બરફનાં પંખી/કપ્પિલવસ્તુ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કપ્પિલવસ્તુ

અચાનક કરમદીના ઢુવા માથે તર્કાપત્તિ પડી
ઢોંગ ધતુરા કરતી ભોળી સમજણને હું જડી

ઘરવખરીમાં હું જ હતી તે લઈને ઉપડ્યું ગાડું
ઘર વગરના ઘરની સામે ઊભો રે ઘરફાડું

હડિયું જેની ટેવ હતી ઈ જર્રાય ના કોઈ ખસ્તું
વસ્તુ પાછળ અણોસરું રે ઝૂરે કપ્પિલવસ્તુ

એક વાહાના બોખાથી લઈ સાઠ વરસના બોખા
દાંત ઉપર પૃથ્વી ઊંચકવા નીકળ્યાં ખાલી ખોખાં

ઢાંઢા જેવડા થઈને સાજણ મચ્છર માફક મર્યા?
રોગ તમારા અવયવ જેવા અહીં ભોગવ્યા કર્યા?

ઘરમાં હતી એક રંગોળી ઈ સંજવારીમાં ગઈ?
સાવરણીની સળીઓમાંથી આપણી સળી કઈ?

ફૂંકથી જે ન ઊડી શકે ઈ વાચા જેવી ધૂળ?
પેટછૂટી દીકરીની માફક નીકળી છોડી કુળ?

કોકવાર તો ખોટું બોલો મોહન બકરીવાલા!
વાચામાં વીંઝાઈ રહ્યા છે જીયસોંસરા ભાલા.

ઠીકરી જેવું જ્ઞાન હવે તો ધીમે ધીમે ખસતું
શબ્દ વસે છે માત્ર વસ્તુમાં કોઈ બીજું નૈ વસતું

પથ્થરમાંથી છૂટા કરીએ ભાર અને હળવાશ
ॐકાર ને ઓડકારમાં ઊતરતી સરખાશ

અંધકારના પડછાયાને ગેરસમજથી સમજો
જેવા ગમતા રામ સીતાને એવા અમને ગમજો.

***