zoom in zoom out toggle zoom 

< પરોઢ થતાં પહેલાં

પરોઢ થતાં પહેલાં/૨૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૩

બીજે દિવસે સુનંદાથી દવાખાને જવાયું નહિ. મન એક વિચિત્ર અસૂઝથી ભરાઈ ગયું હતું. ભાનભૂલ્યા જેવી સ્થિતિ થઈ ગઈ. તેને ડર લાગ્યો. પોતે ક્યાંક ખોટું નિદાન ન કરી બેસે, એકને બદલે બીજી દવા ન લખી નાખે.

આટલા સમયમાં એ પહેલી વાર તે કામ પરથી ગેરહાજર રહી.

હવે કાંઈ નક્કી કરવું પડશે. એકસામટા ચારે દિશામાંથી સવાલો આવી રહ્યા છે. નજીક ને નજીક આવી રહેલા આ સવાલો એકબીજામાં ભળી જઈને, એક તીવ્ર, ઘનીભૂત, જોરદાર માગણી કરતો, જીવનવ્યાપી સવાલ બની રહેશે. તે દિવસે પોતે ઉત્તર આપવો પડશે, તે કયો ઉત્તર આપશે? અનિશ્ચિતતાના આંગણમાં અટકેલું તેનું જીવન સુનિશ્ચિતતાની કઈ કેડી ગ્રહણ કરશે?

સત્ય!

ઇનકા૨ ક૨વાનો કશો જ અર્થ નથી. સત્ય માટે તેનું મન તલસે છે. પોતાના સ્વરૂપના જે કાંઈ શ્રેષ્ઠ અંશો છે, તેને પ્રગટ ક૨વા સત્ય જ તેનામાં શક્તિનો દીપક પેટાવી શકે તેમ છે.

સત્યના ભીતરનો ખ્યાલ કરે છે ત્યારે રાતના અંધકારમાં તારાઓથી ઊજળું એક ની૨વ વિશ્વ ખ્યાલમાં આવે છે, સઘળું અંધારું પી જઈને સહસ્ર તારકોથી દીપ્તિમાન બનેલ એક ની૨વ અવકાશ.

એક શબ્દ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી, આંખની દૃષ્ટિ માંડી નથી, ફરકતા વસ્ત્રનો છેડો માત્ર એક ક્ષણ માટે જોયો છે, અભાનવસ્થામાં પોઢેલો એક ફિક્કો સુકુમાર ચહેરો માત્ર જોયો છે, રક્તિમ આભાવાળાં બે ચરણ જોયાં છે…

પ્રેમ વિશે ઘણા વિચારો હતા.

આગળપાછળના કશા ખ્યાલ વિના, એક ઉન્માદમાં તેણે દેવદાસ પર પોતાની જાતને ઓવારી દીધી હતી. તેની સાથે વાતો કરી હતી : જન્મ જન્માંતર ટકી રહેનારા પ્રેમની. એ દિવસોમાં પ્રેમ વિશે જે કાંઈ સુંદર વિચારો બહારથી, પુસ્તકોમાંથી, કોઈની વાતોમાંથી મળેલા, તે બધા જાણે પોતાના જીવનમાં ઊતરેલા હોય તેમ લાગતું. એક બાલિશતા…

તેમ છતાં, એ પ્રેમ છેક જ મૂર્ખતાવશ, અજ્ઞાનમય હતો, તેમ કહીને એને બાજુએ મૂકી દઈ શકાય તેમ નહોતું. પોતાના એ સાવજ કિશોર, દુનિયાના વ્યવહારથી તદ્દન અજાણ, પોતાની કલ્પનાસૃષ્ટિની મર્યાદામાં મગ્ન હૃદયમાં પણ એક સમજ તો હતી જ.

