ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
એઓ જ્ઞાતિએ દશા શ્રીમાળી વણિક (જૈન); અને જન્મ ચોટીલા (પાંચાલ) માં સં. ૧૯૫૩ ના શ્રાવણ વદ પાંચમના રોજ થયો હતો. એમના પિતાનું નામ કાળીદાસ દેવચંદ મેઘાણી અને માતાનું નામ ધોળીબાઈ વીરજી રૂપાણી છે. એમનું લગ્ન જેતપુરમાં સં. ૧૯૭૮ માં સૌ. દમયન્તીબ્હેન સાથે થયું હતું. પ્રાથમિક કેળવણી એમણે રાજકોટ, દાઠા, પાળીઆદ વગેરે ગામોમાં લીધેલી; માધ્યમિક શિક્ષણ માટે વઢવાણ કેમ્પ, બગસરા, અમરેલી વગેરે સ્થળોએ ફરેલા અને કૉલેજનો અભ્યાસ ભાવનગર-સામળદાસ કૉલેજમાં અને જુનાગઢ-બાઉદ્દીન કૉલેજમાં કરેલો. સન ૧૯૧૬ માં તેઓ ઈંગ્રેજી અને સંસ્કૃત ઐચ્છિક વિષય લઈને બી. એ. પાસ થયા હતા. એમનો ચાલુ વ્યવસાય પત્રકારિત્વ અને ગ્રંથલેખન છે અને અભ્યાસનો પ્રિય વિષય લોકસાહિત્ય છે. એઓએ એક પ્રસંગે બોલતાં કહેલું કે કલકત્તામાં એલ્યુમિનમના કારખાનામાં પોતે મેનેજિંગ કામ કરતા ત્યાંથી એ સ્વભાવને પ્રતિકૂળ કામ છોડી કાઠિયાવાડ પાછા આવ્યા, ત્યારે શું પ્રવૃત્તિ કરવી એ વિષે પોતે દિશાશૂન્ય હતા. તે વખતે એમને સૌરાષ્ટ્રના તંત્રી શ્રી. અમૃતલાલ શેઠે પકડી લીધા, સાહિત્યપ્રકાશનનું કાર્ય ઉઘાડી તેમના હાથમાં મૂક્યું અને તેમની સાહિત્યપ્રીતિને બહોળું સ્વતંત્ર મેદાન આપ્યું. ત્યારથી સાહિત્ય અને લેખનવાચન પ્રતિનો શોખ ખૂબ ફાલ્યો-ખીલ્યો છે, એટલે દરજ્જે કે “સૌરાષ્ટ્ર” સાથે અમૃતલાલ શેઠની પેઠે એમનું નામ પણ સંકળાયેલું રહેશે; અને તે ખાસકરીને લોકસાહિત્ય, કથા વાર્તા અને લોકગીતનાં એમનાં કિમતી પુસ્તકોથી. અગાઉ યુરોપિયન વિદ્વાનો જૂનું લોકસાહિત્ય ભેગું કરવાને યત્ન કરતા અને તેની કાંઈક વાનગી ઇન્ડિયન એન્ટીક્વેરીના પુસ્તકમાં મળી આવશે. સ્વ. મી. જેકશને ગુજરાતીઓની માન્યતા અને આચારવિચાર વિષે એક લેકસાહિત્યનું પુસ્તક પ્રસિદ્ધ કર્યું હતું. તે પછી આપણે અહિં પ્રથમ ધ્યાન દોરનાર સ્વ. રણજીતરામ, જેમણે પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદમાં એ વિષય પર લેખ વાંચ્યો હતો. તેઓ ઝાઝું કરી શકેલા નહિ; અને જે કાંઈ થોડો ઘણો લોકગીતનો સંગ્રહ કરેલો તે સુરત રણજીતરામ સ્મારક સમિતિએ પ્રકટ કર્યો છે. પરન્તુ એ વિષયનું પદ્ધતિસર નિરુપણ અને સંપાદન કાર્ય, તે સારૂં અને શાસ્ત્રીય રીતે કરવાનો યશ તો શ્રીયુત મેઘાણીને જ ઘટે છે. લોકજીવનનું તાદૃશ્ય રેખાચિત્ર દોરતું એ રસસાહિત્ય-લોકગીત કથાવાર્તા-લાંબા સમયથી અંધારામાં ધૂળમાં દટાઈ પડ્યું હતું. પણ તેને પ્રકાશમાં આણવાનો જ ફક્ત નહિ; પણ તે પ્રચલિત અને લોકપ્રિય કરવા બદલ જો કોઇ એક વ્યક્તિને માન આપવું ઘટે તો તે શ્રીયુત મેઘાણીને છે અને એમને એ કાર્યની કદર રણજીતરામ સ્મારક સમિતિએ એમને રણજીતરામ સુવર્ણચંદ્રક અર્પીને કરી છે તે, સર્વથા યોગ્ય થયું છે. અત્યારે તો લોકસાહિત્યના નામ સાથે શ્રી. મેઘાણીનું છાયાચિત્ર જનતાની આંખ સમક્ષ આવી ખડું થાય છે; અને તેમને બોલતા ગાતા સાંભળવા, એ પણ જીવનની એક મીઠી લ્હાણ છે. “સૌરાષ્ટ્ર” કાર્યાલયનું તેઓ એક ઉમદા રત્ન છે; અને તેમાંથી પડતો પ્રકાશ, એમના લેખો અને કાવ્યોદ્વારા અને સ્ફૂર્તિદાયક હોય છે. એમના ‘સિંધુડા’ એ તો ચાલુ રાષ્ટ્રીય યુદ્ધમાં અનેકના જીવનમાં નવીન પ્રાણ સંચાર્યા હતા. વળી છાપામાં આવ્યું હતું કે માજીસ્ટ્રેટ સમક્ષ કેશના અંતે જે ગીત એમણે ગાઈ સંભળાવેલું, તેની અસર એટલી સચોટ અને ઉંડી થઈ હતી કે કોર્ટમાં હાજર રહેલા સૌની આંખમાંથી આંસુ સર્યા હતાં. એમની સજા પણ ભારે–ગુન્હા વિના–કરવામાં આવી હતી; પણ એ અન્યાયને એમણે ખામોશ રાખી સહન કર્યો હતો અને એમ બતાવી આપ્યું હતું કે તેઓ જેમ એક સારા લેખક છે; તેમ સાચા સત્યાગ્રહી વીર પણ છે.
