ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૪/રા. સા. મયારામ શંભુનાથનું ચરિત્ર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
રા. સા. મયારામ શંભુનાથ ચરિત્ર

રાવસાહેબ મયારામ શંભુનાથનો જન્મ, ગામ મોતા, તાલુકે કડોદ જીલ્લે સુરત, ઇલાકે મુંબાઈમાં, સંવત ૧૮૮૬ના ચૈત્ર સુદી ૧૩, મુકાબીલ માર્ચ સને ૧૮૩૦ ઇસ્વીને રોજ થયો હતો. (તારીખ, વારની ખબર નથી.) એ જાતે હિંદુ (ગુજરાતી) મોતાળા બ્રાહ્મણ (મોતા ગામ ઉપરથી મોતાળા બ્રાહ્મણ નામ પડ્યું હોય એમ લાગે છે.) એમના પૂર્વજો સારા કુટુંબના તથા વિદ્વાન હતા, અને ધર્મકૃત્યના કામમાં ઘણા કુશળ હતા. એમના દાદા, ભાઇદાસ, એમના વખતના ગામના નાના તડના તડવાઈ પટેલ હતા, અને તેમનું સારાકુળ એટલે શામકુળમાં ભારદ્વાજ ગોત્રીની કન્યા દુધીદેવી સાથે લગ્ન થયું હતું અને તેમના પિતા શંભુનાથ કાવ્યમાં એટલા તો કુશળ હતા કે આઘે આઘેના વિદ્યાર્થીઓ તેમની કીર્તિ સાંભળીને તેમની પાસે વિદ્યાભ્યાસ કરવા આવતા. એ શંભુનાથ એવા ગુણી અને શાંત સ્વભાવના હતા કે એમને સામેથી કોઈએ પત્થર મારી આંખ ફોડી નાંખી, તોપણ તેની ઉપર ફરિયાદ કે કાંઈ દુર્ભાષણ કર્યા વગર બેસી રહ્યા અને બોલ્યા કે થવાકાળ થયું એમાં બીજાનો વાંક નથી. વળી તેઓ એટલા શરમાળ હતા કે તેમની વિદ્વતા જોઇ તેમને પુણામાં ગૃહસ્થોને ત્યાં કથા પુરાણ કરાવવા તેમના સગા સ્નેહી લેઇ ગયા; ત્યાં મોઢામાંથી ભાષણ પણ પુરેપુરૂં થતું નહોતું, એ કામમાં પાર પડ્યા નહિ, ત્યારે પોતાના જજમાનનાં ગામ રાજપરામાં પોતાની ઉદરપોષણ વૃત્તી જીવતાં સુધી તેમણે ચલાવી. તેમના સ્વભાવ તેમની વાક્ય સિદ્ધિ તથા નિર્લોભતા તથા દાન પ્રતિગ્રહનો અનાદરની વાતો હજુ સુધી તેમના જજમાનોમાં ચાલે છે. તેમનું લગ્ન ભારદ્વાજ ગોત્રમાંના મોટા કુલીન શીવદત આણંદભટના દીકરા મયાભટની વચલી દીકરી નામે કાશી વેરે થયું હતું. રા. સા. મયારામ એ કાશીની કુખે આઠ છોકરાંઓમાંના સૌથી નાના દીકરા ઘણી દીલગીરીની વેળાએ જન્મ પામ્યા હતા. એમના જન્મ સમયે એમની બેન નામે પ્રાણકોર જે આશરે આઠ વર્ષની હતી, તે તરતજ રાંડી હતી. તેથી સઘળા નાતના લોકોમાં તથા તેમના કુટુંબમાં રડાપીટો ચાલતો હતો. તેથી એમની માનો એમના ઉપર બહુજ તે વખતે અનાદર હતો, અને તે એમને પુરેપુરૂં ધવરાવતાં પણ નહિ. અને તેમનું ઘોડીઊં બહાર વાડામાંજ પડી રહેતું હતું, કોઈ દરકાર રાખતું ન