઘરાવવાનો વંશપરંપરાનો હક આપ્યો હતો.[2] આથી તેમની અટક ‘નિમકસારી’ પણ કહેવાતી. આ હક વંશપરંપરાગત આજે પણ તેમને વંશજો ભોગવે છે. ને એ વતનગીરીમાંથી આજે પણ આશરે રૂ. ૪૪૬ની વાર્ષિક આવક મેળવે છે.

આમ વંશપરંપરાનો તેમનો વ્યવસાય સુરત-ભરૂચ જિલ્લાના સમુદ્રકિનારે મીઠાના અગર રાખીને મીઠું પકવવાનો-દેસાઈગીરીનો હતો; પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ તે ધંધો લઈ લેતાં દેસાઈ કુટુંબના માણસો જુદા જુદા ધંધામાં પડ્યા.

સ્વ. ઈચ્છારામના પિતા સૂર્યરામને તેમનાં ફોઈ-ફુવાએ દત્તક લીધેલા. પણ તેમના ફૂવાનું નામેય દયારામ હોવાથી તેમને પિતાનું નામ ફેરવવું પડ્યું નહોતું. અંગ્રેજોનું રાજ્ય સ્થપાયા બાદ સુરતના વેપાર-ઉદ્યોગ ભાંગી પડતાં સૂરજરામને જીવનનિર્વાહ અર્થે અંગ્રેજ સરકારના લશ્કરમાં રૂ. ૭ ના માસિક પગારે સિપાઈની નોકરી સ્વીકારવી પડી હતી. સાધારણ સિપાઈગીરીમાંથી તેઓ રિસાલદાર હોદ્દા સુધી પહોંચ્યા હતા. નોકરી દરમિયાન ઘણી લડાઈઓમાં તેમણે ભાગ લીધેલો. પહેલી અફઘાન લડાઈમાં અહમદશા દુરાની સામે લડવા સારુ તેઓ કાબૂલ સુધી ગયા હતા. તેમના શરીર પર ૧૫-૧૬ ઘા પડ્યા હતા. તેઓ સારા નિશાનબાજ હતા. લશ્કરી નોકરીમાંથી નિવૃત્ત થયા ત્યારે રૂ. ૪૬ નું માસિક પેન્શન તેમને બંધાયું હતું. તેઓ શરીરે ઊંચા, પાતળા અને મજબૂત સ્નાયુઓવાળા હતા તેઓ ફારસી-ઉર્દૂ સારી પેઠે જાણતા; અંગ્રેજી સારું બોલી શકતા પણ લખી જાણતા નહિ. તેમનું પ્રથમ લગ્ન ૩૧ વર્ષની ઉંમરે અને વિધુર થતાં બીજું લગ્ન ૫૧ વર્ષની ઉમરે થયેલું. ગરીબાઈને લીધે પલ્લું પાછું ન આપી શકાવાને લીધે તેમના સસરાએ પોતાની બીજી ૧૧ વર્ષની પુત્રી પ્રાણકુંવરને સૂર્યરામની વેરે પરણાવી! પ્રથમ વારનાં પત્નીથી સૂરજરામને એક પુત્ર નામે મંછારામ અને બે પુત્રીઓ, તથા બીજી વારનાં પત્નીથી ઈચ્છારામ, આત્મારામ અને મગનલાલ એમ ત્રણ પુત્રો થયા હતા. તેમાં સૌથી મોટા ઇચ્છારામ.

ઇચ્છારામ નવ વરસ સુધીમાં સુરતના તુળજારામ અને ત્રિપુરાશંકરની ગામઠી શાળાઓમાં ભણીને અંગ્રેજી નિશાળ-મિશન હાઈસ્કૂલમાં દાખલ થયા. આ સમયે તેમનું લગ્ન મહીધરપુરાના મપારા મોતીરામ લલ્લુભાઈની દીકરી નાની ઉર્ફે દીવાળી (ઉ. વ: ૧૧)ની સાથે થયું. તે વખતે મિશન હાઈસ્કૂલના હેડમાસ્તર સ્વ. લલ્લુભાઈ કરસનદાસ હોવા છતાં ઇચ્છારામનું મન યોગ્ય દેખરેખના અભાવથી અભ્યાસમાં ચોંટ્યું નહિ, યુક્લીડનો એમને કંટાળો આવતો; એ સમય દરમિયાન શાળામાંથી નાસી જઈને તેઓ તાપી કિનારે રખડતા કે લાલ દરવાજે અથવા બાલાજીના મંદિરમાં જઈને કથાવાર્તા સાંભળતા, જેના સંસ્કાર તેમના સમગ્ર જીવન ઉપર તેમ જ તેમના ‘ચંદ્રકાંત’ જેવા પુસ્તક ઉપર પડેલા જણાય છે.[3]

અંગ્રેજી છ ધોરણ પૂરાં કરીને ઈ.સ. ૧૮૭૨-૭૩માં તેઓ કૅન્ડિડેટ વર્ગમાં આવ્યા; પણ નરમ તબિયતને કારણે અભ્યાસ પૂરો નહિ થઈ શકવાથી તેમને શાળા છોડવી પડી. એ જ અરસામાં પિતા મૃત્યુ પામતાં કુટુંબનિર્વાહની જવાબદારી તેમને માથે આવી. એટલે ઈ.સ. ૧૮૭૫માં સરકારી ખાતાની પરીક્ષા પાસ કરીને તેઓ ડિસ્ટ્રિકટ પ્લીડરની પરીક્ષામાં બેઠા પણ તેમાં નાપાસ થયા. ઈચ્છારામને શાળામાંના પરીક્ષાલક્ષી વિદ્યાભ્યાસમાં પૂરતી સફળતા મળી નહિ, પણ તેથી તેમને શાળાજીવનમાંથી જ લાગેલી વાંચવા લખવાની ભૂખ કાંઈ ઘટી ન હતી. હસ્તલિખિત ગ્રંથો વાંચવાનો શોખ તેમણે નાનપણથી કેળવ્યો હોવાથી માત્ર સત્તર વર્ષની વયે પ્રેમાનંદ, વલ્લભ અને સુંદર મેવાડાકૃત પદબંધ ભાગવત છાપવાનાં હસ્તપત્રો કઢાવીને તેમણે જાહેરમાં વહેંચ્યાં હતાં. તેમની ઓગણીસ કે એકવીસની ઉમરે તેમણે તેમના બાળસખા માણેકલાલ જમનાદાસ મલ્હારજી સાથે મળીને પુરુષોત્તમ માસની કથા વ્યાસજી પાસેથી સાંભળીને છપાવી હતી. આ પુસ્તક તેમનું પહેલું સંપાદન. તેમની આ પહેલી કૃતિમાં ભાવિ લેખક, સંશોધક, સંપાદક ઇચ્છારામની વિશાળ સાહિત્યપ્રવૃત્તિનાં બીજ પડેલાં જણાશે.

