બાળ કાવ્ય સંપદા/દાદીમાનું હાલરડું
દાદીમાનું હાલરડું
લેખક : બળદેવ પરમાર
(1924 )
દાદીમાને હું વ્હાલો ને બીજું હાલરડાનું ગાણું
ગાતાં ગાતાં ક્યાંય વીતે રાત ને વહાણું
નાની નાની વાતો ને મીઠી મીઠી વાણી
દૂર પરીઓના દેશમાં જાય મને તાણી
જાણે નાની થાળીમાં ભાવતું ભાણું .
કોઈ દિ’ કહેતાં અને કાનો ને કોઈ દિ’ કહેતાં રામ
આમ ને આમ મારાં પાડ્યાં પાર વિનાનાં નામ
જાણે અહીં નામનું સરોવર ઊભરાયું.
દાદીમા તમે ગાતાં ગાતાં સો વરસનાં થાજો
નિત ઊઠીને તમે નવાં નવાં હાલરડાં ગાજો
આ જગ આખું ગાશે તમારું ગાણું.