ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ચંદુલાલ મણિલાલ દેસાઈ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ચંદુલાલ મણિલાલ દેસાઇ

એઓ જ્ઞાતિએ બ્રહ્મક્ષત્રિય; અને મૂળ વતની ભરૂચના, પણ લાંબા સમયથી અમદાવાદમાં વસે છે. એમના પિતા મણિલાલ ગંગાદાસ દેસાઈ ડૉક્ટર હતા અને સરકારી નોકરીમાં છેક સિવિલ સર્જનના મોટા અને માનવંતા હોદ્દા સુધી પહોંચ્યા હતા. માયાળુ અને મમતાળુ સ્વભાવવડે અને પરોપકાર વૃત્તિથી તેઓ જ્યાં જ્યાં નોકરીના અંગે ગયલા ત્યાં લોકપ્રિય થયલા; અને એ ગુણો એમના સુપુત્ર ચંદુલાલમાં ઉતરેલા એમના સંસર્ગમાં આવનાર કોઈને પણ જણાશે. એમનો જન્મ તા. ૨૬ મી સપ્ટેમ્બર ૧૮૮૨ ના રોજ આણંદમાં થયો હતો. એમનાં માતાનું નામ ધનલક્ષ્મીબ્હેન હતું, જે સ્વર્ગસ્થ લલ્લુભાઈ નંદલાલનાં પુત્રી થાય. એમનું લગ્ન સન માં સાકરલાલ ચંદુલાલના પુત્રી સૌ ચંદ્રમણિ સાથે થયું હતું અને તેમનું સન માં મૃત્યુ થયા પછી તેઓ વિધુરનું જીવન ગાળે છે.. તેઓએ માધ્યમિક શિક્ષણ અમદાવાદ સરકારી હાઈસ્કુલમાં લીધેલું અને કૉલેજ અભ્યાસ ઈન્ટર સુધી ગુજરાત કૉલેજમાં કરેલો; પણ તબિયત જોઈએ તેવી સારી રહેતી નહોતી અને શરીર એકવડા બાંધાનું એટલે વધુ અભ્યાસ અને હવાફેર અર્થે તેમને સન માં વિલાયત મોકલવામાં આવ્યા હતા. ત્યાં દંતવિદ્યાનો અભ્યાસ કરી, એમ. ડી. એસ. ની પદવી મેળવી હતી. અહિં પાછા આવ્યા પછી મુંબાઈમાં ડેન્ટીસ્ટની રૂમ ખોલી, તેમાં સારી નામના મળવા લાગી. એવામાં હોમરૂલની ચળવળ શરૂ થતાં, તેમાં તેઓ ભળ્યા; અને ચાલુ ધંધાને તિલાંજલિ આપી. તે પછી મહાત્માજીના સંબંધમાં આવતાં, તેમના એક ચુસ્ત અનુયાયી તેઓ બની રહ્યા અને અત્યારે તેઓ ભરૂચમાં સેવાશ્રમ સ્થાપી, ઘણું સ્તુત્ય અને ઉપયોગી દેશસેવા કાર્ય કરી રહ્યા છે. કૉલેજમાં હતા ત્યારથી કવિતા લખવા તરફ પ્રીતિ હતી; અને “વસન્ત વિનોદી”ના તખલ્લુસ નીચે એમણે રચેલાં દેશભક્તિનાં કેટલાંક કાવ્યો સન ૧૯૦૬-૧૯૦૭ માં બહુ લોકપ્રિય નિવડ્યાં હતાં. સમાજસુધારાના પ્રશ્નોમાં તેઓ અંતિમ વિચાર ધરાવતા અને તેનો કંઈક ખ્યાલ એમના બે કાવ્યો ‘કુમારિકા’ અને ‘વિધવા’ પરથી આવશે. એમના કાવ્યોનો એક સંગ્રહ ‘ટહુકાર’ના નામથી પ્રકટ થયલો છે; અને એક સારા કવિ તરીકે તેમનું નામ સુપ્રસિદ્ધ છે. બે વર્ષ પર ભરૂચ જીલ્લામાં પ્રચારાર્થે ‘વિકાસ’ નામનું સાપ્તાહિક પત્ર તેમણે કાઢ્યું હતું; પણ છેલ્લી સત્યાગ્રહની લડતમાં તેઓ જેલમાં જતાં, અને પ્રેસ-ઓર્ડિનન્સના કારણે તે છાપું બંધ પડ્યું હતું. હમણાં એક મહિનાથી, તે પાછુ સજીવન થયું છે. દેશસેવાર્થે પોતાનું સર્વસ્વ અર્પનાર અને સતત્‌ તેમાં રચ્યાપચ્યા રહેનાર એક સમાજસેવક તરીકે ગુજરાતમાં એમનું નામ નામાંકિત છે અને જનતાનો એમના માટે પ્રેમ પણ અગાધ છે.

: : એમની કૃતિઓ : :

૧. વિધવા સન ૧૯૦૬
૨. કુમારિકા  ”  ૧૯૧૯
૩. ટહુકાર  ”