તેમને પુસ્તકો વાંચવાનો ઘણો જ શોખ હતો પણ તેમની સામે ગુજરાનનો પ્રશ્ન પણ ઘૂરકી રહ્યો હતો. માતાએ ઇચ્છારામને વાંચવા પાછળ બધો જ સમય વ્યતીત કરવા બદલ ઠપકો આપ્યો ને કૈંક ઉદ્યોગ શોધી કાઢવા શિખામણ આપી. આથી તેમણે ‘દેશીમિત્ર’ છાપખાનામાં જવા માંડ્યું; ત્યાં વાંચવા લખવા સાથે અક્ષરો ગોઠવવાનું કામ તેમણે હાથ પર લીધું ‘દેશીમિત્ર’ના અધિપતિ મંછારામ ઘેલાભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના હોવાથી તેમના સંસર્ગે જુવાન ઇચ્છારામ પર એ ધર્મના સંસ્કારની એવી દૃઢ છાપ પાડી કે તે સત્સંગની સાંભળેલી કથાનો તેમણે પાછળથી ‘ચંદ્રકાંત’માં ઉપયોગ કરેલો. વળી એ અસર તળે જ તેમણે ‘બ્રહ્માનંદ કાવ્ય’ તથા ‘પ્રેમાનંદ કાવ્ય’ પણ પ્રગટ કરાવ્યાં હતાં. ઈ.સ. ૧૮૭૬માં ઇચ્છારામ નોકરી શોધવા મુંબઈ ગયા ત્યાં તેમણે ‘આર્યમિત્ર’ નામનું સાપ્તાહિક પત્ર તેના માલિકની નાદુરસ્ત તબિયતને લીધે ચારેક મહિના ચલાવ્યું. પછી એક અંગ્રેજ વેપારીને ત્યાં ગોડાઉનકીપર તરીકે તેઓ રહ્યા, પણ ત્યાં એક લુચ્ચા વેપારીએ રૂના કાપડની ગાંસડી કાઢી લઈ ઈચ્છારામને દોષિત ઠરાવવા પ્રયાસ કર્યો, પણ તપાસ ચાલતાં ઈચ્છારામ નિર્દોષ કર્યા. ત્યાં સાત મહિના નોકરી કર્યા બાદ ‘મુંબઈ સમાચાર’માં શેઠ માણેકજીના હાથ નીચે પ્રૂફરીડર તરીકે ૧૧ મહિના તેમણે નોકરી કરી. ઈ.સ. ૧૮૭૭માં તેઓ પાછા સુરત આવ્યા. તેમના ઘરની નબળી સ્થિતિ અને તેમને નોકરી માટે આહીં નહીં ફાંફાં મારતા જઈને તેમના સસરાએ સુરતમાં વાડીફળીએ રહેવા ઘર ને માસિક રૂ. ૫૦) આપવાનું જણાવ્યું, જે તેમણે સ્વીકાર્યું. આથી ઇચ્છારામ કૈંક નિશ્ચિતપણે પોતાની પ્રિય લેખનવાચન પ્રવૃત્તિમાં હવે ગુંથાતા થયા. આ વખતે તેમણે મંછારામ ઘેલાભાઈ, કીકાભાઈ પરભુદાસ, જેવચરામ કેશવરામ, ભાનુશંકર નારણશંકર અને બીજાઓ સાથે મળીને સુરતમાં એક ‘શારદાપૂજક મંડળી’ સ્થાપી. તેમણે ઈ.સ. ૧૮૭૮ના જાન્યુઆરી માસથી ‘સ્વતંત્રતા’ નામનું એક માસિક પત્ર કાઢયું. “જેમાં રાજ્યદ્વારી, સંસારી, ભાષાજ્ઞાન, વેપાર, હુન્નરાદિ પરચુરણ વિષય પર જુદી જુદી કલમથી જુદા જુદા વિષે લખવામાં આવશે” એવી જાહેરાત કરવામાં આવી હતી.[4] ‘સ્વતંત્રતા’ માસિકથી ઇચ્છારામની પત્રકાર તરીકેની કારકિર્દી શરૂ થાય છે. એ માસિકના પહેલા અંકમાં તેમણે સનસનાટી ફેલાવે તેવા રાજકીય વિચારો વ્યક્ત કરતો એક લેખ લખ્યો: બીજા અંકમાં સુરતમાં નંખાયેલા ‘લાઈસન્સ ટૅક્સ’ વિરુદ્ધ ઉહાપોહ કર્યો. આ લખાણોને સરકારે તે અરસામાં થયેલા હુલ્લડો માટે જવાબદાર ગણવાનો પ્રયત્ન કર્યો, પણ તેમાં તે નિષ્ફળ ગઈ. આથી ડરી જઈને ‘સ્વતંત્રતા’ના અંકો જ્યાં છપાયા હતા તે છાપખાનાના માલિકે પછીના અંકો છાપવાની ના પાડી. જુવાન અને નીડર ઈચ્છારામે ‘સ્વતંત્રતા’નો ત્રીજો અંક ‘સુરત સીટી સેન્ટ્રલ પ્રેસ’માં પોતાની જોખમદારી પર છપાવ્યો; તેમાં ‘અમને