: : એમની કૃતિઓ : :
| ૧. | કુરબાનીની કથાઓ (બે આવૃત્તિ ૧૯૨૩) | સન ૧૯૨૨ |
| ૨. | એશિયાનું કલંક (ત્રણ આવૃત્તિ ૧૯૨૩, ૧૯૨૯) | ” ૧૯૨૩ |
| ૩. | ડોશીમાની વાતો (” ૧૯૨૩, ૧૯૨૬, ૧૯૨૮) | ” ૧૯૨૩ |
| ૪. | મરણિયું આયર્લેન્ડ | ”” |
| ૫. | સૌરાષ્ટ્રની રસધાર ભા. ૧* (બે આવૃત્તિ ૧૯૨૯) | ”” |
| ૬. | ”” ભા. ૨* | ” ૧૯૨૪ |
| ૭. | ”” ભા. ૩* (બે આવૃત્તિ ૧૯૨૮) | ” ૧૯૨૫ |
| ૮. | ”” ભા. ૪* | ” ૧૯૨૬ |
| ૯. | ”” ભા. ૫* | ” ૧૯૨૭ |
| ૧૦. | રાણો પ્રતાપ (ત્રણ આવૃત્તિ ૧૯૨૩, ૧૯૨૯) | ” ૧૯૨૩ |
| ૧૧. | રાજા રાણી | ” ૧૯૨૪ |
| ૧૨. | રઢીયાળી રાત ભા. ૧* (ત્રણ આવૃત્તિ ૧૯૨૬, ૧૯૨૮) | ” ૧૯૨૫ |
| ૧૩. | ””ભા. ૨* (બે આવૃત્તિ ૧૯૨૮) | ” ૧૯૨૬ |
| ૧૪. | ””ભા. ૩* (બે આવૃત્તિ ૧૯૨૯) | ” ૧૯૨૭ |
| ૧૫. | શાહજહાં | ” ૧૯૨૬ |
| ૧૬. | દાદાજીની વાતો* (ત્રણ આવૃત્તિ સં. ૧૯૮૩,૧૯૨૯) | ” ૧૯૨૬ |
| ૧૭. | ઝંડાધારી (સંયુક્ત કૃતિ, શ્રી. કકલભાઈ કોઠારી સાથે) (બે આવૃત્તિ ૧૯૨૮) | ”” |
| ૧૮. | કંકાવટી* (બે આવૃત્તિ ૧૯૨૮) | ” ૧૯૨૭ |
| ૧૯. | સત્યવીર શ્રદ્ધાનંદ* (બે આવૃત્તિ ૧૯૨૭) | ” ૧૯૨૭ |
| ૨૦. | હંગેરીનો તારણહાર | ”” |
| ૨૧. | સોરઠી બહારવટીઆ ભા. ૧* (ત્રણ આવૃત્તિ ૧૯૨૮, ૧૯૨૯) | ” ૧૯૨૭ |
| ૨૨. | ”” ભા. ૨* (બે આવૃત્તિ ૧૯૨૯) | ” ૧૯૨૮ |
| ૨૩. | ”” ભા. ૩* | ” ૧૯૨૯ |
| ૨૪. | હાલરડાં* (બે આવૃત્તિ ૧૯૨૯) | ” ૧૯૨૮ |
| ૨૫. | સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં* | ”” |
| ૨૬. | વેણીનાં ફુલ* (ત્રણ આવૃત્તિ ૧૯૨૮, ૧૯૩૦) | ”” |
| ૨૭. | સોરઠી સંતો* (બે આવૃત્તિ ૧૯૨૯) | ”” |
| ૨૮. | ચુંદડી ભા. ૧* (બે આવૃત્તિ ૧૯૨૮) | ”” |
| ૨૯. | ” ભા. ૨* | ” ૧૯૨૯ |
| ૩૦. | કિલ્લોલ | ”” |
| ૩૧. | ઋતુ ગીતો* | ”” |
| ૩૨. | નરવીર લાલાજી (સંયુક્ત કૃતિ) | ”” |
| ૩૩. | મિસરનો મુક્તિ સંગ્રામ | ” ૧૯૩૦ |
| ૩૪. | સિંધુડો* | ”” |
| ૩૫. | સોરઠી ગીતકથાઓ | ” ૧૯૩૧ |
* સ્વતંત્ર કૃતિઓ છે; જ્યારે બાકીનાં ગ્રંથો અનુવાદ કરેલાં વા કેટલાક ગ્રંથોના આધારે રચ્યાં છે.