નારીવાદ: પુનર્વિચાર/ગુજરાતમાં સ્ત્રીઓની પ્રવૃત્તિઓ વિશે પુન: સ્પષ્ટીકરણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ગુજરાતમાં સ્ત્રીઓની પ્રવૃત્તિઓ વિશે પુન: સ્પષ્ટીકરણ જરૂરિયાત : ‘અવાજ’-(AWAG)નો અભ્યાસ

ઇલા પાઠક
સેક્રેટરી, અમદાવાદ વિમેન્સ ઍક્શન ગ્રૂપ (AWAG), અમદાવાદ

સ્ત્રીઓ માટે કામ કરનાર ઍક્શન ગ્રૂપને ‘વાદો’ વિશે સિદ્ધાંતો ઘડવાનું કહેવાતું હોતું નથી. પણ કોઈ પણ ‘વાદ’, ગાંધીવાદ કે ગાંધીવાદીઓની જેમ પોતાની પ્રવૃત્તિઓ દર્શાવવા માટે એક માર્ગદર્શક નિયમ બની શકે છે. અમદાવાદ વિમેન્સ ઍક્શન ગ્રૂપ (AWAG) પોતાની પ્રવૃત્તિઓ વિશેના અભિગમો નારીવાદ તેમ જ ગાંધીવાદ દ્વારા વિકસાવે છે. ગુજરાતમાં સ્ત્રીઓ માટેના નવીન આદર્શો અને ધ્યેયો ધરાવતા સમાન ગુણધર્મો લઈને “અવાજ”નો ઉદ્ભવ થયો છે. પ્રસારમાધ્યમો (મીડિયા) દ્વારા થતા સ્ત્રીના શરીરના શોષણથી માંડીને પરિવારની અંદર થતા સ્ત્રીઓ પરના અત્યાચારો જેવા ઘણા મુદ્દા “અવાજ”ની પ્રવૃત્તિઓમાં આવરી લેવાય છે. રાજ્યની નીતિઓ અને પરિવારની વ્યવસ્થામાં ફેરફાર લાવવાની “અવાજ” હિમાયત કરે છે અને જુદીજુદી જ્ઞાતિઓના પંચ પાસેથી સામાજિક ન્યાય મેળવવાની માગણી કરે છે. સ્ત્રીઓનાં વ્યક્તિત્વ, તેઓની સમાનતા, માનવીય અધિકારો, જીવન જીવવાના અને માણવાના અધિકારો મેળવવા માટેના રસ્તા શોધવા માટે “અવાજ” સતત કામ કરે છે. સ્ત્રીઓને પોતાના પરિવારોમાં જે અત્યાચાર અને શોષણ ભોગવવાં પડે છે એમાંથી બહાર નીકળવા માટેની મદદ કરવા માટેનું માર્ગદર્શન, એ આવું જ એક કામ છે. ગઈ સદીના એંશીના દાયકામાં, ગુજરાતમાં ફૅમિલી કાઉન્સેલિંગ સેન્ટર્સની જે સ્થાપિત વ્યવસ્થા હતી, એમાં ફરિયાદી સ્ત્રીને એના પતિ અને એના પરિવાર સાથે સુલેહ કરી લેવાનું કહીને, તેઓના બાળકને માતા-પિતા બંને તરફથી સારસંભાળ મળે એવું કરવાનું કહેતા. આવી વ્યવસ્થા કરવા પાછળનો તાર્કિક આધાર, “પરિવાર એક મહત્ત્વનો એકમ છે” હોવાને કારણે -

(૧) પરિણીત સ્ત્રીએ એના પતિ અને પોતાના વૈવાહિક પરિવાર સાથે જ રહેવું જોઈએ.
(૨) સ્ત્રી એક મા છે, જેણે પોતાના બાળકને સાચવવું જોઈએ અને બાળકને પિતાના વાલીપણાથી વંચિત રાખવું જોઈએ નહીં.
(૩) સ્ત્રીએ વિરોધ કરવાને બદલે નીચા નમતા જવું અને આશા રાખવી કે પરિસ્થિતિ સુધરી જશે.
(૪) સ્ત્રીએ કદી જ પરિવારમાં ભંગાણ ન પાડવું જોઈએ અને સંબંધ સુધારવા માટે સતત મથતા રહેવું જોઈએ.

નારીવાદી સંસ્થાઓએ આ પ્રકારની સમસ્યાઓને જુદી રીતે જોઈ. તેઓ માટે એ સ્ત્રી વધુ મહત્ત્વપૂર્ણ હતી. એ લોકો માનતા હતા કે -

(૧) પરિણીત સ્ત્રીએ પતિ અને એના પરિવાર કરતાં ઊતરતી કક્ષાએ જીવતા રહેવાની જરૂર નથી;
(૨) સ્ત્રી ઇચ્છે તો એ પોતાના બાળકની દેખભાળ એકલે હાથે કરી શકે છે અથવા તો બાળકને એના પિતાની સાથે રહેવા દઈ શકે છે. આમ કરવાથી, સ્ત્રી પોતાની જાતને અત્યાચારના વાતાવરણમાંથી મુક્ત કરી દે છે અને આઝાદી તરફની પોતાની મુસાફરી શરૂ કરી દે છે. વધુ મહત્ત્વની વાત તો એ છે કે એ જીવતી રહી શકે છે.

તાત્ત્વિક રીતે આમ સિદ્ધાંત દર્શાવવો અને ‘નવીન’ અથવા ‘નારીવાદી’ અભિગમની કદર કરવી સહેલી છે. પણ જિંદગી તો આના કરતાં કંઈક જુદું જ લઈને આવે છે. દર વખતે કંઈ કોઈ સ્ત્રી જ પોતાની સમસ્યા લઈને NGO પાસે નથી જતી. નીચેના કિસ્સામાં દર્શાવ્યા મુજબ એનાં મા-બાપ આવે છે.