એ પ્રેમમાં એકદમ જ સાચા ને નિષ્ઠાવાન બની રહેવાનું તેને મન હતું : જેને ચાહતી વધુ તેના પ્રેમમાં સમગ્રના સમર્પણ વડે, એની સંપૂર્ણતા વડે, પવિત્ર બની રહેવાની તેને ઇચ્છા હતી. પ્રેમની ઉત્કટતામાં તેનું સકળ જીવન એક કેન્દ્રીકૃત જ્વાળા બની રહે, તેજશિખાની એક ઊંચે ઊઠતી લકીર બની રહે તેવી તેને ઇચ્છા હતી.

અને એ તો તેની પોતાની જ ઇચ્છા હતી. એ કાંઈ તેના પર કોઈએ લાદી નહોતી. તેની એ સચ્ચાઈ શું એક સ્વતંત્ર વસ્તુ નહોતી? અને તો, દેવદાસના ચાલ્યા જતાં એ ચાલી શી રીતે જાય?

દેવદાસને તેણે, કહેલું : જીવનના અંત સુધી હું તારી જ છું… એ કોઈ શાબ્દિક વચન નહોતું. તેના અંતરતમ અંતરના ઉદ્ગારો હતા.

અને છતાં આજે હૃદય દિવસરાત સત્યને ઈચ્છે છે. તેનું હૃદય જીવવા ઈચ્છે છે, હરિયાળું મેદાન બનવા ઈચ્છે છે. અંધારા ખૂણામાં ઊભેલું કમળ સૂર્યને ઝંખે તેમ તે જીવનની સાર્થકતાને ઝંખે છે. શોકના પિંજરમાં બંદી બનેલું તેનું હૃદય આનંદના નભમાં ઊડવા ઈચ્છે છે, પોતાના સ્વાભાવિક રૂપને પામવા ચાહે છે.

એક દિવસ તેણે દેવદાસની પણ આમ જ ઝંખના નહોતી કરી? પેલા પત્રોમાં તેણે ઠાલવેલી ઉત્કટતા, આતુરતા, આગ્રહ, પીડા ને આક્રંદ… ને ઝૂરતાં આંસુનો એક આખો દરિયો…

હવે તે સત્ય માટે ફરી એવી જ ઉત્કટતા અનુભવી શકે? એક વાર એક માણસ સાથે જે અનુભવ્યું, તે હૃદયની સઘળી લાગણીઓનું ઊંડાણ, સામીપ્યની એ અનોખી સૃષ્ટિ, સાથે ગાળેલા એ એક વરસમાં લાગણીઓના અનેક સ્તર પરની હજારો અનુભૂતિઓ…

આ બધું જ શું હવે તે એ જ રીતે, એ જ સઘનતાથી, એ જ સમગ્રતાથી બીજા માણસ માટે અનુભવી શકે?

અને અનુભવે, તો તેમાં અસત્યનો કોઈ અંશ ન ભળી જાય? પોતાની અંદર તેને કશુંક ઊણું, અધૂરું, જૂઠું ન લાગવા માંડે?

નવા જન્મે તે કાંઈ પણ કરે તો ચાલે. પણ આ જન્મે તે પરિણીતા. એક પુરુષની પત્ની. હવે તે એનાથી ગમે તેટલી મુક્ત થાય, પણ એક વાર જે સંબંધ જોડાયો, તેનું નામ તેની સાથે સદા વળગેલું રહે.

જેણે પોતાનો આવડો અનાદર કર્યો છે, પોતાના સ્નેહ, સમર્પણ, વિશ્વાસની રજમાત્ર દરકાર વગર જીવનની બધી સુંદરતા નિઃશેષ કરી નાખી છે, તેને ખાતર, જે બહુ જ શુભ્ર અકલંક છે, તેને ગળે માળા પહેરાવવાની તેનામાં હિંમત નથી.

સમાજની વાત તો ઠીક તેને પોતાને જ, જે બની ગયું છે તેનું બંધન છે.

