પ્રતિસાદ/નવી વિચાર-પ્રક્રિયાના હિમાયતી એડવર્ડ દ બોનો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કોઈ ક્રાન્તિએ વિનોદને અત્યંત મહત્ત્વની પદ્ધતિ તરીકે જોયો નથી કારણ કે પારંપરિક ક્રાન્તિઓ વિચારસરણી, મતાગ્રહ, નિશ્ચિતતા, રાઇચસનેસ અને ગંભીરતા ઉપર રચાયેલી છે. એ ક્રાન્તિઓ ‘મિત્ર’ અને ‘દુશ્મન’ જેવા અણઘડ પ્રત્યક્ષબોધ અને ધિક્કાર ઉપર રચાયેલી છે. વિનોદ આ જાતના ધ્રુવીકરણ માટે જોખમકારક બની રહે. પ્રત્યક્ષબોધ બદલવા માટે જે ઘણી થોડી રીતો આપણી પાસે છે એમાં વિનોદનો સમાવેશ થાય છે. વિનોદથી આપણે વસ્તુને એક રીતે જોતા હોઈએ એમાં એકાએક પલટો આવે છે અને આપણે એને બીજી રીતે જોતા થઈએ છીએ.

કલા અને સંસ્કૃતિ અને પરંપરાએ આપણને હંમેશાં રેડીમેડ પ્રત્યક્ષબોધો આપ્યા છે : ‘આ રીતે તમારે ચીજો તરફ જોવું; આ પ્રત્યક્ષબોધોનો તમારે ઉપયોગ કરવો.’ આ જાતની સલાહો મૂલ્યવાન હોઈ શકે, પણ એ જોખમકારક પણ હોવાનો સંભવ છે.

એડવર્ડ દ બોનો



નવી વિચાર-પ્રક્રિયાના હિમાયતી ઍડવર્ડ-દ બોનો

સત્તર-અઢારની વયે માર્ક્સવાદની વિચારણા અને એને કાર્યરત કરવા મથતા જૂથના સંસર્ગમાં હું આવી. એ ટ્રોટ્સ્કીવાદી જૂથ હતું. ટ્રોટ્સ્કી એટલે શુદ્ધ માર્ક્સવાદના પ્રખર હિમાયતી. એક તો નાની ઉંમર અને માર્ક્સવાદની આકર્ષક રેશનાલિટી; લાગ્યું કે દુનિયાને બદલી નાખવાનું હાથવેંતમાં છે. માર્ક્સવાદને પૂરેપૂરો સ્વીકારી લીધેલો. એની પૂર્ણ ભૌતિકવાદી ભૂમિકા સાથે. નાનપણની ગાંધીજીની અસર ખંખેરી નાખેલી. પછી ધીરે ધીરે ભ્રમનિરસન થવા લાગ્યું. ટ્રોટ્સ્કીનો પછાત દેશોમાં પાછળથી પાંગરેલો મૂડીવાદ માટે એક અલગ દૃષ્ટિકોણ હતો. એમના પ્રમાણે સામંતશાહી વ્યવસ્થાતંત્રને ખતમ કરવા માટે યુરોપમાં જે પ્રગતિશીલ ભૂમિકા ત્યાંના મૂડીવાદે ભજવી એ પછાત દેશોના મૂડીવાદ માટે શક્ય નહોતું. કારણ કે એ પછાત દેશોમાં ઘણા ઉદ્યોગપતિઓ જમીનદારો પણ હોવાને કારણે સાથે સાથે ચાલતી સામંતશાહી પદ્ધતિમાં પણ એમનાં સ્થાપિત હિતો ઊભાં થયાં હતાં અને એ કારણે સામંતશાહી પ્રથા નાબૂદ કરવા માટે એ દેશના ઉદ્યોગપતિઓ યુરોપીય મૂડીદારો જેવી પ્રગતિશીલ ભૂમિકા ભજવવા અસમર્થ હતા અને જમીનદાર વર્ગ રાજ્ય ચલાવતી પરદેશી હકૂમતના મોટા સમર્થક હતા. અને એટલે એ દેશોની રાષ્ટ્રીય ચળવળો ટ્રોટ્સ્કી પ્રમાણે મૂડીવાદી ચળવળો જ હતી, જે પરદેશી રાજ્યસત્તાની ધૂંસરી ફેંકી દેવા માટે એ કારણે જ અસમર્થ હતી. આ કારણે ટ્રોટ્સ્કીવાદી