એક વૃદ્ધ દંપતીએ “અવાજ”ના કાઉન્સેલરને કહ્યું હતું : ‘અમારે અમારી પુત્રી માટે ફરિયાદ નોંધાવવી છે. ગઈ કાલે રાત્રે એના વૈવાહિક ઘરમાં એ બળીને મરી ગઈ.’ ‘કેટલા વખતથી એ ત્યાં હતી?’ ‘એનાં લગ્ન ક્યારે થયાં હતાં?’ જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા. ‘ગઈ કાલે સવારે અમે એના વૈવાહિક નિવાસે મોકલી હતી. એનાં લગ્ન બાદ એ ચૌદ વાર અમારી પાસે આવી હતી...’

અથવા કોઈ પાડોશી એક સ્ત્રીના મોત વિશે આ રીતે વાત કરે છે :

‘સખત દાઝી ગયા બાદ જસોદા એક હૉસ્પિટલમાં હતી.’ જસોદા બળીને કઈ રીતે મરી ગઈ એ વિશે સમુબહેન વાત કરતાં હતાં, ‘મેં એને પૂછ્યું, શાને માટે એણે પોલીસ આગળ જૂઠું બોલવું પડ્યું હતું? એ લોકોએ કહ્યું કે તું કેરોસીનવાળો દીવો ઉપર મૂકવા ગઈ, દીવો પડ્યો અને તારાં કપડાંને ઝાળ લાગી ગઈ. મને સાચી વાત કર. પડતો દીવો કંઈ કોઈ ચીજને બાળી ન શકે. તને કોણે સળગાવી મૂકી?’ જોકે જસોદાએ મારી પાસે સોગંદ લેવડાવ્યા છે કે હું પોલીસને હકીકત નહીં જણાવું. પછી એણે કહ્યું, ‘એ (જસોદાનો પતિ) ચિકાર દારૂ પીને ઘરે આવ્યો અને મેં એનો ઊધડો લીધો. એ ખૂબ નશામાં હતો. એ એકદમ ગુસ્સે થઈ ગયો અને એણે મારા પર કેરોસીન ફેંક્યું અને હું એને અટકાવી શકું એ પહેલાં તો એણે મારા પર સળગતી દીવાસળી ફેંકી. સિન્થેટિક કાપડની સાડીએ તરત જ આગની ઝાળ પકડી લીધી.’ સમુબહેને ફરી વાર જસોદાને પૂછ્યું કે એણે આ બધું પોલીસને કેમ ન કહ્યું. જસોદાનો જવાબ હતો ‘હું જ્યારે મરવા પડી હોઉં ત્યારે મારા પતિ વિશે આમ કેવી રીતે કહી શકું? મને સ્વર્ગમાં પણ માફી ન મળે. એ પાપનો બોજો હું કઈ રીતે વેંઢારું?’

કૌટુંબિક હિંસા અને કહેવાતાં આકસ્મિક મૃત્યુઓ વિશે જ્યારે એક જાહેર સભામાં વાત થઈ રહી હતી ત્યારે સમુબહેને આ સત્યઘટના વિશે વાત કરી હતી. સ્ત્રીઓ શા માટે આત્મહત્યા કરે છે, અથવા શા માટે તેઓના અકુદરતી મોતને માટે જવાબદાર અન્ય વ્યક્તિનું (ખાસ કરીને પોતાના પતિનું) નામ નથી દેતી, એનું ઉપર દર્શાવેલા બંને કિસ્સાઓમાં ટૂંકમાં વર્ણન છે. માટે જ, “અવાજ”માં અમે સમજી ગયાં છીએ કે દીકરીઓનાં લગ્ન બાદ માતા-પિતા તેઓને સહારો આપવા માગતાં નથી. જે સ્ત્રી માટે પોતાના વૈવાહિક રહેઠાણમાં જીવવાનું અસહ્ય થઈ પડે, એ જીવન જીવવાની ઇચ્છા ગુમાવી બેસે છે અને છેવટે મૃત્યુનું શરણ લઈ લે છે. સ્ત્રીઓ મનની અંદર અતિશય ધાર્મિક-સાંસ્કૃતિક બોજો વેંઢારતી હોય છે; કુટુંબ, પાડોશીઓ, મિત્રો વગેરે પણ આ બધી વાત એના માથે ઠોકી બેસાડતાં હોય છે. ઘરની અંદર પતિને પરમેશ્વરના સ્વરૂપે જોવામાં આવે છે અને એક ‘સારી’ પત્ની એને ગુનેગાર ઠેરવવા માટે કશું જ ન કહે. આ જ કારણસર, કોઈ ગમે તે રીતે મૃત્યુના સંજોગોની વિગતો જાણવા માગે, એ કંઈ જ શોધી ન શકે કારણ કે દરેક જણ, પીડિત વ્યક્તિ સુધ્ધાં, આ બાબતે મોઢું જ સીવી લે છે. પણ આવા મૃત્યુનાં કારણો સાવ દેખીતાં હોય છે. એક તો એ કે વૈવાહિક રહેઠાણમાં એ સ્ત્રી જીવી ન શકી અને બીજું એ કે જે ઘરમાં એનો જન્મ થયો હતો ત્યાંથી એને કોઈ સહારો મળી ન શક્યો.. સ્ત્રીઓના આકસ્મિક મૃત્યુ(Accidental Death)નો અભ્યાસ કરવા અને એના વધતા આંકડા અટકાવવા બાબતે તપાસ કરવાની દિશામાં “અવાજ” દોરવાયું હતું. આ કારણે જ અમે એક અભ્યાસ કરવા પ્રેરાયાં. અમને જાણવા મળ્યું કે જ્યારે સ્ત્રીઓ અકુદરતી મોતે મરે ત્યારે પોલીસ એની નોંધણી ઍક્સિડેન્ટલ ડેથ્સ (‘એડીઝ’) તરીકે કરે છે. માટે “અવાજ” તરફથી ‘એડીઝ’ની ઘટનાનો વિગતે અભ્યાસ કરવામાં આવ્યો.. પહેલાં તો, ઇન્ડિયન પીનલ કોડ(ઈપીકો)ની ૪૯૮-અ કલમ, જે કૌટુંબિક હિંસાથી પીડિત સ્ત્રીઓને કઈ રીતે મદદ કરે છે, એની અસર જોવા માટે આ અભ્યાસ હાથ પર લેવામાં આવ્યો હતો. “અવાજ” તરફથી જેવો આ અભ્યાસ ચાલુ થયો કે એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે કલમ ૪૯૮-અમાં પતિ અને એનાં સગાંસંબંધીઓ દ્વારા થતા અત્યાચારનું સૂચન કરવામાં આવેલ છે, પણ પોલીસ ભાગ્યે જ માત્ર આ કલમનો ઉપયોગ કરે છે; આ કલમને હંમેશાં અન્ય કલમોની સાથે જોડીને જ ઉપયોગમાં લેવાય છે. અમે જે નમૂનાનો ઉપયોગ કર્યો હતો, એમાં ૬૦ ટકાથી વધુ કિસ્સાઓમાં સ્ત્રીઓનાં અકુદરતી મૃત્યુ થયાં હોવા છતાં, એમાંથી મોટા ભાગના કિસ્સાઓમાં, ૪૯૮-અ કલમને અન્ય કલમો સાથે ભેળવી દેવામાં આવી હતી. ૧૯૮૪થી શરૂ કરીને “અવાજ” સ્ત્રીઓના અકુદરતી મૃત્યુના આંકડાની નોંધનો અભ્યાસ કરી રહ્યું છે. અમે નોંધ્યું હતું કે ૧૯૮૪થી ૧૯૯૫ સુધી મૃત્યુનો આંકડો વધતો રહ્યો હતો. નીચેના કોઠામાં પણ એ જ દર્શાવ્યું છે :

