બાળ કાવ્ય સંપદા/કક્કો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કક્કો

લેખક : વિનોદ ગાંધી
(1953)


‘ક’ ની સાથે કમળ નામનું જોડાયું છે ફૂલ,
‘ખ’ ની સાથે ખલ કહેવામાં કરવાની નહીં ભૂલ.
‘ગ’ સંગાથે ગણપતિ દેવા, કરો આરતી સહુ.
‘ચ’ નામનો અક્ષર પલી ચકલીને બહુ વહાલો
‘છ’ કહો તો છત્રીનો છ એ પણ ક્યાં છે ઠાલો ?
‘જ’ જમરૂખની યાદ અપાવે એવો છે એ મીઠો.
‘ઝ’ તો આવ્યો ઝભલું લઇને દૂરથી મેં તો દીઠો.
‘ટ’ આવે છે ટટ્ટુ લઇને આ તે કેવું પ્રાણી ?
‘ઠ’ ને ઠળિયો મળ્યો એટલે એને થઇ ઉજાણી
‘ડ’ કહેવામાં જનો ડગલો યાદ આવે છે અમને,
‘ઢ’ નો ઢગલો આ દિવસોમાં ગમશે નહીં હોં તમને.
‘ત’ સાંભળતાં તપેલીમાંનું દૂધ યાદ આવે છે,
‘થ’ આવે થર્મોસ લઇ નવું નવું સમજાવે છે.
‘દ’ દેખાવે અવળો કિન્તુ દરાખ એ આપે છે.
‘ધ’ પણ ધજા ફરકાવી નભમાં કશું છાપે છે.
‘ન’ તો નાનો છે પણ એનું નગારું ખૂબ મોટું
‘પ’ તો પતંગિયાનો રમતો એની સાથે છોટુ
‘ફ’ તો ફટાકડા જેવો છે ફટફટ ફૂટે
‘બ’ બુધ્ધુ તે ખંખેરે છે રૂમાલ ઉપર બૂટે
‘ભ’ ભમરાનો ભટક્યા કરતો અહીંતહીં ને સઘળે
‘મ’ મમરાનો ભૂખ મિટાવે ઉતરે અમને ગળે
‘ય’ ની સાથે યતિજતિનો બેસી ગયો છે મેળ,
‘ર’ ની સાથે રમકડાંની થઇ ગઇ સેળ ને ભેળ.
‘લ’ તો લખોટીઓ લઇ આવે આવે મારે ઘેર,
‘વ’ વરઘોડા પર બેસી કરતો લીલા લહેર.
‘શ’ શક્કરિયું ખાઇ ખાઇને ફૂલી ગયો છે ખૂબ,
‘ષ’ ષટ્કોણના બહાર નીકળતા ખૂણા આબેહૂબ.
‘સ’ એ સસલા સાથે કરી લીધી છે દોસ્તી,
‘હ’ ને હળનો હાથો વાગ્યો એની શકલ છે રોતી.
‘ક્ષ’ કહેતાં ક્ષત્રિય ધનુષ ને બાણ લઈને બેઠા,
‘જ્ઞ’ તો જાણકાર એવા જાણે કે ઋષિમુનિના બેટા.