રાજકીય સ્વતંત્રતા આપો’ એ નામનો જોરદાર અપૂર્ણ લેખ તેમણે લખેલો. રાજદ્રોહના ગુન્હા માટે તેમને પકડવામાં આવ્યા. તેમનો કેસ ચાલ્યો. એ કેસમાં તેમનો બચાવ મરહૂમ સર ફિરોજશાહ મહેતાએ કર્યો અને સ્વ. ઇચ્છારામ નિર્દોષ છૂટી ગયા. આ બનાવથી સર ફિરોજશાહ તેમના રાજકીય વિષયમાં ગુરુ બન્યા. હુલ્લડ કેસ પત્યા પછી ૧૮૭૯માં ફરી પાછું ઈચ્છારામે ‘સ્વતંત્રતા’ને સજીવન કર્યું. ૧૮૭૯ના માર્ચ-એપ્રિલના અંકોમાં તેમણે સુપ્રસિદ્ધ ‘હિંદ અને બિટાનિયા’ નામની રાજકીય નવલનો આરંભ કર્યો. એ વખતે તેનું શીર્ષક તેમણે ‘પહાડ પર ભરતખંડના હેતસ્વી’ એવું રાખેલું. આ અરસામાં ‘શારદા પૂજક મંડળી’નું કામકાજ બંધ પડ્યું. ‘સ્વતંત્રતા’ પણ ઈચ્છારામે ‘માયાળુ વાંચનારને છેલ્લી મુલાકાતની છેલ્લી સલામ’ કરીને ‘ગુજરાત-મિત્ર’વાળા કીકાભાઈ પરભુદાસને સોંપ્યું, પણ થોડા જ વખતમાં તે બંધ પડ્યું. આ બધી પ્રવૃત્તિ સસરાના ખર્ચે નિભાવ કરતાં કરતાં થતી હતી, ‘સ્વતંત્રતા’ બંધ પડતાં હવે શું કરવું તેની વિમાસણમાં ઇચ્છારામ પડ્યા. ૧૮૮૦માં મુંબઈમાં સર મંગળદાસ નથ્થુભાઈને એકાદ પત્ર કાઢવાની ઇચ્છા થતાં તેમણે એમને ત્યાં શિક્ષક તરીકે આવતા ઇચ્છારામ ભગવાનદાસ દલાલને એ વિશે વાત કહી. દલાલે એ પત્ર માટે ઈચ્છારામની ભલામણ કરી. ઇચ્છારામને બોલાવવાનો નિર્ણય થતાં તેમના પરમમિત્ર મગનલાલ ઠાકોરદાસ મોદી (જેમના નામ પરથી સુરતમાં કૉલેજ સ્થપાઈ છે.) તેમને તેડવા સુરત આવ્યા. ઇચ્છારામ આ વખતે માંદા હતા. છતાં મગનલાલ ‘અહીં સસરાનું ખાઈને પડ્યો રહે તેના કરતાં મુંબઈમાં મરે તે સારું’ એ મતલબનું ટીકાવચન માંદો હોવા છતાં કહીને ઈચ્છારામને મુંબઈ લઈ ગયા. મુંબઈમાં ઈચ્છારામ કવિ નર્મદ, રતિરામ દુર્ગારામ દવે, મણિલાલ નભુભાઈ, વૈકુંઠરાય મન્મથરાય વગેરે અન્ય ગુજરાતીઓને પણ મળ્યા. એ સર્વે સાક્ષરોએ તેમના પત્રમાં લેખો લખવાનું કબૂલ્યું નર્મદે પત્રનું નામ ‘ગુજરાતી’ સૂચવ્યું. અને ‘ગુજરાતી’ સાપ્તાહિકનો પહેલો અંક તા. ૬ ઠ્ઠી જૂન ૧૮૦૦ને દિવસે ‘ક્યસરે હિંદ: પ્રેસ’માં છપાઈને બહાર પડ્યો. ‘ગુજરાતી’ની સ્થાપના થઈ તે વખતે મુંબઈમાં તમામ વર્તમાનપત્રો પારસી ભાઈઓને હાથે ચાલતાં હતાં. હિંદુ માલિકીનું અને હિંદુ વિચાર દર્શાવતું આ પત્ર આથી સારો આવકાર પામ્યું. આ ઈચ્છારામે ચોક્કસ પ્રજામત કેળવવાનો પ્રયાસ કર્યો અને ૧૪૫ ગ્રાહકોથી શરૂ થયેલું પત્ર ૧૮૮૩ની આખરે ૮૫૦ની ગ્રાહકસંખ્યા સુધી પહોંચી ગયું. ત્યારબાદ તો તેનો ફેલાવો સમગ્ર ગુજરાત-સૌરાષ્ટ્રમાં થયો. નર્મદના ‘ધર્મવિચાર’માં ગ્રંથસ્થ થયેલા ઘણાખરા લેખો મૂળે ‘ગુજરાતી’માં છપાએલા. સ્વ. મણિલાલ દ્વિવેદીનો સુપ્રસિદ્ધ લેખ ‘નારીપ્રતિષ્ઠા’ પણ સૌથી પ્રથમ આ જ પત્રમાં આઠ હપ્તે પ્રકટ થએલો. એ જ વર્ષે ‘ગુજરાતી’ પ્રેસની સ્થાપના થઈ. પહેલાં માત્ર ૮ પાનાનું નીકળતું ‘ગુજરાતી’ હવે સોળ પાનાનું થયું. ત્યારબાદ ઈ.સ. ૧૮૮૫માં હિન્દી રાષ્ટ્રિય મહાસભાની સ્થાપના થઈ. ઇચ્છારામ ફિરોજશાહના શિષ્ય હતા તેથી તેમણે ‘કોંગ્રેસનું મંતવ્ય એ જ ‘ગુજરાતી’નું મંતવ્ય”-એવી નીતિ રાખીને મહાસભાને પક્ષે સારો લોકમત કેળવ્યો. ‘ગુજરાતી’ પત્ર અને પ્રેસ સ્થિર થતાં ગયાં તેમ ઈચ્છારામની પત્રકાર તરીકેની કારકિર્દીને ઉત્કર્ષ થવા લાગ્યો. પણ પત્રકાર થવા ઉપરાંત ગ્રંથકાર થવાની ઈચ્છારામની મહત્વાકાંક્ષા હતી. મુંબઈમાં પગભર થતાં વેંત જ એ દિશામાં તેમણે પ્રયત્નો શરૂ પણ કરી દીધા હતા. ઈ. ૧૮૮૧-૮૨માં ‘આર્યજ્ઞાનવર્ધક’ નામનું માસિક પત્ર ચલાવતા તે સમયના જાણીતા કવિ સવિતાનારાયણ સાથે તેમને પરિચય થયો. એમના પત્રમાં ઇચ્છારામે ‘ગંગા-એક ગુર્જર વાર્તા’ નામની સામાજિક વાર્તા કકડે કકડે પ્રકટ કરી. આ વાર્તામાં સુરતના નાગર વાણિયાની ન્યાતને અને આત્મારામ ભૂખણવાળાના નામને તેમણે અમર કર્યું છે. એ જ પુસ્તકમાં આડકથા તરીકે તેમણે ‘સુરતની શિવાજીની લૂંટ’ નામની ઐતિહાસિક વાર્તા લખી છે. ઇચ્છારામના સાહિત્યકાર તરીકેના આ બે પ્રાથમિક યત્નો છે. ઈ.સ. ૧૮૮૮માં આ બે કૃતિઓ સંયુક્ત પુસ્તકાકારે પ્રગટ થયેલી. સ્વ. મણિલાલ દ્વિવેદીએ તેમાંના વિચારોને આવકારીને ગુજરાતી ભાષાના ૧૦૦ શિષ્ટ ગ્રંથોમાં ‘ગંગા’ને પણ સ્થાન આપ્યું છે. ૧૮૭૮માં ‘સ્વતંત્રતા’ માસિકમાં લખવા માંડેલી ‘હિંદ અને બિટાનિયા’નામની વાર્તા ઇચ્છારામે ૧૮૮૩ થી’૮૫ સુધીમાં પૂરેપૂરી લખીને ૧૮૮૬માં પ્રકટ કરી. આ પુસ્તકે ઈચ્છારામને જાહેરમાં સારી પ્રસિદ્ધિ અપાવી. એ પુસ્તક તેમણે તે વખતના હિન્દના વાઇસરોય લોર્ડ રિપનને અર્પણ કર્યું હતું. એમાં તેમણે હિંદ તથા ઈંગ્લાંડના ઇતિહાસની ભૂમિકા પર ભરતખંડની પ્રજાનું અને તેના રાજ્યવહીવટનું સાધકબાધક દૃષ્ટિએ વાસ્તવરૂપ આલેખવાનો સમર્થ પ્રયાસ કર્યો છે. આ પુસ્તકમાં હિંદનાં દેશી રાજ્યો તથા બ્રિટિશ હકૂમતની રાજ્યનીતિની ચર્ચા થયેલી છે. એ કારણે એ સમયમાં કેટલાક એંગ્લો-ઇન્ડિયન પત્રકારોએ ઇચ્છારામ પર રાજદ્રોહનો આરોપ મૂકીને તેમને પકડાવવાનો પ્રયત્ન કરેલો; પણ હિંદનું ખરું હિત હૈડે ધરાવનાર બે અંગ્રેજ ગૃહસ્થોએ આ પુસ્તક વાંચી તેમાં રાજદ્રોહ જેવું કશું લખાણ નથી એવો ખાનગી અભિપ્રાય સરકારને આપવાથી ઇચ્છારામ પર કામ ચલાવવાનું માંડી વાળ્યું. આ પુસ્તકની ખ્યાતિ ઈંગ્લાંડ, અમેરિકા અને રશિયા સુધી પહોંચી.[5] ૧૮૭૫માં તે પુસ્તકને ‘ગુજરાતી’ પત્રની ભેટ તરીકે આપવાનું જાહેર થતાં ગ્રાહકસંખ્યા ૮૫૦-૯૦૦ની હતી તે વધીને ૨૫૦૦ની થઈ. સ્વ. ઇચ્છારામની સૌથી વિશેષ મહત્વની સાહિત્યોપકારક પ્રવૃત્તિ તે જૂનાં ગુજરાતી કાવ્યોનું સંપાદન છે. ૧૮૮૫માં તેમણે પ્રેમાનંદકૃત ‘ઓખાહરણ’ એક જાણીતા સંગીતશાસ્ત્રી અને વ્યાસ પાસેથી જૂની પ્રતો મેળવી સુધરાવીને બહાર પાડ્યું. આ કાર્યથી તેમને પ્રાચીન ગુજરાતી કાવ્યો છાપવાના મનોરથ જાગ્યા. દલપતરામે તૈયાર કરેલા ‘કાવ્યદોહન’ના બે ભાગ મળતા નહોતા. વળી સરકારી ફરમાન અનુસાર એમાંથી પ્રેમાનંદનાં ‘ઓખાહરણ’ ને ‘નળાખ્યાન’ જેવાં કાવ્યોમાંથી શૃંગારના ભાગો કાઢી નાખ્યા હતા. આથી આ કવિઓનાં આખાં કાવ્યોનાં તેમજ બીજા અપ્રસિદ્ધ કવિઓનાં કાવ્યોને સંપાદિત કરવાની ખાસ આવશ્યકતા હતી. ઈચ્છારામે આ ભગીરથ કાર્ય ઉપાડ્યું. તેમણે બૃ. કા. દો.ના ૧૦ ભાગો પ્રગટ કરવાની યોજના તૈયાર કરી. દરેક ગ્રંથમાં એકાદ બે કવિઓનાં ચરિત્રો સંશોધન કરીને મૂકવાં તેમજ તેમનાં આખાં સળંગ મોટાં કાવ્યો મુખ્ય વિભાગમાં છાપીને બીજા વિભાગમાં પરચૂરણ કવિઓનાં પદો પણ છાપવાં, એવી તેમની યોજના હતી. એ યોજના પ્રમાણે ૧૮૮૬થી ૧૯૧૩ સુધીમાં કાવ્યદોહનના આઠ ભાગો તેમણે પ્રકટ કર્યાં. તેમની આ પ્રવૃત્તિ ઇચ્છારામે મરણ પર્યંત નિષ્ઠાપૂર્વક ચાલુ રાખી હતી. માહિતી અને કાવ્યપ્રતો એકઠી કરવા માટે તેમણે પત્રાદિ લખીને તેમજ ગુજરાત-કાઠિયાવાડમાં જાતે ફરીને પુષ્કળ શોધખોળને પૂછપરછ કરી હતી. ગ્રંથોની ટીપ સહિત કવિઓનાં નામની

