ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૩/પંડિત નરહરિ બી. શર્મા
પંડિત નરહરિ બી. શર્મા (ધરાદેવ—પરિમલ)
એઓ જ્ઞાતે સારસ્વત બ્રાહ્મણ છે. એઓ ગઢસીઆ (કચ્છ)ના વતની છે અને જન્મ એ જ ગામમાં સં. ૧૯૪૬ ના ચૈત્ર વદિ ૪ ને બુધવારના રોજ થયો હતો. એમના પિતાનું નામ ભગવાનજી અને માતુશ્રીનું નામ પાર્વતીબ્હેન છે. એમનું લગ્ન પંદરમે વર્ષે મોથારા (કચ્છ) માં સૌ. રાધાબ્હેન સાથે થયું હતું. એમણે ગુજરાતી સાત ધોરણનો અભ્યાસ કરેલો છે, તેમ ઇંગ્રેજી ચાર ચોપટીનું જ્ઞાન મેળવેલું છે. સંસ્કૃતનો પણ ઠીક ઠીક પરિચય છે. હાલમાં તેઓ વૈદકનો ધંધો કરે છે. તેમ છતાં સાહિત્ય અને ધર્મગ્રંથોનું અધ્યયન ચાલુ છે. શાસ્ત્રીય સંગીતની અવિરત ઉપાસના, એ એમના જીવનનું પરમ ધ્યેય છે.
: : એમની કૃતિઓ : :
| ૧ | વિશ્વલીલા | સન ૧૯૨૦ |
| ૨ | રાષ્ટ્રીય ગીત ગંગા | ” ૧૯૩૦ |