બે હજાર ચોવીસ સમક્ષ/દેરીમંદિર શોધી શોધી – રાજેશ વ્યાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કવિતા

‘દેરી મંદિર શોધી શોધી : રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

ધ્વનિલ પારેખ

‘દેરી મંદિર શોધી શોધી’ – ઉપલબ્ધિમાં...?

સાંપ્રત ગુજરાતી ગઝલના ક્ષેત્રે રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નું નામ મહત્ત્વનું છે. છેલ્લા ચારેક દાયકાથી પણ વધુ સમયથી તેઓ ગઝલલેખન કરે છે અને એના પરિણામે સાતત્યપૂર્વક એમના ગઝલસંગ્રહો પ્રગટ થતા રહે છે. ‘દેરી મંદિર શોધી શોધી’ એમનો ૧૦મો ગઝલસંગ્રહ છે. [સંગ્રહના આવરણ પર પણ એ વિગત મૂકવામાં આવી છે!] તો, એમના આ દસમા પડાવ વિશે અહીં ચર્ચા કરવાનો ઉપક્રમ છે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા, એ શ્રદ્ધાને કારણે ઊભી થતી ભક્તિ, ભક્તિમાં પ્રવેશી જતો દંભ, સ્વજનો સાથેના સંબંધો અને એમના પ્રત્યેનાં સંવેદન, ‘મા’ પ્રત્યેની સંવેદના, વૃદ્ધોની સમસ્યા અને એમના વ્યવહારો, ‘હું’પદ અને એનો અહંકાર, જીવનની નિરર્થકતા, અતીતરાગી વલણ – આ વિષયોની આસપાસ ‘દેરી મંદિર શોધી શોધી’ની ગઝલોની અભિવ્યક્તિ જોવા મળે છે. જેમાંની ઘણીબધી અભિવ્યક્તિ એમના આ પૂર્વેના સંગ્રહોમાં પણ જોવા મળે છે. સંગ્રહની પહેલી ગઝલનો પહેલો શેર કે જેના પરથી સંગ્રહનું શીર્ષક પણ છે એ જોઈએ –

‘દેરી મંદિર શોધી શોધી લોક નિરંતર ફર્યા કરે છે,
રોજ રોજ સરનામું બદલી જાણે ઈશ્વર ફર્યા કરે છે.’
(પૃ. ૧)

– અહીં ‘શોધી’ શબ્દના પુનરાવર્તન દ્વારા અને લોકની સાથે ઈશ્વરને પણ ફરતો બતાવવામાં જે કટાક્ષ રહેલો છે, એ શેરનો મિજાજ નિષ્પન્ન કરે છે. ઉપર જે વિષયો વિશે વાત કરી એની અભિવ્યક્તિ કરતા અને સ્પર્શી જતા બે-ત્રણ શેર પણ જોઈએ –

‘દર્પણ-દરવાજા-દીવાલો વચ્ચે ડૂસકાં,
ઘસઘસાટ સૂનું આખ્ખું ઘર કોણ સાંભળે?’
(પૃ. ૩૧)
‘અભિન્ન થઈ ગયા આ હું ને હીંચકો મિસ્કીન,
કપાય જોજનો ને કોઈ આવજાવ નથી.’
(પૃ. ૫૯)

‘શ્રદ્ધા’(પૃ.૭) ગઝલના બધા શેરમાંથી માણસજાતમાં રહેલા અવળ સ્વભાવનો પરિચય મળે છે. આ સંગ્રહના અનેક શેરમાં આ પ્રકારની અભિવ્યક્તિ પણ જોવા મળશે. ‘વૃદ્ધ આંખો...’ (પૃ. ૧૪) ‘ઘરડાઘરની મુલાકાતે’(પૃ. ૭૦) ‘ભઈનો ફોન આવશે’(પૃ. ૭૫) વગેરે ગઝલો ઉપરાંત ઘણા શેર વૃદ્ધોની માનસિકતા કે સમસ્યાને વ્યક્ત કરે છે પણ શેરિયત સાથે આવે છે ત્યારે આસ્વાદ્ય બને છે જેમ કે –

