ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ગુજરાતી જોડણીના નિયમો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગુજરાતી જોડણીના નિયમો

[તા. ૫ મી જુન સન ૧૯૨૯ના રોજ “ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી” તરફથી ગુજરાતી જોડણી વિષે એકાદ ચોકસ નિર્ણય પર આવવા, એ પ્રશ્નમાં રસ લેનારાઓની એક ન્હાની સભા સોસાઈટીની ઓફીસમાં ભરવામાં આવી હતી; અને તે સભામાં ગુજરાત વિદ્યાપીઠ, સરકારી કેળવણી ખાતું અને સાહિત્ય પરિષદ મંડળે, બહાર પાડેલા જોડણીના નિયમો વિષે શાસ્ત્રીય ચર્ચા સમગ્ર રીતે કરવામાં આવી હતી; અને તે સભા જે છેવટના નિર્ણયપર આવી હતી તે બધા નિયમો ફરી વિચારી જોઇ તેને વ્યવસ્થિત રીતે રજુ કરવા એક પેટા-કમિટી નિમવામાં આવી હતી; પરંતુ તે પેટા-કમિટીના અભિપ્રાય મેળવવાનું ત્યારબાદ બની શક્યું નથી. તે પાછળ લીધેલો શ્રમ નિરર્થક ન જાય અને બીજા કોઈ પ્રસંગે તે નિર્ણય–નિયમો વિચારવાનું સુગમ બને, એ ઉદ્દેશથી તે કાચો ખરડો છાપી દેવાનું યોગ્ય વિચાર્યું છે. સંપાદક. ] ૧ સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી. ઉદા મતિ, ગુરુ. ૨ ભાષામાં તત્સમ તથા તદ્‌ભવ બંને રૂપો પ્રચલિત હોય તે બંને સ્વીકારવાં. ઉદા. કઠિન, કઠણ; રાત્રિ, રાત; દશ, દસ; કાલ, કાળ; નહિ, નહીં ૩ જે વ્યંજનાંત તત્સમ શબ્દો ગુજરાતી પ્રત્યયો લે તે અને તત્સમ ભારદર્શક જ લે ત્યારે અકારાંત ગણીને લખવા. જેમકે–વિદ્વાન્‌-વિદ્વાન્‌, વિદ્વાનને, પરિષદ્‌, પરિષદમાં. તેમ-ક્વચિત્‌-ક્વચિતજ. આરબી, ફારસી, અંગ્રેજી કે બીજી ભાષામાંથી અપભ્રષ્ટ થયેલો શબ્દ રૂઢ થઈ ગયો હોય ત્યાં તેજ અર્થમાં તત્સમ શબ્દ વાપરેવો નહિ. ઉદા. પર્પટ, ખ્વાહિશ, હૂબહૂ, ઈંગ્લિશ, ટિકેટ નહિ; પણ પાપડ, ખાએશ, આબેહૂબ, અંગ્રેજી, ટિકિટ. પરભાષાના શબ્દોને તેના ઉચ્ચારાનુસાર વાપરવા હોય તોપણ ચિહ્‌નાદિનો ઉપયોગ કરવો નહિ. ઉદા. ખિદમત, વિઝિટ. ૪ અનુસ્વારના ભિન્ન ભિન્ન ઉચ્ચારો દર્શાવવા ચિહ્‌નો વાપરવાં નહિ. ૫ હકાર બાબત નીચે પ્રમાણે કરી શકાયઃ– (અ) નાનું, મોટું, બીક, સામું, ઊચું, મોર (આંબાનો) મોં, મોવું (લોટને) જ્યાં, ત્યાં, ક્યારે, જ્યારે, ત્યારે, મારું, તમારું, તારું, તેનું, અમારું, અને આવું વગેરેમાં હકાર દર્શાવવો નહિ;

—પણ—

(બ) બહેન, વહાણું, વહાલું, પહોળું, મહાવત, શહેર, જેવા શબ્દોમાં તથા કહે, રહે, પહેર, પહોંચ જેવા ધાતુઓમાં હકાર જુદો પાડીને લખવો અથવા સંયુક્ત પણ લખી શકાય;

—આમ છતાં–વિકલ્પ—

નાહ, ચાહ, સાહ, મોહ, લોહ, દોહ, કોહ, સોહ, એ ધાતુઓને અનિયમિત ગણી તેમનાં દર્શાવ્યા પ્રમાણે રૂપ સાધિત કરવાં:–નાહ-વું=નાહું છું, નાહીએ છીએ, નહાય છે, નાહો છો, નાહ્યે-હ્યા,-હી,-હ્યું,–હ્યાં. નાહીશ; નાહીશું; નહાશો; નહાશે, નહાત, નહાતો, તી-તું; નાહવાનો અથવા નાવાનો; નાહેલો,–લી,–લું; નહા, નહાજે; નાહવું. નવડા(ર)વવું: નવાવું, નવાય; નાવણ, નાવણિયો, નવેણ; નવાણ. ચાહ-વું=ચાહું છું; ચાહીએ છીએ; ચાહે છે; ચાહો છોઃ ચાહ્યો, હ્યા, હ્યું, હ્યાં, હ્યું, ત્યાં; ચાહીશ; ચાહીશું; ચાહશે; ચાહશોઃ ચહાત, ચહાતો,-તી,-તું; ચાહનાર, ચાહવાનો, ચાહેલો,-લી-લું; ચાહ; ચાહજે; ચાહવું. ચહવડા(ર)વવું; ચહાવાવું; ચહવાય; આવા પ્રયોગ પ્રચલિત નથી, આ પ્રમાણે બીજા ધાતુઓનાં રૂપો થાય છે;