કક્કાવાર યાદી કરીને તેમણે ૧૮૮૭નાં જુલાઈના ‘આર્ય જ્ઞાનવર્ધક’ માસિકના અંકમાં તે છપાવી હતી. આ દિશામાં થયેલાં કાર્યોમાં ઇચ્છારામે આમ પહેલ કરેલી. આ યાદીમાં પ્રેમાનંદ, તેના કહેવાતા પુત્ર વલ્લભ અને તેના શિષ્ય વલ્લભનાં નામ તેમજ કાવ્યોનો ઉલ્લેખ છે. પ્રેમાનંદનાં ત્રણ નાટકો વિશે પણ તેમાં ઉલ્લેખ છે.[6] બૃ. કા. દો.ના બીજા ભાગમાં નરસિંહ મહેતાનું ને ત્રીજામાં અખાનું જીવનચરિત્ર તેમણે મૂક્યું છે. અખાનાં પદો, છપ્પાઈ. લખાણ તેમણે કવિ હીરાચંદ કાનજીની સહાયથી એકઠું કર્યું હતું. બૃ. કા. દો.ના ચોથા ભાગમાં પ્રીતમ તથા વસ્તાનાં ચરિત્રો, પાંચમામાં કવિ દયારામનું ચરિત્ર, સાતમામાં તનસુખરામ મનસુખરામ પાસે લખાવીને મૂકેલું મીરાંબાઈનું ચરિત્ર અને આઠમામાં સ્વ. અંબાલાલ બુ. જાની પાસે લખાવીને મૂકેલું કવિ નાકરનું ચરિત્ર-આમ અનેક મધ્યકાલીન કવિઓનાં જીવન તથા કાવ્યોનો ઇતિહાસ ગુજરાતી સાહિત્યને સૌથી પ્રથમ ઇચ્છારામે પૂરો પાડ્યો છે. પોતે લખેલાં ચરિત્રોને પ્રમાણભૂત બનાવવા સારુ પણ તેમણે યથાશક્તિમતિ સારા પ્રયત્નો કર્યા છે. ગ્રંથકાર તરીકે સ્વ. ઇચ્છારામની બીજી મોટી સેવા તે તેમણે ધાર્મિક સાહિત્ય લોકગમ્ય કરવાનો પુરુષાર્થ કર્યો તે છે. સૌથી પહેલાં તેમણે ૧૮૮૬માં પદબંધ ભાગવતના સંશોધનનું કામ આરંભ્યું. પ્રેમાનંદ અને સુંદરના ‘દશમસ્કંધ’ ઉપરાંત ગણદેવીના વ્યાસ વલ્લભનું ૧૧ સ્કંધોનું ભાગવત-કાવ્ય તેમણે સંપાદ્યુ; અને મૂળ ભાગવત સાથે સરખાવીને કવિએ તજી દીધેલ પાઠોને ટીકામાં મૂકીને, જૂની હસ્તપ્રતો પરથી તેમણે તેનું સંશોધન કર્યું. એની પાછળના ભાગમાં નર્મદે કરેલું ગીતાનું સરળ ગુજરાતી સટીક ગદ્ય-ભાષાંતર તેમજ ઠક્કર પ્રાગજીકૃત ગીતાનું ગુજરાતી પદ્ય ભાષાંતર અને તુલસીદાસજીના સમશ્લોકી હિન્દી દુહા પણ છાપેલા છે. ૧૮૮૯માં આ દળદાર ગ્રંથ પ્રકટ થયો. તે જ સાલમાં તેમણે ‘ચંદ્રકાન્ત’ ભા. ૧ લો લખવા માંડ્યો. એમાં તેમણે વેદાંતના વિષયો સહેલી ભાષામાં સરળ દૃષ્ટાંતો વડે સમજાવ્યા છે. આ ગ્રંથ લેખકના ધાર્યા કરતાં વિશેષ લોકપ્રિય બન્યો. તેમાં ઇચ્છારામે જિંદગીભર કરેલ શ્રવણ-મનનનો ઉત્તમ ઉપયોગ કર્યો છે. ૧૮૮૫-૧૮૯૨ના ગાળા દરમિયાન ‘ગુજરાતી’ પ્રેસની આર્થિક સ્થિતિ ઘણી ચિંતાજનક હતી. આથી ઇચ્છારામનું મન

બહુ જ અસ્વસ્થ રહેતું હતું. પોતાના મનની શાંતિ અર્થ તેઓ સુપ્રસિદ્ધ પ્રજ્ઞાચક્ષુ પં. ગટ્ટુલાલજી પાસે જતા. તેમના સત્સંગથી લેખક ઉપર વલ્લભી મતની છાયા પડી તેમ તેમને ‘ચંદ્રકાન્ત’ લખવાની પ્રેરણા પણ મળી. ચંદ્રકાન્ત’ના સાત ખંડ કરવાની તેમની ઇચ્છા હતી, પણ ચોથો ભાગ લખતાં તો મૃત્યુ આવ્યું. આ ઉપરાંત સંસ્કૃત ભાષાના સુપ્રસિદ્ધ ગ્રંથો જેવા કે ‘વાલ્મીકિ રામાયણ’ ‘પંચદશી’ ‘કાદંબરી’ ઈત્યાદિને ગુજરાતીમાં ઉતારવાનો તેમણે જાતે પ્રયત્ન કર્યો છે, તેમજ શાસ્ત્રીઓ રાખીને તેમની પાસે અનુવાદો પણ કરાવ્યા છે. આ સિવાય તેમણે ક્ષેમેન્દ્રકૃત ‘ચારુચર્યા’નો બાલભોગ્ય અનુવાદ અને તે જ લેખકના ‘કળાવિલાસ’નો સરળ અનુવાદ કર્યો છે. તેમની મૌલિક કૃતિઓમાં ‘સવિતા સુંદરી’ નામની વૃદ્ધ વિવાહની ઠેકડી કરતી એક સામાજિક નવલકથા, ‘રાજભક્તિવિડંબણ’ નામનું ભાણ અને ‘ટીપુ સુલતાન’ જેવી અધૂરી ઐતિહાસિક કથા ધ્યાનપાત્ર છે. ‘વિદુરનીતિ’ અને ‘કામંદકીય નીતિસાર’ નામના રાજનીતિના ગ્રંથો તેમજ ‘અરેબિયન નાઈટ્સ’, ‘મહારાણી વિકટોરિયાનું જીવનચરિત્ર’ વગેરે સંસ્કૃત-અંગ્રેજી ભાષાની કૃતિઓમાંથી તેમને હાથે થયેલાં ભાષાંતરો, સંયોજનો પણ બતાવે છે કે સ્વ. ઇચ્છારામનો સાહિત્યશૉખ પૂરતા વૈવિધ્યવાળો હતો. ‘રાસેલાસ’ નામની ડૉ. જૉન્સને લખેલી એક વાર્તા સ્વ. ગી. દ. કોઠારી સાથે મળીને તેમણે અનુવાદિત કરેલી. ઈ.સ. ૧૮૯૧માં ગુજરાતી હિંદુઓએ ઈચ્છારામ પાસે શુદ્ધ ગુજરાતી પંચાંગ પ્રકટ કરવાની માગણી કરેલી. કેમકે પારસીઓનાં પંચાંગો અશુદ્ધ હતાં. આથી ઈચ્છારામે વડોદરાના રાજ્યજ્યોતિષી પં. અમૃતરામને એ કામ સોંપ્યું. પં. શ્રી. ગટ્ટુલાલજીએ આ પંચાંગમાં વ્રતઉત્સવો ઈત્યાદિનો નિર્ણય કરી આપ્યો હતો. સને ૧૮૯૨માં સં. ૧૯૪૮નું પ્રથમ શુદ્ધ ગુજરાતી પંચાંગ ‘ગુજરાતી’ પ્રેસ તરફથી ઈચ્છારામે પ્રકટ કર્યું, જેણે સ્થાપેલી પ્રણાલિકા આજ પર્યંત ચાલુ છે. આમ અર્વાચીન ગુજરાતી સાહિત્યને તેની શરૂઆતના કાળમાં વિવિધ પ્રકારની કૃતિઓ આપીને સમૃદ્ધ કરવામાં સ્વ. ઇચ્છારામનો મોટો ફાળો છે. એમણે ‘વિદ્યાકળાનિધિ’ નામની ગ્રંથમાળા પ્રકટ કરવાની યોજના કરેલી; તેમાં ચંદ્રની સોળ કળાઓની પેઠે ૧૬ પુસ્તકો પ્રકટ કરવાની તેમની અભિલાષા હતી, પણ તેમાંથી માત્ર છ કળાઓ જ પ્રકટ થઈ શકી. આ ઉપરાંત ભરતખંડના રાજવીઓનાં ચરિત્રોની એક માળા તૈયાર કરવાની પણ તેમની ઉમેદ હતી, જે પૂરતા આશ્રયને અભાવે વણમહોરી રહી. નીડર અને નિષ્ઠાવાન પત્રકાર તરીકે સ્વ. ઈચ્છારામે ઈ.સ. ૧૯૧૦ સુધી ગુજરાતની એકધારી સેવા બજાવી છે. ‘ગુજરાતી’ પત્ર આ સમય દરમિયાન ઘણી મોટી કટોકટીમાંથી પસાર થયું હતું. ૧૮૮૫-૧૮૯૨ના ગાળામાં પ્રકટ કરેલા ગ્રંથોને પરિણામે મોટું દેવું ઇચ્છારામને માથે થયેલું. છતાં હિંમત હાર્યા વિના સુનીતિ અને સન્નિષ્ઠાથી તેમણે પોતાનું કર્તવ્ય બજાવ્યાં કર્યું. એ કર્તવ્ય બજાવતાં તેમણે કદી નિરાશા કે અસંતોષ અનુભવ્યો નથી. છાપખાનાનાં રાક્ષસી યંત્રો પાસે અર્ધી જિંદગીની પ્રત્યેક રાત ઉજાગરે મહેનત કરી ગાળીને પણ તેમણે ‘ગુજરાતી’ની કૂચ આગળ ધપાવ્યે રાખી; બૃ. કા. દો.નાં સંપાદનો- પ્રકાશનો કીધાં; ‘ચંદ્રકાન્ત’ના ચાર ભાગ લખ્યા; વાર્તાઓ, ચરિત્રો, ઇતિહાસો, નીતિગ્રંથો તૈયાર કર્યા ને બીજી ભાષામાંથી ગુજરાતીમાં અવતાર્યાં. દિવસે જે બે-ચાર કલાકનો સમય મળતો તેમાં હીંચકા પર બેસીને સંતોને, સાહિત્યશૉખીનોને, રાજ્યપુરુષોને અને ધર્મપ્રેમીઓને તેઓ સત્કારતા; તેમની સાથે નિરાંતે બેસીને રસથી ચર્ચાઓ કરતા પોતાના પુત્ર મણિલાલ સાથે ધર્મ-તત્ત્વજ્ઞાનના અનેક પ્રશ્નો વિશે ક્યારેક સંવાદ કે વિવાદ કરતા તે ક્યારેક વાર્તા-કથા-આખ્યાન કહેનાર કોઈ પુરાણી કે નવી ખબરો આપનાર ખબરપત્રીની વાત સાંભળતા.[7] ઈ.સ. ૧૯૧૦માં પ્રેસ ઍક્ટ પસાર થયો. સરકારને ઈચ્છારામની રાજકીય વિષેયો પરત્વે બેધડક સ્વતંત્રપણે વિચારો જાહેર કરવાની પદ્ધતિ ગમી નહિ. સરકારે તેમની પાસે રૂ. ૨૫૦૦)ની જામીનગીરી લીધી. ઇચ્છારામને તેનો સખત આઘાત લાગ્યો; કૉર્ટમાંથી ઑફિસમાં આવીને ઈચ્છારામે કહ્યું કે, ‘મેં મારું વર્તમાનપત્રકારનું જીવન હવે પૂરું કર્યું. મારો ઉત્સાહ મરી ગયો છે.’[8] આ પછી તેમણે ‘ગુજરાતી’ પત્રમાં ન-છૂટકે જ લખ્યું છે. ૧૯૧૨ના દીવાળી અંકમાં વર્તમાનપત્રોના ઇતિહાસ સંબંધી તેમણે લખેલો લેખ તેમનો છેલ્લો લેખ છે. તેમને છાતીના જમણા

