ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/જીવાભાઇ રેવાભાઈ પટેલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જીવાભાઈ રેવાભાઈ પટેલ

એઓ જાતે લેઉઆ પાટીદાર; અને મૂળ વતની કરમસદના છે. હમણાં તેઓ ઉમરેઠમાં વકીલાત કરે છે. એમના પિતાનું નામ રેવાભાઇ અને માતાનું નામ કસનબા છે. એમનો જન્મ સં. ૧૯૩૨ માં ભાદરણમાં થયો હતો; અને લગ્ન સં. ૧૯૪૪માં આણંદ તાલુકાના ચીખેદ્રા ગામમાં સૌ. હીરાબ્હેન સાથે થયું હતું. પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ એમણે કરમસદમાં લીધેલું; અને ઉંચી કેળવણી વડોદરામાં લીધેલી. તેઓએ સન ૧૮૯૬ માં બી. એ. ની પરીક્ષા વડોદરા કૉલેજમાંથી પાસ કરી હતી. એ પરીક્ષામાં સંસ્કૃતમાં ઉંચા માર્કસ મળવાથી તેમને ભાઉ દાજી પ્રાઇઝ મળ્યું હતું, જે માન મેળવનાર ગુજરાતીઓ બહુ થોડી સંખ્યામાં મળી આવશે. સન ૧૮૯૮માં એલ એલ. બી થયા; અને તે પછી ઉમરેઠમાં વકીલાત કરવા માંડી. સન ૧૯૧૩ માં ડાકોરના રણછોડરાયના મંદિરના મેનેજરની જગા મળતાં વકીલાત છોડી. પણ દશ વર્ષ પછી એ જગાનું રાજીનામું આપી ફરીથી વકીલાત શરૂ કરી છે. અસહકારની ચળવળ વખતે તેમણે ઠાસરા તાલુકા સમિતિના સર નસિન તરીકે સારૂં કામ કર્યું હતું. મુંબાઈની કાઉન્સિલમાં પણ લોકનિયુક્ત સભાસદ તરીકે સન ૧૯૨૬-૨૯ માં જઈ આવ્યા હતા. લેખનવાચનનો શોખ શરૂઆતથી; અને તેમાં શ્રીયુત મોતીલાલ અમીન જેવા તરફથી એમને પ્રેત્સાહન મળતું રહેતું તેથી તેમણે નવરાશનો સમય સારા ગ્રંથોનાં ગુજરાતીમાં અનુવાદ કરવામાં ગાળેલો છે અને એ અનુવાદો, જેને તરજુમીઆ-શુષ્ક કહીએ એવાં નહિ; પણ જે વાંચતાં આનંદ પડે એવાં થયલાં છે; અને તે ઉપયોગી કૃતિઓ છે.

: : એમના ગ્રંથો : :

૧. હેન્રી ફોસેટનું જીવનચરિત્ર સન ૧૯૦૨
૨. ઇલિઝાબેથ રાણીનો સમય  ”  ૧૯૦૬
૩. જીવનનો આદર્શ  ”  ૧૯૦૭
૪. સ્ત્રીઓની પરાધીનતા  ”  ૧૯૦૮
૫. સુખ અને શાન્તિ  ”  ૧૯૧૬
૬. ઇંગ્રેજી રાજ્યબંધારણ  ”  ૧૯૨૧
૭. દાનવીર એન્ડ્રુ કાર્નેગી  ”  ૧૯૨૬