હતું. તેથી પાડા૫ડોશી ધવરાવતાં, અગર નહિ તો એમની મા જે છોડી રાંડ્યાને લીધે ખુણે રહેતાં તેમની પાસે લેઈ જઇ કહેતાં કે, કાશી આને એકવાર તો ખોળે લે? અને ધવાડ. ત્યારે તે દુઃખનું દૂધ ધવારે, અને ઘણીખરી વાર તો એમની મોટી બેન લખમી જેમને તે વખતે મંછારામ નામનો છોકરો વરસેકનો થએલો હતો, તે ધવાડતી. એટલું દુઃખ છતાં પણ તેમના પીતા શંભુનાથને સ્વભાવની રીત પ્રમાણે બીલકુલ એમનો અનાદાર નહોતો. એ ઘરમાં દુખને રડાપીટને લીધે પોતાના જજમાનોના ગામમાં ઘણાખરા રહેતા, તેથી મયારામને જન્મ સમયે પણ ઘેર નહોતા. તે જ્યારે ઘેર આવ્યા ને છોકરાના જનમની વાત સાંભળી, ત્યારે તેઓ જોતિષ્ય પણ સારૂં જાણતા હતા તેને લીધે કે અનુમાનથી કે, વાક્ય સીદ્ધિથી કહેવા લાગ્યા જે એ છેાકરો મોટો કુળદીવો તથા પરાક્રમી નિકળશે. દુઃખના દિવસમાં જન્મ થયો તેથી એમના કોઇએ જન્માક્ષર પણ કરાવ્યા નહિ. એ કુળનું આદીનામ ઉપાદ્યા, પણ શંભુનાથ તથા ભાઈદાસ વ્યાકરણ, પુરાણ, તથા કાવ્ય ભણ્યા હતા, તેથી ભટની અટકે ઓળખાય છે. ૩. જન્માક્ષર નહિ તેથી જન્મરાસીનું નામ ન પાડતાં ૧[1]. લી કલમમાં લખેલા એમની માના બાપ મયાભટનું નામ લેણું રાખવા એમનું નામ મયારામ પાડ્યું. એમના માઠા ભાગ્યે કે ઈશ્વર ઇચ્છાએ, પોતે ત્રણ વર્ષની ઉંમરે પહોંચતાં પહેલાં એમના ભોળા પીતાનો કાળ થયો. તેથી સઘળો ઘરખટલો એમની માની ઉપર આવી પડ્યો. કેમકે એમના મોટાભાઈ દીનાનાથ, જે હાલ ભૂજદરબાર સગીર રાજા તથા ફટાયા કુંવરના વિદ્યાગુરૂ છે, તેમની ઉંમર તે વખતે છ વર્ષની હતી. એટલે પાંચ માણસના વસ્તારી કુટુંબનો આધાર જજમાન વૃત્તિ ઉપર આવી પડ્યો. કેમકે ભાઇદાસ ભટના વારાનું જે કાંઈ થોડુંઘણું સંચીત દ્રવ્ય હતું તે એમના કાકા ત્રીકમભટે ગામ ઇજારે રાખ્યાં હતાં તેમાં તથા ઊઘરાણી ડુબી ગઈ તેમાં ગુમાવી દીધું. પણ એમની માની બુદ્ધિ, ચતુરાઇ, ડહાપણ, તથા કરકસરથી કુટુંબનું પોષણ જજમાન વૃત્તિ ઉપર ચાલ્યું. એટલુંજ નહિ પણ છોકરાઓને જનોઈ વગેરે ખરચ કરતાં પણ સગાઓની ભીડ વખતે મદદ થવાય એટલું દ્રવ્ય સંચય થયું. મયારામને જનોઈ સાત વર્ષે આપ્યું, અને નાતની રીત પ્રમાણે પોતાનું મોટું તડ જમાડી બ્રહ્મભોજન કર્યું હતું. રા. સા. મયારામની ઉંમર પાંચ વર્ષની થઇ, એટલે તે હોંસે હોંસે પોતાના વડાભાઇ દીનાનાથની સાથે ગામની સરકારી નિશાળે જવા લાગ્યા અને એવી તો છાની રીતે શિખ્યાં કે નિશાળના મેહેતાજી