નવલકથાપરિચયકોશ/રાજમુગટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૯

‘રાજમુગટ’ : ધૂમકેતુ

– પાર્થ બારોટ

લેખક પરિચય : ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ જન્મ : ૧૨/૧૨/૧૮૯૨. અવસાન : ૧૧/૦૩/૧૯૬૫. અભ્યાસ : સ્નાતક વતન : વીરપુર ગામ. વ્યવસાય : ગોંડલ રાજ્યની રેલ્વે ઑફિસમાં કામ કરતા હતા ત્યારબાદ ગોંડલ અને અમદાવાદમાં શિક્ષક. સાહિત્યિક પ્રદાન : નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, આત્મકથાકાર, પ્રવાસજીવન. નોંધપાત્ર પુરસ્કાર : નર્મદ સુવર્ણચંદ્રક.

અધિકરણ માટે પસંદ કરેલ નવલકથાઃ ધૂમકેતુ કૃત ‘રાજમુગટ’ પ્રથમ આવૃત્તિ વર્ષ : ઈ. સ. ૧૯૨૪. પસંદ કરેલ નવલકથાનું વર્ષ : પાંચમી આવૃત્તિ-૧૯૮૨ પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ ધૂમકેતુએ કુલ ૩૨ નવલકથાઓ લખી જેમાં ૨૫ નવલકથા ઐતિહાસિક અને ૭ નવલકથા સામાજિક છે. રાજમુગટ નવલકથા એ સામાજિક નવલકથા છે અને ધૂમકેતુની બીજી નવલકથા છે. આ નવલકથા ૩૬ પ્રકરણમાં વિભાજિત થયેલી છે. નવલકથામાં સામાજિક પરિસ્થિતિ કેન્દ્રમાં છે. રાજસત્તા જ્યારે ભોગપ્રધાન બની જાય ત્યારે ગરીબ પ્રજાનું કઈ રીતે શોષણ થાય છે અને આ સ્થિતિમાંથી બહાર લાવવા શું શું કરી શકાય તેનું આલેખન આ નવલકથામાં છે. નંદરાજ, અર્જુનદેવ, રાધારાણી, દેવીસિંહ, અનંત, અરુણ, આનંદમોહન, વિશ્વનાથ વગેરે જેવાં ત્રીસથી પણ વધારે પાત્રો આ નવલકથામાં છે. આ નવલકથાની શરૂઆત માલણ નદીના કિનારે ખંડિયેરમાં એક સ્ત્રી અને પુરુષ બંને વાત કરતાં હતાં કે રાજા નંદરાજ ક્યાં છે? પેલી સ્ત્રી જવાબ આપે છે કે એ ક્યાં હોવાના! નવો ચહેરો જોયો નહિ ને ગાંડા થયા નહિ. આ લંપટ રાજા નંદરાજના લીધે કલ્યાણી રાજ્યની પ્રજા ખૂબ હેરાન થાય છે. ખંડિયેરમાં વાત કરનાર સ્ત્રી રાધારાણી હોય છે જે રાજાની રખાત-પત્ની હોય છે અને પુરુષ એ દેવીસિંહ હોય છે, જે પોલીસ સુપરિટેન્ડેન્ટ હોય છે અને રાધારાણી સાથે તેના આડસબંધ હોય છે. કલ્યાણી રાજ્યમાં અત્યારે ત્રણ જણ સત્તા ભોગવવા પોત-પોતાની શતરંજ ખેલતા હતા. જેમાં એક નાયબ દિવાન મદનલાલ, બીજો નેતા બાબુરાવ અને ત્રીજો સેનાધ્યક્ષ દેવીસિંહ. રાજા નંદરાજ એ અત્યારે પ્રૌઢાવસ્થામાં હતો અને એના પછી તરત ગાદી પર આવે એવો પુરુષ સૌની આંખે ચડ્યો હતો તે નંદરાજનો નાનોભાઈ અર્જુનદેવ હતો. આ અર્જુનદેવને રસ્તા પરથી હટાવવા માટે ષડ્યંત્ર યોજાય છે, આ ખબર લઈને રઘુનાથ અરુણ પાસે જાય છે અને જણાવે છે કે આવતીકાલે નગરશેઠ જગમોહનને ત્યાં પાર્ટી છે અને પાર્ટીમાં અર્જુનદેવને ઝેર આપીને મારી નાખવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું છે. અર્જુનદેવને હટાવવાનું કામ મદનલાલે હાથમાં લીધું હતું જેમાં વિશ્વનાથની ગુપ્ત હા હતી. આ વિશ્વનાથ કલ્યાણીમાં ત્રણ-ત્રણ હોદ્દાઓ સાચવતો હતો. ઝેર આપવાનું કામ રઘુનાથને સોંપવામાં આવ્યું તે અસંમત હતી છતાં તેણે અરુણની મદદથી આંગળીના ઇશારાથી પ્યાલો ઢોળી દીધો અને આ કાવતરા પર પાણી ફેરવી દીધું. રાજદરબારમાં બધા બજેટ માટે ભેગા થાય છે ત્યારે રેવાશંકર દસ લાખ, પિનાકીપ્રસાદ પાંચ લાખ અને નંદરાજના ખાનગી ખર્ચ માટે એક લાખ વધારાના લેવા અને વધારાના ખર્ચ માટે પ્રજા પાસે ટેક્ષ લેવો અથવા નવો ટેક્ષ દાખલ કરીને પ્રજા પાસેથી ટેક્ષ લેવો, જેના લીધે રૈયત આ વધુ પડતા બોજને લીધે દટાઈ જાય. અર્જુનદેવ અને નંદરાજ બંને વચ્ચે વૈચારિક મતભેદ હતો. અર્જુન માનતો હતો કે રૈયતને સાથે લીધા વિના રાજ્યને પ્રગતિ મળશે નહિ અને નંદરાજ રૈયતમાં માનતો ન હતો. રાજકીય ખટપટને કારણે નંદરાજ એક નિર્ણય લે છે અને બ્રહ્મચારીને લૂંટવા બદલ ચાલીસ હજારના આરોપમાં દેવીસિંહને જેલમાં, મદનલાલનું રાજીનામું અને બાબુરાવને લાંબી રજાનું બહાનું આપીને ત્રણેયને રસ્તામાંથી દૂર કરે છે. જેના લીધે મદનલાલ અને બાબુરાવ બંને કલ્યાણી રાજ્યના દુશ્મન થઈ જાય છે. દેવીસિંહને જેલમાં નાખ્યા બાદ રાજગોપાલ નવો પોલીસ કમીશનર બન્યો હતો અને તેની મદદથી નંદરાજે દિનેશના ઘરને જમીનદોસ્ત બનાવી દેવાની યોજના ઘડી હતી. દિનેશનું ઘર તોડવા માટે આવેલા લોકોનો પ્રતિકાર દિનેશ અને અરુણ બંને કરે છે ત્યારે પોલીસ આવે છે અને અફીણ ચોરીની શંકામાં તેમને પકડી જાય છે. રઘુનાથ અરુણને એક રહસ્યમંદિરે લઈ જાય છે. જ્યાં કેટલાંક લોકો હોય છે જેઓ સ્વતંત્રતા દેવીના પૂજારી હોય છે. આ મંદિરના અધિષ્ઠાતા ડૉ. આનંદમોહન હોય છે, તેઓ લોકશાહીના પક્ષધર હોય છે. તેઓ દિનેશને કહે છે કે જો તું સ્વતંત્રતા ઇચ્છતો હોય તો પ્રતિજ્ઞા લે કે, સ્વતંત્રતા એ ઈશ્વરી બક્ષિસ છે, એને – હજાર જિંદગીમાં – એને જ મેળવીશ. આમ દિનેશ સ્વતંત્રતાની શપથ લે છે તો બીજી તરફ કલ્યાણીનો નવો મહેલ છ લાખ રૂપિયામાં તૈયાર થયો હતો અને પ્રજાની મેહનતને રાજા પોતાના મોજશોખમાં બેફામ ઉડાવતો હતો. કલ્યાણી રાજ્યમાં બધા લોકો જાણે છે કે રાજા નંદરાજ પછી ગાદી પર અર્જુનદેવ બેસવાના છે. તેથી રઘુનાથને લઈને આનંદમોહન અર્જુનદેવને મળવા જાય છે. અર્જુનદેવને આનંદમોહન માટે ખૂબ માન હતું, તે માનતો હતો કે આનંદમોહન અસામાન્ય વ્યક્તિત્વ છે. આનંદમોહન અર્જુનદેવને કહે છે કે રાજ અને રૈયત બંને એકબીજાથી વિરુદ્ધ છે. સામાન્ય માણસો રાજતંત્રમાં કામ કરે તો તે યોગ્ય ન કહેવાય. જો આવું ને આવું રહ્યું તો રાજા માન અને રાજ્ય બંને