ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/ઇન્દિરાનંદ લલિતાનંદ પંડિત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઇન્દિરાનંદ લલિતાનંદ પંડિત

એઓ જ્ઞાતે વડનગરા નાગર બ્રાહ્મણ (કોકણા) અને સુરતના વતની છે. એમનો જન્મ સુરતમાં સન ૧૮૫૧માં થયો હતો. એમના પિતાનું નામ લલિતાનંદ અને માતુશ્રીનું નામ ગીરજાગવરી હતું. એમનું લગ્ન સન ૧૮૭૩ માં સૌ. ઇન્દિરાગૌરી તે ગંગાશંકર મણિશંકર શુક્લની પુત્રી સાથે થયું હતું. એમના પિતા લલિતાનંદને સંસ્કૃત તથા વેદશાસ્ત્ર અને ન્યાયનો ગાઢો અભ્યાસ હતો. એ સમયે સંસ્કૃતમાં મળતું શિક્ષણ જેમકે વર્ણોચ્ચાર, અષ્ટાધ્યાયી, ઋગ્વેદના કેટલાંક સૂત્ર, યજુર્વેદની તૈત્તરીય શાખાની રૂદ્રિ વગેરેનું એમણે લીધું હતું. તે ઉપરાંત મરાઠી પુસ્તક શિખ્યા હતા; અને અંગ્રેજીમાં લીટલ ગો (હાલની પ્રિવિયસ અગર F. Y. A.) સુધી અભ્યાસ કર્યો હતો. એમણે કસ્ટમ ખાતાના એકાઉન્ટન્ટ તરીકે ખારાઘોડા, ખંભાત, ઘોઘા અને મુંબાઇ વગેરે મુકામે નોકરી કરી હતી. મુંબાઇમાં મોટે ભાગે રહ્યા હતા; હાલમાં પેન્શનર છે અને સુરતમાં રહે છે. લેખનવાચનનો સારો શોખ છે. વેદ અને કાવ્ય એમના પ્રિય વિષયો છે. એમના ઉપર એમના માતાપિતા ઉપરાંત કવિ નર્મદ અને સ્વામી દયાનંદની બહોળી અસર થવા પામી હતી. રોમન અને ગ્રીક ઇતિહાસના અભ્યાસથી એમના કાવ્ય ઉપર સ્વદેશાભિમાન અને વીર રસની ઉંડી અસર થવા પામી હતી. એઓ કવિ તરીકે પંકાયલા છે, અને એમનાં કવિતાનાં પુસ્તકો કાવ્યાનંદનિધિ ભાગ ૧ થી ૪ છપાયેલા છે. ધર્મ વિષયમાં પણ એમની પ્રવૃત્તિ એ જ રીતે પ્રગતિમાન રહેલી છે. તે એમના પુસ્તકની સુચી, નીચે આપી છે તે પરથી માલમ ૫ડશે. વીર રસની અને શૃંગારની કવિતા એમણે લખી રાખેલી છે. પણ તે છપાવવા હજી બન્યું નથી. હમણાં આંખે ઝાંખું દેખાય છે તેથી લખવા કરવાનું કામ મંદ પડ્યું છે.

: : એમની કૃતિઓ : :

૧  શ્રી પાતાંજલ યોગસૂત્રનો આશય સન ૧૯૨૩
રૂદ્રાધ્યાય  ”  ૧૯૨૪
કાવ્યાનંદનિધિ ભાગ ૧  ”  ૧૯૨૮
 ”  ૧૯૨૩
 ”  ૧૯૨૮
 ”  ૧૯૨૯
મંત્ર રહસ્ય સ્પષ્ટીકરણ  ”  ૧૯૨૭
બ્રહ્મસૂત્ર વેદાંત દર્શન  ”  ૧૯૨૫
મેન્યુઅલ ઓફ ગ્રીક, રોમન, ઇંગ્લિશ અને ઇંડિયન હિસ્ટરી (અંગ્રેજીમાં)  ”  ૧૯૬૮