દલપત પઢિયારની કવિતા/જલતી દીવડી
Jump to navigation
Jump to search
જલતી દીવડી
જલતી દીવડી રે માઝમ રાત,
કોઈ મારી નજર ઉતારો.
નજર ઉતારો મારી છાંયા ગળાવો,
ઓરડે ઉછીના અંજવાસ...
કોઈ મારી નજર ઉતારો.
ફૂલનો પછોડો ને નકલંકી દોરો,
તોરણ લીલાં ને કાંઠે કુંભ સ્થાપ્યો કોરોં,
અમે વાતો માંડીને ઉછર્યા બાગ...
કોઈ મારી નજર ઉતારો.
રંગભર્યાં દરિયા શેં ચંપો ઉદાસી?
ચડત ચાંદરણી ને છલતી અગાસી,
અમે હેલે-હલકે વણસ્યાં વિસરામ...
કોઈ મારી નજર ઉતારો.
ઊંબર આડો ને અટકે ઈંદર અસવારી,
પરોઢે પાછું ફરતી ઘેનની પથારી,
અમે સેં-શમણે સળગ્યાં સવાર...
કોઈ મારી નજર ઉતારો.