કોઠો ૧
ગુજરાતમાં સ્ત્રીઓનાં અકુદરતી મોત: ૧૯૮૪થી ૧૯૯૫

વર્ષ ૧૯૮૪ ૧૯૮૫ ૧૯૮૬ ૧૯૮૭ ૧૯૮૮ ૧૯૮૯ ૧૯૯૦ ૧૯૯૧ ૧૯૯૨ ૧૯૯૩ ૧૯૯૪ ૧૯૯૫
વર્ષદીઠ મૃત્યુનો આંકડો ૧૪૧૮ ૧૦૨૪ ૨૧૩૨ ૨૨૨૦ ૪૧૧૬ ૪૨૫૪ ૩૯૮૬ ૩૮૬૨ ૪૦૧૬ ૪૫૨૧ ૪૮૩૮ ૫૧૧૨
દિવસ દરમિયાન મૃત્યુનો સરેરાશ આંક ૩.૮૮ ૨.૮૦ ૫.૮૪ ૬.૦૦ ૧૧.૨૭ ૧૧.૬૫ ૧૦.૯૨ ૧૦.૫૮ ૧૧.૦૦ ૧૨.૩૮ ૧૩.૨૫ ૧૪.૦૦

અહીં નોંધાયેલ મૃત્યુના કુલ આંકડા પોલીસના રેકૉર્ડ્ઝમાં આ પાંચ વિવિધ શીર્ષકો હેઠળ જોવા મળે છે : (i) ખૂન, કલમ ૩૦૨ (ઇ.પી.કો.) (ii) દહેજમૃત્યુ, કલમ ૩૦૪-બ (ઇ.પી.કો.) (iii) આત્મહત્યા માટે ઉશ્કેરણી, કલમ ૩૦૬ (ઇપીકો) (iv) આત્મહત્યા અને અકસ્માત જેવાં આકસ્મિક મૃત્યુ, કલમ ૧૭૪ (ઇપીકો) માટે, જે રીતે આ મૃત્યુઓનો રિપૉર્ટ કરવામાં આવે છે એનો અભ્યાસ કરવાનું “અવાજ” દ્વારા નક્કી કરવામાં આવ્યું. ત્યારથી “અવાજ” પોલીસ રેકૉર્ડ્ઝનો અભ્યાસ કરે છે. ૧૯૯૯માં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ એનું પ્રકાશન કરવામાં આવ્યું હતું, જેનું શીર્ષક છે ‘આફ્ટરમૅથ ઑફ ડોમેસ્ટિક વાયોલન્સ અગેઇન્સ્ટ વિમેન : એ સિસ્ટેમેટિક એક્સપ્લોરેશન ઑફ અવાજીઝ એક્સપિરિયન્સ વિથ રેફરન્સ ટુ ધ ઑપરેશન ઑફ ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ઈન ગુજરાત (ઇન્ડિયા)’. એ અભ્યાસ મુજબના આંકડા અહીં ટાંકવામાં આવ્યા છે. કુલ ૧,૬૫૨ કિસ્સાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આમાંના ૧,૦૦૧ને ‘એડી’ તરીકે નોંધવામાં આવ્યા હતા. આમાંથી ઘણા રસોડામાં આગની ઝાળ લાગીને મરવાના હતા. સેંકડો સ્ત્રીઓ આવી બેદરકારીને કારણે મરી જતી હશે એ કેવી રીતે વિચારી શકાય? આઠ વર્ષની ઉંમરથી જે સલામતીના પાઠ ભણાવવામાં આવ્યા હોય, એ કઈ રીતે તેઓ ભૂલી જઈ શકે? અથવા શું તેઓ સમર્પણ અને ત્યાગના પાઠો વધુ સારી રીતે શીખ્યાં હતાં? અથવા તો ‘આજ્ઞાપાલન ન કરવાને’ કારણે તેઓ સજા પામ્યાં હતાં? શું માત્ર યુવાન સ્ત્રીઓ જ પોતાનું જીવન હોમી રહી હતી? ‘એડી’થી મરનારી સ્ત્રીઓની ઉંમર નીચેના કોઠામાં દર્શાવી છે :

