બે હજાર ચોવીસ સમક્ષ/પારદર્શક – ધ્વનિલ પારેખ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કવિતા

‘પારદર્શક’ : ધ્વનિલ પારેખ

વિનોદ ગાંધી

અનુઆધુનિકતાની પાળથી રક્ષાયેલું આધુનિક જળ

કવિ ધ્વનિલ પારેખ ગુજરાતી સાહિત્યના અનુઆધુનિક ગાળાનો અવાજ છે. આ ગાળો ગઝલનું ઘોડાપૂર અને ગીતના સમ્યક પૂરનો ગાળો છે. કવિએ ૨૦૦૮ અને ૨૦૨૦માં બે ગઝલસંગ્રહો આપ્યા છે. એ પછી આ જ ગાળામાં લખાયેલાં અછાંદસ કાવ્યોનો સંગ્રહ ૨૦૨૪માં આપ્યો તે આ ‘પારદર્શક’. કવિની અછાંદસ પરત્વેની મૂંઝવણના ગાળામાં જ આ કાવ્યો લખાયાં છે. પણ એ મૂંઝવણને અતિક્રમીને કવિએ આ પ્રકારની રચનાઓને ‘સફળ’ એવું વિશેષણ પણ જીતી આપ્યું છે, પોતાની સર્જનાત્મકતાથી કોઈપણ કવિની સમગ્ર કવિતાના સંદર્ભે તમે એકંદર છાપ વિશેનું વિધાન કરી શકો. પરંતુ અલગ-અલગ રચનાને તપાસવા જતાં એ રચનામાંની સર્જકતાની ઓછપ અને ઊણપ પણ જણાઈ આવ્યા વિના રહે નહીં. કવિએ ‘પારદર્શક’ની પૂર્વભૂમાં અછાંદસ પ્રકારને અઘરો કહ્યો છે અને એમ કહેવામાં આ પ્રકાર ગદ્યાળુતા કે નિબંધ તરફ ઢળી જાય એવી ખચિત સંભાવના તરફ પોતાનું ને વાચકનું ધ્યાન દોર્યું છે. સુરતના સાહિત્યિક – અને પિતાના સર્જનના – વાતાવરણમાં કવિને ઊછરવાનું બન્યું એના વારસાગત અને વાતાવરણગત લાભ અને અલાભ કવિને સહજ રીતે થયા છે એ જુદી વાત હોવા છતાં ખરી વાત છે. ‘પારદર્શક’ જેવું વિશેષણ, શીર્ષક બનીને અહીં કવિ દ્વારા સ્થાપિત થયું છે. કોઈપણ સમીક્ષકે પુસ્તકનું વિવેચન કરતી વખતે એના સમયને પણ સૂંઘવો પડતો હોય છે. પુસ્તકને અલગ સ્વતંત્ર એકમ તરીકે જોવામાં અધૂરું દર્શન પ્રાપ્ત થાય એ હકીકત છે. ચાર કાવ્યગુચ્છો અને અન્ય કાવ્યો સમાવતો આ સંગ્રહ કવિ ધ્વનિલ પારેખનું કવિમૂલ્ય નિપજાવે છે અને તત્કાલીન સમયની અછાંદસ રચનાઓનાં લક્ષણો તારવી આપવામાં મદદરૂપ થાય છે. ‘માતાપિતાને’ કાવ્યગુચ્છ મોટે ભાગે મા વિશેનો ભાવ રજૂ કરતાં કાવ્યોનું છે ‘રતિકાવ્યો’નું ગુચ્છ માનવીય કામભાવને પાત્રગત રીતે વ્યક્ત કરે છે. ‘પૂર’ ત્રણ કાવ્યોથી બનેલું ગુચ્છ છે તો ‘કોરોના કાળનાં કાવ્યો’માં ચાર કાવ્યો સમાવ્યાં છે. આ બંને કાવ્યગુચ્છો સમકાલીન પરિસ્થિતિજન્ય, કવિના ભાવ-પ્રતિભાવોને વ્યક્ત કરે છે. વચ્ચે એક વાત. નિતાંત ગઝલના પરિવેશમાં રહેતો કવિ વચ્ચે વચ્ચે અછાંદસ પર હાથ અજમાવે છે ત્યારે ગઝલનાં લક્ષણોથી પ્રભાવિત થયા વગર અછાંદસ જેવા વિલક્ષણ કાવ્યપ્રકારને જાણે કે પોતાની રીતે અપનાવી લઈ નિજી પરિણામ નિપજાવે છે. પહેલી નજરે જોતાં તારવી શકાયું છે કે ધ્વનિલના અછાંદસો લઘુ પંક્તિના ટુકડાઓથી બંધાયા છે, પણ એ પંક્તિ-ટુકડાઓ (ટુકડાઓ માટે ‘ખંડો’ સંજ્ઞા મને ઉચિત નથી લાગતી) અભિવ્યક્ત થયેલા કાવ્યભાવની રીતે આવે છે એટલે કાવ્યના કદની સળંગસૂત્રતાને ખાંચાખૂંચી વગરની બનાવી રાખે છે. કવિ, કાવ્ય અંગેની ઉચિત સમજ ધરાવે છે એવી છાપ વાચકના મનમાં બંધાય છે. ‘માતાપિતાને’ કાવ્યગુચ્છનાં આઠ કાવ્યોમાંનાં પ્રારંભિક પાંચ કાવ્યો બિમાર અને હોસ્પિટલાઇઝ્‌ડ માની વાત કરે છે. મૃત્યુને દ્વારે ઊભેલી અને અનેક વાર ત્યાંથી જ પાછી ફરેલી મા વિશે અને અચાનક જ ત્યાં પહોંચી ગયેલી મા વિશેનાં કાવ્યો છે. ગુચ્છના ત્રીજા ન-શીર્ષકી કાવ્યમાં કવિએ યોજેલી સ્વપ્નની પ્રયુક્તિ ખૂબ જ ઉપયુક્ત બની આવી છે. કાવ્યાંશ જોવાથી જ કવિ અને કાવ્યની સફળતાને પામી શકાશે :