—વળી—

(ક) ડ આગળના હને છુટો ન પાડતાં ડને ઠેકાણે ઢ વાપરવોઃ-કહા-ડવું, વહાડવું નહિ પણ કાઢવું, વાઢવું. કઢી, ટાઢ, અઢાર, અને કઢવું એમ લખવું પરંતુ ચઢવું, લઢવું, દાઢમ નહિ પણ ચડવું, લડવું અને દાડમ એમ લખવું. ૬ (૧૩ વિ. પીઠનો) તદ્‌ભવ શબ્દોમાં મહાપ્રાણનું દ્વિત્વ રાખવું- ઉદા. ચોખ્ખું; ચિઠ્ઠી, પથ્થર; છતાં ચ ને છ ચ્‌છનું દ્વિત્વ રાખવું:– ઉદા. અચ્છેર, પચ્છમ, અને અચ્છું. ૭ કેટલાક શબ્દોના ઉચ્ચારમાં યકાર શ્રુતિ થાય છે. જેમકે લાવ્ય, આંખ્ય, જાત્ય; લ્યો, દ્યો, વગેરે; પણ લખવામાં યકાર દર્શાવવાની જરૂર નથી. લાવ, આંખ, જાત, લો અને દો; એમ લખવું. ૮ ૨, ડ, લ, ને ળ ને બદલે કેટલાક શબ્દોમાં યકાર બોલાય છે તે ન વાપરતાં મૂળ રૂપેજ લખવું. જેમકે–પાયણું, બાયણું, દોયડું, ખાંયણી ચાયણી નહિ પણ–પારણું, બારણું, દોરડું, ખાંડણી અને ચાળણી; એમ લખવું. ૯ અનાદિ શના ઉચ્ચારની બાબતમાં પ્રાંતિક ઉચ્ચાર ભેદ છે. આવે ઠેકાણે વિકલ્પ રાખેવો. ઉદા. ડોશી ને ડોસી; માશી ને માસી; ભેંશ ને ભેંસ, છાશ ને છાસ; એંશી ને એંસી; વિશે ને વિષે; વગેરે; છતાં –શક, શોધ, અને શું-માં શ રૂઢ છે તે રાખવો, જ્યારે શર્કરાના શાકરમાં ઉચ્ચારને લઇ સ રાખવોઃ–સાકર. ૧૦ તદ્‌ભવ શબ્દોમાં અંત્ય ઈ તથા ઉ સાનુસ્વાર કે નિરનુસ્વાર એ અનુક્રમે દીર્ઘ અને હ્રસ્વ લખવાં, ઉદા. ધણી, વીંછી, અહીં, દહીં, પિયુ, લાડુ, જુદું, રૂ આમ દીર્ઘ લખવાનો સામાન્ય રીતે રિવાજ છે પરંતુ જ્યાં નિયમ પ્રમાણે હ્રસ્વ રુ લખવાનું હોય ત્યાં રુ અથવા રુ લખવું. ઉદા. છોકરું, બૈરું. ૧૧ એકાક્ષરી શબ્દોમાં નિરનુસ્વાર ઊ દીર્ઘ લખવો. ઉદા. જૂ લૂ, અૂ, ભૂ, વગેરે. ૧૨ અનંત્ય ઈ તથા ઊ પર આવતા અનુસ્વારનો ઉચ્ચાર પોચો હોય ત્યારે ઈ કે ઊ દીર્ઘ લખવાં. ઉદા. ઇંડું, સીંચણિયું, પીંછું, લૂંટ, પૂંછડું, વરસૂંદ, ૧૩ શબ્દમાં આવતા યુક્તાક્ષરથી જ્યાં આગલા સ્વરને થડકો લાગતો હોય ત્યાં ઈ કે ઊ જે હોય તે હ્રસ્વ લખવાં, અનુસ્વારનો ઉચ્ચાર અનુનાસિક જેવો થતો હોય ત્યાં યુક્તાક્ષર ગણવો, ઉદા. કિસ્તી, શિસ્ત, ડુક્કર, જુસ્સો, ચુસ્ત, છેતરપિંડી, જિંગોડી, લુંગી, દુંદ, તુંડાઈ. ૧૪ વ્યુત્પત્તિનો આધાર હોય એવા બે અક્ષરના શબ્દમાં ઉપાંત્ય છે. ઈ, ઊ દીર્ઘ અને બેથી વધારે અક્ષરના શબ્દોમાં ઈ ઉ પછી લઘુ અક્ષર આવે તો દીર્ઘ અને ગુરુ અક્ષર આવે તે