બાળ કાવ્ય સંપદા/કરો રમકડાં કૂચ કદમ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કરો રમકડાં કૂચકદમ !

લેખક : મકરન્દ દવે
(1922-2005)

ટર૨૨ ટરરર ઢમ ઢમ ઢમ
કરો રમકડાં કૂચકદમ !

હાથીભાઈ ચાલે આગળ
પીછે ઊંટ સવારી,
ખડાક ખડદડ ઘોડા દોડે
દેખો અજબ ખુમારી;
સૌના રક્ષક સૈનિક હમ
કરો રમકડાં કૂચકદમ !

ઉપર ઘરરર વિમાન ગરજે
નીચે લશ્કર - ગાડી.
ભરી બંદૂકે બંદા સાથે
ચાલે હાકલ પાડી :
‘હોશિયાર’નો કરું હુકમ
કરો રમકડાં કૂચકદમ !

બા તો હોઠે ધરે આંગળી
બાપા અચરજ પામે,
મોટા ભાઈ પૂછે ચડાઈ
કરી કહો કયા ગામે ?
કહો ખુદાના ખાઈ કસમ
કરો રમકડાં કૂચકદમ !

ટેબલ ઉપર ચડી ગૌરવે
બંદા કાઢી છાતી.
કહે હિંદના રક્ષણ કાજે
સેના કાશ્મીર જાતી;
હસનારાને થતી શરમ
કરો રમકડાં કૂચકદમ !

ટરરર ટરરર ઢમ ઢમ ઢમ
કરો રમકડાં કૂચકદમ !