ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/છોટાલાલ ડાહ્યાભાઈ જાગીરદાર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
છોટાલાલ ડાહ્યાભાઈ જાગીરદાર

એઓ જ્ઞાતે ડીડૂ માહેશ્વરી (વૈશ્ય વણિક) છે. એમનું વતન સુરત અને જન્મ પણ એ જ સ્થાનમાં સં. ૧૯૪૨માં થયો હતો. એમના પિતાનું નામ ડાહ્યાભાઈ મોતીરામ જાગીરદાર; જેઓ બી. એ. થયેલા હતા. એમની માતુશ્રીનું નામ શ્રીમતી નવનીતગૌરી હતું. એમનું પ્રથમ લગ્ન સુરતમાં સન ૧૯૦૬માં સૌ. માણેકબાઈ સાથે થયું હતું અને બીજું લગ્ન સન ૧૯૧૮માં સૌ. સાવિત્રીબાઈ સાથે થયું હતું. એમણે ઈન્ટરમિડિયટ આર્ટ્‌સ સુધીનો અભ્યાસ કરેલો છે. હાલમાં તેઓ રૂના વેપારી છે; તે આગમચ હાથ વણાટના કાપડનો ધંધો કરતા હતા. આ પ્રમાણે સાહિત્યક્ષેત્રથી વિમુખ વ્યવસાયી વેપારી જીવન ગાળવા છતાં એઓ સાહિત્યમાં રસ રાખી રહ્યા છે; એટલુંજ નહિ પણ હાસ્યાત્મક લેખો લખી જનતાના મન રંજન કરી રહ્યા છે, એ એમના માટે ઓછું માનાસ્પદ નથી. સ્વ. હાજીમહમદ અલારખીઆ શિવજીની પ્રેરણા અને પ્રોત્સાહનથી ‘વીસમી સદીમાં’ જ્યારથી એમને ‘મારી ફઈબા’ નામનો વિનોદાત્મક લેખ પ્રસિદ્ધ થયો ત્યારથી એક હાસ્યરસના લેખક તરીકે એમની ખ્યાતિ બંધાઈ છે; અને એમના લેખે વાચકવર્ગમાં હોંશથી અને ઉત્સાહપૂર્વક વંચાય છે, એમાં લેખકની કલમની સફળતા રહેલી છે. શ્રીમદ્‌ ભાગવત અને શ્રીમદ્‌ ભગવદ્‌ગીતા એમના અભ્યાસનાં પુસ્તકો છે; અને શ્રીમદ્‌ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના તેમ મહાત્મા ગાંધીજીને તેઓ ચુસ્ત ભક્ત અને અનુયાયી છે. સ્વજ્ઞાતિનો એમણે ઇતિહાસ લખેલો છે અને યોગ અને હસ્તરેખા શાસ્ત્રમાં રસ ધરાવે છે. એમના વિનોદાત્મક લેખોના ત્રણ સંગ્રહ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે.૧ “ઉધિયું”ની બે આવૃત્તિ થવા પામી છે, એ તેની લોકપ્રિયતાની અચૂક નિશાની છે. હાસ્યરસના એક કુશળ લેખક તરીકે તેમની કીર્તિ ગુજરાતી વાચક આલમમાં ચોતરફ પ્રસરેલી છે અને ‘મારા ફઈબા’ ના એમના લેખનો હિન્દીમાં અનુવાદ થયો છે,૨ એ બતાવે છે કે પર પ્રાન્તમાં પણ એમના હાસ્યની કદર થવા માંડી છે.

: : એમની કૃતિઓ : :

ગુજરાતી ડીડૂ જ્ઞાતિનો ઇતિહાસ સન ૧૯૨૭
ઉંધિયું સં ૧૯૮૫
ફઈબા કાકી ” ૧૯૮૬
સબરસિયું ” ૧૯૮૭

૧ અને ચોથો થોડા સમયમાં પ્રસિદ્ધ થશે.
૨ અને ‘ઉંધિયું’ની વાર્તાઓનો અનુવાદ મરાઠીમાં થવો શરૂ થયો છે.