નીરખ ને/યુ. જી. કૃષ્ણમૂર્તિનું સ્વ-અનુભવસીમિત દર્શન
માનવી માટે માત્ર પોતાના જ અતીતથી નહીં, પણ આખી માનવજાતના અતીતથી મુક્ત થવાની જરૂર છે. એટલે કે તમારી અગાઉ જે કંઈ દરેક માનવીએ વિચાર્યું હોય, અનુભવ્યું હોય એનાથી મુક્ત થવાનું છે – એ પછી જ તમે તમે રહો એ શક્ય બને છે. લોકો સાથે વાતો કરવાનો મારો એક માત્ર ઉદ્દેશ દરેક વ્યક્તિની વિશિષ્ટતા બતાવવાનો છે. સંસ્કૃતિ અને સભ્યતાએ આપણને હંમેશાં એક ચોકઠામાં ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે. પરિણામે માણસ માણસ નથી રહ્યો. હું એને એક વિશિષ્ટ પ્રાણી કહું છું. જ્યાં સુધી એના ઉપર સંસ્કૃતિનો ભાર હશે ત્યાં સુધી માણસ વિશિષ્ટ પ્રાણી જ રહેશે. તમને હું જે કહું છું તે ગમતું નથી કારણ કે એથી સારી ભારતીય સંસ્કૃતિ અને માનસશાસ્ત્રીય સુપરસ્ટ્રક્ચર જે ફોઇડિયન પ્રપંચ ઉપર ખડું છે એ કકડભૂસ થઈ જાય છે. એટલા માટે માનસશાસ્ત્રીઓ અને ધાર્મિક લોકો મારી વિરુદ્ધ છે – એમને હું કહું છું એ ગમતું નથી – એ એમની આજીવિકા છે... સારોય ધાર્મિક અને માનસશાસ્ત્રીય વેપાર બીજાં દસ-વીસ વર્ષમાં ખતમ થઈ જશે.
યુ. જી. કૃષ્ણમૂર્તિ
યુ. જી. કૃષ્ણમૂર્તિનું વિશિષ્ટ સ્વઅનુભવસીમિત દર્શન
યુ.જી. કૃષ્ણમૂર્તિના પુસ્તક ‘The Mystique of Enlightenment’માં કોપીરાઇટની જગ્યાએ નીચેનું લખાણ નજરે પડે છે : ‘My teaching, if that is the word you want to use, has no copyright. You are free to reproduce, distribute, interpret, misinterpret, distort, garble, do what you like, even claim authorship, without my consent or the permission of anybody.’ ગ્રંથના સ્વામીત્વના હક્કને ફગાવી દેતી વ્યક્તિનું ચિત્ર આપણી આંખ સમક્ષ કેવું ખડું થાય? તમામેતમામ પરંપરાઓ સાથેના સાંસ્કૃતિક વારસાને ફગાવી દેતા એક અનોખા માનવીનું ચિત્ર ઝળહળી ઊઠે છે. યુ. જી. સાથે થયેલી વાતચીતો-મુલાકાતોનું આ પુસ્તક છે. જે. કૃષ્ણમૂર્તિના એ સંબંધી નથી, પણ સાતેક વર્ષ સુધી જે. કૃષ્ણમૂર્તિના સતત સંસર્ગમાં રહ્યા પછી એમનાથી પણ નિરસન થઈને ચાલી નીકળ્યા. યુ.જી. બીજા આધ્યાત્મિક દાર્શનિકોથી ત્યાં જુદા પડે છે કે એમની એ દૃઢ માન્યતા છે કે વ્યક્તિમાં પરિવર્તન-transformation ત્યારે જ શક્ય છે જ્યારે શારીરિક સ્તરે ફેરફાર થાય, સાચા અર્થમાં કાયાપલટ થાય. આપણે જે આધ્યાત્મિક અનુભૂતિની-religious experienceની વાતથી, વર્ણનથી પરિચિત છીએ એ માનસિક સ્તરે થતા transformation-અનુભવની વાત છે. આ અનુભૂતિ આપણી બીજી જિન્સી કે એવી બીજી કોઈ અનુભૂતિ જેવી એક અનુભૂતિ છે. એ સમયબાધિત અને વિચારપ્રેરિત – thought induced છે. જ્યારે દૈહિક સ્તરે જે પરિવર્તન થાય છે અને સાહજિક અવસ્થા-natural state પમાય છે એ અનુભવના ક્ષેત્રની બહાર છે. પણ શારીરિક સ્તરના પરિવર્તન માટે કોઈ કારણ નથી હોતું – acausal છે. એ એક અકસ્માત જ છે. અબજમાં એકાદને થાય. એ કોઈ સાધના, જપતપથી બનતું નથી. ઊલટું એ તમને એથી વિરુદ્ધની દિશામાં લઈ જાય છે. ‘The pursuit or search for truth or reality takes you away from your own very natural state, in which you always are. It is not something you can acquire, attain or accomplish as a result of your effort. It has no cause.’ નાનપણથી ખૂબ જ ધાર્મિક વાતાવરણમાં ઊછરેલા યુ. જી. એમના નાનાને કારણે બ્લેવેટ્સ્કી, ઓલકોટ જેવા થિયોસોફિસ્ટોના સંસર્ગમાં આવ્યા હતા. શિવાનંદ સરસ્વતી અને અન્ય સાધુસંતોને પણ મળવાનું થયું હતું. પણ આ બધાથી એ જલદી નિર્ભ્રાન્ત થઈ ગયા. ૨૧ વર્ષની ઉંમરે યુ. જી.ને બધી પવિત્ર વસ્તુ પ્રત્યે એક પ્રકારનો Existential nausea આવી ગયો. ‘No more slokas, no more religion, no more practices-there isn’t anything there. What is there is something natural. I am a brute, I am a monster, I am full of violence-this is reality,’ ૧૯૫૫માં યુ. જી. પરિવાર સાથે અમેરિકા ગયા. થોડા સમય પછી પરિવારને ભારત પાછું રવાના કર્યું. પોતે લંડન ગયા. ત્રણ વર્ષ સુધી એક પણ પૈસા વગર એમણે ભ્રમણ કર્યા કર્યું. ૧૯૬૧થી એમની ભીતર જબરદસ્ત ઉથલપાથલ શરૂ થઈ. એમનું મનોબળ ખરી પડવા લાગ્યું. જાણે કે એમનું માથું જ ગાયબ થઈ ગયું હતું. સ્વિટ્ઝરલૅન્ડમાં સ્વિસ બાનુ વેલેન્ટિને યુ. જી.ને આશરો આપ્યો અને પોતાને ઘેર લઈ ગયા. યુ.જી.ને એક સરખો માથામાં ભયંકર દુઃખાવો રહ્યા કરે. શરીર ઘસે તો ફૉસ્ફરસ જેવા ચળકાટ મારતા તણખા ખરે. યુ.જી. એમના ૪૯મા જન્મદિને એક વૃક્ષ નીચે બાંકડા ઉપર બેઠા હતા. એમનું સારુ અસ્તિત્વ એક પ્રશ્નાર્થ બની ગયું. એમને કઈ રીતે ખબર પડે કે જિસસ, બુદ્ધ જે સહજાવસ્થામાં હતા એમાંએ છે? એક પ્રકારનું વિચિત્ર દ્વૈત એમનામાં હતું. એમની ભીતર કોઈક હતું જે જાણતું હતું કે એ એ અવસ્થામાં હતા. ‘એ અવસ્થા વિશેના એમના જ્ઞાને, જે કંઈ એમણે વાંચ્યું હતું, અનુભવ્યું હતું – એણે આ અવસ્થા પ્રોજેક્ટ કરી હતી. પછી એકાએક પ્રશ્ન ગાયબ થઈ ગયો. ‘The disappearance of this fundamental Question, on discovering that it had no answer, was a physiolgical phenomenon. A sudden explosion inside, blasting, as it were, every cell, every nerve and every gland in my body. And with that explosion the illusion that there is continuity of thought, that there is centre, an ‘I’ linking up the thoughts was not there anymore.’ યુ. જી. આગળ જતા કહે છે કે તે દિવસથી એમને કોઈ જાતના પ્રશ્નો રહ્યા નહીં. કારણ કે પ્રશ્નો ત્યાં ટકી શકતા નહીં. વિચારની કડી તૂટી ગઈ; દરેક વખતે વિચાર ઊભો થાય કે વિસ્ફોટ થઈ જાય. એટલે વિચારના સાતત્યનો અંત આવ્યો. બીજા અઠવાડિયે ઇન્દ્રિયોના કાર્યમાં પાયાનું પરિવર્તન થયું. ચામડી રેશમ જેવી સુંવાળી બની ગઈ અને એને સોનેરી આભા હતી. પછી સ્વાદ, ગંધ અને સાંભળવામાં ફેરફાર થઈ ગયો. છઠ્ઠે દિવસે લાગ્યું કે શરીર જ નથી. માત્ર ‘The points of contact are all that is there for the body.’ સાતમે દિવસે વેલિન્ટન ખંડમાં આવે તો વેલિન્ટન તરીકે ઓળખાય, પણ એ જેવા બહાર જાય કે વેલિન્ટન કેવા લાગે એનો પણ ખ્યાલ ન આવે. આઠમે દિવસે ૪૯ મિનિટ સુધી મૃત્યુની પ્રક્રિયા અનુભવી. આજે પણ યુ.જી. કહે છે કે હું એવી પ્રક્રિયામાંથી પસાર થાઉં છું. હાથ-પગ ઠંડા થઈ જાય, શરીર અક્કડ બનતું જાય, શ્વાસ અને હૃદયના ઘબકારા ધીમા પડી જાય, શ્વાસ માટે વલખાં મારું અને પછી બધું અટકી જાય. ફરી કેવી રીતે જીવવા લાગું એ ખબર ન પડે. સેક્સના હોરમોન્સ પણ બદલાવા લાગ્યા. હું પુરુષ છું કે સ્ત્રી એની ખબર ન રહી. ડાબી બાજુએ સ્તન વિકસી આવ્યું. અવકાશને અભાવે ખૂબ જ સંક્ષેપમાં અહીં દૈહિક સ્તરે યુ.જી.ને થયેલા કેટલાક ફેરફારોનો નિર્દેશ કર્યો છે. સર્વાગસંપૂર્ણ ખ્યાલ તો પુસ્તક જ આપી શકે. યુ. જી. કહે છે કે ‘I have no particular message for mankind except to say that all holy systems for obtaining enlightenment are bunk, and that all talk of arriving at a psychological mutation through awareness is poppycock. Psychologial mutation is impossible. The natural state can happen through only biological mutation. અને યુ.જી.ના કહેવા પ્રમાણે શારીરિક સ્તરે પરિવર્તન એ એક અકસ્માત – Freak છે. એને માટે તમે કશું કરી શકતા નથી. યુ.જી. વારંવાર કહે છે કે આત્મસાક્ષાત્કાર જેવું કંઈ છે નહીં, કારણ કે આત્મા જેવી કોઈ વસ્તુ નથી. પછી એ પ્રશ્ન કરે છે કે એનલાઇટનમેન્ટ જેવી કોઈ ચીજ છે ખરી? મારે માટે તો માત્ર શારીરિક પ્રક્રિયા છે; એમાં કશું આધ્યાત્મિક કે રહસ્યમય નથી. પછી પોતે જે સહજાવસ્થામાં છે એ વિશે કહે છે, ‘તમારા’માં જે હંમેશાં વિરાટ શાંતિ પડી છે એને તમે કોઈ દિવસ સમજી શકશો નહીં. એ તમારી સહજ અવસ્થા છે. આપણને પ્રશ્ન થાય કે વિચારસાતત્ય વગર માનવજાતે આટલી પ્રગતિ કમમાં કમ વૈજ્ઞાનિક સ્તરે કરી છે એ શું થાત ખરી? પણ યુ.જી. તરત જ જવાબ આપે છે કે એ પ્રગતિમાં જ વિનાશનાં બીજ રહ્યાં છે. છતાં પ્રશ્ન તો રહે જ કે એશઆરામની વાત જવા દઈએ, પણ વાહનવ્યવહાર, દાક્તરી સારવાર વગેરેમાં જે અપ્રતિમ સોપાન માનવે સર કર્યા છે એ વગરનું જીવન હવે કલ્પી શકાય ખરું? સૌન્દર્ય માટે યુ.જી. પ્રશ્ન કરે છે કે સૌંદર્ય જોનારની આંખોમાં છે કે વસ્તુમાં? પછી કહે છે કે સૌંદર્ય વિચારપ્રેરિત - thought induced – છે. કવિતા, સંગીત, ભાષાનો આસ્વાદ પણ સંસ્કૃતિ – નિયત – Culturally determined અને વિચારની ઊપજ છે. યુ.જી.ની કથા એક વિશિષ્ટ સત્ય રજૂ કરે છે, અને કદાચ એક જરૂરી શૉક ટ્રીટમેન્ટની ગરજ પણ સારતી હોય. પણ સત્ય અસીમ છે, અને એક વ્યક્તિની કથાથી એ સીમિત ન જ થાય. એક બીજી મર્યાદા પણ આવી વ્યક્તિઓની એ હોય છે કે બીજાંના જુદા પડતાં દર્શનની પ્રમાણિકતા સ્વીકારવાનું એમને માટે દુષ્કર હોય છે. પોતાનું દર્શન એ જ અંતિમ સત્ય છે એવી એમને ખાતરી હોય છે; બીજાં ભ્રમણાગ્રસ્ત છે. એ જે શારીરિક પ્રક્રિયામાંથી પસાર થયા એ શું છે? એમની પાસે એનો પ્રતીતિકર જવાબ નથી.
[મે, ૧૯૮૨