ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/નાજુકલાલ નંદલાલ ચોક્સી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નાજુકલાલ નંદલાલ ચોક્સી

એઓ જાતે ભાટીઆ છે. વડોદરાના વતની છે. જન્મ પણ એ જ સ્થળે સં. ૧૯૪૭ના આષાઢ વદી ૪ ના રોજ થયો હતો. એમના પિતાશ્રીનું નામ ઠા. નંદલાલ ગીરધરલાલ ચોક્સી અને માતુશ્રીનું નામ ગં. સ્વ. મણિબ્હેન છે, જેઓ ઠા. ભુરાભાઈ લક્ષ્મણના પુત્રી થાય છે. એમનું લગ્ન સન ૧૯૨૬માં સત્યાગ્રહ આશ્રમ-સાબરમતીમાં વસતા જાણીતા ખાદીસેવક શ્રીયુત લક્ષ્મીદાસ પુરુષોત્તમદાસના જ્યેષ્ઠ પુત્રી સૌ. મોતીબહેન સાથે થયું હતું. એમણે ગુજરાતી પાંચ ધોરણનો અભ્યાસ કર્યો છે અને ઇંગ્રેજી શિક્ષણ મેટ્રિક સુધીનું લીધું છે. મેટ્રીક સન ૧૯૦૯માં પાસ થયા પછી કૉલેજમાં દાખલ ન થતાં કોઈ ધંધાહુન્નરનું શિક્ષણ પ્રાપ્ત કરવા તેઓ વડોદરા કલા ભુવનમાં રંગ શિક્ષણ ખાતામાં દાખલ થયા હતા; પણ સાંસારિક ઉપાધિના કારણે એક વર્ષમાં તે અભ્યાસ પડતો મૂકી તેમને વડોદરા રાજ્યમાં ઇજનેરી ખાતામાં નોકરી લેવી પડી હતી. પરંતુ પુસ્તકો માટે મૂળ પ્રીતિ તેથી એમણે ઇજનેર ખાતાની વધારે પગારવાળી નોકરી મૂકી દઇને વડોદરામાં તરતના ઉઘડેલા લાયબ્રેરી ખાતાની ટુંકા પગારની નોકરી સ્વીકારેલી. ત્યાંથી કલાભવનના લાયબ્રેરીયન તરીકે બદલાઈ તે જગા પર ત્રણ ચાર વર્ષ કામ કર્યા બાદ રાજીનામું આપી વડોદરા રાજ્યની નોકરીમાંથી છૂટા થયા ને ભરૂચવાળા જાણીતા સમાજસેવક શ્રીયુત છોટાલાલ પુરાણીની સાથે ભરૂચ કેળવણી મંડળમાં ને પછી સેવાશ્રમમાં જોડાયા. ગુજરાતની વ્યાયામ પ્રવૃત્તિમાં પણ શ્રી. પુરાણીને એમનો સાથ હતો. ભરૂચથી સન ૧૯૨૯ની સાલમાં એ છૂટા થયા ને વડોદરા રાજ્ય પુસ્તકાલય પરિષદ મંડળના સહમંત્રી તરીકે જોડાયા. ૧૯૩૦ની સત્યાગ્રહ લડત વખતે ફરી પાછા ભરૂચ ગયા ને ભરૂચ જીલ્લા સમિતિના મંત્રી તરીકે કામ કરી જેલનો અનુભવ લઈ આવ્યા છે. એ પછી હાલમાં તેઓ પાછા પુસ્તકાલય પરિષદની કામગીરીમાં જોડાયેલા છે. પુસ્તકાલયના કામમાં શ્રીયુત મોતીભાઈ અમીનના હાથ નીચે એમણે બહુ સારી તાલીમ મેળવી છે અને હમણાં તેઓ એ જ કાર્યમાં પુસ્તકાલય પ્રવૃત્તિને વિસ્તારવા સારો શ્રમ લઈ રહ્યા છે. ભરૂચમાં તેમણે મોગલ તથા પઠાણ સમય વિષે બે પાઠ્ય પુસ્તકો ગુજરાત વિદ્યાપીઠ માટે લખ્યાં હતાં; અને સાહિત્યનો શોખ હોવાથી લેખનવાચન એમનું ચાલુ જ છે.

: : એમની કૃતિઓ : :

સ્વામી વિવેકાનંદ, ભા. ૬–૭ સં. ૧૯૭૬
દયાળુ માતા સં. ૧૯૭૯
સ્વામી શ્રી ભાસ્કારાનંદજી સં. ૧૯૮૫
સ્વામી વિવેકાનંદ, ભા. ૧૧ ” ૧૯૮૬
ભા. ૧૨ (દેવવાણી) ” ૧૯૮૭
ઉપદેશ સારસંગ્રહ, ભા. ૧-૨ ” 
ઐતિહાસિક વાર્તામાળા સન ૧૯૨૩
હિંદી તવારીખ (તુર્ક અને પઠાણ રાજ્યો)  ”
સીતા  ”   ૧૯૩૨