કોઠો ૨

‘એડી’થી મરનારી સ્ત્રીઓની ઉંમર – વર્ષમાં

વર્ષ ૦-૧૦ ૧૧-૨૦
૨૧-૩૦ ૩૧-૪૦ ૪૧+ ખબર નથી કુલ
સ્ત્રીઓની સંખ્યા ૩૬ ૨૫૯ ૩૬૩ ૧૨૪ ૧૧૬ ૧૦૩ ૧૦૦૧
ટકા ૩.૬ ૨૫.૯ ૩૬.૩ ૧૨.૪ ૧૧.૬ ૧૦.૩ ૧૦૦

૧૧થી ૩૦ વર્ષની વયના ગાળામાં સ્ત્રીઓ પર સૌથી વધુ હુમલા થતા હોય એમ જણાય છે. આ પરિસ્થિતિ ૪૦ વર્ષ સુધી, અરે એનાથીય વધુ લંબાતી જણાય છે. ૬૨ ટકાથી વધુ કિસ્સાઓમાં તેઓ યુવાન વયમાં જ ગુજરી જાય છે. ૧૦ ટકાથી વધુ કિસ્સાઓમાં વય નોંધવામાં આવી નથી. અમે તેઓ વિશે વધુ જાણવાની કોશિશ કરી હતી : જેમ કે તેઓ કયો ધર્મ પાળતાં હતાં, તેઓ કઈ જ્ઞાતિનાં હતાં. નીચેના કોઠામાં આ પીડિત સ્ત્રીઓના ધર્મ દર્શાવ્યા છે.

કોઠો ૩

જે સ્ત્રીઓનાં ‘એડી’ તેઓના ધર્મ મુજબ નોંધવામાં આવ્યાં હતાં

ધર્મ હિંદુ મુસ્લિમ ખ્રિસ્તી એસ.ટી. ખબર નથી કુલ
સ્ત્રીઓની સંખ્યા ૭૮૧ ૮૪ ૧૦ ૧૪ ૧૧૨ ૧૦૦૧
ટકા ૭૮.૧ ૮.૪ ૧.૦ ૧.૪ ૧૧.૨ ૧૦૦

આ આંકડા ગુજરાતની વસ્તીના લગભગ એકસરખા પ્રમાણ મુજબના જ છે. દરેક ધર્મની સ્ત્રીઓ એકસરખી રીતે પીડાતી જણાય છે. નીચેના કોઠામાં હિંદુ સ્ત્રીઓના આંકડામાં વધુ આગળ જઈને જ્ઞાતિ મુજબ ભાગ પાડવામાં આવ્યા છે.

કોઠો ૪

જે હિંદુ સ્ત્રીઓનાં ‘એડી’ જાતિ મુજબ નોંધવામાં આવ્યાં હતાં.

જ્ઞાતિ અનુસૂચિત જાતિ (એસસી) (ઓબીસી) અનુસૂચિત જનજાતિ ઉચ્ચ જ્ઞાતિ કુલ
સ્ત્રીઓની સંખ્યા ૨૦૦ ૩૫૨ ૨૨૯ ૭૮૧
ટકા ૨૫.૬ ૪૫. ૨૯.૩ ૧૦૦

દેખીતી રીતે, અનુસૂચિત જનજાતિની સ્ત્રીઓ પર વધુ હુમલા થતા લાગે છે અને એવું જ અનુસૂચિત જાતિની સ્ત્રીઓનું છે. અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિની સ્ત્રીઓ ઔર વધારે ગરીબ વર્ગમાંથી આવે છે. તેઓ પોતાનાં ઘર અને બાળકોની સારસંભાળ લીધા બાદ બહાર કમાવા પણ જાય છે. આંકડા દર્શાવે છે કે આમાંથી મોટા ભાગની સ્ત્રીઓની મારઝૂડ કરવામાં આવતી હતી. અહીં જ સમાજની ઉચ્ચ જ્ઞાતિઓ અને ઉપલા વર્ગમાં પ્રવર્તમાન બે ભ્રમણાઓ ભાંગીને ભુક્કો થઈ જાય છે. એક તો એ કે આ સ્ત્રીઓ પૈસેટકે સુખી હોય છે; કારણ કે તેઓ જાતે પણ કમાય છે અને તેઓના પતિ અને દીકરા પણ કમાય છે. માટે તેઓની કમાણી ઘણી વધુ હોય છે, માત્ર આ કમાણી યોજનાપૂર્વક વાપરવાની તેઓને સમજણ હોતી નથી. બીજી એ કે આ સ્ત્રીઓ તેમના પતિ પર અત્યાચાર કરી શકે છે, ગમે તેવી અભદ્ર ભાષા વાપરી શકે છે, માટે તેઓ કૌટુંબિક અત્યાચારથી મુક્ત હોય છે. મેઘાણીનગર અને માધુપુરા પોલીસસ્ટેશનોમાં ઘણાં વર્ષ સુધી સેવા આપનાર એક પોલીસ ઇન્સ્પેક્ટરે કહ્યું હતું કે અનુસૂચિત જનજાતિની આ સ્ત્રીઓએ ખૂબ વેઠવું પડે છે, કારણ કે તેઓના પતિને દારૂની લત લાગેલી હોય છે અને તેઓ કામ કરવાનું બંધ કરી દે છે. સ્ત્રીઓએ વેઠિયા જેવી મજૂરી કરવામાં ખૂબ મહેનત કરવી પડે છે. દારૂના નશામાં ધૂત આ પતિઓ અર્ધબેભાનાવસ્થામાં ઊઠે ત્યારે તેઓને ખાવાની ભૂખ લાગે એટલે તેઓ સ્ત્રીઓને શોધવા માંડે છે. એ વખતે જો પોતાની પત્નીને કોઈ પુરુષ (જેની હેઠળ એ કામ કરતી હોય) સાથે વાત કરતી અથવા એની પાસે પૈસા લેતી જુએ છે, એટલે, જ્યારે એ સ્ત્રી ઘરે આવે ત્યારે એની ઉપર ખરાબ ચારિત્ર્ય ધરાવવાનો આરોપ મૂકીને એની સાથે ઝઘડો શરૂ કરે છે. શરૂઆતમાં તો એ સ્ત્રી સામી થાય છે, પણ અંતે આ ઝઘડાનો નિકાલ લાવવા પોતાની જિંદગીનો અંત આણી દે છે. ‘એડીઝ’નાં કારણો નોંધવાની પોલીસની પોતાની આગવી રીત હોય છે. પોલીસના ચોપડામાં દર્શાવાયેલા મરણનાં કારણોના પ્રકારો નીચે મુજબના કોઠામાં નોંધવામાં આવ્યા છે.