ભાગમાં કોઈ કોઈવાર દુઃખાવો થઈ આવતો. ગુરુવાર તા. ૫મી ડિસેમ્બર ૧૯૧૨ના રોજ રાત્રે ઈચ્છારામે હૃદય બંધ પડી જતાં દેહત્યાગ કર્યો. સ્વ. ઈચ્છારામની સાહિત્યિક અને સાંસ્કારિક પ્રવૃત્તિનું ઊડતું અવલોકન કરનારને પણ જણાશે કે એકનિષ્ઠ અને અણનમ પત્રકાર ઉપરાંત પ્રાચીન કાવ્યસાહિત્યના સંશોધન-સંપાદનનો આરંભ કરનાર, સરળ ગુજરાતીમાં ભાગવત, ગીતા અને વેદાન્તશાસ્ત્રનું રહસ્ય સરળ દૃષ્ટાંતો વડે સૌથી પ્રથમ સુલભ કરાવી આપનાર ગ્રંથકાર તરીકે ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં તેઓ ચિરકાલીન સ્થાન પામ્યા છે. આપબળથી આગળ વધનાર, ખંતપૂર્વક ઈષ્ટ પ્રવૃત્તિમાં મંડ્યા રહેનાર, ધાર્મિક મનોવૃત્તિવાળા, ઉચ્ચ સંસ્કારવાળા ગુજરાતીઓની હારમાળામાં ઈચ્છારામનું સ્થાન નિશ્ચિત છે. ‘ચંદ્રકાન્ત’ તેમની કીર્તિને અમર કરનારો ગ્રંથમણિ છે. તેમાં રજૂ થયેલા વિચારોની ઉદાત્તતા જોઈને તે વિશે કેવળ સ્તુતિવચનો ઉચ્ચારનાર સ્વ. મણિલાલ દ્વિવેદીને એ ગ્રંથ સંસ્કૃતનો તરજૂમો હોવાની ભ્રાંતિ થએલી અને કેટલાકને એ ગ્રંથ ઈચ્છારામે કોઈ વેદાન્તી પાસે પૈસા આપીને લખાવ્યો હોય એવી પણ શંકાઓ થયેલી. આનો જવાબ આપતાં શ્રી નટવરલાલ દેસાઈએ કહ્યું છે કે ‘ચંદ્રકાંત’ લખતી વખતે ઇચ્છારામને માથે એવડું મોટું દેવું હતું કે કોઈને પૈસા આપીને ગ્રંથ લખાવી શકે એવી તેમની સ્થિતિ નહોતી. વળી ઇચ્છારામે જ્યાં જ્યાં શાસ્ત્રીઓ પાસે અનુવાદ કરાવ્યા છે ત્યાં ત્યાં તે તે શાસ્ત્રીનાં નામ અનુવાદક તરીકે મૂક્યાં છે જ.[9] ‘ચંદ્રકાન્ત’ની રચના કોઈ સંસ્કૃત ગ્રંથના અનુવાદરૂપે નહિ,