નરભેરામ જેશંકર જે એમના બનેવી (એમની મોટી બેન લખમીના વર) થતા હતા, તેમની આગળ ૭ વરસની ઉંમરે આંક પુરા કરી પ્રથમ દેખાડવા ગયા, ત્યારે બહુ આશ્ચર્ય પામ્યા, અને શાબાસ મયારામ કરી બોલ્યા. જ્યારે સાતમે વર્ષે જનોઈ આપ્યું, તે વખતે છોકરો શો ધંધો કરશે એવું જોવાને રીત પ્રમાણે પાસે ત્યાં કલમ, પોથી, અસ્ત્રો, હળ, ચપુ વગેરે મુકી તેમાંથી મરજી આવે તે ઉંચકવાનું કહેવામાં આવે છે, તે પ્રમાણે મયારામે તેમાંથી પોથી ઉચકી, એટલુંજ નહિં પણ ત્યાં બેઠેલાં સ્ત્રી પુરૂષો સમક્ષ તે બ્રાહ્મણી અક્ષર ધર્મ ગુરૂને વાંચી સંભળાવ્યા. એટલી ભણવામાં ચપળતા હતી. એ વખતથી તેમને વિદ્યાભ્યાસનો આરંભ થયો. વરસ ત્રણેક સરકારી નિશાળમાં પોતાના બનેવી પાસે ભણ્યા, એટલે મહેતાજીને વધારે કેળવણી આપવા માટે કેળવણી ખાતાની બોર્ડે મુંબાઈ બોલાવ્યા. ને નિશાળ તે આવે ત્યાંસુધી બંધ કીધી. એટલે મયારામને એક ગામડી મહેતાજી (જેનો માર સાંભળી મયારામને કમકમી આવતી) તેની નિશાળે મૂકવા માટે તે મહેતાજીનો મયારામની માને બહુ આગ્રહ થવા લાગ્યો. અને તે મુકવાની તૈયારીમાં હતાં, પણ તે ઘરમાં મસ્તી તોફાન કરતા નહીં, તથા તેમની માના કહ્યામાં રહેતા, અને ઘરનું કામકાજ કરતા, તેથી તથા ગામમાં તે બ્રાહ્મણીઆ વિદ્યા શિખતા, તથા સરકારી નિશાળ પાછી જલદી ઉઘડશે એવી વદંતા ચાલી, તેથી મયારામના કહેવાને અનુસરીને તેમની માએ તેમને ગામઠી નિશાળે મુક્યા નહિ. નહિ તો મયારામના ભોગજ મળ્યા હોત. તે મહેતાજીના નામથીજ ત્રાસ વરતી રહ્યો હતો. અને મયારામ તો કહેતા કે, જીજી મને અધ્યારૂની નિશાળે ન મુકીશ, હું જ્યોતિષનું ભણવા માંડું, તેથી તેમ કરવા માંડ્યું. તે પહેલાં બ્રાહ્મણીઆ, સંધ્યાપૂજા, વૈષ્વદેવ, મહિમન, રૂદ્રી, ૬ અધ્યાય, શ્રાધ એટલા ગ્રંથો શીખ્યા હતા. એમની માના મનમાં એમને જોતીષ્ય (જોષીનું) શીખવવાનું હતું, તેથી તેમણે બાર વરસની વયમાં, સારૂદ્ધાર ગ્રહગોચર, અને જાતિકચંદ્રિકા એવા ત્રણ ગ્રંથ જોતિષ્યનાનું અધ્યયન કર્યું. એ અરસામાં તેમની હુશીઆરી તેમના ગુરૂઓના મનમાં એટલી તો આવી કે તેઓ, એ પાસે તે દરરોજ ૪ શ્લોક સારોદ્ધારના શિખે, તે બીજે દિવસે મયારામ બોલી જઇ બરાબર અર્થ સાથે કરી બતાવે, તેથી તે આશ્ચર્ય પામતા. એક સારોદ્ધારનો ગ્રંથ શીખ્યા પછી બીજો ગ્રંથ શીખ્યા, પણ તે એટલો તો કઠણ હતો કે, શાસ્ત્રીની મદદ વગર શીખવી શકાય નહિ. માટે તે જોશીએ કહ્યું કે આ ગ્રંથ મારાથી નહિ શીખવાડાય. માટે દુલ્ભરામ જોશી પાસે જાઓ. તેનો દાદો શાસ્ત્રી છે તે અર્થ બેસાડી તમને શીખવશે. તેમની પણ મયારામે શાબાશી મેળવી, અને તેને એટલો સંતોષ પમાડ્યો કે, પાછળથી મયારામને પોતાની કન્યા આપવાં તત્પર થયો, પણ તેમના મોટાભાઇ દીનાનાથનાં લગ્ન થયાં નહોતાં તેથી એ વાત પડતી રહી. સરકારી નિશાળના મહેતાજી મુંબઇથી પાછા તે ગામ ગયા કે સરકારી નિશાળે જવાનું મયારામે શરૂ કર્યું. તેમાં ૧૩ વરસની ઊમરમાં ગુજરાતી સંપૂર્ણ અભ્યાસ વ્યાકરણ, ભૂગોળ, ઇતિહાસ ગણીતમાં વર્ગસમિકરણ સુધી કર્યો, અને જોતિષમાં જાતિકચંદ્રિકા ગણીતનો આરંભ થયાની તૈયારી હતી, તે દરમ્યાન મયારામની બુદ્ધિ વિશે ગામના વિદ્વાનેામાં બહુ વખાણ થતાં, તેથી એક શાસ્ત્રીએ કેટલાક વ્યાકરણના પ્રશ્ન તેમને પુછ્યા તેના ઉત્તર (પોપટીયા) એવા સરસ તેમના ધ્યાનમાં ઉતર્યા કે તેમણે પોતાનો દોસ્તદાર જે મયારામનો મોસીઆઈ ભાઈ હતો તેને ભલામણ કરી કે કાશીફુઈને કહી એમને ભટનું (શાસ્ત્રીનું) ભણાવો. એ બહુ હોશિઆર નીકળશે, પણ એમની ઉંમર નાની તથા માનો પ્રેમ પણ દહાડે દહાડે બહુ થયો, તેથી પોતાની આંખ આગળથી વિદ્યાભ્યાસ માટે બહાર કાઢવો, એ એમની નજરમાં દુરસ્ત ન લાગ્યાથી કે જ્યોતિષની કામ જેટલી વિદ્યા થોડા કાળમાં પ્રાપ્ત થાય અને પોતાના જજમાન વૃત્તિનું કામ જલદી જલદી કરવા લાગે તો પોતાને માથેનો બોજો જાય, એવા હેતુથી જ્યોતિષનું તથા નિશાળનું ભણવાનું એમની માએ જારી રખાવ્યું. એ પ્રમાણે ચાલતાં ચાલતાં સને ૧૮૪૩ના જાનેવારી માસમાં મુંબાઈની એલફીનસન કોલેજ તથા પ્રોફેસર મી. હારકનીસ જે ગુજરાતી સરકારી નિશાળોના બોર્ડ ઓફ એજ્યુકેશન તરફથી સુપરીન્ટેન્ડેન્ટ હતા, તેઓની સ્વારી શ્રી મોતામાં પરીક્ષા લેવા આવી, તેની સાથે ઈન્સ્પેક્ટર રણછોડલાલ ગીરધરભાઈ પણ હતા, તેઓ નિશાળની પરીક્ષા લેઇ એટલા ખુશી થયા કે મયારામને તથા મેહેતાજીના દીકરા મંછારામને તંબુએ બોલાવી ઈનામ આપી તેમને મુંબઈ મોકલવા વાસ્તે મેહેતાજીને પુછ્યું, તેમણે મોકલ્યાની હા કહી, તેથી તેમનાં નામ લખી લીધાં અને કહ્યું જે તેમને મુંબઈમાં ભણવા મોકલજો, અમે તેમને પગાર આપી શીખવીશું એવું કહ્યું. અને તેમને ફરી હુકમ લખી તેડાવ્યાથી જુન માસમાં મુંબાઈ ગયા. ત્યાં વરસેક શીખ્યા, અને સન ૧૮૪૪માં બીજા મેહેતાજીઓ સાથે પરીક્ષા આપી, તેમાં નંબર ૧લો આવ્યો. પણ નાની ઉંમરને