કોઠો ૫

મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ જે સ્ત્રીઓના ‘એડીઝ’ નોંધાયેલ છે

કારણ ચોક્કસ અકસ્માતો રસોડામાં થનારા ઝેર માંદગી લાંબી ખબર નથી કુલ અકસ્માતો
સ્ત્રીઓની સંખ્યા ૧૫૨ ૫૭૩ ૧૭૬ ૫૯ ૪૧ ૧૦૦૧
ટકા ૧૫.૨ ૫૭.૩ ૧૭.૬ ૫.૯ ૪.૧ ૧૦૦

જ્યારે કોઈ સ્ત્રી બસમાંથી ઊતરતાં પડી જઈને મૃત્યુ પામે છે, ત્યારે એની નોંધણી ‘ચોક્કસ અકસ્માત’ હેઠળ કરવામાં આવે છે. એ જ રીતે એ સૂતી હોય ત્યારે એની ઉપર દીવાલ ધસી પડવાથી મૃત્યુ થાય તો અહીં એની આ પ્રકારે નોંધણી કરવામાં આવે છે. નીચે દર્શાવેલા કોઠામાં પીડિતોની વય પ્રમાણે મૃત્યુનાં કારણો મુજબ વિભાગ પાડ્યા છે.

કોઠો ૬ મૃત્યુનાં કારણો દર્શાવ્યા મુજબ નોંધણી કરવામાં આવેલી સ્ત્રીઓની વય

કારણ

ઉંમર (વર્ષમાં)

૦-૧૦ ૧૧-૨૦ ૨૧-૩૦ ૩૧-૪૦ ૪૧+ ખબર નથી કુલ ટકા
ચોક્કસ ૨૫ ૧૭ ૩૨ ૨૫ ૪૫ ૧૫૨ ૧૫.૨
રસોડામાં ૧૬૮ ૨૪૧ ૭૨ ૪૨ ૪૧ ૫૭૩ ૫૭.૩
ઝેર ૬૨ ૭૨ ૧૭ ૨૦ ૧૭૬ ૧૭.૬
લાંબી માંદગી ૧૪ ૧૦ ૨૨ ૫૯ ૫.૯
ખબર નથી ૨૭ ૪૧ ૪.૧
કુલ ૩૬ ૨૫૯ ૩૬૩ ૧૨૪ ૧૧૬ ૧૦૩ ૧૦૦૧ ૧૦૦