ગુમાવશે. તેથી મારી તમને વિનંતી છે કે જ્યારે નંદરાજ હવાફેર માટે બહાર જાય ત્યારે તમને રાજગાદી સોંપીને જશે તો તમે રાજ અને રૈયત વચ્ચે અંતર ઓછું કરવાનો પ્રયત્ન કરજો. ગોરાઓના શાસનમાં રજવાડાઓ તેમને રીઝવવાનો એક પણ મોકો જવા દેતા નહિ અને નંદરાજ પણ તેવું જ કરતો હતો. કલ્યાણીના ભવ્ય મહેલમાં ગોરાઓ મિજબાની કરવા આવે છે ત્યારે નંદરાજના કહેવાથી રાધારાણી અને લક્ષ્મીરાણી મેમસાહેબને મળે છે અને પ્રેમપૂર્વક હીરાની બંગડી હાથમાં પહેરાવીને કહે છે, રાજ તરફથી એક નાનકડી ભેટ. એ જ વખતે નંદરાજ આદેશ આપે છે કે અરુણની હાલની જમીનમાંથી પોણો ભાગ જમીન જપ્ત કરી લેવી અને આ કામ પડદા પાછળથી વિશ્વનાથ કરાવી રહ્યો હતો, કેમ કે તે નાગમતિને હાથ કરવા માટે નંદરાજને ચઢાવીને અરુણની જમીન જપ્ત કરવા માંગતો હતો. આ નાગમતિને નંદરાજ પાસે મોકલવાની હતી, જે કામ રઘુનાથને સોંપવામાં આવે છે પણ રઘુનાથ બાજી બગાડી નાખે છે કેમકે નાગમતિ અને અનંત એકબીજા સાથે પ્રેમ કરે છે અને બીજી તરફ અનંત અને રઘુનાથ બંને મિત્રો હોય છે. જમીન જપ્ત કરવાનો આદેશ મળતાં અરુણ નંદરાજના દરબારમાં પહોંચે છે અને ખૂબ ગુસ્સે થઈને વાત કરે છે અને કહે છે કે મારી જમીન પર પગ મૂકનારો હજી જન્મ્યો નથી, મેં મૃત્યુની ચિંતા છોડી દીધી છે અને ગામને પાદરે કેસરિયાં કરવા કેસરી વાઘા પહેરીને જ બેઠા છે. આ વાતે અરુણને જેલ થાય છે. આ તરફ રહસ્યમંદિરમાં ફરી સભા ભરાય છે, જેમાં આનંદમોહનની હાજરીમાં અનંત ત્રણ વાત કરે છે. પહેલી, ખેડૂતસંઘ સ્થાપવો, બીજી, રાજાઓને સ્વમાન જાળવવાની તાલીમ આપવી અને ત્રીજી પોતાના દેશી અધિકારશાહીના દોરમાંથી રાજા-પ્રજા બંનેને મુક્ત કરવા. અનંત સમાજવાદી હતો તેથી તે સ્પષ્ટ માનતો હતો કે જ્યાં સુધી સમાજની ઉન્નતિ ન થાય ત્યાં સુધી રાષ્ટ્રની ઉન્નતિ થઈ શકે નહિ. સભા પૂરી થયા બાદ અનંત અને રઘુનાથ બહાર જાય છે ત્યાં અરુણ મળે છે જે જેલમાંથી ભાગી છૂટ્યો હતો. તે હવે નંદરાજ સામે કેસરિયાં કરવા તૈયાર થાય છે પણ અનંત એને સમજાવે છે અને સમાજવાદની વિચારધારાને સ્થાપવાની વાત કરે છે. અરુણ મિત્રતાને કારણે અનંતની વાત માને છે અને છૂપા વેશે કલ્યાણીમાં રહે છે. ત્યાં નંદરાજ હવાફેર માટે મુસાફરીએ જવાના છે એ વાતના ભણકારા વાગે છે. આ સાથે રાધારાણી દેવીસિંહને જેલમાંથી ભગાડવાનું ષડ્યંત્ર વિશ્વનાથની મદદથી રચે છે. વિશ્વનાથને સમજાઈ જાય છે કે કલ્યાણી નરેશની સત્તાનો મૃત્યુઘંટ વાગે છે જેમાં સૌથી પહેલાં તે હોમાઈ જશે એવું લાગતાં તે દેવીસિંહને જેલમાંથી ભગાડવાનું કામ રઘુનાથને સોંપે છે. એવા સમયે નંદરાજ એક ભૂલ કરી બેસે છે, તે હવાફેર માટે બહાર જાય