લીધે મેહેતાજીની જગ્યો મળી નહીં, અને સને ૧૮૪૬માં મેહેતાજીઓને તૈયાર કરવા માટે નૉર્મલ ક્લાસ નીકળ્યો તેમાં શીખવા રૂ. ૫) ના પગારે મયારામનું નામ નોંધાયું. તેથી મી. હારકનીસ ઘણા ખુશી થયા. પણ તેમાં જે છોકરાઓ શીખવાને આવ્યા હતા, તેઓ ઘણા કાચા હતા, તેથી તેમને ફરીથી પહેલેથી શીખવવાનું શરૂ કર્યું. તેમાં થોડા દિવસ રહ્યાથી મયારામને લાગ્યું જે આમાં વરસ ૧–૧ાા સુધી મારૂ શીખેલુંજ શીખવવામાં આવશે, તેથી તેટલો વખત ફોકટ જશે. તેથી મી. હારકનીસને કહ્યું કે અમારી અંગ્રેજી શીખવવાની ખુશી છે, માટે અંગ્રેજીમાં બેસવા પરવાનગી આપો, એ સાંભળી સાહેબ બહુ ગુસ્સે થયા, અને કહેવા લાગ્યા જે તમારે વાસ્તે આટલી મહેનત કરી સરકારમાં લખ્યું તથા તમારો પગાર બાંધી આપ્યો તે સઘળું પાણીમાં નાંખવાનું કરો છો? પણ મયારામે કહ્યું જે અમારાં બે વર્ષ ફોકટ જાય તેટલામાં તો અમો અંગ્રેજી બે ચાર બુક શીખીશું, તેથી સાહેબે નાખુશ થઇ અંગ્રેજી શીખવાની રજા આપી પણ કહ્યું કે તમને પગાર મળશે નહીં. તોપણ અંગ્રેજી શીખવાનો વિચાર છોડ્યો નહિં, અને શીખવાનું શરૂ કર્યું. ખાધાપીધાનો આધાર સન ૧૮૪૩ માં મુંબઈ આવ્યા પછી એમના મોસાઈભાઈ ઘેલાભાઈને ત્યાં રહ્યા તથા રસોઈપાણી કર્યું. પણ ભણવું બરાબર નહીં થયાથી ૧ાા વરસ પછી જુદા રહ્યા. અને ભણાવવા જતા ત્યાં રૂ. ૫)ને આસરે મહીને મળતા; તે ઉપર તથા ખુટતા રૂપીયા પેતાની મા પાસેથી મંગાવી અંગ્રેજી વર્ષ બેને સુમારે ભણ્યા, એટલે અંગ્રેજીમાં સન ૧૮૪૭ની સાલમાં રૂ. ૫)ને પગારે ગુજરાતી શીખવવામાં મોનીટર રહ્યા પછી સન ૧૮૫૦ ની સાલમાં આસીસ્ટંટ માસ્તર બે કલાક ગુજરાતી શીખવવાને અંગ્રેજી સ્કુલમાં રૂ. ૧૨) ના પગારે નીમાયા. અને અંગ્રેજી કોલેજની પ્રવેશક પરીક્ષામાં પાંચમે નંબરે પાસ થયા, અને રૂ. ૧૦) ના પગારની સ્કોલરશીપ મેળવી, ત્યાં કોલેજમાં વરસેક અભ્યાસ કરી ગુજરાતી મુખ્ય સ્કુલમાં મુખ્ય મેહેતાજીની જગો સન ૧૮૫૧માં રૂ. ૩૦) ના પગારે નેમણુંક થઈ. તે દરમ્યાન પણ સાહેબ લોકને ગુજરાતી શીખવતા તેનો પણ પરચુરણ રૂ. ૨૫-૩૦ દર માસે પગાર મળતો. એ રીતે સન ૧૮૫૫ની સાલ સુધી મુખ્ય મહેતાજીની નોકરી કરી. તે દરમ્યાન મી. હારકનીસ મયારામ ઉપર ઘણા ખુશી હતા અને તેઓ પોતાના પુત્ર પ્રમાણે ગણતા. છેલે કચ્છમાં થરપારકરના કલેક્ટરના હેડ આકોર્ટંટની જગા રૂ. ૪૦) ના પગારથી મળી તે કબુલ કરી, તેથી મી. હારકનીસ સાહેબ ગુસ્સે થયા ને એક પગાર નહીં આપ્યો (પછી તે મહીનો નોકરીમાં ગણયો છે) સને ૧૮૫૫માં મુનસફની પરીક્ષા નાનાભાઈ હરિદાસ સાથે આપવા ગયા, તેમાં સદર અદાલતના હારીસન સાહેબે નાની ઉંમર ગણી દાખલ કર્યા નહીં. એજ સાલમાં મયારામની કમાઈ જોઈ એક ઘર પોતાની છોકરીના નામનું લખાવી લેઈ ભટ કૃષ્ણારામ મોટા તથા તેમની સ્ત્રી લખમીકુંવરે, વડાભાઈ દીનાનાથને પડતા મુકી પોતાની દીકરી રૂખમણી ૭ વર્ષની મયારામ વેરે લગ્ન કર્યા. (એ વખતને અનુસરી મયારામને તેમ કરવું પડ્યું) એ લગ્ન થયાથી કાંઈક કરજ થયું, તથા પોતાના વડાભાઈ દીનાનાથ (જે ભુજમાં મહેતાજી છે) તેની મદદ કરવી, એવા હેતુથી કચ્છમાં થરપારકરના કલેક્ટરના હાથ નીચે નોકરી કબુલ કરી ત્યાં ૧ાા વર્ષ શોર્ટ સાહેબના હાથ નીચે સ્વારીમાં તથા ભૂજમાં નોકરી કર્યા પછી સન ૧૮૫૭ની સાલમાં મુનસફની પરીક્ષા આપવા માટે સાહેબની રજા માગી તે ન મળી, તેથી પરીક્ષાની મેહેનત બંધ કરી. ખબર મળી કે ખેડા વગેરેમાં ડેપ્યુટિ ઇન્સ્પેક્ટરની જગ્યા નવી નીકળનાર છે, તે સાંભળી મેહેરબાન હો૫ સાહેબને અરજ કરી, તેમાં હારકનીસ સાહેબ તરફથી મળેલું સરટીફીકેટ બીડેલું, તેથી તે સાહેબને હોપ સાહેબે પુછતાં રીતભાત ચાલચલગત હોંશિઆરીની માહિતી સારી મેળવી, અને ખેડા જીલ્લાના ડેપ્યુટિ ઇન્સ્પેકટરની જગા રૂ. ૭૫)ની તથા દરરોજ રૂ. ૨) ભથુ એ રીતે નેમણુક કરી પ્રોબેસન રીતે આપી. તેમાં વર્ષ એક બરાબર હોશિઆરીથી તથા ચાલાકીથી નોકરી કરી એટલે બહાલ કર્યા. સન ૧૮૫૮ ની સાલમાં બુક કમીટિમાં મેમ્બર દાખલ નીમાયા. અને સન ૧૮૫૮ના ફેબ્રુવારિ માસમાં ખાનદેશના ડેપ્યુટિ ઇન્સ્પેક્ટર દાખલ નેમણુક થઈ ત્યાં ભાષા તથા લખાણ મરાઠી છતાં ઉપરી સાહેબ હોપ સાહેબની એટલી તો મહેરબાની થઈ કે પહેલે વર્ષે રાવસાહેબનો કીતાબ ઇનાયત સરકાર પાસે કરાવ્યો, એ કીતાબ તેમની હૈયાતી સુધી તેમને રહે એવો ગયા જુન માસમાં (સન ૧૮૭૭ના) ઈંડિઆ સરકારનો હુકમ આવ્યો. બીજે વરસે રૂ. ૧૫૦ ના પગારથી થાણાના ડેપ્યુટિની જગા માટે તથા રૂ. ૩) દરરોજ ભથા માટે ભલામણ કરી, પણ પ્રથમની ભલામણ જગ્યા કાઢી નાંખવાથી તથા બીજી ભલામણ સરકારને સન ૧૮૫૭–૫૮ ના બંડના ખર્ચ બહુ થયાથી નાણાની તંગીને લીધે મંજુર થઈ નહીં. પણ હોપ સાહેબે એક લેટર સમાધાન પમાડનારૂં લખ્યું. તે સંતોષ પામવા જેવું હતું. તેમાં લખ્યું હતું કે તમે તમારૂં કામ સારૂ બજાવ્યું, તેમ મારે જે કરવું