જે સ્ત્રીઓને તેઓના રસોડામાં આગની ઝાળ લાગી હતી, તેમાંની ૫૭ ટકા સ્ત્રીઓમાંથી ૭૦ ટકા સ્ત્રીઓ (૧૬૮+૨૪૧) ખૂબ નાની ઉંમરમાં જ ગુજરી ગઈ હતી. એનાથી ૧૨ ટકા વધુ (૭૨) સ્ત્રીઓ એમના કરતાં માત્ર થોડાં જ વર્ષ મોટી હતી. એટલે કે ૮૨ ટકાથી વધુ સ્ત્રીઓ એમના જીવનનાં શ્રેષ્ઠ વરસોમાં રસોડામાં ગુજરી જતી હોવાનું જાણમાં આવ્યું હતું. આ આંકડો વધારેપડતો મોટો લાગે છે, કારણ કે એનાથી આ સિવાયનાં જીવલેણ કારણો (જેમ કે ઝેર ખાનારી કુલ સ્ત્રીઓમાંથી ૭૨ ટકા (૬૨+૭૨) સ્ત્રીઓની વય ૧૧-૩૦ વર્ષ નોંધાયેલ છે) સાવ મહત્ત્વહીન બની જાય છે. એક બીજી નવાઈની વાત એ છે કે લાંબી માંદગીથી મૃત્યુ પામનાર સ્ત્રીઓમાં, નાની ઉંમરની સ્ત્રીઓની સંખ્યા મોટી ઉંમરની સ્ત્રીઓ કરતાં વધારે છે. ૧૧-૪૦ વર્ષના વય-જૂથ કરતાં ૪૦ વર્ષથી ઉપરના વય-જૂથમાં મૃત્યુનું પ્રમાણ ઓછું છે. લાંબી માંદગીથી થાકી જઈને મૃત્યુ પામનાર ૨૯ સ્ત્રીઓ નાની વયની હતી, જ્યારે એ જ કારણસર મૃત્યુ પામનાર ૨૨ સ્ત્રીઓ એમના કરતાં વધુ ઉંમરવાન હતી. માટે, કોઈને નવાઈ જ લાગે કે આ નાની વયની સ્ત્રીઓ ખરેખર લાંબી માંદગીથી કંટાળીને જ મરી ગઈ હતી કે કેમ ! જોકે ઉંમરવાન સ્ત્રીઓના મૃત્યુનાં કારણો પણ આવી જ ભયાનક હકીકત તરફ અંગુલિનિર્દેશ કરે છે એ જાણીને પણ એટલો જ આઘાત લાગે છે. કોઈ ૬૩/૭૦ વર્ષની વય ધરાવતી સ્ત્રી પાણી ગરમ કરતાં, ચા બનાવતાં અથવા કેરોસીનનો દીવો મૂકતાં બળી મરે છે. કોઈ ૫૦/૬૦ વર્ષથી વધુ વય ધરાવતી સ્ત્રી ઘરમાં ઝઘડા થયા બાદ ઝેર - ઍસિડ ગટગટાવી જાય છે. આ નોંધાયેલા આંકડા તપાસતાં કોઈને એમ જ લાગે કે પોલીસસ્ટેશને જનારી સ્ત્રીઓ કરતાં ઘણી વધારે સ્ત્રીઓ મૂંગી રહીને ઘણું સહન કરતી રહે છે અને જ્યારે સહન કરવાની શક્તિની મર્યાદા વટી જાય ત્યારે પોતાની જિંદગીનો અંત આણી દે છે. ત્યારે પછી ઉંમરનું કોઈ મહત્ત્વ રહેતું નથી. લગ્નજીવનનાં પણ સાત કે દસ કે વીસથીય વધુ વર્ષ વીતી ચૂક્યાં હોય છે. કમનસીબે, એ લોકોનાં મૃત્યુ ‘લાપરવાહી’ અથવા ‘નજીવી બાબત’ના કારણસર થયાં હોવાનું નોંધવામાં આવે છે. આ અદૃશ્ય સ્ત્રીઓ પરનાં વીતકો સમાજની આંખ આડા કાન કરવાની વૃત્તિને ઉઘાડી પાડે છે. આ અભ્યાસ “અવાજ”ને પીડિત સ્ત્રીઓનાં ચિત્ર ઉપસાવીને પોલીસનાં રેકૉડ્ઝ તપાસવાનાં કારણો આપે છે. પણ આ પીડિત સ્ત્રીઓ વિશે અભ્યાસ કરતી વખતે આ ટીમને આ સ્ત્રીઓની ભયાનક પરિસ્થિતિની જાણ થઈ હતી. “અવાજ” માટે એક બાબત તો સ્પષ્ટ થઈ જ ગઈ હતી કે આવી દુર્દશામાં જીવનારી સ્ત્રીને એક મૈત્રીપૂર્ણ વાતાવરણની જરૂર હોય છે, જ્યાં એ પોતાનો ભાર હળવો કરી શકે; અને ત્યાં એને પોતાની ભવિષ્યની જિંદગી માટે એ જે પર્યાય પસંદ કરે, એને માટે ટેકો મળશે એવી ખાતરી પણ એને મળવી જોઈએ. અમે વિચાર્યું કે તાણગ્રસ્ત આ સ્ત્રીઓને ઓછામાં ઓછી આટલી જરૂરી સેવા તો પૂરી પાડવી જ જોઈએ. AWAG એક ઍક્શન ગ્રૂપ છે. આ અભ્યાસમાંથી જે કંઈ જાણવા મળ્યું એ વિશે થોડા સમય બાદ ફરીથી તપાસ કરવામાં આવી હતી. “અવાજ” સ્ત્રીઓ માટે NGO દ્વારા ચલાવાતા ફૅમિલી કાઉન્સેલિંગ સેન્ટર્સ (FCCS) અથવા લિગલ એઈડ સેન્ટર્સ (LACS) વડે મૈત્રીભાવ પૂર્ણ અભિગમ અપનાવવાનું શરૂ કરે છે. આ અભિગમને “અવાજ” દ્વારા સ્ત્રી-કેન્દ્રીય - સ્ત્રી-તરફી – જેવું નામ આપવામાં આવ્યું છે. તાણગ્રસ્ત સ્ત્રીઓને સામાજિક અને કાનૂની ટેકો આપવો પણ જરૂરી બને છે. ૧૯૯૫થી ૧૯૯૯ દરમિયાન “અવાજ’ે’ ગુજરાતમાં FCCS અને LACSમાં કામ કરનારા કાઉન્સેલરોને સ્ત્રીઓ પ્રત્યે મૈત્રીપૂર્ણ અભિગમ ધરાવવા બાબતે સંવેદનશીલ બનાવવાનું કાર્ય હાથ પર લીધું છે. એક દિવસમાં થનારાં ચૌદથી પણ વધારે અકુદરતી મૃત્યુ પર અંકુશ લાવવા માટે આ પ્રકારનાં સ્ત્રી-તરફી સલાહ-સૂચન જરૂરી હતાં, માટે અમે એક પછી એક વર્કશૉપમાં, ગુજરાતમાં FCCSમાં કામ કરનારાં સલાહકારો અને LACનાં સામાજિક કાર્યકર્તાઓ સાથે આ બાબતે ચર્ચા કરી હતી. અમે તેઓની સાથે સ્ત્રી-તરફી કાયદાઓ વિશે પણ વાત કરી હતી. પોલીસસ્ટેશનમાં કરવાની કાર્યવાહીઓ અને અદાલતમાં કરવાની કાનૂની કાર્યવાહીઓ વિશે પણ તેમને સમજાવવામાં આવ્યું હતું. એમાંથી મોટા ભાગના લોકોએ વિધેયાત્મક સમજણ દાખવીને પોતાના કામમાં સ્ત્રી-તરફી અભિગમ અપનાવવાનું શરૂ કર્યું હતું. પણ આનાથી અકુદરતી મૃત્યુના આંકડાની નોંધણીમાં કોઈ જ ફેર પડ્યો નહોતો. વારંવાર એક જ સમસ્યા દર્શાવાતી રહી કે પોલીસ ઇપીકોની ૪૯૮-અ કલમ મુજબ ફરિયાદ નોંધવાનો વિરોધ કરતી રહે છે. જો તેઓ વિરોધ ન કરતા હોત તો ઘણી સ્ત્રીઓ અત્યાચારનો ભોગ બનવામાંથી બચી જાત અને એમ થવાથી તેઓને જીવવા માટે એક કારણ મળી રહેત. માટે ‘અવાજે’ રાજ્યના પોલીસકર્મીઓને સ્ત્રીઓની સમસ્યાઓ પ્રત્યે સંવેદનશીલ બનાવવા માટે, ગુજરાતના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસની પરવાનગી મેળવી, જેથી કરીને તેઓ કૌટુંબિક હિંસાનો ભોગ બનનાર સ્ત્રીઓની ફરિયાદોની નોંધણી કરે. જાન્યુઆરી ૧૯૯૮થી ૨૦૦૦ના અંત સુધી ‘અવાજે’ ૮૦ ટકા પોલીસકર્મીઓને સંવેદનશીલ બનાવ્યા હતા, જેથી કરીને તેઓ સ્ત્રીઓની જે કૌટુંબિક હિંસાની ફરિયાદમાં માનસિક અને સામાજિક અત્યાચારનો સમાવેશ થતો હોય, તેને ઈપીકોની ૪૯૮-અ કલમ મુજબ નોંધે. પોલીસનાં રેકૉડ્ઝ નીચે મુજબનાં પરિણામો દર્શાવે છે.

