બાળ કાવ્ય સંપદા/ફૂલ ખીલ્યાં ને

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ફૂલ ખીલ્યાં ને

લેખક : કીર્તિદા બ્રહ્મભટ્ટ
(1958)

ફૂલ ખીલ્યાં ને છુટ્ટી સોડમ ચારે કોરે ચાલી ... (૨)
ઓલ્યા વાયરાને,
હે ઓલ્યા વાયરાને
ફૂલડાંએ લ્યો દઈ દીધી એક તાલી,

ગાતાં રણઝણ ઝરણાંએ લ્યો ધરતીને પખાળી ... (૨)
ઓલ્યાં ઝાડવાંને,
હે ઓલ્યાં ઝાડવાંને
ઝરમર ઝરતો મળી ગયો એક માળી,

ઝગમગ ઝગતી આકાશે લ્યો ઘૂમી રહી એક થાળી ... (૨)
ઓલ્યા માંડવાને,
હે ઓલ્યા માંડવાને
દશે દિશાએ દીધો રે અજવાળી

રાતલડીને ધરણી માથે હળવે રહીને ઢાળી ... (૨)
ઓલ્યા આભલેથી,
હે ઓલ્યા આભલેથી
ચાંદલિયે લ્યો ઢોળી અમરતપ્યાલી,

ગડગડતાં વાદળની વચ્ચે ઝરતી ઝરમર ઝારી ... (૨)
ઓલ્યા ડુંગરાને,
હે ઓલ્યાં ખેતરાંને
હાક દઈને દઈ દીધી હરિયાળી.