ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/બચુભાઈ પોપટભાઇ રાવત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બચુભાઇ પોપટભાઇ રાવત

એઓ જાતે રજપુત; મૂળ વતની અમદાવાદના પણ કેટલીક પેઢીથી નોકરીના કારણે વસવાટ અને ઉછેર ગોંડલમાં. એમના પિતાનું નામ પોપટભાઈ જીવાભાઈ રાવત છે. માતાનું નામ શ્રી સુરજબાઈ હતું. એમનું લગ્ન સં. ૧૯૬૫ ના વૈશાખ સુદ ૩ ના રોજ અમદાવાદમાં શ્રી સાકરબાઇ સાથે થયું હતું. એમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ગોંડલમાં મેળવેલું અને મૅટ્રિક્યુલેશનની પરીક્ષા સન ૧૯૧૪ માં સંગ્રામજી હાઇસ્કુલમાંથી પસાર કરી હતી. એમના પ્રિય વિષયો મુદ્રણકલા અને પત્રકારિત્વ છે, જેની ખીલવણી અર્થે તેઓ સતત પ્રયત્ન કરતા રહે છે; અને તે પાછળ પોતાની બધી શક્તિ ખર્ચે છે. તેઓ હમણાં ‘કુમાર’ ના સહતંત્રી તરીકે-વસ્તુતઃ કુમાર કાર્યાલયના મુખ્ય સંચાલક તરીકે કામ કરે છે. પ્રસ્તુત કાર્યાલયને સ્થપાયે ઝાઝો સમય થયો નથી પણ એ સાત વર્ષની ટુંક મુદ્દતમાં ગુજરાતના મુદ્રણ અને ચિત્રકળામાં એ સંસ્થાએ અનેખી છાપ પાડી છે; અને અન્ય પ્રેસ-છાપખાનાઓ તેની નકલ કરે છે, એ જ તેના કાર્યની સફળતા છે. એ સફળતા મેળવવાનો યશ શ્રીયુત બચુભાઈ ઘટે છે. તેઓ પ્રકૃતિએ શાન્ત છે અને પડખે રહી કામ કરવાનો સ્વભાવ હોવાથી, એમના વર્તુલ બહાર એમના કાર્ય વા શક્તિ વિષે બીજાઓને ઝાઝો ખ્યાલ નહિ હોય; પણ જેઓ એમના પરિચયમાં આવેલા છે અને એમને કાર્ય કરતા જોયેલા છે, તેઓ જરૂર કહેશે કે નવગુજરાતનું એઓ એક છૂપું પણ અમૂલ્ય રત્ન છે. ‘કુમાર’ માસિકની જે પ્રતિષ્ઠા જામી છે અને એકલા યુવકવર્ગમાંજ નહિ; પરંતુ ઈંગ્રેજી-My Magazine-માય મેગેઝીનની પેઠે તે બધાંને એકસરખું રસદાયક અને જ્ઞાનદાયક નિવડ્યું છે; તે માટે શ્રીયુત રાવળની સાથે એમનો હિસ્સો ન્હાનોસુનો નથી. પોતે ઉંચી કેળવણી લઈ શક્યા નથી; પણ ખાનગી અભ્યાસ અને ચાલુ વાચનથી તેઓ એક ગ્રેજ્યુએટને ભુષણરૂપ થઈ પડે એવું સામાન્ય વિષયોપર તેમ આધુનિક જીવનમાં પ્રવર્તતા બળો વિષે જ્ઞાન ધરાવે છે. સાદું છતાં, સંસ્કારી જીવન અને સતત ઉદ્યમમાં-પછી તે વાચન કે પ્રેસકામ–પ્રવૃત્ત રહેવું, એ એમના જીવનનો મુદ્રાલેખ છે. તેઓ જણાવે છે કે બેન્જામિન ફ્રેંકલિનના જીવનમાંથી એમના જીવન ઘડતરમાં એમને બહુ પ્રેરણા અને બળ મળેલાં. એમનું “જ્ઞાનાંજલિ” નામનું હસ્તલિખિત પુસ્તક જોઇને, એ ઘાટીએ એક વાર્ષિક કાઢવાની અમને સ્ફુરણા થયેલી; અને ચાલુ ‘ગ્રંથ અને ગ્રંથકાર’ પુસ્તકમાં એ અસરની છાયા દેખાશે.

એમના લેખો છૂટાછવાયા માસિકોમાં આવે છે; અને હમણાં જ ‘વિશાલ ભારત’ માટે લખી મોકલેલો (જુઓ વિશાલ ભારત, જાન્યુઆરી ૧૯૩૧- કલા અંક) “ગુજરાતમાં કલાસંસ્કારનું નવવિધાન” નામનો લેખ, એમની રસવૃત્તિ અને વિવેચક શક્તિનો અચ્છો પરિચય કરાવશે.