માર્ક્સવાદીઓનો એ અભિગમ હતો કે કૉંગ્રેસ પક્ષના નેજા હેઠળ ચાલતું રાષ્ટ્રીય આંદોલન ક્યારેય ભારત માટે સ્વતંત્રતા નહીં મેળવી શકે. અને જ્યારે ખરેખર રાજકીય સ્વાતંત્ર્ય આવી ગયું ત્યારે પણ કમમાં કમ શરૂઆતમાં એ સાચું સ્વાતંત્ર્ય છે એમ એમની એ વિચારણાને કારણે ટ્રોટ્સ્કીવાદીઓ માનવા તૈયાર નહોતા. પણ મારું મન મૂંઝવણ અનુભવવા લાગ્યું, લાગવા માંડ્યું કે વાસ્તવ ખૂબ સંકુલ છે અને આ બધી વિચારણાઓ ખૂબ ભયાનક પ્રમાણમાં એનું સરલીકરણ કરી નાખે છે. માર્ક્સવાદની ધૂંસરી ફેંકી દેવાનું નક્કી કર્યું અને ખુલ્લા મનથી વિચારવા તરફ મન ઢળવા લાગ્યું. છતાં માર્ક્સવાદની એક વખતની પ્રભાવકતા કે એના પ્રદાનને કોઈ રીતે ઓછું આંકવાનો મારો યત્ન નથી. આદિમકાળથી ચાલી આવતા સમાજનું જે રીતે તબક્કાવાર વિશ્લેષણ માર્ક્સે કર્યું છે – આદિમ-સામ્યવાદ, સામંતવાદ અને મૂડીવાદ – એ આપણને એકદમ ઉપયોગી ઠર્યું છે. એ કાળે માર્ક્સવાદની દરેક ક્ષેત્રો ઉપર, સાહિત્ય ઉપર સુધ્ધાં એવી તો પ્રભાવકતા હતી કે માર્ક્સવાદ વિશે જાણકારી ન હોય તો વિષયો બરાબર સમજાય નહીં. શૉ કે સાર્ત્રને પૂરેપૂરા સમજવા હોય તો માર્ક્સવાદ જાણવો પડે, નહીં તો આપણે એમને અધૂરાં પામીએ.

કંઈક વિપ્લવો થયા; પણ દરેક રાજ્યસત્તા વિકૃતિને પામી અને નવા પ્રકારના અત્યાચારો ઊભા થયા. પ્રજાના જે સ્તરને લાભ પહોંચવો જોઈએ એ ક્યારેય બન્યું નહીં. તો કેમ આમ? આ વિચારવાનું અત્યંત જરૂરી બન્યું છે. આક્રોશ એ સારી વાત છે. પણ ગતિશીલ સમજણ વગરનો આક્રોશ ફરી એ જ ઘોર ખાઈમાં સમાજને ધકેલી દેશે. નવી રીતે જોવાની-વિચારવાની તાતી જરૂર છે. આ સંદર્ભમાં ડૉ. દ. બોનોની નવી વિચાર રીતિને – એના સારા અભિગમને – થોડોક પણ જોઈ જવો રસપ્રદ અને વિચારોત્તેજક રહેશે. એડવર્ડ દ બોનોનો જન્મ માલ્ટામાં થયો હતો. માલ્ટા રૉયલ યુનિવર્સિટીમાંથી મેડિસિનમાં ઉપાધિ મેળવી. ઑક્સફર્ડમાંથી મનોવિજ્ઞાન અને શરીરવિજ્ઞાનમાં પારંગત થઈ મેડિસિનમાં એમણે ડૉક્ટરેટ પ્રાપ્ત કર્યું. મેડિસિનમાં એમના પ્રભુત્વને કારણે માનવીય મગજને જીવવૈજ્ઞાનિક માહિતી-પદ્ધતિ તરીકે જોવાના વલણમાં એમનું પ્રદાન મોટું રહ્યું. કોમ્પ્યુટરો સાથે એમને કામ પાડવાનું આવતાં કોમ્પ્યુટરો જે નથી કરી શકતાં એમાં એમને રસ પડવા માંડ્યો. પ્રત્યક્ષબોધ અને સર્જન એ કોમ્પ્યુટરોની શક્તિ બહારની વાત થઈ. બોનોની વિચારણાનાં મહત્ત્વનાં તત્ત્વો છે – રચનાત્મકતા, સર્જનાત્મકતા અને હકારાત્મકતા. છતાં