નારીસંપદા : ટૂંકી વાર્તા/ગામ : બળેલ પિપળિયા
પારુલ ખખ્ખર
સફેદ બાસ્તા જેવી પાટિયું ભરેલા ખાટલા ઢળાયા ને પોચા પોચા ગાદલાની માથે ધોયેલા ઓછાડ પથરાયા ઈ ભેગી જ હું તો ઠેકડો મારીને ખાટલા પર ચડી ગઈ. થોડીવારમાં મમ્મી પણ આવીને ખાટલા પર લંબાણી. બબ્બે ઓસરીએ ચાર-ચાર ઓરડાવાળું મકાન રાતના ઝાંખા અજવાળામાં દરિયા જેવડું વિશાળ લાગતું હતું. બા સંજેરો કરતાં હતાં. ઘર-દુકાન ભેગાં હોવાથી પાર વગરની વસ્તુઓ હોય. એક એક ઓરડે જઈ ટોર્ચના અજવાળે સમુનમુ કરતાં કરતાં આઠે આઠ રૂમમાં ફરી વળેલાં બા ફળિયામાં આવ્યાં ત્યારે અષ્ટભુજાળી દેવી જેવાં લાગતાં હતાં. પરસેવો લૂછતા લૂછતા એમણે થોડે દૂર ઢાળેલા બાપુજીના ખાટલા નીચે પાણીભરેલો કળશ્યો અને લાકડી મૂક્યાં. પેટ્રોમેક્ષ બુઝાવીને ફાનસ પેટાવ્યું. શગને ધીમી કરીને મારી બાજુમાં આવીને ખાટલામાં આડાં પડયાં. બાના દેહમાંથી પરિશ્રમના પરસેવાની ગંધ આવતી હતી. હું બાની નજીક સરકી અને એમને વળગીને સૂતી. મમ્મી ક્યારની બાની રાહ જોતી જાગતી પડી હતી. વૈશાખની ઊજળી રાતે પાસપાસેના ખાટલા પર સુતેલી બે સ્ત્રીઓ ખુલ્લી આંખે આકાશને તાકી રહી હતી. ખાસ્સી વાર પછી મમ્મીએ મૌન તોડયું, 'બા, બાપુજી હજી નો આવ્યા?’ ‘ઈ અમથાં ય કે'દી વ્હેલા આવે છે?’ ‘આટલા મહિને દીકરી ઘરે આવી હોય તો બાપને એમ નો થાય કે વ્હેલા ઘરભેગા થઈએ?’ 'એને શું દીકરો કે શું દીકરી? કાંઈ ફેર નો પડે બેન !’ ‘પણ અત્યારે શું પાડા પાવાના હોય બા?’ ‘ઈનો દન અટાણે જ ઊગે', બાએ હળવો નિસાસો નાંખ્યો. ‘કેટલાં વરસ થ્યાં બા, હું આ જયુ જેવડી હતી ત્યારની જોતી આવું છું.’ કહી મમ્મીએ મારી સામે આંગળી ચીંધી. 'તમે આ બધું કેમ ચલાવી લ્યો છો?' મમ્મીએ જોશભેર કહ્યું. 'ઈ સિવાય કરવાનું ય શું?’ બાએ સાવ ધીમા અવાજે કહ્યું. 'બા, વારતા ક્યો ને !' મેં આ બધી ગંભીર વાતોથી કંટાળીને કહ્યું. ‘બાને શ્વાસ તો લેવા દે' મમ્મીએ મને ટોકી. 'એને ધખ મા સોભા, ઈ તો બાળક છે. તારા બાપની દાઝ્ય એના ઉપર કાઢ્ય મા.’ બાએ મમ્મીને ઠપકો આપ્યો. 'બા. તમે ભલે ચુપ રહો, પણ હું આજે બાપુજી સાથે વાત કરીશ.' મમ્મીએ ધડાકો કર્યો. બા સડપ દેતાં'ક બેઠાં થઈ ગયાં. મમ્મી સામે હાથ જોડીને બોલ્યાં, ‘તારી ગાય છું સોભા, તને જલારામબાપાના સોગન છે જો તું કાંઈ બોલી છો તો.’ ‘તો ક્યાં સુધી આ બળતરા સહન કરવાની છે? હવે તો ધોળા આવ્યા.’ મમ્મી તપી ગઈ. ‘આ બધુય કોઠે પડી ગ્યું બેન... આ સંધુય રીઢુ થઈ ગ્યું' કહીને બાએ છાતી પર હાથ ફેરવ્યો. મેં બા સામે જોયું. ચાંદાના રૂપેરી અજવાળામાં બાની ચીમળાયેલી ચામડી ચમકતી હતી. ગળું, છાતી, પેટ, હાથ બળેલી ચામડીથી મઢાયેલાં હતાં. ઠેરઠેર કાળા-સફેદ ધાબાં દેખાતાં હતાં. દાઝેલી ચામડી શરીર પર એવી રીતે ચોંટી ગઈ હતી કે કંઈક વિચિત્ર અને ખરબચડી સપાટીમાં ફેરવાઈ ગઈ હતી. મેં ધીમેકથી મારો નાનકડો હાથ બાના હાથ પર ફેરવ્યો. 'બા... વારતા કહો ને !’ ‘એક... આ... વારતાની ચરહુડી... કયારની મંડાણી છે તે ! પૈડ નથી મૂકતી. સુઈ જા છાનીમાની.’ કહીને મમ્મીએ મને ધમકાવી. હું નિમાણું મોં કરીને ઓશિકામાં મોં છૂપાવી ધીમુંધીમું રડવા લાગી. બાએ મારા લીસ્સા વાળ પર હેતથી આંગળી ફેરવતા કહ્યું, 'સોભા, આ પહુડા જેવી છોડીને શું કરવા ખીજા છો? એણે શું ગનો કર્યો છે?’ ‘જોવો બા, તમે દાઝી ગ્યાં ત્યારે તો હું જયુ જેવડી હતી એટલે કાંઈ નોતી સમજતી. પણ હવે મારાથી આ સહન નથી થાતું કહી દઉં છું.’ મમ્મી ધમકીભર્યા સ્વરે બોલી. બાએ નાક પર આંગળી મૂકી ‘શીશશશ...’ કર્યું અને વારતા માંડી 'એક હતું ગામ. ગામનું નામ બળેલ પિપળિયા. ગામમાં એક રાજા હતો. રાજાને ન્યાં તો દોમદોમ સાયબી. રાજાને બે રાણિયું હતી. એક હતી માનેતી અને બીજી અણમાનેતી...’ વાર્તા આગળ ચાલવા માંડી અને મારા કાનમાં તો જાણે અમરત રેડાવા લાગ્યું હોય તેમ હું તૃપ્ત થવા લાગી. બાનો હેતાળ હાથ વાંસા પર સરકી રહ્યો હતો અને હું નીદ્રાદેવીના ચરણોમાં આળોટવા લાગી હતી. અચાનક ડેલીની સાંકળ ખખડી, અવાજ સાવ બોદો હતો, મમ્મીને ન સંભળાયો પણ બા તરત જ ઊભાં થયાં. ડેલી ખોલી. બાપુજી અંદર આવ્યા. ટોપી ઓસરીની પગથાર પર મૂકી, ટોર્ચને ખાટલાના પાયા પાસે મૂકી અને ખાટલા પર લંબાવ્યું. બા મારી પડખે આવીને સુઈ ગયાં અને મને એની છાતી સાથે ભીંસી દીધી. એ હળવી ભીંસમાં બાની છાતીની બળેલી, ખરબચડી ચામડી મારા ગાલને અડતી રહી અને ફરી મારી આંખો ઘેરાવા લાગી. મોસાળમાં રહું એ દિવસો મારા માટે ગોળથી યે ગળ્યા હોય. નહીં વહેલું ઊઠવાનું કે નહીં ભણતરનો ભાર. નહીં ઘરકામ શીખવાનું કે નહીં મમ્મીની શિસ્તમાં રહેવાનું. અહિંયા તો એય... ને... બહેનપણીઓ સાથે વાડી-ખેતરે ફરવાનું, નદીએ નહાવા જવાનું, વીરડા ગાળવાનાં, પાદરના વડલે