નારીસંપદા : ટૂંકી વાર્તા/તમિલ પતંગિયું

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
તમિલ પતંગિયું

મનીષા મહેતા

‘તમિલ?’ આ તેનો પહેલો શબ્દ પ્રશ્ન સ્વરૂપે આવ્યો. બેંગ્લોરની ભૂમિ ઉપર વરસાદી સાંજે દીકરાના ફ્લેટની નીચેના બગીચામાં હીંચકા ખાતી હું એક કવિતા ગાઈ રહી હતી. આસપાસ કોઈ છે જ નહીં એવું મેં માન્યું હતું ત્યાં સામે પાંચેક ફૂટ દૂરથી જ આ અવાજ આવ્યો. મારું ધ્યાનભંગ તો થયું જ પણ મને મારી હરકત ઉપર શરમ પણ આવી. ભલે એકાંતમાં હોઈએ તો પણ આમ થોડું ગવાતું હશે? મેં એને જવાબ આપ્યો, ‘નો તમિલ, આઈ એમ ગુજરાતી.’ એ નિરાશ થઈ જરા વાર ઊભી રહીને પછી ચાલી જવા લાગી. મેં એને રોકી. ‘હિન્દી મેં બાત કરતે હૈ, આઓ.’ ‘નો, નો હિન્દી, ઓનલી તમિલ.’ પછી મેં એને સમજાવી કે ભાંગ્યું તૂટ્યું હિન્દી, અંગ્રેજી બન્નેને ફાવશે, એ આવીને બેસે મારી પાસે. એ જોડાઈ મારી સાથે હીંચકવા. વાતો કરવા માટે ભાષા એ મોટો પ્રશ્ન હતો જ પણ તેથી કંઈ બે સ્ત્રીઓ બોલ્યા વગર થોડી જ રહે? વાતોની શરૂઆત થઈ ફરી એક પ્રશ્નથી જ. ‘તમે શું ગાતાં હતાં?’ તેનો પ્રશ્ન. મારો જવાબ. સામો કોઈ પ્રશ્ન અને એમ અમારી સોબત જામતી ગઈ. શ્યામાસુંદર સ્ત્રી. શક્તિ એનું નામ પણ એ ઘણી જ અશક્ત લાગતી હતી. પચાસેક વર્ષની હશે. હું જાણે ડૉક્ટર હોઉં તેમ તેની વાતોમાં તેની તબિયતના પ્રશ્નો જ તે પૂછવા લાગી. ગર્ભાશયની સર્જરી પછી એને અનેક શારીરિક સમસ્યાઓ સર્જાઈ હતી. તેની બધી જ નસોમાં એવી નબળાઈ હતી કે એકલી ક્યાંય બહાર નીકળે તો પડી જવાનું જોખમ હોવાથી ફક્ત અહીં ફ્લેટમાં એ ક્યારેક ચાલવા નીકળતી. બાકી ક્યાંય હવે એ જઈ શકતી નહીં. વળી તેની મુખ્ય સમસ્યા તો એ હતી કે તેને ખૂબ વાતો કરવી હોય છે. પણ આ આધુનિક આવાસમાં કોઈ કોઈની સાથે વાત કરવા ઇચ્છતું નથી. બહારથી બંધ ગાડીઓમાં આવી પાર્કિંગમાંથી સીધા લિફ્ટમાં પોતાના ઘરોમાં બંધ થઈ જતા પાડોશીઓ એકમેકને ઓળખતા પણ નથી. જે બે-ચાર વૃદ્ધ વ્યક્તિ બોલકી છે ત્યાં ભાષાનો પ્રશ્ન છે. મારી સાથે ખૂબ વાતો થશે એ આશાએ જ એ મારી નજીક આવી હતી. મેં જે ચાલી જતી હતી તે ભાષામાં વાત આગળ વધારી, ‘ઘરમાં કોણ કોણ છે?’ ‘પુત્ર ડોક્ટરની ડિગ્રી લેવા દૂર ભણવા ગયો છે. ઘરે પતિદેવ અને હું. એમને વર્ક ફ્રોમ હોમ છે ત્રણ વરસથી.’ ‘તો સારું ને, ઘરે સતત કંપની તો ખરી!’ તેણે આડું જોઈને જવાબ ટાળ્યો. તે ફરી પોતાની તબિયતની વાત ઉપર જ આવી. મને થયું કે હવે સાંભળી જ લઉં કે તેને કેટકેટલી શારીરિક તકલીફો છે. કદાચ એવું થવાથી એને રાહત મળે. ક્યારેક એકદમ વધુ કંઈક કહી દેવાની હોંશમાં એ લાંબાં લાંબાં તમિલ વાક્યો બોલી નાખતી અને હું એને વિસ્મયથી જોઈ રહેતી. એ ફરી તેનું ભાષાંતર કરવાની કોશિશ કરતી અને મને એકંદરે તેનું વાક્ય સમજાઈ જતું. ‘આઇ ફીલ લોન્લી.’ આ વાક્ય તે વારંવાર બોલી જતી. મેં તેને સમજાવી કે, ‘તમારી અંગત દુનિયા હોવી જોઈએ. જ્યાં તમે જાત સાથે જીવતાં હો. તમને ગમતી પ્રવૃત્તિની દુનિયા. તમે તમને પોતાને માણો. એકાંત હવે આજના જમાનાનું ફરજિયાત અંગ છે, એમાં જીવતાં શીખી લેવાનું.’ ‘તમે ફ્રી હો તો શું કરો છો?’ મારી વાતના જવાબમાં તેનો અપેક્ષિત પ્રશ્ન આવ્યો. મેં કહ્યું ક્યારેક ચિત્રો, ક્યારેક વાચન, ક્યારેક લેખન અને મારા આવા અનેક શોખમાંથી જે સમયે જે અનુકૂળ હોય તે. ‘મને ચિત્ર શીખવશો?’ ‘હા, મને આવડે છે એટલું હું જરૂર શીખવીશ. તમે મારા ઘરે આવી શકો, ન ફાવે તો હું તમારા...’ ‘નો નો નો... મારા ઘરે નહીં, હું આવી શકું તમારા ઘરે?’ ‘આવો જરૂર. અહીં તો મારી પાસે ખાસ સાધનો નથી, તમારી પાસે જે હોય તે લઈને આવો એમાંથી શરૂઆત કરીશું.’ એની ખુશી ત્યારે જોવા જેવી હતી. ‘ઈશ્વરે તમને મારા માટે મોકલ્યાં છે.’ બે હાથ ઉપર તરફ જોડી એ બોલી ઊઠી, ‘થેંક ગોડ !’ મને આ વધું પડતું લાગતું હતું પણ થયું કે હોય, કોઈ સ્ત્રી આવી ભાવનાશીલ હોઈ શકે. ‘મને ફોન કરીને આવજો, કાલે બપોરે.’ ‘મારી પાસે ફોન નથી.’ એની નજર ફરી આડું જોઈ રહી. અહીં રહેનાર કોઈ ફોન ન વસાવી શકે એમ કેમ માનવું? મારી નજરના પ્રશ્નાર્થે તેનો પીછો કર્યો. એ હવે ખૂલી જ જવા માંગતી હશે તેથી જોરથી બોલી પડી, ‘માય હસબન્ડ કિપ્સ માય ફોન. સમ ફેમિલી ઇસ્યૂ. મારી પાસે ફોન નથી.’ એની આંખો વરસી જ પડત, જો મેં વાત વાળી લીધી ન હોત, ‘ડોન્ટ વરી, મારું ઘર ખુલ્લું જ છે. કાલે આવી જજો કોલ કર્યા વગર જ.’ એના હાથને હાથમાં લઈ મારી હતી એટલી બધી જ ઉષ્મા તેનામાં ભરી દઈને આવતીકાલે મળવાનું કહીને એનાથી હું છૂટી પડી ગઈ. હું એટલું તો સમજી જ ચૂકી કે તેની શારીરિક તબિયતની ફરિયાદો તો એક પડછાયો હતી તેની માનસિક સ્થિતિનો. આ સ્ત્રી કેમ બોલવા ઝંખે છે, કેમ એને એકાંત અનુભવાય છે, તેવા અનેક પ્રશ્નોના જવાબ પણ લગભગ મને મળી ગયા. બસ વિચારતી રહી હું એક જ પ્રશ્ન કે એવું શું બન્યું હશે કે એનો મોબાઇલ તેનો પતિ લઈ ગયો અને ક્યાંય ફોન કરવાની સ્થિતિ પણ નહીં? બીજા દિવસની બપોર થતાં જ શક્તિ હાજર થઈ. હાથમાં થોડા કોરા કાગળ, રંગો, ચિત્રકામની પીંછીની જગ્યાએ મેકઅપ કરવાની જૂની પીંછીઓ અને એક આઠ ઈંચના કેનવાસ બોર્ડ ઉપર અગાઉ ક્યારેક દોરેલું મોટું પતંગિયાનું ચિત્ર. આવતાંની સાથે જ મારા પરિવારને જોઈને જાણે વર્ષોથી સૌને ઓળખતી હોય તેમ બધાંને મળતી ગઈ અને વાતો કરતી ગઈ. ‘લાવો, શું લાવ્યા છો, આપણે શરૂ કરીએ?’ મારો જીવ તેની ગઈ કાલે અધૂરી રહી ગયેલી કથની જાણવા અધીરો બની ગયેલો. મારા પરિવારના સભ્યોને આરામ કરવાનું કહી મેં શક્તિ સાથે એકાંત સાધી લીધું. તેના લાવેલા રંગો સુકાઈ ગયેલા. તેને ભીના કરી તેણે દોરેલા પેલા જૂના પતંગિયામાં જ રંગો પૂરવાથી શરૂઆત કરવા મેં નક્કી કર્યું. તે ઘણી ખુશ હતી. ‘તમે શું રસોઈ બનાવો?’ બહુ દૂરના અલગ પ્રદેશની સ્ત્રીસહજ તેનો આ પ્રશ્ન હતો. નસીબજોગે ગરવામાં થેપલાં હતાં જ, તે મેં તેની સામે રજૂ કર્યાં. ‘મને પાઇલ્સ છે, હું કશું ખાઈ ન શકું.’ થેપલું જરા ચાખીને તેણે વિવેકથી ના કહી, પણ બહાનું તો પાછું પેલું તબિયતવાળું જ. મેં એને પતંગિયા પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું. પીંછી કેમ પકડવી, ત્યાંથી શરૂ કરી ઉપલબ્ધ રંગોથી તે પતંગિયામાં ધીમેધીમે પ્રાણ કેમ પૂરવા તે અમે શરૂ કર્યું. ‘બહુ જૂના રંગો છે.’ ‘હા, મારા પતિ મંદિરના ગોપુરમ̖ની ડિઝાઇનો બનાવતા, તે માટે લાવેલા રંગો છે. ‘તમે એમને કહ્યું ને કે તમે અહીં આવ્યાં છો?’ ‘ના, નીચે ચાલવા જાઉં છું એવું જ કહ્યું.’ ‘પણ ભરબપોર છે.’ તેણે જવાબ ટાળ્યો. ધીમેધીમે તે શીખી રહી હતી. પીંછીના દરેક લસરકે એ બાળકની જેમ ખુશ થઈ જતી. ‘હું તમારા આખા ઘર માટે ઈડલી લેતી આવીશ હોં ! ને ઢોસાનું વાટેલું પણ લાવીશ.’ ‘સરસ, અમને ભાવશે.’ લાગણીથી છલોછલ એ સ્ત્રી આજે ખીલી રહી હતી. કેટલુંય તેની અંદર ધરબાઈ ગયેલું હશે કે એ અવિરત બોલતી જતી હતી અને સાથે સાથે આ ચિત્રની તેની પોતાની આવડત ઉપર એ નવાઈ પામી રહી હતી. ‘મને નાચવું, ગાવું, એન્જોય કરવું બહુ ગમે, હું ખાલી બે રૂપિયાનું ચાંદલાનું પેકેટ ખરીદવા પણ બજાર સુધી ચાલી જતી. મને લોકોથી ભરેલું માર્કેટ, મંદિરો, જાતજાતના માણસો, રસ્તા ઉપરનાં ઝાડપાન, બધું બહુ જ ગમે.’ હું તેને વિક્ષેપ ન પડે તેમ જવાબમાં ફક્ત, ‘વાહ, મને પણ ગમે.’ એવું કહી દેતી. ‘...ને વાતો કરવી તો મને બહુ ગમે, મને પિયરમાં સહુ ચેટરબોક્સ જ કહે, તમિલમાં...’ ‘એમ? પિયરમાં કોણ કોણ?’ લો, ખોટો પ્રશ્ન પૂછાઈ ગયો. તેની પીંછી હાથમાં સ્થિર થઈ ગઈ અને આંખો ચકળવકળ... ‘માત્ર મારા પપ્પા, જેની સાથે મારા હસબન્ડે ઝઘડો કર્યો છે અને એની સાથે બોલતા પણ નથી ને હું પણ પપ્પા જોડે વાત ન કરી શકું. કેમ કે ફોન...’ ‘...પણ સોર્ટ આઉટ કરી લો ને ! એક વખત બેસીને પૂછો, વાત કરો, ઉકેલ લાવો...’ ‘કોને પૂછું, કોને વાત કરું?’ ‘તમારા પતિને જ ને.’ ‘હું પાણી પીતી આવું.’ ઝડપથી એ તેનાથી સાવ અજાણ્યા એવા મારા રસોડામાં ઘૂસી ગઈ. મને કશી સમજ પડે એ પહેલાં આંખો લૂછતી એ પાછી આવી ગઈ. મને હવે મૌન રહેવું જ યોગ્ય લાગ્યું. હું આ અજાણી સ્ત્રીની અંદર ચાલતા તોફાનમાં સપડાઈ ચૂકી હતી. તેને લીધે મારી અંદર શરૂ થઈ ગયેલા ખળભળાટથી, બેચેનીથી પણ હું બચવા માંગતી હતી. તેથી પતંગિયાની પાંખમાં મેં અવનવી ભાત દોરી આપી અને તેને તેમાં અલગ અલગ રંગો પૂરવા કહ્યું. તેથી ફરી એને જાણે પાંખો આવી અને રંગોની દુનિયામાં એ ઊડવા લાગી. સોનેરી પાઉડરમાંથી સોનેરી રંગ બનાવી તે પતંગિયાની પાંખોમાં સોનેરી ટપકાં કરવા તો તેને એટલાં બધાં ગમ્યાં કે જાણે તેના જ અસ્તિત્વને કોઈ સોનેરી છાંટ છાંટી ગયું હોય ! કેવી મજાની આ સ્ત્રી હતી ! એને ગમતી નાની નાની વાતોએ તેનો ચહેરો કેટલો ખીલી ઊઠતો ! છેલ્લે આખા પતંગિયાને આઉટલાઇન આપીને મેં એને દૂરથી તેનું આ ચિત્ર બતાવ્યું. એના ચિત્રનો સુંદર ઉઠાવ આવેલો જોઈ તે તાળી પાડી ઊઠી ! ફરી તેનું પેલું વાક્ય આવ્યું, ‘ગોડ સેન્ટ યુ હીયર ફોર મિ... થેન્ક યુ ગોડ...’ હું હસી પડતાં બોલી, ‘જુઓ તો ખરાં. તમને તો આવડે છે સરસ રીતે રંગો પૂરતાં. તમે તમારા પતિ સાથે જોડાઈને તેમના કામમાં મદદ કરવા લાગો.’ ‘પણ એ વર્ષોથી મારી સાથે બોલતા નથી.’ એકદમ ઉતાવળું એ બોલી ઊઠી. કદાચ તેના પોતાના ધ્યાન બહાર જ ! ઓહ ! આ સાંભળીને મારા હાથપગમાં સુન્નતા વ્યાપી ગઈ. બસ, હવે બસ ! આ તો હદ હતી મારી સહનશક્તિની. એ સ્ત્રી તો ભગવાન જાણે શેની બની હશે પણ હું તો સામાન્ય સ્ત્રી છું. કોઈની વ્યથા કેટલીક સહેવાય? એણે એનું ચિત્ર મારા હાથમાંથી લઈ લીધું. વાતો જાણે ફ્રીઝ થઈ ગઈ હતી પણ બહાર ક્યારનો વરસાદ ચાલુ થઈ ગયેલો એ મારા ધ્યાનમાં અચાનક આવ્યું. મારા મનમાં ડર ઉદ̖ભવી ગયો, ‘વરસતા વરસાદમાં કોઈ ફળિયામાં ચાલી ન શકે, તમે જાવ તમારા ઘરે. એમને ખબર પડી જશે કે તમે નીચે વોક કરવા નહોતાં ગયાં.’ જવાબમાં એ તમિલમાં કૈંક બોલી ગઈ. મેં તેનો સામાન પેક કરવા લાગ્યો. તે મારો હાથ પકડીને બોલી, ‘તમે સાંભળ્યું ને, મારા પતિના અબોલા છે મારી સાથે વર્ષોથી. મારા પપ્પા સાથેના ઝઘડાના લીધે...’ હવે નિરુત્તર કેમ રહેવું? ‘તમારો એકનો એક યુવાન દીકરો કેમ તમારા માટે કંઈ કહેતો નથી એના પપ્પાને.’ ‘ધેટ્સ ધ પ્રોબ્લેમ ના...’ ‘કેમ? એ જાણતો ન હોય તમારી સ્થિતિ?’ ‘એ નથી બોલતો કશું, કહે છે કે આ તમારો હસબન્ડ વાઇફનો ઇશ્યૂ છે, તમે જાતે સોલ્વ કરો. એ મેડિકલનું ભણે છે તો એનું પોતાનું સ્ટ્રેસ હોય ને. મારા પતિ એને ફોન કરે ત્યારે હું થોડી વાત કરું. મારી પાસે મોબાઇલ...’ ‘અરે હા, છ મહિના પહેલાં એવું તે શું બની ગયું હતું મોબાઇલમાં? ‘બહુ વરસાદ છે. હું જાઉં, કાલે નવી પીંછીઓ અને નવું કેન્વાસ લઈને આવું ને? ને હું ઈડલી પણ લેતી આવીશ.’ વાત બદલી કાઢવાનો વારો હવે તેનો હતો. હું પણ હવે તેની આ હરકત પછી વાત ટૂંકાવવા જ માંગતી હતી તે છતાં મેં કહ્યું, ‘એક મિનિટ, તમે આ પેઇન્ટિંગમાં નીચે તમારું નામ લખો, તમે બનાવ્યું છે તો.’ ‘નો...નો...નો...નામ નહીં.’ એકદમ ફફડી ઊઠીને એ ઊભી થઈ ગઈ. ‘ભલે, કાલે આ ટાઈમે જ આવજો, કાલે શેડ કરતાં શીખીશું.’ બસ, એ ગઈ. એ ગઈ હતી તો ઘરમાંથી, મારા વિચારો અને મારા મૂડ ઉપર એનો કબજો યથાવત્ હતો. હું ઘણી અકથ્ય વાતો પણ સમજી રહી હતી. પતિના પ્રેમથી સાવ ઉપેક્ષિત, ઘરમાં વર્ષોથી અબોલા લઈને પોતાનાથી સાવ વિમુખ થઈ જનાર પતિની સ્ત્રીના મોબાઇલમાં શું હોઈ શકે, જે એ મને કહી ન શકી? મોબાઇલની આભાસી દુનિયામાં જરૂર એના દુઃખી, એકાકી અને ઉપેક્ષિત જીવનને લાગણીની સંજીવની આપનાર કોઈ મળી ગયું હશે. ક્યાંક હૂંફ શોધવાનાં, પ્રેમના બે શબ્દો સાંભળવાનાં કે કોઈના હૃદયની