અમુક સંજોગોમાં નકારાત્મકતાની જરૂરિયાત પણ એમણે સ્વીકારી છે. પણ રચનાત્મક અને સર્જનાત્મક શક્તિઓ હોવી જોઈએ જેથી સ્થિર, ક્રમવાર પ્રગતિ થઈ શકે – એ હકારાત્મક ક્રાન્તિનો પાયો છે. એ કહે છે, “My Concern has always been with human thinking because this Seems to me to play so central a role in human happiness and develoment both from moment to moment and also over the longer term. I belive that we have done relatively little about thinking but have been content with a fluency or argument and the ability to attack and defend positions. This Sort of thinking unfortunately lacks the Creative, Constructive and design energies that we really need in order to go forward. Indeed our absurd emphasis on negativity Seriously impedes such progress.” બોનો હકારાત્મક ક્રાન્તિ ને પારંપરિક ક્રાન્તિ વચ્ચે તફાવત કરે છે. હકારાત્મક ક્રાન્તિમાં દુશ્મનો નથી હોતા. પારંપરિક ક્રાન્તિ નકારાત્મક હોય છે; એ કોઈકના વિરુદ્ધ હોવામાંથી શક્તિ મેળવે છે. ક્રોધ, ધિક્કાર કે કોઈ પણ ચીજની વિરુદ્ધ હોવાના આવેગ વગર ક્રાન્તિની શક્યતા છે ખરી? મિશનના ભાવ વગર અને સામે દુશ્મન હોય ને જે કેન્દ્રિત શક્તિ ઊભી થાય એ વગર ક્રાન્તિ શક્ય છે? ઘણાં કહેશે કે એ અશક્ય છે, એ લોકો એમની જૂની વિચારવાની આદતથી – ‘હું સાચો, તું ખોટો’ – મજબૂર હોય છે. રાઇચસનેસ એ આ શક્તિનો પારંપરિક સ્રોત રહ્યો છે. દુશ્મનાવટવાળી આવી ભાવના વ્યાવસાયિક ક્રાન્તિકારીમાં એક પ્રકારનું સાથીદારપણું ઊભું કરે છે. પણ હકારાત્મક ક્રાન્તિ વ્યાવસાયિક ક્રાન્તિકારો માટે નથી. એ સામાન્ય લોકો માટે છે – એ બિનવ્યાવસાયિકો માટે છે, જે તસુ તસુ આગળ વધે છે. હકારાત્મક ક્રાન્તિ છકેલ વિચાસરણીઓનો (ખડક સમો તર્ક) જંગી સંઘર્ષ નથી, પણ ધીમી અને સ્થિર ‘પાણી સમા તર્ક’ની એકધારી ઘેરી વળવાની અને ફેલાવાની શક્તિ છે. હકારાત્મક ક્રાન્તિનાં હથિયારો બૉમ્બ અને ગોળીઓ નથી. પણ સાદો માનવીય પ્રત્યક્ષબોધ છે. ગોળીઓ અને બૉમ્બ શારીરિક સામર્થ્ય આપે, પણ આખરે પ્રત્યક્ષબોધ અને મૂલ્યોમાં પરિવર્તન આવે તો જ એ કામ લાગે, તો પછી સીધો માર્ગ પકડી મૂલ્યો અને પ્રત્યક્ષબોધ સાથે જ કામ કેમ ન પાડવું? બોનો લેટરલ થિંકિંગના પ્રણેતા છે. લેટરલ થિંકિંગની પદ્ધતિઓનો ફેલાવો યુરોપ અને અમેરિકાનાં મહાવિદ્યાલયોમાં