કોઠો ૭

ઈપીકોની ૪૯૮-અ કલમ મુજબ પોલીસે નોંધેલી ફરિયાદો, ૧૯૯૩થી ૨૦૦૪

વર્ષ ૧૯૯૩ ૧૯૯૪ ૧૯૯૫ ૧૯૯૬ ૧૯૯૭ ૧૯૯૮ ૧૯૯૯ ૨૦૦૦ ૨૦૦૧ ૨૦૦૨ ૨૦૦૩ ૨૦૦૪
સ્ત્રીઓની ફરિયાદોની સંખ્યા ૧૫૪૦ ૧૫૯૬ ૧૯૫૦ ૨૫૪૫ ૨૪૧૫ ૨૯૮૯ ૩૨૭૬ ૩૫૬૩ ૩૧૯૧ ૨૮૬૬ ૩૧૮૫ ૩૭૮૧
દિવસ દીઠ ૪.૨૨ ૪.૩૭ ૫.૩૪ ૬.૯૭ ૬.૬૨ ૮.૧૯ ૮.૯૭ ૯.૭૬ ૮.૭૪ ૭.૮૫ ૮.૭૨ ૧૦.૩

૧૯૯૮થી ૪૯૮-અ કલમ હેઠળ થયેલ નોંધણીની સંખ્યામાં વધારો થયો છે, એ દેખીતી વાત છે. નીચે દર્શાવેલ કોઠો જોતાં જણાય છે કે અકુદરતી મોતની નોંધણી ૧૯૯૮ સુધી વધતી જતી હતી. ૧૯૯૮ પછી, કલમ ૪૯૮-અ મુજબ નોંધણી થવાનું શરૂ થતાં ૧૯૯૯થી અકુદરતી મોતે મરનારી સ્ત્રીઓની સંખ્યા ઘટી છે.

કોઠો ૮

ગુજરાતમાં નોંધાયેલ અકુદરતી મોતે મરનારી સ્ત્રીઓની સંખ્યા ૧૯૯૩થી ૨૦૦૪

વર્ષ ૧૯૯૩ ૧૯૯૪ ૧૯૯૫ ૧૯૯૬ ૧૯૯૭ ૧૯૯૮ ૧૯૯૯ ૨૦૦૦ ૨૦૦૧ ૨૦૦૨ ૨૦૦૩ ૨૦૦૪
વર્ષદીઠ મૃત્યુની સંખ્યા ૪૫૨૧ ૪૮૩૮ ૫૧૧૨ ૫૧૬૪ ૫૫૨૫ ૬૩૪૯ ૬૧૩૫ ૫૫૮૩ ૪૯૨૪ ૪૬૭૨ ૪૭૪૯ ૪૬૩૧
દિવસદીઠ થનારા મૃત્યુની સરેરાશ સંખ્યા ૧૨.૩૮ ૧૩.૨૫ ૧૪. ૧૪.૧૫ ૧૫.૧૪ ૧૭.૩૯ ૧૬.૦૮ ૧૫.૦૩ ૧૩.૪૯ ૧૨.૮ ૧૩.૦૧ ૧૨.૬૮