‘શ્વાસ ખાતાં, રોજ જમતાં થાકવા લાગી હવે,
ઊંઘ ના સમજાય તેવી આવવા લાગી હવે.’
(પૃ. ૧૪)

‘મહાભિનિષ્ક્રમણ’(પૃ. ૫) ‘હું’પદ ઓગાળીને સર્વસ્વ ત્યાગ કરવાની વાતને જુદીજુદી રીતે અભિવ્યક્ત કરે છે. આ સંગ્રહની એ નોંધપાત્ર ગઝલ બની રહે છે ‘ઘંટડી વાગ્યા કરે’ (પૃ. ૬૪) પણ આ સંગ્રહની એક નોંધપાત્ર ગઝલ છે. પ્રાર્થના વખતે વાગતી ઘંટડીથી લઈને મોબાઈલની ઘંટડી સુધી – સતત બદલાતા ઘંટડીના અવાજો વિશે જુદાજુદા શેરમાં ક્યાંક કટાક્ષ પ્રગટ થાય એ રીતે થયેલી અભિવ્યક્તિ પણ માણવા જેવી છે

‘...ને પ્રભુ સાથે બધાએ ભક્ત જોતા ખેલ આ,
હાથ ગમ્મે ત્યાં ઘુમાવે ઘંટડી વાગ્યા કરે.’
(પૃ. ૯૪)
‘કોણ આવ્યું? કોણ જુએ? ફ્રી છતાં બિઝી બધાં,
દ્વાર કોઈ ખટખટાવે, ઘંટડી વાગ્યા કરે.’ (પૃ. ૮૪)

‘બૉંબ મૂક્યા છે’(પૃ. ૧૨૩) ‘બ્રેક અપ પછી...’ (પૃ. ૬૧) ‘પ્રગટી જ્યોત જ્યાં’(પૃ. ૭૯) વગેરે ગઝલો પણ આ સંગ્રહની જુદી તરી આવતી ગઝલો છે. ‘બૉંબ મૂક્યા છે ગઝલમાં બૉંબ મૂક્યા પહેલાંની સ્થિતિ અને બૉંબ ફૂટ્યા પછીની સ્થિતિ, એ વાસ્તવિકતા જુદાજુદા શેરોમાં વ્યક્ત થાય છે, એ પણ આસ્વાદ્ય બને છે. ‘બ્રેકઅપ પછી...’ સરળ રીતે બોલચાલના કાકુમાં વ્યક્ત થયેલી ગઝલ છે. નાયકની નાયિકાને પાછા મળ્યા પછીની લાગણી આ રીતે એક શેરમાં વ્યક્ત થઈ છે –

‘સાવ હું તૂટી ગયો’તો એ પળોમાં તું મળી,
આજ પણ ખેંચાય છે મન, આંખ આ ભીંજાય છે.
(પૃ. ૬૧)

‘પ્રગટી જ્યોત જ્યાં’ ગઝલ શીર્ષક પ્રમાણે આંતર-બાહ્ય પ્રગટતી જ્યોત અને એની સાથે વ્યક્તિની બદલાતી જતી માનસિકતા અને એનાં વાણી-વર્તનને પ્રગટ કરે છે. ક્યાંક એમાં આધ્યાત્મિકતાનો સ્પર્શ પણ ભળેલો જોઈ શકાય છે. બે શેર પરથી આ વાતનો ખ્યાલ આવશે.