હ્રસ્વ લખવાં:— જેમકે–ઝીણું, જીનો, કીડી; ચૂક, ઝૂલો; થૂઈ, તૂત. વગેરે. અને- વિમાસ, ખુશાલ, ખેડૂત, મંજૂર, મરહૂમ, સુતાર, કિનારો. અપવાદ—બે અક્ષરના શબ્દ–સુધી, દુઃખ. વિશેષણ પરથી થતાં નામ; તેમજ નામ પરથી થતાં ભાવવાચક નામોમાં મૂળ શબ્દની જોડણી કાયમ રાખવી. ઉદા. ગરીબ-ગરીબાઈ, વકીલ–વકીલાત, મીઠું-મીઠાશ; પણ ઉપાંત્ય સ્વર પર ભાર આવતો હોય તો દીર્ઘ કરવાં:–કબીલો; ગોટીલો, દાગીનો અરડૂસો અને દંતૂડી. ભાર ન આવતો હોય એવા શબ્દોઃ–ટહુકો, મહુડું વગેરે. ૧૫ ચાર અથવા તેથી વધારે અક્ષરના શબ્દોમાં આદિ ઈ કે ઉ હ્રસ્વ લખવાં:–મિજલસ, હિલચાલ, કુદરત, ખિસકોલી છતાં વિકલ્પ ગૂજરાત ને ગુજરાત. ૧૬ સમાસાંત શબ્દમાં પણ મૂળ જોડણી કાયમ રાખવીઃ–ભૂલથાપ, બીજવર, હીણકમાઉ. ૧૭ મૂળ શબ્દ પરથી બનતા શબ્દોમાં અને મૂળ ધાતુ પરથી કરાતાં પ્રેરક અને કર્મણિપ્રેયોગનાં રૂપોમાં પણ મૂળ શબ્દ યા ધાતુની જોડણી કાયમ રાખવી નહિ પરંતુ આગલા નિયમ મુજબ વિકલ્પે ફેરવવી. ઉદા. ભૂલ-ભુલામણી; શીખ-શિખામણ, નીકળ-નિકાલ; ઉઠ-ઉઠાડ; મૂકવું, મુકાવું, ભૂલવું, ભુલાવું, ભુલાવવું, મુકાવવું, વગેરે. ૧૮ શબ્દના બંધારણમાં ઇ પછી સ્વર આવતો હોય તો તે ઈને હ્રસ્વ કરી સ્વરની પહેલાં ય કરીને લખવું. ઉદા. દરિયો, કડિયો, રેંટિયો, ફડિયો, ધોતિયું, માળિયું, કાઠિયાવાડ, પિયર, મહિયર, સહિયર અને દિયર. –પરંતુ-વિભકિત કે વચનના પ્રત્યયો લગાડતાં શબ્દની મૂળ જોડણી કાયમ રાખવીઃ–ઉદા. નદી-નદીઓ; સ્ત્રી-સ્ત્રીઓ, તેમજ ક્રિયા રૂપો-કરીએ, છીએ. અપવાદ–થયેલું, ગયેલું, સુચવાયેલું. એમ લખવાં. ૧૯ (૨૮ મો.) પૈસો, ચૌટું. પૈડું, કૌંસ એમ લખવું, પરંતુ પાઇ, પાઉંડ, વગેરેમાં વિકલ્પ પણ ચાલે. ૨૦ જ અને ઝ જેમાં આવતા હોય એવા શબ્દોમાં કેટલેક ઠેકાણે જ ને કેટલેક ઠેકાણે ઝ બોલાય તથા લખાય છે–સાંજ, સજા, મજા, જીંદગી સમજ, આમાં જ; અને ગોઝારું, અને મોઝાર, એમાં ઝ લખવા સંબંધી વિકલ્પ પણ છે. ૨૧ (૩૦મો. આમલી-આંબલી, લીમડો-લીંબડો, તમડું-તૂંબડું, કામળ-કાંબળી, ડામવું–ડાંભવું, પૂમડું-પૂભડું, ચાંલ્લો-ચાંદેલો, સાલ્લો- સાડલો. આવા શબ્દોમાં બન્ને રૂપ ચાલે. ૨૨ (૩૧ મો.) કહેવડાવવું, ગવડાવવું, બેસાડવું આવાં પ્રેરક રૂપોમાં ડ અને ૨ નો વિકલ્પ રાખવો. ઉદા. કહેવરાવવું, ગવરાવવું, બેસારવું, વગેરે. ૨૩ (૩૨ મો.) જુવો, ધ્રુવો નહિ પરંતુ જુઓ લખવું.