અને શાખાઓમાં મોટા પ્રમાણમાં થયો છે. આ શબ્દોને ઑક્સફર્ડના શબ્દકોશમાં પણ સ્થાન મળ્યું છે. આપણે તો અછડતી રીતે એનો થોડો ખ્યાલ મેળવવા યત્ન કરીશું. લેટરલ થિંકિંગને સૂક્ષ્મ દૃષ્ટિ, સર્જકતા અને વિનોદવૃત્તિ સાથે ગાઢ સંબંધ છે. પણ એ તો માનવીને મળેલી કુદરતી બક્ષિસો છે. જ્યારે લેટરલ થિંકિંગ વધુ હેતપૂર્વકની પ્રક્રિયા છે. તાર્કિક વિચારણાની જેમ એ મનનો ઉપયોગ કરે છે – પણ ખૂબ જુદી રીતે. મન એ પોતાની મેળે ગોઠવાઈ જતી માહિતી પદ્ધતિ છે. પોતાની મેળે ગોઠવાઈ જતી માહિતી પદ્ધતિઓ એ અનિવાર્યપણે ભાતો (Patterns) રચતી પદ્ધતિઓ છે. અમુક લાક્ષણિકતાઓ પ્રમાણે મનની અંદર માહિતીઓ ભાતોમાં ગોઠવાઈ જતી હોય છે. વળી નવી આવતી રહેતી માહિતીઓ મનમાં રચાયેલી ભાતોમાં ગોઠવી દેતા હોઈએ છીએ. બીજી રીતે મૂકવું હોય તો આપણે સતત ચોકઠામાં વિચારતા હોઈએ છીએ, કોઈ નવી માહિતી આવે તો ચોકઠામાં ગોઠવી દેતા હોઈએ છીએ. આ રીતે વિચારવાની એક અત્યંત કાર્યક્ષમ અને સહેલી રીત છે. પણ એના થોડા ગેરલાભો અને મર્યાદાઓ પણ છે. પણ એ શક્ય નથી કે લાભો રાખીને ગેરલાભો દૂર રાખી શકાય. છરી ઉપયોગી છે કારણ કે તીક્ષ્ણ છે, પણ એ તીક્ષ્ણ છે એટલે એ જોખમકારક પણ છે. એની ઉપયોગિતા રાખીને જોખમ દૂર કરવાનું સંભવિત નથી. સૌથી ઉત્તમ રસ્તો એ છે કે છરીનું સ્વરૂપ સમજી લેવું અને જોખમને બને એટલું ઓછું કરીને તીક્ષ્ણતાને માણવી. તાર્કિક વિચારણા મનના તંત્રનો ઉપયોગ કરવા માટે આપણને ઉદ્યુક્ત કરે છે. તો લેટરલ થિંકિંગ તંત્રમાં રહેલાં જોખમોને બને એટલાં ઓછાં કરવા માટે આપણને તૈયાર કરે છે. બોનોએ વિચાર-પ્રક્રિયાના બે ભાગ પાડ્યા છે – ઊર્ધ્વ વિચારણા (વર્ટિકલ થિંકિંગ) અને પાર્શ્વ વિચારણા (લેટરલ થિંકિંગ), વર્ટિકલ વિચારપ્રક્રિયા એ પારંપરિક તાર્કિક વિચારણાની રીત છે. એને વર્ટિકલ કહેવામાં આવે છે કારણ કે અહીં માહિતીના એક તબક્કાથી બીજા તબક્કામાં આગળ વધવાનું છે. એક મિનારો બાંધવા જેવું છે, જ્યાં એક પથ્થર આગલા પથ્થરની બરાબર ઉપર મૂકવામાં આવે છે. એક કાણું કર્યું હોય તેને જ વધારે ઊંડું કરતા જવાનું હોય છે. જ્યારે લેટરલ વિચાર-પક્રિયામાં કાણું બીજે કરવાનું હોય છે. વર્ટિકલ વિચારપ્રક્રિયામાં એક પછી એક સુસંગત પગલાં ભરી નિષ્કર્ષ ઉપર પહોંચવાનું હોય છે; જે નથી સ્વીકાર્ય એ કાઢી નાખતા રહેવાનું છે. દરેક પગલે સાચા રહેતા રહેવાનું છે, મૂલ્યાંકન કરતા રહેવાનું છે. લેટરલ વિચાર-પ્રક્રિયામાં