ધડકન બનવાનાં, કોઈની પ્રીતિનું પાત્ર બનવાનાં દ્વાર ખૂલ્યાં હશે. પોતાનું સ્ત્રીત્વ ખીલવનાર કોઈ મળી ગયું હશે અને પતિના હાથમાં એનો મોબાઇલ આવ્યો હશે, જેનું આ પરિણામ છે – તે દુઃખી હતી ને વધુ દુઃખી થઈ, જેની અસર તેની તબિયત ઉપર પડી. મને થયું, ‘પ્રેમ મેળવવો એ એક સ્ત્રીનો અધિકાર નથી શું? શરીરથી પુરુષ ન હોય તો સમાજ તે પુરુષની સ્ત્રી પ્રત્યે કોમળ બની રહે છે પણ મનથી નપુંસક હોય એવા પુરુષનો કેમ કોઈ ઉપાય આપણી લગ્નસંસ્થા પાસે નથી?’ હજુ તો હું તેના આ વિચારો સાથે ઘરકામમાં પરોવાઈ ત્યાં ઘરની બેલ વાગી. દરવાજો ખોલતાં જ સામે શક્તિને ઊભેલી જોઈ. મને થયું, કૈંક આપવા આવી હશે પણ તે ખાલી હાથ જ હતી. ‘આવો.’ ‘તમને ઈશ્વરે મારા માટે મોકલ્યાં હતાં. તમે મને બોલવા દીધી, મને જીવનનો રસ્તો બતાવ્યો, તમે મને તમારો અમૂલ્ય સમય આપ્યો. હવે હું તમને નહીં મળું, પણ તમને ક્યારેય ભૂલીશ નહીં. થેંક ગોડ, હી સેન્ટ યૂ હિયર ફોર મી ઓન્લી. તમે ફરી બેંગ્લોર આવશો ને?’ તે મને એકદમ ભેટી પડી ને ભીના અવાજે બોલી, ‘હું કાલે નથી આવવાની એ કહેવા આવી છું.’ ‘અરે ! કેમ શું થયું?’ ‘એ તો કાલે મારા પાઇલ્સનું ઓપરેશન નક્કી થઈ ગયું. પછી તો કેટલા દિવસ હોસ્પિટલમાં રહેવાનું થાય, શું ખબર? ને પછી તમે નીકળી જશો.’ ગલ્લાંતલ્લાં કરતી જેમતેમ શબ્દો ગોઠવી ગોઠવીને તે બોલતી ગઈ. ‘પણ હું અહીં છું હજુ તો.’ ‘હું તમને નહીં ભૂલી શકું પણ હવે મારી ઈડલીની રાહ ન જોતાં ને પેલું પતંગિયું મને તમારી યાદ આપશે.’ ‘અરે બેસો તો ખરાં...’ તેને મારાથી જરા દૂર કરી ખુરશી ઉપર બેસાડવા માટે મેં તેનો હાથ પકડ્યો. તેના હાથને મારો સ્પર્શ થતાં જ તેને જબરદસ્ત પીડા થઈ હોય તેવો તીણો સિસકારો તેના મોંમાંથી નીકળી ગયો પણ એ અવાજ દબાવીને તે રીતસર ભાગી ગઈ ! તેને સ્પર્શવા જતાં ચીકણું કંઈક ચોંટ્યું હતું મારા હાથને. મારા હાથને મેં સૂંઘી જોયો. કદાચ આયોડેક્સ જેવું કંઈક હતું તેના હાથ ઉપર. પણ પેઇન્ટિંગ કરતી વખતે તો તેના હાથને કંઈ નહોતું. તો શું? શું તેના પતિએ? મને જબરદસ્ત આઘાતમાં છોડી મારી સાથે થોડી પળો માટે પાંખો ફેલાવતું ઊડ્યું ન ઊડ્યું ને પુનઃ એ તમિલ પતંગિયું તેના જીવન કેનવાસમાં ચિત્ર બની જડાઈ ગયું – છતી પાંખે, ઊડવાની અસીમ મનીષા હૃદયમાં ધરબીને !