છે ત્યારે સત્તા અર્જુનદેવને આપવાની ગોઠવણ કરી નહિ, જેના લીધે વિશ્વનાથ, છોટાલાલ અને રાધારાણી ત્રણેય રાજતંત્રને વધારે ગબડાવ્યે જતાં રાધારાણી રઘુનાથને મળવા આવે છે અને દેવીસિંહને છોડાવવાની યોજના વિશે વાત કરે છે અને દેવીસિંહ જેલમાંથી ભાગી જાય છે અને રાજવૈદને ત્યાં રોકાય છે. નંદરાજ થોડા સમય પછી પાછો આવે છે, તે અત્યંત નિર્બળ અવસ્થામાં હતો, તેના જીવનનો અંત હવે નજીક હતો. રાધારાણી દેવીસિંહ સાથે મળીને જે કાવતરું કરવાની છે તેની સાંકળ રઘુનાથને મળી જાય છે પણ અંતે તે નિષ્ફળ જાય છે. રાઘવ બનીને ગયેલા અનંતને ગોળી વાગે છે જે ગોળી રઘુનાથ માટે રાધારાણીએ ચલાવેલી હોય છે કેમકે રઘુનાથને જો ન હટાવે તો ભવિષ્યમાં તેના ષડ્યંત્રની જાણકારી કલ્યાણી રાજ્યને ખબર પડી જાય. પણ એ ગોળી અનંતને વાગે છે અને તેનું મૃત્યુ થાય છે. મહેલમાં નંદરાજના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હતા ત્યારે અર્જુનદેવ અને આનંદમોહન મળવા માટે જાય છે. અંતિમ સમય હોવાથી તે પોતાની બધી ભૂલો કબૂલે છે અને અર્જુનદેવને કહે છે કે આ રાજ્યની જવાબદારી હવે તમે સંભાળજો અને કલ્યાણીનું ગૌરવ જાળવજો. નંદરાજનું મૃત્યુ થાય છે અને અર્જુનદેવ રાજા બને છે. રાજા બન્યા બાદ અર્જુનદેવ આનંદમોહનને સાથે લઈને વેશપલટો કરીને નગરચર્યા કરવા માટે જાય છે ત્યાં બધાંની વાતો સાંભળે છે તે પરથી તેને અંદાજો આવી જાય છે કે પ્રજા ખુશ છે અર્જુનદેવના રાજા બનવાથી અને રાજા માટે પૂર્ણ આદર છે. ગુપ્તવેશે આગળ જતાં હજારો કંગાળ મનુષ્યો અર્ધનગ્ન અવસ્થામાં ધૂળ પર આળોટતા હતા, તે જોઈને અર્જુનદેવ આનંદમોહનને પૂછે છે કે આવું કેમ? તેઓ જણાવે છે કે, મનુષ્યના ત્રણ ધર્મ છે જેમાં કુટુંબધર્મ, સમાજધર્મ અને રાષ્ટ્રધર્મ, પણ રાજાના મોજશોખના લીધે બધું ભુલાયું અને આ લોકોની આવી હાલત થઈ. રાજા અને શાહુકારે જે લૂંટ્યું તે વહેંચ્યું નહિ પણ મોજશોખમાં લૂટાવ્યું. આ સાંભળીને અર્જુનદેવને ખૂબ દુઃખ થાય છે અને આનંદમોહનને કહે છે કે હું આવો રાજા ક્યારેય નહિ થાઉં. અંતે આદર્શ રાજ્ય કેવું હોય અને તે માટે કેવા પ્રયત્નો કરવા જોઈએ, સાથે સાથે આનંદમોહનની સમાજવાદી દૃષ્ટિ કેવી છે તેની ચર્ચાથી નવલકથાનો અંત આવે છે. આ નવલકથાની વિશેષતા એ છે કે તેનો કથાપ્રવાહ અસ્ખલિત છે. રાજાશાહી, લોકશાહી અને સમાજવાદ આ ત્રણેય વિચારધારાનું નિરૂપણ આ નવલકથાને વિશેષ બનાવે છે.

પાર્થકુમાર બારોટ
B.A., M.A. (Gold Medalist), Ph.D. (Running)
ગુજરાતી વિભાગ,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑફ બરોડા, વડોદરા
મો. ૮૨૦૦૧૧૨૪૧૯
Email: bparth૫૧૭@gmail.com