કૃતિઓ

કૃતિનું નામ* પ્રકાર કે વિષય* રચના-સાલ *પ્રકાશન-સાલ *પ્રકાશક *મૌલિક, સંપાદન કે અનુવાદ *મૂળભાષા, કર્તા કે કૃતિનું નામ
૧. પુરષોત્તમ માસની કથા *કથા *૧૮૭૨ *૧૮૭૨, ૧૯૨૧ *પોતે *સંપાદન *શાસ્ત્રી પાસેથી સાંભળેલી
૨. ઓખાહરણ *આખ્યાન *૧૮૮૫ *૧૮૮૫*ગુજરાતી પ્રેસ *સંપાદન *પ્રેમાનંદ કૃતિ
૩. નળાખ્યાન *આખ્યાન *૧૮૮૫ *૧૮૮૫*ગુજરાતી પ્રેસ *સંપાદન *પ્રેમાનંદ કૃતિ
૪. હિંદ અને બ્રિટાનિયા *નવલકથા *૧૮૮૩ થી ૧૮૮૫ *૧૮૮૬, ૮૭, ‘૮૯, ૧૯૨૫ *ગુજરાતી પ્રેસ *મૌલિક
૫.રાસેલાસ(ગી.દ. કોઠારી સાથે) *વાર્તા *૧૮૮૬ *૧૮૮૬, ૮૭, ‘૮૯, ૧૯૨૫ *ગુજરાતી પ્રેસ *અનુવાદ *ડૉ.જૉન્સનની એ નામની વાર્તા
૬. બૃ. કા. દોહન ભા.૧ * કાવ્યસંગ્રહ ૧૮૮૬ *૧૮૮૬, ’૯૦, ૧૯૦૧, ૧૯૧૫ *ગુજરાતી પ્રેસ *સંપાદન *વિવિધ કવિઓની કૃતિઓ
૭. બૃ. કા. દોહન ભા.૨ *કાવ્યસંગ્રહ ૧૮૮૭ *૧૮૮૭, ’૯૭, ૧૯૧૩ *ગુજરાતી પ્રેસ *સંપાદન *વિવિધ કવિઓની કૃતિઓ
૮. યમસ્મૃતિ *ધર્મ ચિંતન *૧૮૮૭ *૧૮૮૭ *ગુજરાતી પ્રેસ *અનુવાદ *સંસ્કૃત પરથી
૯. મહારાણી વિક્ટોરિયાનું જીવન ચરિત્ર *ચરિત્ર *૧૮૮૭ * ૧૮૮૭, ૧૯૦૭ * ગુજરાતી પ્રેસ * અનુવાદ *અંગ્રેજી પરથી
૧૦. ગંગા-એક ગુર્જરવાર્તા તથા શિવાજીની લૂંટ *વાર્તા *૧૮૮૧થી ૧૮૮૨ * ૧૮૮૮ * ગુજરાતી પ્રેસ * મૌલિક
૧૧. બૃ. કા. દોહન ભા.૩ *કાવ્યસંગ્રહ *૧૮૮૮ *૧૮૮૯, ૧૯૦૮ *ગુજરાતી પ્રેસ *સંપાદન *વિવિધ કવિઓની કૃતિઓ
૧૨. ચારુચર્ચા અથવા શુભાચાર *ધર્મશાસ્ત્ર ૧૮૮૯ * ૧૮૮૯, ‘૯૩, ૧૮૯૮, ૧૯૧૪ * ગુજરાતી પ્રેસ *ભાષાંતર *ક્ષેમેન્દ્રકૃત
૧૩. અરેબિયન નાઈટ્સ ભા.૧-૨ *બાલસાહિત્ય વાર્તાઓ *૧૮૮૯ *૧૮૮૯,’૯૧, ૧૯૧૫, ’૨૮,’૨૯ *ગુજરાતી પ્રેસ *અનુવાદ *અંગ્રેજી પરથી
૧૪. પદબંધ ભાગવત *કાવ્ય *૧૮૮૯ *૧૮૮૯, ‘૯૮ ૧૯૧૭, ૧૯૧૭ *ગુજરાતી પ્રેસ *સંશોધન-સંપાદન * પ્રેમાનંદ, સુંદર, વલ્લભ આદિ કૃત
૧૫. કથાસરિત્સાગર ભા.૧-૨ *વાર્તાઓ *૧૮૯૧ *૧૮૯૧,૧૯૦૯,૧૯૧૬ *ગુજરાતી પ્રેસ *અનુવાદ *સંસ્કૃત પરથી
૧૬. ટીપુ સુલતાન ભા. ૧ *વાર્તા *૧૮૮૯ *૧૮૮૯ *ગુજરાતી પ્રેસ *મૌલિક *
૧૭. રાજભક્તિવિડંબણ *ભાણ *૧૮૮૯ *૧૮૮૯, ૧૯૨૫ *ગુજરાતી પ્રેસ *મૌલિક *
૧૮. કળાવિલાસ *કળાઓનું વર્ણન *૧૮૮૯ *૧૮૮૯, ૯૧, ૧૯૧૫ *ગુજરાતી પ્રેસ *અનુવાદ * ક્ષેમેન્દ્રકૃત ‘कलाविलास’ પરથી
૧૯. વિદુરનીતિ *રાજકારણ *૧૮૯૦ *૧૮૯૦, ’૯૨,’૯૬,૧૯૦૩, ‘૧૧, ‘૨૦, ’૨૫ *ગુજરાતી પ્રેસ *અનુવાદ * સંસ્કૃત પરથી
૨૦. કામંદકીચ નીતિસાર *નીતિચર્ચા *૧૮૯૦ *૧૮૯૦, ૧૯૧૫(શાસ્ત્રી પ્રાણજીવનના સુધારા સહિત) *સંસ્કૃત પરથી
૨૧. બુ. કા. દો. ભા. ૪ *કાવ્ય-સંગ્રહ *૧૮૯૦ *૧૮૯૦,૧૯૨૪ *ગુજરાતી પ્રેસ *સંપાદન *વિવિધ કવિઓની કૃતિઓ
૨૨. સવિતાસુંદરી *સામાજિક નવલકથા *૧૮૯૦ *૧૮૯૦,’૯૪,૧૯૧૩,’૨૪ *ગુજરાતી પ્રેસ
૨૩.સરળ કાદંબરી *કથા *૧૮૯૦ *૧૮૯૦,૧૯૧૩ *ગુજરાતી પ્રેસ *અનુવાદ *સંસ્કૃત પરથી
૨૪. શ્રીધરી ગીતા *ધર્મ ચર્ચા *૧૮૯૦ *૧૮૯૦, ૧૯૨૪ *ગુજરાતી પ્રેસ (શાસ્ત્રી પ્રાણજીવનના સુધારા સહિત) *અનુવાદ *સંસ્કૃત પરથી
૨૫. ચંદ્રકાન્ત ભા. ૧ *ધર્મ-તત્ત્વચર્ચા *૧૮૮૯ *૧૮૯૧,’૯૪,૧૮૯૭,’૯૯, ૧૯૦૪ *ગુજરાતી પ્રેસ *મૌલિક
૨૬. ગુજ. સચિત્ર વાચનમાળા(પહેલી ચોપડી) પાઠ્યપુસ્તક * ૧૮૯૨ *૧૮૯૨, ૧૯૧૨,૧૯૧૯,૧૯૨૪ *ગુજરાતી પ્રેસ *મૌલિક
૨૭. શુકનીતિ *રાજ્યનીતિ *૧૮૯૩ *૧૮૯૩, ૧૯૧૨ *ગુજરાતી પ્રેસ *ભાષાંતર *સંસ્કૃત પરથી
૨૮. વાલ્મીકિ રામાયણ *મહાકાવ્ય *૧૮૯૩ *૧૯૧૯, ૧૯૨૪, ૧૯૪૧ *ગુજરાતી પ્રેસ *ભાષાંતર *સંસ્કૃત પરથી
૨૯. બૃ. કા. દો. ભા. ૫ *કાવ્ય સંગ્રહ *૧૮૯૫ * ૧૮૯૫, ૧૯૦૬, ૧૯૨૬
૩૦. દિલ્હી પર હલ્લો અથવા ભારતના પરવશપણાને પ્રારંભ *ઐ. નવલકથા *૧૮૯૫ *૧૮૯૫, ૧૯૦૯,૧૯૨૬ *ગુજરાતી પ્રેસ *સંયોજન *હિન્દી પરથી
૩૧. કૃષ્ણચરિત્ર *કાવ્ય *૧૮૯૫ *૧૮૯૫ *ગુજરાતી પ્રેસ *સંપાદન *ગિરિધરકૃત
૩૨. બાળકોનો આનંદ ભ.૧-૨ *બાળવાર્તાઓ *૧૮૯૫ *૧૮૯૫, ૧૯૦૫,૧૯૧૩, ૧૯૨૨ *ગુજરાતી પ્રેસ *ભાષાંતર *અંગ્રેજી પરથી
૩૩. રાજતરંગિણી અથવા કાશ્મીરનો ઇતિહાસ ભા.૧ *ઈતિહાસ *૧૮૯૮ *૧૮૯૮ *ગુજરાતી પ્રેસ *ભાષાંતર *સંસ્કૃત પરથી
૩૪. ઔરંગજેબ *ચરિત્ર *૧૮૯૮ *૧૮૯૮ *ગુજરાતી પ્રેસ *ભાષાંતર *અંગ્રેજી પરથી
૩૫ પંચદશી (ચંદ્રકાન્ત વિવરણ સહિત) *વેદાંતચર્ચા *૧૯૦૦ *૧૯૦૦, ૧૯૧૭ *ગુજરાતી પ્રેસ *ભાષાંતર *સંસ્કૃત પરથી
૩૬. બૃ. કા, દો. ભા. ૬ *કાવ્યસંગ્રહ *૧૯૦૦ *૧૯૦૦, ૧૯૧૭ *ગુજરાતી પ્રેસ *સંપાદન *વિવિધ કવિઓની કૃતિ
૩૭. ચંદ્રકાન્ત ભા. ર *ધર્મ-તત્ત્વચર્ચા *૧૯૦૧ *૧૯૦૧,૧૯૦૨,’૦૯,૧૯૦૦,’૧૩,’૨૦,’૨૪ *ગુજરાતી પ્રેસ *મૌલિક
૩૮. લેખન પદ્ધતિ *નિબંધ *૧૯૦૪ *૧૯૦૪ *ગુજરાતી પ્રેસ *મૌલિક
૩૯. ચંદ્રકાન્ત ભા. ૩ *ધર્મ-તત્ત્વચર્ચા *૧૯૦૭ *૧૯૦૭,૧૯૦૮ *ગુજરાતી પ્રેસ *મૌલિક
૪૦. બૃ. કા. દો. ભા. ૭ *કાવ્યસંગ્રહ *૧૯૧૨ *૧૯૧૨ *ગુજરાતી પ્રેસ *સંપાદન *વિવિધ કવિઓની કૃતિ
૪૧. બૃ. કા દો. ભા. ૮ *કાવ્યસંગ્રહ *૧૯૧૩ *૧૯૧૩ *ગુજરાતી પ્રેસ *સંપાદન *વિવિધ કવિઓની કૃતિ
૪૨. નરસિંહ મહેતા કૃત કાવ્યસંગ્રહ *કાવ્યસંગ્રહ *૧૯૧૩ *૧૯૧૩ *ગુજરાતી પ્રેસ *સંપાદન *નરસિંહની કવિતા