પણ સાચે જ શું એ બંધન છે? બહારનું બંધન? સંસ્કા રોનું ને સમાજની પરંપરાનું બંધન?

ના એ કેવળ બહારની મર્યાદા નથી. તેને પોતાને જ જૂઠા પડવાનો ડર છે. એક વાર દેવદાસને સંપૂર્ણ સચ્ચાઈથી કહ્યું હતું : ‘હું તને ચાહું છું.’

હવે ફરી તે એ જ શબ્દો સત્યને શી રીતે કહી શકે?

શબ્દોની સચ્ચાઈ શામાં છે?

શબ્દોની જ નહિ, પ્રેમની સચ્ચાઈ શામાં છે?

સ્થાયિત્વ માં?

સ્થાયી એટલે શું? આ ક્ષણે પરિવર્તન પામતા જગતમાં ક્ષણે ક્ષણે વિસ્તરેલી રહેલી, જગતભરની અનુભૂતિની ક્ષિતિ જોના સંદર્ભમાં સ્થાયી એટલે શું તે કેમ નક્કી કરી શકાય? ધ્રુવનો તારો પણ સ્થાયી નથી. બે હજાર કે બે લાખ વર્ષ પછી એ તારો ત્યાં નહિ હોય. એને બદલે હંસમંડળનો તારો ધ્રુવ બનશે.

તો સ્થાયી એટલે શું? કેટલાં વરસનો ગાળો કોઈ વસ્તુને સ્થાયિત્વનું લક્ષણ અર્પી શકે? અને એ નક્કી કોણ કરે? એ સત્તા કોની છે?

તો શું સ્થાયિત્વ માટે જીવનને, મૃત્યુની જ મર્યાદા આંકવી પડશે?

સત્યને તો ખબર પણ નથી. પોતાની વેદનાની તેને થોડીઘણી જાણ છે, પણ પોતાનાં લગ્ન થઈ ગયાં છે તેમ તે જાણે તો? આ આખી વસ્તુને તે કઈ રીતે જુએ?

કોઈક દિવસ પણ દેવદાસ પાછો આવે… તો?

ના, હજાર વાર વિચાર કર્યા પછી હજાર વાર તેનું હૃદય કહે છે — પોતાને ને સત્યને શું? કશું જ નહિ.

આ ખેંચતાણ એટલી બધી છે કે હૃદય જો એક વસ્ત્ર હોત તો ફાટીને તેના લીરાલીરા થઈ ગયા હોત. તે એક પથ્થર હોત તો કરોડો કણમાં તેનો ભુક્કો થઈ ગયો હોત.

પણ હૃદય તો અંદર રહેલો એક અવકાશ છે. એ તો એક મૌન ચિત્કાર છે, એક પીડાભરી પુકાર છે. એને જે હાથમાં લઈ અંદરથી બહાર કાઢી શકાતું હોત! અતલ સાગરનાં અજ્ઞાત ઊંડાણોમાં ફેંકી દઈ એનાથી છૂટી શકાતું હોત!

ઈશ્વરે તેને એક દુઃખ આપ્યું હતું. પણ તેના પોતાના ખ્યાલો અને હૃદયની દુર્બળતાએ એ દુઃખને કેટલું બધું વધારે તીવ્ર બનાવી મૂક્યું હતું!

વ્યથાનો એક ઘુઘવાટ તેને ચારે તરફથી વીંટળાઈ વળે છે. આગળપાછળ, ઉપરનીચે, અંદરબહાર એક ભરતી, ખેંચી જતાં વમળ અને તૂટી પડતો કિનારો…

આ અસહ્ય મથામણમાં કોણ તેને માર્ગ બતાવે? કોણ તેને શું કરવું ને શું નહિ, તે કહે?