‘તેલની માફક પુરાતું જાય છે કેવળ સ્મરણ,
માત્ર અજવાળું જ અપરંપાર પ્રગટી જ્યોત જ્યાં.’
(પૃ. ૭૯)
‘કોઈ મારાથી અલગ ના, હું અલગ ના કોઈથી,
થઈ ગયું કૈં એમ એકાકાર પ્રગટી જ્યોત જ્યાં.’
(પૃ. ૭૯)

‘બાળપણનું બાલશિયું’(પૃ. ૯૧) ‘સાંજ’ (પૃ. ૯૩) ‘દિવાળીની રાતે લટાર’(પૃ. ૯૫) ‘વર્ષો પછી વતનમાં‘(પૃ. ૧૫) વગેરે ગઝલો અતીતરાગી વલણ પ્રગટાવે છે. આ પ્રકારની અભિવ્યક્તિ મોટે ભાગે અતિરંજક બની રહી છે. સ્મૃતિઓ વાગોળવાની સાથેસાથે એ પોચટ અભિવ્યક્તિમાં પરિણમે છે. આ સિવાય અતિરંજક લાગે એવી ઘણી અભિવ્યક્તિઓ આ સંગ્રહમાં જોવા મળે છે. ‘ખુશી મળશે નહીં’(પૃ. ૨૩) ગઝલ આખી અતિરંજક અભિવ્યક્તિનું ઉદાહરણ બની રહે છે. ‘બા તું ક્યાં હશે’(પૃ. ૪૧) ગઝલ કે અન્યત્ર બા વિશે કરેલી અભિવ્યક્તિમાં પણ અતિરંજકતાનો અનુભવ થાય છે. અપવાદ રૂપે આ એક શેર માણવા જેવો છે –

‘મા ચૂલો સળગાવે પાસે બેસીને વાળુ કર્યું,
ઉમ્રભર મિસ્કીન એ યાદોએ અજવાળું કર્યું.’
(પૃ. ૪૪)

આ સંગ્રહમાં કેટલીક અરૂઢ રદીફોનો વિનિયોગ પણ ગઝલકારે કર્યો છે, જેની નોંધ પણ લેવી જોઈએ. ‘ગઈ એ ઝલક’(પૃ. ૧૧) ‘ક્યાં હતો ક્યાં જઈ ચડ્યો’(પૃ. ૧૫) ‘મોટો ફેર પડે છે’ (પૃ. ૧૭) ‘તેથી ઘર કર્યું’(પૃ. ૨૪), ‘મિસ્કીન કોણ અંદર’ (પૃ. ૨૭),‘ઘડી કે બે ઘડી’ (પૃ. ૨૯), ‘આ વ્યર્થતાની વ્યર્થતા’(પૃ. ૩૩), ‘પસ્તાયા તરત’(પૃ. ૩૫), ‘શીખવાડેલું બોલે છે’(પૃ. ૪૫), ‘એ પૂર્વજો જોઈ રહ્યા છે’(પૃ. ૪૯), ‘જોયો મને મેં’ (પૃ. ૫૫), ‘દેહમાં જોતો રહ્યો...’ (પૃ. ૬૭), ‘સઘળાં સ્મરણ’ (પૃ. ૭૨), ‘નથી તો શું છે?’ (પૃ. ૮૨), ‘બધાં નિશ્ચિંત છે’ (પૃ. ૬૭), ‘એક જ સિક્કાની બે બાજુ’ (પૃ. ૮૯) વગેરે રદીફો દ્વારા એમણે શેરના મિજાજને સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. બે શેર જોઈએ –

‘દેહ જો ના હોત એની થાત ઓળખ કઈ રીતે,
હું હંમેશાં દોસ્ત ઈશ્વર દેહમાં જોતો રહ્યો’ (પૃ. ૬૭)

‘મળ્યો હર રૂપમાં ખાલી જ ખાલી,
ઘણી રીતે ભરી જોયો મને મેં.’ (પૃ. ૫૫)