હીંચકા ખાવાના અને બપોર વચ્ચે નવકાંકરી કે ઇષ્ટો રમવાનું. દિવસ તો ચપટી વગાડતાં પૂરો થઈ જાય. મને સાંજ પડે એની રાહ હોય. રોજ સાંજે મને આંગળિયે ઝાલી બા દૂધ લેવા જાય. ગોધુલી ટાણે હું અને બા ઘરથી દૂર આવેલ ભરવાડવાડે જઈએ. બા જશોદામામીને તપેલું પકડાવીને નિરાંતે ઓસરીની કોરે બેસે. આખા દિવસની જળોજથ્થાથી થાકેલાં બા થાંભલીના ટેકે બેઠાં હોય. હું થોડી થોડી વારે બોઘરણામાં પડતી દૂધની સેરો તરફ તો થોડી વારે નિરાંતવા બેઠેલાં બા તરફ જોયાં કરું. બા તો આ બધી જ ઘટનાઓથી દૂર કોઈ અજાણી દિશામાં તાકતાં હોય એમ અન્યમનસ્ક થઈ બેસી રહે. રંગબેરંગી સાડલો. કપાળમાં કોરા કંકુનો મોટો ચાંદલો, કાનમાં હીરાની બુટ્ટીઓ, હડપચી પર શોભતું નમણું ખંજન અને એ ખંજનની બરાબર ઉપર ત્રોફેલું ત્રાજવું. એ લીલાશ પડતા ટપકાને કારણે બાનો ઘઉંવર્ણો ચહેરો ઓર દીપી ઊઠતો. આથમતા દિવસનું વિદાય લેતું અજવાળું બાની મોટીબધી ચૂંક પર પડતું અને આખો ભરવાડવાડો ઝગમગી ઊઠતો. એક સવારે દૂધ-રોટલો પીરસતી વખતે બાએ મને કહ્યું, ‘જયુ બટા... આજે તારે એક કામ કરી દેવાનું છે.’ ‘હા બા... શું કરવાનું છે?’ ‘કામ તારા મેળનું છે. કરીશ ને?’ ‘હા બા... કરુ જ ને !’ ‘જો ઓલો છેલ્લો રૂમ છે ને? એમાં જી શો-કેસ છે ઈ તારે ગોઠવી દેવાનો છે. આવડશે ને?’ ‘હા બા... ગોઠવી દઈશ’ હું તો એક ભીનો અને એક કોરો ગાભો લઈને હોંશથી છેલ્લા રૂમમાં પહોંચી ગઈ. ત્રણ ખાનાવાળો એ શો-કેસ મારી ઊંચાઈ જેવડો જ હતો. પહેલાં તો મેં એને ધારી ધારીને જોયો. પછી હું તો મંડી પડી એની સફાઈમાં. કોતરણીવાળી બહારની ફ્રેમને ઘસીઘસીને સાફ કરી. પછી શો-કેસ ખોલી સૌથી ઉપરનું ખાનું હાથમાં લીધું. બધું આમતેમ પડ્યું હતું. દરેક ચીજ પર રજ ચોંટી ગઈ હતી, જાણે વર્ષોથી કોઈએ હાથ જ ન લગાડ્યો હોય ! એ ખાનામાં કાચના રમકડાં હતાં. ચારો ચરતી ગાયો, મનમોહક નર્તકી, ખૂંખાર સિંહ, ટચુકડા કપ-રકાબી, તુલસીક્યારો અને કાનુડાની મૂર્તિ – આ બધું જોઈ મને થયું, આ રમકડાંથી કોઈ રમ્યું હશે? કે માત્ર સુશોભન માટે જ લીધાં હશે? હું તો બધું જ કાળજીપૂર્વક ઘસી ઘસીને લૂછતી ગઈ અને સુઘડતાથી ગોઠવતી ગઈ. વચલા ખાનામાં રહેલી મોતીભરતની કલાકૃતિઓને પહેલા તો અચરજથી જોતી જ રહી. નાના-મોટા મોતી ભરેલા લોટી-ઇંઢોણી-નાળિયેરના સેટ, મોતીના ખુરશી-ટેબલ, મોતીની ટબૂડી, મોતીનો શીશો. મોતીનું ગાડુ અને મોતીની ઢીંગલી જોઈ થયું કે, ‘આ બધુ બાએ બનાવ્યું હશે? કેવું સુંદર કામ છે?’ જતનથી લૂછતી ગઈ અને સુંદર રીતે ગોઠવતી ગઈ. સૌથી નીચેના ખાનામાં દુકાનમાં વેચવાની વસ્તુઓ ભરેલી હતી. આયોડેક્સ, બર્નોલ, વિક્સ, અમૃતાંજન, સોમવા-૩૪, ગ્રાઈપવોટર, પાટી-પેન અને એવું તો ઘણું બધું. તેને પણ લૂછી લૂછીને સહેલાઈથી શોધી શકાય તે રીતે ગોઠવ્યું. છેલ્લે ગાભાના સ્વચ્છ છેડા વડે અંદર-બહારના કાચ લૂછ્યા. આ આખીય પ્રક્રિયા દરમ્યાન હું સતત રોમાંચિત થતી રહી. શો-કેસના દરવાજા બંધ કરીને એને આંખો વડે પીતી રહી. પછી બાની આંગળી ઝાલી રૂમમાં લઈ આવી. ‘જોવો બા...’ બા તો શો-કેસને જોઈને અવાક્ થઈ ગયાં. મુગ્ધતાથી જોતાં જ રહ્યાં. દરવાજા ખોલી એકએક ચીજ પર હાથ ફેરવતાં ગયાં અને એક એક ચીજનો ઇતિહાસ કહેતાં ગયાં. હું રસપૂર્વક સાંભળતી રહી. એ આખો દિવસ બા એકલાં એકલાં રાજી થયે રાખ્યાં. થોડીથોડી વારે શો-કેસને જોઈ આવે અને મને વ્હાલ કરે. રાતે એમની ખરબચડી સોડમાં લઈને કહે, 'આજે મારા બાપલિયા પાહે બોવ કામ કરાયવું કાં? થાકી ગ્યો ને મારો વિહામલો?’ ‘ના રે બા. એમાં મહેનત જ ક્યાં હતી તે થાક લાગે?’ 'તો ય કામ તો કામ જ ને?’ ‘પણ બા, મને તો બહુ મજા આવી.' મેં વ્હાલથી કહ્યું. એ મારા માથા પર હાથ ફેરવતાં બોલ્યાં, 'બટા જયુ... જેને બધુય ગોઠવતાં આવડે ઈ સુખી થાય અને વળી ઈ ગોઠવવામાં મજા ય આવે એને તો કોઈ દી વાંધો નો આવે. હમજી?’ એમના શબ્દોમાં કોઈ સુચિત ભાવ હતો પણ મને કંઈ ન સમજાયું. મેં તો મારી રોજીંદી માંગણી ચાલુ કરી દીધી. ‘બા વારતા કહો ને.’ બાએ વારતા માંડી ‘એક હતું ગામ. ગામનું નામ બળેલ પિપળિયા. ગામમાં એક રાજા. રાજાને બે રાણી. એક માનેતી એક અણમાનેતી...’ વાર્તાની શરૂઆત રોજ આવી જ હોય પરંતુ પછી એમાં જુદી જુદી ઘટનાઓ ઉમેરાતી જાય અને વાર્તા રસપ્રદ બનતી જાય. દિવસો તો અત્તરની જેમ ઊડી ગયા અને એ છેલ્લી રાત પણ આવી ગઈ. બીજે દિવસે સવારે ઘરે જવાનું હતું. આજે ય મા-દીકરી વાતોએ ચડ્યાં હતાં અને મારી વાર્તા ખોટી થાતી હતી. ‘જોવો બા, કાલે તો હું વઈ જઈશ. તમારું માનીને આટલા દિવસ ચૂપ રહી. પણ આજે તો ફેંસલો કર્યે જ પાર.’ ‘સોભા, તું તો વઈ જઈશ. જાતાં જાતાં મારું જીવતર ઝેર શું કરવાને કરશ બટા?' બા ગળગળા સાદે બોલતાં હતાં. ‘તો તમારે આ ક્યાં સુધી સહન કરવું છે?’ ‘નસીબમાં હોય ન્યા લગણ’ ‘આ બળતરા તમારા નસીબમાં નહોતી તો ય તમે એને સહન કરો છો ને?’ મમ્મીએ બાની બળેલી ચામડી તરફ ઇશારો કર્યો. ‘બટા, મડદાની રાખને ફૂંક નો મારીએ. અંદર એકાદો ય દેતવા રહી ગ્યો હોય ને... તો બાકી ર્યુ હોય ઈ બધુ ય હળગાવી મેલે’ ‘તો ય હું ચૂપ નહીં રહું' ‘તને જલારામબાપાના સોગન છે' કહીને બાએ ફરી એકવાર મમ્મીની જીભ પર લક્ષ્મણરેખા દોરી નાંખી અને બીજે દિવસે અમે ઘરે આવી ગયાં. વર્ષો વીતતાં ગયાં. મારું ગામડે જવાનું, વીરડા ગાળવાનું, શો-કેસ ગોઠવવાનું, ભરવાડવાડે બાને ઝળહળતાં જોવાનું અને માનેતી-અણમાનેતી રાણીની વાર્તા સાંભળવાનું ઘણાં વર્ષો સુધી ચાલ્યું. પણ હું બોર્ડમાં આવી અને ભણતરની કેદમાં પૂરાઈ ગઈ. ગામડું છૂટી ગયું અને બાની મુલાકાતો ય છૂટી. મમ્મી સાથે બાની ઘણી વાતો થતી પણ મારે બાની બળેલી ચામડી અને એ ચામડી નીચેની બળતરાનું સરનામું શોધવું હતું. મમ્મી સાથે આ ચર્ચા કરવા જેવડી મોટી હું ક્યારેય થઈ જ ન શકી. લગ્ન થયાં અને સાસરે ગઈ તો પણ એ સરનામું ન જડ્યું તે ન જ જડ્યું. એક દિવસ ફોન આવ્યો કે બા અતિશય બીમાર છે. મમ્મી પહોંચે એ પહેલા તો હું ગામડે પહોંચી ગઈ. છેલ્લા રૂમમાં બાનો ખાટલો હતો. પાણી પીવાનો ય સમય બગાડ્યા વગર હું બા પાસે પહોંચી. બા અર્ધજાગૃત અવસ્થામાં સૂતાં હતાં. મેં માથા પર હાથ મૂક્યો. શરીર તાવથી ધગતું હતું. હાથ દાઝી જાય એટલો તાવ ! સ્પર્શ થતાં જ બાએ આંખો ખોલી, ‘કોણ?’ ‘બા, હું જયુ.’ ‘તું આવી ગઈ બટા?’ સાવ અશક્ત અવાજે બોલ્યાં. ‘હા બા.’ મારી આંખોમાંથી પાણી દડવા લાગ્યાં. હું બાની હથેળીઓને મારી હથેળીમાં લઈ ચૂમવા લાગી. મારા આંસુ એમની હથેળીને ભીંજવવા લાગ્યાં. અમે બન્ને એકબીજાની હૂંફમાં રળિયાત થતાં રહ્યાં. હું ખાધાપીધા વગર બા પાસે બેસી રહી. રાત પડી ગઈ હતી. મારી પથારી બાના ખાટલાની બાજુમાં જ કરાવી. દીવાબત્તી ઓલવાયા પણ અમારી ચાર આંખોમાં ઊંઘ ન હતી. બાનો તાવ વધતો જતો હતો. હું પોતા મૂકવા લાગી. મને તીવ્રતાથી પેલી વૈશાખી રાતો, ચાંદાના પ્રકાશમાં સાંભળેલી વાર્તાઓ અને બાની ખરબચડી સોડ યાદ આવવા લાગી. મેં બાના ગાલ પર બચી ભરી. બાએ નાઇટલેમ્પનાં અજવાળામાં મને એકીનજરે જોઈ અને બોખું સ્મિત લહેરાવ્યું. મેં બાને વ્હાલથી કહ્યું, ‘બા, વાર્તા કહો ને !’ આ સાંભળતાં જ બાની તાવભરી આંખોમાં ચમક આવી. એમણે અશક્ત અવાજે પૂછ્યું, ‘કઈ સાંભળવી છે?’ ‘ઓલી... તમે રાજા રાણીની કહેતાં ને... ઈ જ...’, મેં ઉત્સાહથી કહ્યું. બાએ વાર્તા કહેવી શરૂ કરી. ‘એક ગામ હતું... ગામનું નામ બળેલ પિપળિયા... એમાં એક રાજા હતો. એને દોમ દોમ સાયબી હતી. એને આકાશની પરી જેવી એક રાણી હતી.’ હું રસથી સાંભળતી હતી. ‘રાણી તો એવી ડાઇ અને ખાનદાન કે એનો જગતમાં જોટો નો જડે. રાજાને સાચવે, પાંચ પાંચ જણ્યાને સાચવે, વે’વાર સાચવે, વાડી-વજીફા સાચવે પણ કોઈ’દી થાકવાનું નામ નો લ્યે.’ બાનો અવાજ ધ્રુજવા લાગ્યો હતો. હું માત્ર હોંકારો પુરાવતી હતી. ‘રાજા તો રાણીના રૂપ પાછળ ઘેલો ઘેલો થાતો. પાણી માંગે ત્યાં દૂધ હાજર કરતો.’ બાએ થોડીવાર પોરો ખાધો પછી આગળ બોલ્યાં, ‘બધુંય બરોબર હાલતું’તું એમાં... ગામમાં એક સોનારણ આયવી. શું એના રૂપ ! શું એના શણગાર ! શું એનો રુઆબ ! ને શું એનો તોર ! રાજા જેવો રાજા પણ અંતે તો આદમીમાણહ જ ને? લપટાઈ ગ્યો ઈ રૂપની જાળમાં. ગામની બારોબાર બીજો ગઢ બંધાયવો. રોજ રાત પડે ને રાજાને લીલાલે’ર.’ બાનો અવાજ અતિશય કંપવા લાગ્યો. તાવ વધતો જતો હતો. મેં ચિંતિત સ્વરે કહ્યું, ‘બા, હવે સૂઈ જાઓ. બાકીની વારતા કાલે કહેજો.’ પણ બાએ સાંભળ્યું ન હોય તેમ બોલવા લાગ્યાં, ‘રાજ’મેલને સાચવીને બેઠેલી માનેતી રાણી અણમાનેતી થઈ અને પરદેશી સોનારણ માનેતી થઈ. રાજરાણીને બધીય ખબર પણ કરે ય શું?’ મારા મગજમાં થોડું થોડું અજવાળું થવા લાગ્યું હતું. હું ચૂપ હતી. બાનો અશક્ત અવાજ આવ્યો, ‘બટા જયુ... જાગશ ને?’ ‘હા બા, સાંભળું છું.’ મારો અવાજ ભીનો હતો. ‘બટા, મોટા ઘરની વહુઆરુના મોભા ય મોટા ને દઃખ ય મોટા. એના તો ઉંબરા ય મોટા ને ભીંત્યું ય મોટી. અવાજ બા’રો કેમ નીકળે?’ બાની આંખોમાંથી સડસડાટ પાણી વહી રહ્યાં હતાં. હું પણ એ પ્રવાહમાં ઘસડાવા લાગી. મેં બાને આજીજીભર્યા સ્વરે કહ્યું, ‘બા... બસ હવે... પ્લીઝ...’ સનેપાત ઉપડ્યો હોય તેમ એ બોલ્યે જતાં હતાં, ‘અણમાનેતી જાય તો કયાં જાય? અંદરના ડામ કોને દેખાડે? એકેય આંહુડુ પાડે તો એની ખાનદાની લાજે. એક ’દી કાળજું કાઠું કરીને રસોયાને દીધી રજા અને પોતે ગઈ રસોડે. મોટા જબ્બર રસોડાનો મોટો જબ્બર ચૂલો. ઈ ચૂલા માથે મેલ્યો મોટો જબ્બર તાવડો. તાવડે મેલ્યું તેલ... ચૂલો તો ધખધખ બળે... રાણીનું કાળજુ જ જોઈ લ્યો ! તાવડાનું તેલ મંડ્યુ ઉકળવા. રાણીને ઓતાર ઉપડ્યો હોય એમ ચૂલામાં બળતણ નાંખતી જ જાય અને ચૂલાની આગ તો જે લબકારા નાંખે... જાણે સાપની જીભ જોઈ લ્યો ! ધુમાડા કાઢતું તેલ રાણીને હાથ લાંબા કરી કરીને બરકવા માંડ્યું અને રાણીએ લીધા બે મોટા ગાભા. તાવડાના બેય હાથા પકડીને તાવડો વાળ્યો ઊંધો...’ બા કોઈ અજીબ શક્તિથી એકધારું બોલ્યે જતાં હતાં. 'તેત્રીસ ક્રોડ દેવતા જોઈ ર્યા ને રાણીએ પોતાના નસીબનો ફેંસલો કરી નાંયખો. ફળફળતું તેલ આખા ડિલે ફરી વળ્યું. રુંવાડે રુંવાડે આગ લાગી પણ... રાણીને તો જે ટાઢક... થઈ... જે ટાઢક થઈ... જે ટાઢક થઈ.' બાનો અવાજ તૂટવા લાગ્યો. હું કોઈને બોલાવવા ઊભી થવા ગઈ પણ બાએ મારો હાથ એકદમ જોરથી પકડી રાખ્યો હતો. શરીર તો ભઠ્ઠીની જેમ ધગતું હતું. હું ધ્રુસ્કે ધ્રુસ્કે રડતી હતી. ‘પણ રાણી વાલામૂઈ... બાળોતિયાની બળેલી તે ઠાઠડીએ ક્યાંથી ઠરે? ઈ અભાગણી બચી ગઈ. પછી તો આખો જલમારો બળતી જ રહી... બળતી જ રહી.’ અચાનક બા સાવ ચૂપ થઈ ગયાં. મારા હાથમાં એમનો હાથ હતો. શરીર હજુ ય ધગતું હતું. આંસુ હજુ ય વહી રહ્યાં હતાં. અમે બન્ને નિઃશબ્દ હતાં. મેં ધીમે ધીમે બાના ગાળા પર, પેટ પર, હાથ પર હાથ ફેરવ્યો. કદાચ એ બળેલી ચામડી પર શાતા વળે ! મારા શીતળ સ્પર્શની અસર થઈ હોય તેમ બાએ આંખો ખોલી અને હેતથી પૂછ્યું, ‘બટા... તું કયા ગામ સાસરે?’ ‘અમરગઢ’ મેં ગળગળા અવાજે કહ્યું. ‘કેવું’ક છે ગામ?’ ‘આમ તો બળેલ પિપળિયા જેવું જ’
❖
વાર્તા અને વાર્તાકાર :
- પારુલ ખખ્ખર (૧૦-૦૭-૧૯૮૦)
‘ગામ-બળેલ પિપળિયા’ વાર્તા વિશે :
કવયિત્રી તરીકેની ઓળખ ધરાવતાં પારુલ ખખ્ખરે થોડીક વાર્તાઓ પણ લખી છે. આ વાર્તાની કથક મા સાથે એના પિયર આવી છે. મા-નાનીની વાતો સાંભળે પણ સમજે એવડી એની ઉંમર નથી. નાનીમા આખા શરીરે કેવી રીતે દાઝી ગયાં? મા, પોતાના પિતા વિશે નાનીને શું કહેતી હતી? એ વિચારવા કે સમજવા જેવડી એની ઉંમર નથી. પણ મોટી થઈ, સાસરે ગઈ, બા માંદી છે સાંભળીને દોડી ગઈ પિયર. ને વર્ષોથી ચાલી આવતી વાર્તા – ગામ બળેલ પિપળિયા, રાજા-બે રાણી, માનીતી-અણમાનીતી – એ છેક આજે પૂરી થઈ. અણમાનીતીએ તેલ ઉકાળીને રેડ્યું પણ તોય મરી નહીં, બચી ગઈ. મરતી વેળાએ બા પૂછે છે : તારું ગામ કેવું? દીકરી ગળગળો જવાબ આપે છે : ‘આમ તો બળેલ પિપળિયા જેવું જ...’ આ જવાબમાં સ્ત્રીમાત્રની નિયતિ પડેલી છે.