અંજનાશ્રી… એ કદાચ કહી શકે. સુખ અને સૌંદર્યથી જીવનને સભર બનાવવાની ક્ષણ, જીવનને ખાતર જીવનનું મૂલ્ય ચરિતાર્થ કરવાની ક્ષણ, ફાટ અને તિરાડ પડેલી સૂકી ધરતીની, ચારે તરફથી આલિંગતી મેઘધારા ઝીલી, મહેકવાની ક્ષણ, સચ્ચાઈના ઉંબર પાસે આવીને અટકી પડી છે. આ ઉંબર કેમ ઓળંગવો, તે કદાચ અંજનાશ્રી બતાવી શકે…

*

ખાસ જરૂર ન હોય તો પોતાને ન બોલાવવી, તેવી તેની સૂચના હતી, છતાં કોઈએ બારણું ખખડાવ્યું.

એક ક્ષણ તેને બારણું ન ખોલવાની ઇચ્છા થઈ.

શ્રાન્ત ક્લાન્ત દેહ, મન પર દુઃસહ્ય ભાર, ગમગીની ને વિષાદની ચાદરમાં ગોટો વળીને પડેલું હૃદય.

અનિચ્છા એ તે ઊઠી.

બહાર દીપચંદ ને બીજા બેત્રણ જણ હતા.

દીપચંદે જ સત્ય પર પ્રહાર કરાવેલો?

એમ હોય તો —

…દરેક માણસ પોતાની મર્યાદાથી બદ્ધ છે. ઈશ્વર એમને માફ કરે, કારણ કે તેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે. તુચ્છ સ્વાર્થો અને નાની નાની ઇચ્છાઓની ઊંઘમાં તેઓ અભાન છે.

‘સાધ્વીજીની તબિયત એકદમ જ ગંભીર થઈ ગઈ છે. તમે આવશો? અત્યારે ને અત્યારે આવી શકશો? ડૉ. દેસાઈ છે, પણ અમને એમ છે કે તમે આવો તો વધારે સારું. તમે એમને પહેલાં તપાસ્યાં પણ છે,’ દીપચંદે નરમ સ્વરે કહ્યું.

સુનંદા ટટ્ટાર થઈ ગઈ. ઝડપથી મોં ધોઈ, તૈયાર થઈને તે નીકળી.

ઉપાશ્રય નીચે નાનુંસરખું ટોળું ઊભું હતું. ઉપર દાદર પાસે ઓસરીમાં લોકો હતા… ઓરડીની અંદર પણ ઠીક ઠીક ભીડ હતી.

સુનંદાએ અંદર આવીને ઝડપથી બધાંને દૂર કરી દીધાં, અને બારણું ખાલી વાસી દીધું. હવે રૂમમાં માત્ર બે જ જણ હતાં, તે અને અંજનાશ્રી.

અંજનાશ્રી પાટ પર સૂતાં હતાં. મૃત્યુની છાયા એમના પર સ્પષ્ટ દેખાતી હતી અને એમ છતાં એ મ્લાનતાની પાછળ કશુંક અ-મલ ચમકી ઊઠતું હતું. એ શું હતું?

પણ એ વિચારવાનો સમય નહોતો. તેણે બૅગ નીચે મૂકી ઇંજેક્શનની સિરિંજ કાઢી અને નાડી જોવા માટે અંજનાશ્રીનો હાથ હાથમાં લીધો. અંજનાશ્રી એ મંદ હસીને સહેજ માથું હલાવ્યું. ‘હવે નહિ ડૉક્ટર, હવે બધું પૂરું થયું. હું જાઉં છું.’