તે હું કરી ચુક્યો, પણ મારા હાથમાં તે નહીં તે ન થયું, તેથી નાખુશ થશો નહીં, ને તમારૂં કામ ઢીલા પડ્યા વગર કર્યા જવું. છેલે સન ૧૮૬૧માં ખેડાનાં ડેપ્યુટિની જગાએ રૂ. ૧૦૦)ના પગારે બદલી થઇ, તે વખતે હો૫ સાહેબ ગવરનરના પ્રાઇવેટ સેક્રેટરી હતા, તેમણે ત્યાંથી કાગળ લખ્યો હતો કે હું ખુશી થયો છું. ખેડામાં વર્ષ ૧ાા ને સુમારે નોકરી કર્યા પછી કરટીસ સાહેબે સન ૧૮૬૩ માં અમદાવાદ જીલ્લામાં ડેપ્યુટિ ઇન્સ્પેક્ટરની જગ્યાએ રૂ. ૧૨૫) ના પગારે બદલી કરી તે સન ૧૮૭૭ના અગસ્ટ તા. ૨૪ સુધી રહી તે દરમ્યાન સન ૧૮૬૯માં રૂ. ૧૫૦) અને સન ૧૮૭૧માં રૂ. ૧૭૫) પગાર થેયો. છેલે અરધુ પેનસીલ લઇ ઘેર બેઠા. તે પછી હાલમાં મુંબાઈમાં શેઠ ગોકળદાસ તેજપાળના ધર્મ ખાતાના સેક્રેટેરી રૂ. ૧૦૦) ના પગારે છે. સન ૧૮૬૩ની સાલમાં એમની સ્ત્રી રૂખમણીને પેટે એક દીકરી થઈ અને સન ૧૮૬૬.માં એક દીકરાનો જન્મ આપી ૧૧ મે દિવસે ગુજરી ગઈ. એ દીકરી ધીરજકુંવર તથા દીકરો મુગટરાય હયાત છે. એ સ્ત્રી (રૂક્ષ્માણી) ગુજરી જવા પછી સન ૧૮૬૯ની સાલમાં બડી ધામધુમથી ઓરપાડમાં મહેતા પ્રાણજીવન આદીતરામની દીકરી મંછાકુંવર વેરે લગ્ન કર્યાં. તે આખી નાતમાં દેદીપ્યમાન ગણાયા. ઓરપાડ, મોતામાં લગ્ન કરવાનો વેહેવાર નહતો, તે આથી તૂટ્યો, અને લોકોમાં વાહ વાહ થઈ રહી. દીકરી ધીરજકુંવરનાં લગ્ન ફોજદાર મેહેતા ભવાનીપ્રસાદના દીકરા ચંદુલાલ (ભારદ્વાજ ગોત્રી) વેરે સન ૧૮૭૧ માં, અને સન ૧૮૭૫માં દીકરા મુગુટરાયનાં ભારદ્વાજ ગોત્રીભટ કાશીરામ પ્રાણશંકરની દીકરી (રૂખમાણી) વેરે ઘણી ધામધુમ તથા શાબાશી સાથે કર્યાં. અને જશ સારે મેળવ્યો છે. એમની બીજી સ્ત્રીને સન ૧૮૭૫ની સાલમાં દીકરી અવતરી ગુજરી ગઈ. બીજી દીકરી સને ૧૮૭૬માં અવતરી ગુજરી ગઈ તથા ત્રીજી દીકરી સન ૧૮૭૭માં અવતરી ૧૫ વાંસા જીવી ગુજરી ગઇ. એ સન ૧૮૫૭ થી તે સન ૧૮૭૭ સુધી ગુજરાત, ખાનદેશમાં નોકરી કરી તેથી લોકો તથા સરકારની પ્રસનતા એટલી તો મેળવી કે ખેડા જીલ્લાના લોકો તથા મહેતાજીઓ, તથા અમદાવાદ જીલ્લાના કેટલાક લોકો તથા મહેતાજીઓ તથા ખાનદેશ જીલ્લાના કેટલાક લોકો તથા મહેતાજીઓ પોતાના મા બાપ ગુજરે તેમ તેમને છોડતી વેળા ડુસકે ડુસકા મેલીને રોયા. એટલા તે માયાળું, મળતાવડા, ને પર ઉપકારી છે.૧

પાદટીપ

  1. ૧ ‘મયારામ વિજોગ’માંથી ઉદ્ધૃત.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.