માટે, જ્યારથી પોલીસ ઈપીકોની કલમ ૪૯૮-અ મુજબ ફરિયાદ નોંધતા થયા, ત્યારથી ઓછી સ્ત્રીઓનાં મૃત્યુ અકુદરતી કારણસર થવા લાગ્યાં. આ કલમ ઈપીકોમાં ડિસેમ્બર ૧૯૮૩માં ઉમેરવામાં આવી હતી, ત્યારથી એમ કહેવાય છે કે આ કલમ નકામી છે. પણ આ અભ્યાસનું તારણ દર્શાવે છે કે આ કલમ ઘણી ઉપયોગી છે, કારણ કે એનાથી પોલીસના રેકૉર્ડ્ઝમાં ‘એડીઝ’ તરીકે નોંધાયેલાં સ્ત્રીઓનાં અકુદરતી મૃત્યુની સંખ્યામાં ઘટાયો થયો છે. કલમ ૪૯૮-અ નકામી હોવાની દલીલને ટેકો આપવા માટે વધારે દલીલો આગળ ધરવામાં આવે છે. આ કારણે અદાલતમાં કેસ ચલાવવા પર બોજો પડે છે. કારણ કે સ્ત્રીઓ સમાધાન કરી લે છે અને એનાથી અદાલતના સમયનો વ્યય થાય છે, વધારામાં, પતિઓને બિનજરૂરી તકલીફમાં મુકાવું પડે છે. અમારા અભ્યાસમાં આ બાબત પર પણ ધ્યાન આપવામાં આવ્યું હતું. સ્ત્રીઓ સમાધાન કરે છે, એ બાબત તો કોઈ પણ માની લે એમ છે. આ પ્રકારનાં સમાધાનોનાં કારણો તપાસવામાં આવ્યાં હતાં. આ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે સ્ત્રીના માથે સામાજિક દબાણ વધતું જાય છે. જ્યાં સુધી એ ફરિયાદ પાછી ખેંચવા તૈયાર ન થાય ત્યાં સુધી એની ફરિયાદ અદાલત સામે રજૂ કરવામાં આવતી નથી. સામાન્ય રીતે એવું કહેવાય છે કે કોઈ પણ કેસને અદાલત સામે રજૂ કરવામાં કેટલાંય વર્ષ નીકળી જાય છે. અમારો અભ્યાસ દર્શાવે છે કે અમુક કેસ ૩/૪/૫/૬ મહિના અથવા અર્ધાથી ત્રણ વર્ષમાં અદાલત સામે રજૂ કરવામાં આવતા હતા, જેમાં એક આત્મહત્યાના કિસ્સાનો સમાવેશ થાય છે. જો બંને પક્ષ દાવાનો અંત લાવવા માટે સંમત થાય તો એને અદાલતની પરિભાષામાં સમાધાન ગણવામાં આવે છે, માટે કલમ ૪૯૮-અ હેઠળ થયેલી ફરિયાદનું સમાધાન છૂટાછેડા / છૂટા રહેવાનું થઈ શકે છે. આ કલમ હેઠળ થયેલી ફરિયાદો પાછી ખેંચી શકાતી નથી. ફરિયાદી સ્ત્રીએ અદાલતમાં, પોતે ક્યારેય ફરિયાદ કરી જ નહોતી એવું બતાવવા, જૂઠું બોલવું પડે છે અને અદાલત પોતાના ચુકાદામાં જણાવે છે કે પ્રતિવાદી નિર્દોષ હતા! હકીકતમાં, ફરિયાદી સ્ત્રી ન્યાય મેળવવા માટેની સુનાવણીની રાહ જોયા જ કરે છે. પણ જેમજેમ સામાજિક દબાણ વધતું જાય, તેમતેમ એ વિરોધ કરવાનું માંડી વાળે છે. પછી એ હવેથી મારઝૂડ નહીં કરવામાં આવે, એ શરતે સમાધાન કરી લે છે. ‘અવાજ’માં રિસર્ચ કરનારા મદદનીશોએ આ સ્ત્રીઓની મુલાકાત લીધી હતી અને તેઓની પૂછપરછ કરી હતી કે શું હજી તેમની મારઝૂડ થતી હતી ખરી? તો એમનો જવાબ હતો કે મારઝૂડ થતી હતી ખરી, પણ ઘણી ઓછી. આ બાબત દર્શાવે છે કે દાવો કરવો એ મહત્ત્વનું હતું. કલમ ૪૯૮-અ સ્ત્રીને મોકળાશ આપે છે અને એના પતિને પદાર્થપાઠ શીખવે છે. અમે એમ પણ માનવા પ્રેરાઈએ છીએ કે આ યુગલને ઓળખનારા ઘણા વધુ લોકોને આ ઘટનાને કારણે શીખ મળે છે. મિત્રો, સગાંવહાલાં અને પાડોશીઓને ખબર પડે છે કે જે પુરુષ એની પત્ત્નીની મારઝૂડ કરતો હતો એને પોલીસની કસ્ટડીમાં લઈ જવામાં આવ્યો હતો અને એને જામીન પર છૂટવા માટે કેટલાક પૈસા પણ ખર્ચવા પડ્યા હતા. તેઓને સમજાય છે કે પત્નીની મારઝૂડ કરવાનો અનુભવ ઘણો મોંઘો પડી શકે છે. આ કારણથી તેઓ પોતાની પત્ની સાથે ક્રૂર બનતાં અટકે છે. કોઠા ક્રમાંક ૮ પરથી જોઈ શકાય છે કે ૧૯૯૯થી ૨૦૦૪ દરમિયાન ૧૮૧૭ સ્ત્રીઓની જિંદગી બચાવવામાં આવી હતી. પોલીસસ્ટેશનોમાં ૪૯૮-અ કલમ હેઠળ કરવામાં આવેલી નોંધણીને કારણે આ બચાવ થઈ શક્યા હતા. કલમ ૪૯૮-અની ઉપયોગિતા વિશે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કૌટુંબિક હિંસા ઘટી નથી તો પછી આ કાનૂનનો શો ઉપયોગ – એમ કહેવામાં આવ્યું હતું. ‘અવાજ’ કહે છે કે આ કાનૂન ઉપયોગી બન્યો છે. એણે ઘણી સ્ત્રીઓને બચાવવામાં મદદ કરી છે. તેઓનાં ઘરમાં જ તેઓની સામે થનારી હિંસામાં ઘટાડો થયો છે. આ સઘળું ગુજરાતમાં પોલીસ સબઇન્સ્પેક્ટરો અને પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવેલ કલમ ૪૯૮-અના ઉપયોગને આભારી છે. નારીવાદીઓને એક પાઠ શીખવા મળ્યો છે કે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી દરેક સ્ત્રી એનું લગ્નજીવન ટકાવી રાખવા માગે છે. પણ જ્યારે બિલકુલ અસહ્ય બની જાય ત્યારે જ એ મદદ મેળવવાનો પ્રયત્ન કરે છે, જે એક મિત્ર, પાડોશી, NGO અથવા સીધી પોલીસસ્ટેશન દ્વારા જ મળે છે. એક વાર જ્યારે એ એનો વિરોધ મોટેથી અને અસ્પષ્ટતાપૂર્વક પોતાના સામાજિક દાયરામાં રહીને નોંધાવી દે છે, ત્યાર બાદ એ પોતાના પતિ પાસે એ શરતે પાછી ફરે છે કે એને એક વ્યક્તિ તરીકે માન મળશે અને એને કોઈની મિલકત તરીકે નહીં ગણવામાં આવે. જોકે નારીવાદીઓ એક વાત બહુ જરૂરી સમજે છે કે એ જુદી રહે કે એના પરિવારમાં રહે, પણ પોતાની શરતો મુજબ જીવી શકવી જોઈએ. જે પતિઓ સ્ત્રીને મારવાની ભૂલ કરતા હોય છે, તેઓ કાનૂની કાર્યવાહીને કારણે સીધાદોર થઈ જાય છે. અને આમ ખેંચાતાણીનો અંત આવે છે.