જનાન્તિકે/અડતાલીસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અડતાલીસ

સુરેશ જોષી

આયુષ્યની જે અવસ્થાએ હવે આવીને ઊભો છું તે અવસ્થાએ સંગાથી, સોબતી કે પ્રતિદ્વંદ્વીની આવશ્યકતા આપોઆપ ખરી પડતી લાગે છે. આ અવસ્થાએ માણસ ઘણી વાર એકલો બબડતો સંભળાય છે. એની પોતાની અંદર જ એને લડનાર ઝઘડનાર મળી રહે છે. દરેક વર્ષગાંઠે આ સાથી ને પ્રતિદ્વન્દ્વીની વય પણ વધતી જાય છે – આપણાથી અગોચરે. પણ ત્રીસી વટાવી ગયા પછી એ પ્રાકટયને યોગ્ય બને છે. આ સોબતી કોઈ એક નથી હોતો. કેટલીક વાર તો ત્રણ કે પાંચ સોબતીઓને સાચવી સંભાળીને જીવવાનો શ્રમ ભારે થઈ પડે છે. એમના સંસર્ગની માત્રા અનિવાર્યતયા વધતી જાય છે તેમ તેમ બહારનો સંસર્ગ છૂટતો જાય છે.. આથી કોઈ આપણને અલગારી, ધૂની કે અભિમાની સુદ્ધાં માની બેસે છે. બહાર સાથેના સંસર્ગમાં આ અંતેવાસીઓ ઘણી વાર વિચિત્ર પરિસ્થિતિ ઊભી કરી દે છે. કશી પરિસ્થિતિ આપણને કેન્દ્રમાં રાખીને બનતી હોય એવું માનીને આપણે વર્તવા જઈએ ત્યારે આ અંતેવાસીઓ પૈકીનો એકાદ તરત ધસી આવીને સાવ પ્રાકૃતપણે પરિસ્થિતિનો કબજો લઈ લે છે. ઘણી વાર તો આપણા મોઢામાંથી અર્ધં બોલાયેલું વાક્ય સુધ્ધાં એ ઝૂંટવી લે છે. એ અંતેવાસીઓનાં આ બધાં કરતૂતની જવાબદારી આપણે જ સ્વીકારવાની રહે છે. કોઈક આપણી જોડે કશીક વાતો શરૂ કરે, થોડી વાર વાતો ચાલે. પછી આપણને વહેમ જાય કે કાંઈક કાચું કપાતું લાગે છે. આપણે વધુ સાવધ બનીએ ને ત્યારે ખબર પડે કે આ વાત આપણી જોડે નો’તી થતી, એ તો અંતેવાસી જોડે થતી હતી. આ જાણીને, મોડામોડાય આ મૂંઝવનારી પરિસ્થિતિમાંથી ઊગરી જવા આપણે એ ક ને શોધવા મથીએ છીએ. નસીબ પાધરું હોય તો એની ગેરહાજરીમાં એના વતી, આપણે જાણે ક છીએ એમ, વહેવાર ચલાવવો પડે છે. નળનું જ રૂપ ધારણ કરીને આવેલા ચાર દેવની જેમ આપણામાંના અ બ ક ડ ગોટાળો કરી મૂકે છે. આપણું અસ્તિત્વ કાળયવનની ગુફા જેવું થતું જાય છે. એની અંદર ઊંડે અને ઊંડે, સરી જઈને કેવળ સાક્ષીભાવે જે કાંઈ બને તે જોયા કરવાની વૃત્તિ વધે છે. ત્યાં કોઈક અ બ ક કે ડ નું નહીં પણ ખુદ આપણું પોતીકું, આપણને જ મળવાને, આપણો જ હાથ એના હાથમાં લેવાને, આપણુ જ આંસુ આપણી આંખમાં આણવાને આવી ચઢે ત્યારે આપણને સ્વપ્રતિષ્ઠાનો આનંદ થાય છે.