પૂર્વાલાપ/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિ-પરિચય


પૂર્વાલાપની ૧૦૦ ઉપરાંત કૃતિઓમાં ખંડકાવ્યો જેવી કેટલીક દીર્ઘ છંદ-રચનાઓ છે જેમાં અતિજ્ઞાન, વસંતવિજય, ચક્રવાકમિથુન કાન્તની જ નહીં પણ સમગ્ર ગુજરાતી કવિતાની સર્વોત્તમ ખંડકાવ્ય-કૃતિઓ છે. ઉપહાર જેવી સઘન સૉનેટ રચનાઓ તથા સાગર અને શશી જેવી સુંદર ગીતમય માત્રામેળી રચનાઓ છે. સુમધુર અને સ્નાયુબદ્ધ છંદવિન્યાસ, સહજ પ્રાસની શિલ્પરચના, ભાવ-અનુસાર પલટાતા વિવિધ છંદોનું સંયોજન તથા ચિંતન અને ઊર્મિની સંયુક્ત પ્રભાવકતા — કાન્તની કવિતાની આગવી ઓળખ છે. એમની શક્તિઓ સર્વ કાવ્યોમાં એકસરખી ઊંચાઈએ રહી નથી છતાં ભાવની આર્દ્રતા અને અભિવ્યક્તિની સફાઈ તો એમાં જોવા મળે છે.

પહેલા કાવ્યથી જ વાચકને આકર્ષી લેતી આ કવિતામાં પ્રવેશવા હાર્દિક નિમંત્રણ….

નોંધ : જેમને કાન્ત અને એમની કવિતા વિશે વધુ જાણવામાં રસ હોય તે નીચેનાં પુસ્તકો જોઈ શકે ૧. રામનારાયણ પાઠક : પૂર્વાલાપની બીજી આવૃત્તિનો ઉપોદ્ઘાત [પ્રસ્તાવના] અને ટિપ્પણો, ૧૮૨૬ ૨. સુન્દરમ્ : અર્વાચીન કવિતા, ૧૯૪૬ ૩. ઉમાશંકર જોશી : સમસંવેદન,૧૯૬૫ ૪. સુરેશ દલાલ (સંપા.) : ઉપહાર, ૧૯૬૭ ૫. ભૃગુરાય અંજારિયા : કાન્ત વિશે, ૧૯૮૩ તથા ગુજરાતી સાહિત્યના ઇતિહાસો

(પરિચય—રમણ સોની )