‘મોટો ફેર પડે છે’ (પૃ. ૧૭) ગઝલ ઉપદેશાત્મક બની રહે છે. એ સિવાય પણ સુવિચાર બની રહે એવી પણ ઘણી પંક્તિઓ આ સંગ્રહમાંથી મળે છે જેમાંથી મિજાજનો અનુભવ થતો નથી ‘ગામના બધા ૭૦ ઉપરના’ (પૃ. ૨૦) ‘સદ્‌ગુરુ અને જગત’ (પૃ. ૫૭) ‘ઘણાય સુખ’ (પૃ. ૫૯) ‘સ્ત્રી’ (પૃ. ૬૦) ‘એક તોફાની છોકરી’ (પૃ. ૬૨) ‘બ્રાહ્મણ એટલે...’ (પૃ. ૬૪) વગેરે ગઝલો કાંં તો ઉપદેશાત્મક બની રહે છે કાંં તો જુદીજુદી વ્યાખ્યા કરવાથી આગળ વધતી નથી. અહીં અભિવ્યક્તિ અભિધા સ્તરે જોવા મળે છે. ‘બ્રાહ્મણ એટલે...’ (પૃ. ૬૪) ગઝલના એક શેર પરથી આ વાતનો ખ્યાલ આવશે –

‘બ્રહ્મતેજથી ઝળહળ બ્રાહ્મણ,
પૂર્ણ જ્ઞાનથી નિર્મળ બ્રાહ્મણ.’ (પૃ. ૬૪)

– સમગ્ર ગઝલમાં આ પ્રકારની સાધારણ અભિવ્યક્તિ જોવા મળે છે. રાજેશ વ્યાસ ‘મિસ્કિન’નો ગઝલકાર તરીકેનો પ્રયોગશીલ મિજાજ ‘એ ખૂબ મોટી વાત છે’ મુક્ત ગઝલ અને ‘બાળપણનું બાલશિયું’ના અંતે ‘એક વારતાના બે અંત અંતર્ગત મુકાયેલા બે શેરમાં જોવા મળે છે. ‘એ ખૂબ મોટી વાત છે’ (પૃ. ૯૪) ગઝલના પ્રથમ બે શેર પછી છંદના આવર્તનમાં વધારો થાય છે. ‘ગાલગાગા’ના આવર્તનમાં વધારો થવાની એકસાથે કેટલાક મિસરા એવા પણ છે કે એમાં વળી ઘટાડો પણ થાય છે. આમ, વિષમ છંદપ્રયોગ અહીં જોવા મળે છે. ‘એક વારતાના બે અંત’માં બાળપણમાં બાલશિયું (ઓશીકું) વિશે પિતા અને પુત્રનો અલગ-અલગ દૃષ્ટિકોણ વ્યક્ત થયો છે. ‘બ્રહ્માંડે તે પિંડે...’ (પૃ. ૨૧) પરથી ગઝલના છંદનું બંધારણ ‘ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા’ છે પરંતુ આ મિસરો જુઓ – ‘શ્વાસ ને ઉચ્છ્‌વાસની અદૃશ્ય સાંકળ દેહમાં’ – અહીં છંદ જળવાયો નથી. ભાષાની રીતે આ એક બીજો મિસરા જુઓ

‘ખેલ ચાલે છે નિરંતર કૈંક જન્મોથી સતત’

– અહીં ‘નિરંતર’ કહ્યા પછી ‘સતત’ કહેવાની જરૂર રહે છે ખરી? ‘દેરી મંદિર શોધી શોધી’ ગઝલકાર રાજેશ વ્યાસ ‘મિસ્કીન’નો દસમો ગઝલસંગ્રહ ભલે હોય પણ હવે આ ગઝલકાર પાસેથી કશીક નવી અભિવ્યક્તિની અપેક્ષા રહે છે. એમના પ્રથમ ગઝલસંગ્રહ ‘છોડીને આવ તું’-માં જે તાજગી અને ચોટદાર અભિવ્યક્તિ હતી એ ક્રમશઃ હવે ઓછી થતી જાય છે. આ ગઝલસંગ્રહમાંથી ગઝલકારની ગઝલક્ષેત્રે કોઈ ઉપલબ્ધિ જોવા મળતી નથી.

[ઝેન ઓપસ, અમદાવાદ]