સુનંદા પોતાની ભૂલ સમજી. આ મહાન સ્ત્રી, જેના હૃદયમાં કોઈક પ્રકાશ ઊગી ચૂક્યો હતો, તેને, જિંદગીને થોડી પળો માટે પણ, વળગી શકાય તો વળગી રહેવું, તેવો કોઈ મોહ નહોતો. ત્યાં કશો ફફડાટ નહોતો, ભય નહોતો. એક શાંતિ હતી. મૃદુ વિદાય હતી. સઘળી વસ્તુની સમાપ્તિનો બહુ સ્વાભાવિક સ્વીકાર હતો. કદાચ એટલા માટે, કે એ સંપૂર્ણ સમાપ્તિ નહિ હોય… કોને ખબર! સુનંદા કશું વિચારી શકી નહિ. તેને એટલો જ ખ્યાલ રહ્યો કે એક સ્ત્રીએ અલ્પપરિચયમાં પણ પોતાને ઘણુંબધું આપ્યું હતું. અને હવે તે જઈ રહી હતી, પોતાના જીવનમાંથી, પૃથ્વીલોકમાંથી…

તે એકદમ જ રડી પડી. અંજનાશ્રી પર ઝૂકી, તેમના બન્ને હાથ પકડી તે બોલી : ‘આશીર્વાદ આપો, મને આશીર્વાદ આપો.’

અંજનાશ્રી એ મૃદુ સ્મિત કર્યું. ‘શાના આશીર્વાદ દીકરી?’

શાના આશીર્વાદ? સુનંદાને ખબર નથી, તેને અંજનાશ્રી પાસેથી ઉત્તર જોઈતો હતો. અને હવે વખત રહ્યો નહોતો.

અંજનાશ્રી એ હળવેથી તેના હાથમાંથી પોતાનો હાથ લઈ તેના ખભે જરા અડાડ્યો. બહુ જ સ્નિગ્ધ એક સ્મિત કર્યું. ‘સાંભળ દીકરી… લાઇફ ઇઝ અ બ્યૂટિ ફુલ થિંગ, ઇન સ્પાઇટ ઑફ પેઇન ઍન્ડ મિઝરીઝ… (દુઃખ અને પીડાઓ હોવા છતાં જિંદગી એક સુંદર વસ્તુ છે…).’ તેમણે હળવેથી સુનંદાનાં આંસુ લૂછ્યાં. તેમની આંખો ભીના પ્રકાશથી ચમકી રહી.

સુનંદાએ હૃદય સ્થિર કર્યું. આ છેલ્લી ઘડી હતી. આ ઘડીને પોતાના વિલાપમાં વેડફી નહિ નંખાય. તે સ્વસ્થ થવાનો પ્રયત્ન કરીને બોલી : ‘મને સંદેશો આપો, મને કંઈક કહેતાં જાઓ.’

અંજનાશ્રીના ગળામાંથી બહુ જ મંદ અવાજ નીકળ્યો : ‘ચંડીદાસે કહ્યું હતું, શબાર ઉપરે માનુષ, તેના ઉપર કાંઈ નહિ, પણ હું કહું છું, શબાર ઉપરે જીવન. મનુષ્યથી પણ ઉપર જીવન… જીવનને સુંદર સાર્થક બનાવવું તે જ ધર્મ…’ તેમનો અવાજ તૂટી ગયો. સુનંદા સામે મંડાયેલીએ પ્રકાશતી આંખોમાં શ્વેત હાસ્ય સ્થિર થઈ ગયું. મોં જરાયે મરડાઈ ગયું નહિ. જીવ કઈ પળે, કેમ નીકળી ગયો, ખબર પડી નહિ, પણ તે મૃત્યુ પામ્યાં હતાં.

સુનંદાએ પહેલી જ વાર સુંદર કહી શકાય તેવું એક મૃત્યુ જોયું. કશો કોલાહલ કર્યા વગરની સ્નિગ્ધ નીરવ વિદાય. તેના મનમાં તત્ ક્ષણ ઝબકાર થયો : ‘જેનું જીવન સુંદર હોય છે તેના માટે મૃત્યુ પણ સુંદર બની રહે છે.’

તેણે અંજનાશ્રી ને પ્રણામ કર્યાં, ચાદર ખેંચીને ઓઢાડી દીધીને બહાર આવીને કહ્યું : ‘સાધ્વીજી કાળધર્મ પામ્યાં છે.’

*