વચમાં તમે ખોટાની પણ અજમાયશ કરી શકો. જોકે અંતમાં તો તમારે સાચા જ ઠરવાનું રહે. અહીં માહિતીઓની એવી રીતે ગોઠવણી કરી શકાય જે આમ સુસંગત ન હોય, પણ એથી પુનઃસંરચનાનો અવકાશ ઊભો થઈ શકતો હોય જે પ્રમાણભૂત હોય. સમર્થનીય ઉકેલ લાવવા માટે ઘણી વાર અસમર્થનીય સ્થાનથી વિચાર કરવો પડે. બોનો વર્ટિકલ વિચાર-પ્રક્રિયાની જરૂરિયાતનો તદ્દન અસ્વીકાર કરે છે એવું નથી. એની પૂરતી જરૂરિયાત એમણે સ્વીકારી છે. ખરેખર તો બંને એક બીજાનાં પૂરક છે. પણ લેટરલ વિચાર-પ્રક્રિયાથી આવી પડતી પરિસ્થિતિઓને જુદી રીતે જોઈ શકાય. તમે કંઈક ઓછા ઘમંડી, ઓછા કડક કે ઓછા મતાગ્રહી હશો તો તમે બીજાના વિચારોને સાંભળવા માટે વધુ તૈયાર થાઓ અને એ વિચારોને પણ ચકાસવા તૈયાર થાઓ એમ બને. મોટા ભાગના લોકોને વિચારપ્રક્રિયાના બીજા તબક્કાનો જ ખ્યાલ હોય છે. પહેલા તબક્કાને તો એમ ને એમ સ્વીકારી જ લે છે કે પછી હોય જ નહીં એમ વર્તે છે. બીજા તબક્કાને તર્કની ને ગણિતશાસ્ત્રની ટેક્નિકો સાથે નિસબત છે. કોમ્પ્યુટર એ બીજા તબક્કાઓની વિચાર-પ્રક્રિયાની પ્રયુક્તિ છે; એને પહેલા તબક્કા સામે કંઈ લાગતું-વળગતું નથી. પહેલો તબક્કો એટલે પ્રસ્થાપિત વિચારો કે સંકલ્પનાઓ. લેટરલ વિચાર-પ્રક્રિયા પહેલા તબક્કાના એકદમ પ્રસ્થાપિત વિચારો કે સંકલ્પનાઓ વિશે જ શંકા ઉઠાવતી હોય છે. આશય એ વિચારોને અસમર્થનીય બનાવવાનો નથી. જે વિચારો હોય એનો ઉપયોગ જ કરવાનો હોય, નહીં તો આગળ વધવાનું જ અશક્ય બને. લેટરલ વિચાર-પ્રક્રિયા વિચારોની પુનઃસંરચના કરે છે જેથી એમને આધુનિક બનાવી શકાય. પ્રવર્તમાન વિચારો પ્રત્યે ક્રૉનિક અસંતોષ ઊભો કરવાનો આ વિચાર પ્રક્રિયાનો બિલકુલ ખ્યાલ નથી; એમની પુનઃસંરચના કરવા માટે આશા નિર્માણ કરવાનો એની પાછળ ઉદ્દેશ છે. લેટરલ વિચારણામાં પુનઃસંરચનાની પ્રક્રિયા એ એકદમ અચાનક બનતી પ્રક્રિયા છે, જેમાં એક પૅટર્નની ગોઠવણીમાંથી બીજી ગોઠવણી ઉપર તડાક આવી જવાનું હોય છે. એ ધીમે ધીમે પરિવર્તિત થતી પ્રક્રિયા નથી. જેમ વિનોદના કિસ્સામાં વળાંક આવે છે એમ અહીં બને છે. આપણે વિનોદનું એક દૃષ્ટાંત જોઈએ કે જેથી વાત એકદમ તાદૃશ બને : પ્રાધ્યાપક એક કાયદાશાસ્ત્રના વિદ્યાર્થીને કહે છે, “તારી વાગદત્તા સાથે તારી માત્ર સગાઈ થઈ છે તોપણ તું શું એમ કહે છે કે હું એને ફોસલાવું તો એ એડલ્ટરી છે?” વિદ્યાર્થી : “હા, સાહેબ,” પ્રાધ્યાપક : “પણ તું કંઈ એને પરણ્યો નથી.” વિદ્યાર્થી : “ના, પણ તમે