ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/દેવકૃષ્ણ પીતાંબર જોષી
શ્રી. દેવકૃષ્ણ પીતાંબર જોષીનો જન્મ તા. ૫-૧-૧૮૯૨ના રોજ તેમના વતનના ગામ ગણા (ભાવનગર રાજ્ય)માં થયો હતો. તેમના પિતાનું નામ પીતાંબર નારાયણ જોષી અને માતાનું નામ પાર્વતીબા વાલજી. ન્યાતે તે ઔદિચ્ય બ્રાહ્મણ છે. તેમણે સાત ધોરણ સુધી પ્રાથમિક અને અંગ્રેજી સાત ધોરણ સુધી માધ્યમિક કેળવણી લીધી છે. તેમણે રેલવેની નોકરીથી વ્યવસાયની શરૂઆત કરેલી તેમાં સ્ટેશન માસ્તરની પદવી સુધી ચડેલા. પછી એંગ્લોપર્શિયન કંપની (ઇરાન-આબાદાન)માં તે તાર માસ્તર તરીકે રહ્યા હતા; હાલમાં ભાવનગરની સરકારી તાર ઓફિસમાં તાર માસ્તર તરીકે કામ કરે છે. તેમના પિતા પીતાંબર જોષી વિદ્યાવ્યાસંગી, હાજરજવાબી અને રમૂજી સ્વભાવના હતા. પિતા તરફથી તેમને સાહિત્યપ્રેમનો વારસો મળેલો. નાની વયમાં ભડલીમાં કાઠી કુટુંબો સાથેના વસવાટથી અને ઈરાનમાં નોકરી દરમિયાન દેશ-દેશના વતનીઓ સાથેના પરિચયથી તેમનામાં ધાર્મિક સહિષ્ણુતા તથા સ્વદેશપ્રેમ ઊતરેલાં. કટાક્ષયુક્ત અને રમૂજી કવિતાઓ તેમણે ઠીક ઠીક પ્રમાણમાં લખી છે જેનું એક પુસ્તક “કટાક્ષ કાવ્યો” ૧૯૪૨માં પ્રસિદ્ધ થયું છે. તે ઉપરાંત સામયિક પત્રોમાં ઘણાં વર્ષોથી તે પ્રકીર્ણ કવિતાઓ લખે છે. તેમનું લગ્ન સને ૧૯૧૩માં શ્રી. કાશીબાઈ વેરે નેસડા ગામે (સિહોર) થએલું; તેમનાથી તેમને ચાર પુત્રો અને બે પુત્રીઓ થયાં છે. મોટો પુત્ર સોનગઢમાં ટેલરિંગ સ્કૂલમાં શિક્ષક છે.
***