પૂર્વાલાપ/૧. ઉપહાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧. ઉપહાર


ફર્યો તારી સાથે, પ્રિયતમ સખે*[1], સૌમ્ય વયનાં!
સવારોને જોતો વિકસિત થતાં શૈલશિખરે
અને કુંજે કુંજે શ્રવણ કરતો ઘાસ પરના
મયૂરોની કેકા ધ્વનિત ધસતી જ્યાં ગગનમાં!

તરંગોનાં સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ, અને
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે,
અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની!

ફરી સ્થાને સ્થાને, કુદરત બધીને અનુભવી,
કર્યા ઉદ્ગારો, તે બહુ બહુ હવામાં વહી ગયા;’
સખે, થોડા ખીણો ગહન મહીં તોયે રહી ગયા!
કલાથી વીણામાં ત્રુટિત સરખા તે અહીં ભરું.

અને તેને આજે તરલ ધરું તારા ચરણમાં
ગમે તો સ્વીકારે ગત સમય કેરા સ્મરણમાં!

નોંધ:

  1. * આ સંબોધન પ્રો. બલવંતરાય કલ્યાણરાય ઠાકોરને છે.