બાળ કાવ્ય સંપદા/હું ગુજરાતી ગલગોટો
હું ગુજરાતી ગલગોટો
લેખક : ગિરા ભટ્ટ
(1962)
હું ગુજરાતી ગલગોટો.
મારો સૂરજ પાડે ફોટો.
દરિયો દોડી દોડી આવે,
સોમનાથને મળવા.
વતન છોડી પારસી આવ્યા,
દૂધ-સાકર જેમ ભળવા.
સુખ, સાહ્યબી, શાંતિ કેરો,
જગમાં મળે ન જોટો...
હું ગુજરાતી ગલગોટો,
મારો સૂરજ પાડે ફોટો.
હું ગુજરાતી-ગૌરવશાળી,
માતૃભાષામાં મ્હાલું.
દ્વારિકાનો નાથ છે સાથે,
ગીતાજ્ઞાન છે વ્હાલું.
સંપ તણો સ૨વાળો સુંદર,
કોઈ ન નાનો મોટો...
હું ગુજરાતી ગલગોટો,
મારો સૂરજ પાડે ફોટો.
નર્મદા છે માત અમારી,
પિતા છે સોમનાથ.
અમૂલ વહે છે સકલ વિશ્વમાં,
લઈ સહુનો સંગાથ.
વેપારી વિશ્વાસ તણો હું,
આજ લગી ના ખોટો...
હું ગુજરાતી ગલગોટો,
મારો સૂરજ પાડે ફોટો.