બાબુ સુથારની કવિતા/હું ઇચ્છું છું કે
૧૨.
હું ઇચ્છું છું
હું ઇચ્છું છું
કે
મારા અવસાન પછી
મારી નનામીને
ચાર ઈયળો ઊંચકીને
ચાલતી હોય,
દોણી, બીજું કોઈ નહીં
પણ
એક તીતીઘોડો
લઈને ચાલતો હોય
ડાઘુઓમાં થોડાંક
કીડા હોય
મંકોડા હોય
પેલી રાતી રાતી ઝેમોલો હોય
ઊધઈ પણ હોય
અને
ઘોઘા પણ હોય
મારી સ્મશાનયાત્રામાં
પતંગિયાં નહીં જોડાય તો
મને ગમશે,
જ્યારે હું નાનો હતો ત્યારે
એમણે મને ખૂબ હેરાન કર્યો છે.
પણ, એમને બદલે
જો થોડાંક દેડકાં જોડાશે
તો મને ખૂબ ગમશે
એમનું ડ્રાઉં ડ્રાઉં
મારા દેહમાં નિરાધાર બની ગયેલી
મારી ભાષાની બારાખડીને
આશ્વાસન આપશે.
(‘સાપફેરા’ એક)