(ઉપરનાં પુસ્તકો પૈકી ચંદ્રકાન્ત ભા. ૧-૨-૩નાં મરાઠી તથા હિંદી તેમજ ‘હિન્દ અને બ્રિટાનિયા’ તથા ‘ગંગા-એક ગુર્જર વાર્તા’નું મરાઠી ભાષાંતર થયું છે.)

સ્વ. ઈચ્છારામે કામ કરતાં કરતાં જ દેહ છોડેલો હોવાથી એમના કેટલાંક પુસ્તકો અધૂરાં રહેલાં તે નીચે મુજબ:- (૧) બૃહત્કાવ્યદોહન ભાગ ૯-૧૦ (૨) ટીપુ સુલતાન ભા, ૨ (૩) ટોડકૃત ‘રાજસ્થાન’નું ગુજરાતી ભાષાંતર (૫) તત્ત્વસાર (મિશ્ર) (૬) ભારત સર્વસંગ્રહ (ભરતખંડનો શાસ્ત્રીય કોશ) (૭) ભરતપુરનો ઘેરો (૮) રોશન આરા (૯) ભાષાસંસ્કાર (૧૦) હુમાયુની ગુજરાત ઉપર ચડાઈ (૧૧) કઠોપનિષદ ઉપર ટીકા,

અભ્યાસ-સામગ્રી

૧. ‘સ્વ. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના સાક્ષરજીવનની રૂપરેખા’: – શ્રી. નટવરલાલ ઇ. દેસાઈએ તા. ૯-૧૨-૧૯૨૮ના રોજ પ્રૉ. બ. ક. ઠાકોરના પ્રમુખપદે સુરત ‘ગુજરાતી સાહિત્યમંડળ’ને આશ્રયે સ્વ. ની જયંતી નિમિત્તે આપેલું વ્યાખ્યાન.
૨. ‘એક સો ને એક વર્ષ પૂર્વેનો ચોપડો યાને સ્વ. ઇચ્છારામ સૂર્યરામની દેસાઈગિરિનો ઇતિહાસ અને મોગલ બાદશાહનાં ફરમાનો’: ‘ગુજરાતી’નો તા. ૮.મી નવેમ્બર ૧૯૪૨, નો દીપો. અંક.
૩. ‘ચંદ્રકાન્ત’ ભા. ૧ ની ૧૯૨૪ માં પ્રકટ થયેલી ૯ મી આવૃત્તિની પ્રસ્તાવના.
૪. મણિલાલ નભુભાઈ દ્વિવેદીકૃત ‘સુદર્શન ગદ્યાવલિ’ —પૃ. ૮૧૩, ૮૧૬, ૮૩૬, ૮૫૫, ૮૬૧, ૮૬૩, ૮૬૯, ૮૭૫, ૮૮૮-૮૮૯.

સંદર્ભ

  1. શ્રી નટવરલાલ ઈ. દેસાઈએ સુરતમાં આપેલ વ્યાખ્યાનમાં ઈ.સ. ૧૮૫૪ના ઑગસ્ટની ૨૩મી તારીખ (વિ. સ. ૧૯૧૦) જન્મદિવસ તરીકે આપી હતી; પણ તેમાં તેએાએ સુધારો કરીને ખરી તારીખ અમને જણાવી છે તે આ છે.
  2. તે જમાનાની ભાષાના નમૂના તરીકે એ ફરમાન જેવા જેવું છેઃ – “નારણદાશ તાપીદાશ-પદશાની કચેરીમાં મલા-તે ઉપર જે હુકમ થઓ જે--પરગણાઓના નીમકશારની કાનુગોઈનું નીચાંની વીગત પરમાણે એ શખશ ને ધણીઆણી ત્યા ભાઈઓ ત્યા ફરજંદો સાથે મુકરર કરી શૉપુ-વણજારા તથા રઈએત માહાલની- એ શખસને પોતાનો જાણે-એના ઈતફાક શવાએ-ખરીદ-વેચાણ ન કરે-ને ખાંડી ૧-એક બેહ લુલી તેમાં-અડધી રઈએત ખરીદદાર હડધી પોચાડે કે એ ધણી ખર્ચ કરીને પોતાની ખીજમત ઉપર કાએમ રહી કાંમકાજ કરા જાએ-શરકારે મજકુરનાં-કચેરી ત્યા જાગીરદાર હાલના તથા આઓદના-નીમકશાનું કામ હોએ તે એની રજુ જાણે-બીજા કોઈને ભાગીઓ પતીઆળો ન જાણે-ન કશી તરફથી મુજાહેમ નહી થાએ-એ બાબમો ફરમાન નવુ ન માને-આ વાતની તાકીદ જાણીને ઉલટુ ન કરે. ઈ.સ. ૧૬૦૦” (અંગ્રેજ અમલ દરમિયાન સ્વ. ઇચ્છાદાશના દાદા દયારામે પોતાની વતનદારીના હક બદલ દાવો કરેલ તે અરજીમાં સામેલ કરેલું મૂળ ફારસી પરથી અનુવાદ કરેલું-ફરમાનઃ-જુઓ ‘એકસો ને એક વર્ષ પૂર્વેનો ચોપડા’--’ગુજરાતી’નો દીપોત્સવી અંક, તા. ૮-૧૧-૧૯૪૨)
  3. જુઓ તા. ૯-૧૨-૧૯૨૮ના રોજ સુરતના ગુજરાતી સાહિત્ય મંડળના ઉપક્રમથી યોજાયેલ ઈચ્છારામજયંતી નિમિત્તે પ્રૉ. બ. ક. ઠાકોરના પ્રમુખપદે સ્વ. ઈચ્છારામના પુત્ર શ્રી નટવરલાલે આપેલું. ‘સ્વ. ઈ. સૂ. દેસાઈના સાક્ષરજીવનની રૂપરેખા’-એ વિષય પર વ્યાખ્યાન, પૃ. ૭,
  4. ‘સ્વ. ઈ. સૂ. દેસાઈના સાક્ષરજીવનની રૂપરેખા.’ પૃ. ૧૦
  5. ‘સ્વ. ઈ. સૂ. દેસાઈના સાક્ષરજીવનની રૂપરેખા’, પૃ. ૧૭.
  6. એજન પૃ. ૨૦-૨૧.
  7. એજન, તા. ૨૦-૧૧-૧૦ ના સ્વ. ઇચ્છારામના પત્રના આધારે.
  8. એજન, પૃ. ૩૭
  9. એજન, પૃ. ૨૯-૩૦.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.

***