તો પરણેલા છો.” બોનોએ લેટરલ વિચાર-પ્રક્રિયાને અમલી બનાવવા માટે ખૂબ વિસ્તારથી આ લેખો સાથે પદ્ધતિઓ અને ટેક્નિકો એમનાં પુસ્તકોમાં બતાવી છે. મેં એમનાં જે પુસ્તકોનો આધાર લીધો છે એ છે : ‘Lateral Thinking – A Text Book of creativity’, ‘Lateral Thinking of management’ અને ‘Handbook for the Positive Revolution’. આપણે હવે એમણે જે ઘણા નાના નાના વિષયો ચર્ચ્યા છે તેમાંથી બેએક વિશે થોડુંક જોઈશું. બોનોએ સામાજિક પ્રદાન વિશે વાત કરી છે. ધારો કે તમે જે રસ્તે ચાલો છો એ કાગળોના કચરાથી ભરપૂર છે. તમે ચણા ખાતા જાઓ છો અને વિચારો છો કે મારો કાગળ અહીં નાખું તો શો ફેર પડવાનો છે? અથવા તમને બીજો પ્રત્યાઘાત આવે છે. તમે વિચારો છો કે રસ્તો આટલો ગંદો છે એ ખૂબ ખરાબ વાત કહેવાય. મ્યુનિસિપાલિટીએ આ સાફ કરાવવો જોઈએ—એ લોકો એમનું કામ બરાબર કરતાં નથી. પણ વાત તો તદ્દન જુદી જ હોવી જોઈએ. જુદી રીતે વિચારવું જોઈએ. ભલે, કંઈ ફેર પડે કે નહીં, તમારે તમારો કાગળ ત્યાં નાખવો ન જોઈએ. જો પૂરતા પ્રમાણમાં લોકો આ કરે તો રસ્તો વધુ ચોખ્ખો થાય અને સાફ કરવો સહેલો પડે. ઉપરાંત તમે કાગળ નાખો જ નહીં એટલું જ નહીં, પણ તમે બે ત્રણ પડેલા કાગળો ઉઠાવી લો તો તમે કેટલા રચનાત્મક થયા ગણાઓ? એક તો તમે તમારા અભિગમથી અને પ્રદાનની શિસ્તથી તમારી જાતને મદદ કરો છો. બીજું, તમે રસ્તો સ્વચ્છ કરવામાં મદદ કરો છો. ત્રીજું, તમે એવો દાખલો બેસાડો છો કે જે બીજાઓમાં પણ ફેલાવાનો સંભવ છે. સૌથી મોટી મુશ્કેલી પ્રદાનના સિદ્ધાંત સાથે એ છે કે દરેક કહે છે, “હું સત્તાના સ્થાન ઉપર નથી પછી હું શું કરી શકું?’ આ નકારાત્મકતા અને અકર્મણ્યતા છે. હકારાત્મક ક્રાન્તિની સૌથી મોટી એક ભૂમિકા એ વર્ક-પેકેજરની છે. એટલે કે સામાન્ય લોકો જુદી જુદી રીતે જે કંઈ કરી શકે એની યાદી બનાવવી. રચનાત્મક સિદ્ધિ એક શોખ બની જઈ શકે. આ પછી બોનોએ ‘આદર’ને લઈને વાત કરી છે. આપણે બીજી વ્યક્તિની માનવતા અને માનવીય મૂલ્યોનો આદર કરવો જોઈએ. આપણે બીજી વ્યક્તિની વ્યક્તિમત્તાનો આદર કરવો જોઈએ. વ્યક્તિઓ માટે આદર ન હોવો અને માનવીય મૂલ્યોનો નિરપેક્ષતામાં આદર કરવો એનો કોઈ અર્થ નથી. જે ક્રાન્તિ લોકોને ભૂલી જાય છે એ ક્રાન્તિ નથી. જે ક્રાન્તિ લોકોનું જ ભલું કરવા માટે લોકો સાથે ખરાબ રીતે વર્તે એ વિરોધાભાસ છે. ક્રાન્તિનો હેતુ એ છે કે લોકોને લાભ થાય — માત્ર આખરે નહીં, પણ જ્યારે ક્રાન્તિ ચાલતી હોય ત્યારે પણ. પ્રેમ એ અદ્ભુત વસ્તુ છે. પણ પ્રેમને એની આશંકાઓ, અસલામતીઓ, ઝઘડાઓ, ગેરસમજો અને ધિક્કારો હોય છે. પ્રેમ આટલી અદ્ભુત વસ્તુ છે એટલે જ રોજબરોજના વ્યવહાર માટે ઉપયોગી નથી. પોતાના દુશ્મનને ચાહવું મુશ્કેલ છે — જોકે આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ. આદર પ્રેમ કરતાં વધારે વ્યવહારુ ચીજ છે. આદર એટલે બીજી વ્યક્તિના એક માણસ તરીકેના ગૌરવને જાળવીને એની સાથે વર્તવું. તમે કોઈને કહી શકો, “તમે મને ગમતા નથી, પણ એક વ્યક્તિ તરીકે હું તમારો આદર કરું છું.’ બીજા માટે આદર હોવો એ હકારાત્મક ક્રાન્તિનો પાયાનો સિદ્ધાંત છે અને આપણને યાદ અપાવે છે કે આખરે લોકો એ જ સૌથી મોટી વાત છે. આજે એક વ્યક્તિની પહોંચ બહાર ‘એની સમજ બહાર એવાં તો ધસમસતાં સામાજિક, રાજકીય અને ટેક્નોલૉજીના ક્ષેત્રે પરિવર્તનો સર્જાતાં જાય છે કે માણસ પોતાને અસહાય જ અનુભવે; એને એક પ્રકારની નિષ્ક્રિયતા ઘેરી વળે. આવા પરિવેશમાં એડવર્દ દ બોનોની વિચાર-પ્રક્રિયા વ્યક્તિને એકદમ કેન્દ્રમાં લાવીને મૂકે છે. એક વ્યક્તિ પોતાની ક્રિયાશીલતાથી ક્રાન્તિનો અગત્યનો અંશ બની શકે છે. તસુ તસુ એ આગળ વધી શકે છે. આજે વિચારસરણીઓની વાતો અને વિચારવાની જૂની પદ્ધતિઓ ખોખલી બની ગઈ છે ત્યારે બોનોનો આ નવો દૃષ્ટિ-અભિગમ આપણને વિચાર કરવા જરૂર પ્રેરે. કશું કંઈ રિજેક્ટ કરવાનું નથી. ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ છે. પણ એને અપડેટ બનાવવા પુનઃ સંરચનાની જરૂર છે. બોનો આજના બાહ્ય વાસ્તવને ખ્યાલમાં રાખીને ગતિશીલ વિચારણા આપણને આપે છે. એમનું પગલું નાનું છે, પણ સંગીન છે. ગાંધીજીનો વ્યાપ ઘણો મોટો છે — વાસ્તવના છેક સીમાડાઓ સુધી આપણને લઈ જતો. છતાં બોનોની ગતિ ભલે સીમિત છતાં એ છે ગાંધીજીના આધાર સ્થંભો તરફ.

તા. ૨૦-૩-૯૨

Pratisad Image 1.png

શ્વેતદીપના સોહામણા એકાંતિક ઉપાસકોની મધ્યમાં વિષ્ણુનારાયણ, આગળના ભાગમાં જમણી બાજુએ શ્વેતદ્વીપના બે ઉપાસકો બલિ તૈયાર કરતાં દેખાય છે. ડાબી બાજુએ એક માનવ-ઋષિ વિષ્ણુનારાયણને પીઠ કરતા બતાવાયા છે કારણ કે એ વિષ્ણુનારાયણને જોઈ શકતા નથી. નારાયણના દર્શન માટે ઉગ્ર તપશ્ચર્યા કરવાને લીધે એમનો દેહ અત્યંત કૃશ થઈ ગયો છે. લક્ષ્મણ મંદિરના ગર્ભગૃહની પશ્ચિમી દીવાલના ભદ્રમાં ઈ. સ. ૯૫૪.

તસવીર : અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયન સ્ટડી, વારાણસીના સૌજન્યથી