બાળ કાવ્ય સંપદા/વનરાજનું હાલરડું

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વનરાજનું હાલરડું

લેખક : ઝવેરચંદ મેઘાણી
(1894-1947)

વનરાવનનો રાજા રે
પોઢ્યો ઊંચે પારણે હો રાજ !
બહાદુર બાળો રાજા રે
પોઢ્યો ઊંચે પારણે હો રાજ !
હાં રે પોઢ્યો જયશેખરનો બાળ
હાં રે પોઢ્યો વેરીડાં કેરો કાળ

હલકે ને હીંચોળું રે
રાજા ગુર્જર દેશનો હો રાજ !
જુગતે ને ઝુલાવું રે
મોભી ગુર્જર માતનો હો રાજ !
ઊંચેરી વડવાયે રે
વનરાજાનાં પારણાં હો રાજ !
અંકાશીલી ડાળ્યે રે
બાળુડાનાં ઝૂલણાં હો રાજ !

હાં રે માથે હીરે મઢેલ આકાશ
હાં રે માથે પૂનમના અંજવાશ

દૂધલડાં કંઈ પીતો રે
રૂપાવરણી રાતનાં હો રાજ !
ગોઠડિયું કંઈ કરતો રે
તારલિયાની સાથમાં હો રાજ !
વનરાવનનો રાજા રે
પોઢ્યો ઊંચે પારણે હો રાજ !
વાંકડિયા મોવાળા રે
વનરાજાને શોભતા હો રાજ !
કાળાં કરચલિયાળાં રે
ઝુલફાં ડોકે ઝૂલતાં હો રાજ !

હાં રે એનું કંકુડાવરણું કપાળ
હાં રે એની આંખે અગનની ઝાળ

વાટલડી કંઈ જોતો રે,
જોબન ક્યારે આવશે હો રાજ !
ઝબકી ઝબકી જોતો રે
જોદ્ધા ક્યારે જાગશે હો રાજ !
સ્વપનામાં સાંભળતો રે
હાકલ ક્યારે વાગશે હો રાજ !
વનરાવનનો રાજા રે
પોઢ્યો ઊંચે પારણે હો રાજ !
ઘેલૂડી ઓ સિંહણ રે
વાર્યે તારા બાળને હો રાજ !
વકરેલી ઓ વાઘણ રે !
રોક્યે તારી ત્રાડને હો રાજ !

હાં રે મારા રાજાની ઊંઘ વીંખાય
હાં રે મારો બાળુડો ઝબકી જાય

કાચી ને નીંદરનો રે
કોપ્યો તમને મારશે હો રાજ !
થોડી ને નીંદરનો રે
જાગ્યો તમને મારશે હો રાજ !
વનરાવનનો રાજા રે
પોઢ્યો ઊંચે પારણે હો રાજ !
મૂઠડિયું ભીડીને રે
મોભી મારો પોઢિયો હો રાજ !
ટાઢડિયું ભીંસીને રે
કુંવર મારો પોઢિયો હો રાજ !

હાં રે જાણે તાણી ઝાલેલી તલવાર
હાં રે જાણે ઝૂઝે છે જુદ્ધ મોજાર

સોણામાં સંહારે રે
બાપુ કેરા મારને હો રાજ !
સમશાને સુવારે રે
મા-ભૂમિના ચોરને હો રાજ !
વનરાવનનો રાજા રે
પોઢ્યો ઊંચે પારણે હો રાજ !
ગરવી ગુર્જર માનાં રે
વીરને ઝાઝાં વારણાં હો રાજ !
આગભરી અમ્બાનાં રે
તીરને મોંઘાં મીઠડાં હો રાજ !

હાં રે વીરા ! આજુનો દિન વિશ્રામ
હાં રે વાલા ! આજુનો રાત આરામ

કાલે ને કેસરિયા રે !
ખાંડાધારે ખેલજો હો રાજ !
કાલે કંકુભરિયા રે !
અરિને તેડાં મેલજો હો રાજ !
વનરાવનનો રાજા રે
પોઢ્યો ઊંચે પારણે હો રાજ !
સ્વામીની સૂર-વાટે રે
રણ રમવા જાવું હતું હો રાજ !
સ્વર્ગાપુરને ઘાટે રે
સંગાથી થાવું હતું હો રાજ !

તે દિ’ મારે હૈયે પોઢેલો તું ભાઈ !
તે દિ’ તારા બાપુની રામદુહાઈ !

આજ સુધી જીવું છું રે
પાવા તુજને દૂધડાં હો રાજ !
જીવતર વિતાવું છું રે
ગાવાં શૂરનાં ગીતડાં હો રાજ !
જુગ જુગથી જાગું છું રે
લેવા છેલ્લાં મીઠડાં હો રાજ !
વનરાવનનો રાજા રે
પોઢ્યો ઊંચે પારણે હો રાજ !