મારા સ્વપ્નમાં
એ દિવસે કંઈ વધારે પ્રસન્ન દેખાયા અને
મને વરદાન માગવા કહ્યું
અને મેં માંગ્યું
તારું મોત,
‘ધડામ?’ દઈને બારણું ખોલીને
નર્સ રૂમમાં પ્રવેશી
હું જાગી ગયો
નર્સ તારા શરીરમાં ખોસેલી નળીઓ
એક પછી એક દૂર કરી રહી છે
જતું-આવતું પ્રવાહી
સ્થિર થઈ ગયું છે.

આ ગુચ્છનું ‘મા અને સાસુ’ કાવ્ય વિલક્ષણ છે. ‘પૂર’ ગુચ્છનાં ત્રણ કાવ્યો કશી વિશેષ છાપ મૂકી જતાં નથી. ‘કોરોના કાળનાં કાવ્યો ‘ગુચ્છમાંના પ્રથમ કાવ્યમાં કોરોનાગ્રસ્ત કે સંભવિત કોરોનાગ્રસ્ત માણસના રૂપક તરીકે ‘આંખો’ને મૂકી છે. કેવળ જોવાથી જ કોરોના થતો ન હતો, બાકી સ્પર્શથી ફેલાતા કોરોનાથી બચી ગયેલી આંખો – માણસો અને મૃત્યુના રૂપક તરીકે કાવ્યાંતે આવતો ‘પાડો’ કાવ્યસાધકતા માટે કવિને ખપમાં આવ્યા છે. લઘુકદનાં નવ કાવ્યોનું ‘રતિકાવ્યો’ ગુચ્છ વૈયક્તિક વ્યક્તિના રતિભાવને સુપેરે વ્યક્ત કરે છે. એ વૈયક્તિક અનુભવ હોવાને કારણે વિરલ અને વિશિષ્ટ પણ છે, પણ પ્રત્યેક કાવ્યમાં સર્જકતાનો વિશેષ વરતાયા વિનાનો રહેતો નથી. સંગ્રહમાં બાવીસ સ્વતંત્ર કાવ્યો છે. એમાં પણ રતિભાવાદિ કાવ્યો છે. તો ગાંધારી, કૃષ્ણને, સત્ય પ્રતિબિંબ એવાં શીર્ષકો ધરાવતી રચનાઓ છે. મોટાભાગની રચનાઓને કવિએ શીર્ષકો આપ્યાં નથી એટલે કાવ્યના કેન્દ્રસ્થ ભાવને પકડીને એ આસ્વાદવી પડે તેમ છે. ‘કૃષ્ણને’ કાવ્યમાં અભિમન્યુએ કૃષ્ણને કરેલું સંબોધન છે. જાણે કે અભિમન્યુને જાણ થઈ ગઈ છે કે એને ચક્રવ્યૂહમાં મોકલવાની કૃષ્ણની જ યોજના છે અને એ રીતે ગર્ભગૃહમાં સાત કોઠાનું શિક્ષણ મેળવતી વખતે બાકી રહેલા છેલ્લા કોઠાના યુદ્ધનું શિક્ષણ બાકી રહી ગયું હતું જેનાથી આ કટુ, કઠોર યોજના ઘડાયેલી છે. ‘ગાંધારી’ કાવ્ય અંધારાના લાલ રંગમાં પરિણમે છે ને રક્તરંગી એ વિભીષિકાની પ્રતીતિ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીની પીડા છે. અનુઆધુનિક ગાળામાં રચાયેલી અને પ્રકાશિત થયેલી આ અછાંદસ કૃતિઓ ભાવસંદર્ભે, એની અભિવ્યક્તિ અને રીતિસંદર્ભે ‘આધુનિક’નો પડઘો પાડે છે. જો કે આધુનિક યુગની કૃતિઓમાં એ યુગના સામયિક પ્રભાવો સામૂહિકતાના દ્યોતક બની રહ્યા હતા અને એ ગાળાનો માણસ જે નૈરાશ્ય, પીડાભાવ અનુભવતો હતો એ ગાળાના મનુષ્યમાત્રનો હતો, જે ક્વચિત્‌ વ્યક્તિગત રૂપમાં જ અનુભવાતો અને અભિવ્યક્ત થતો હતો. આ કાવ્યો એ અંગત ભાવોની જ અભિવ્યક્તિ બની રહ્યાની પ્રતીતિ થાય છે. ‘પરલક્ષી નહીં’ એ પ્રકારે વ્યક્ત થતી આ અછાંદસ રચનાઓ એ અર્થમાં ધ્વનિલ પારેખની નિજી છાપ ધરાવતી બની રહી છે એનો આનંદ છે. આધુનિક ગાળાના અછાંદસોથી અનુઆધુનિક ગાળાના આ આધુનિક સંવેદના ધરાવતા અછાંદસો ગુજરાતી કવિતાના પ્રવાહમાં પોતાના જુદા રંગનું વહેણ લઈને આવતા હોવાની પ્રતીતિ થશે. કેવળ પરંપરાને તોડવા અછાંદસ કે ગદ્યકાવ્ય તરફ આ કવિ વળ્યો નથી. આધુનિક કવિતા જેટલી સંકુલ ધ્વનિલની રચનાઓ નથી તો, એ વ્યંજનારહિત નથી એ પણ નોંધવું જોઈએ.

[ઝેન ઑપસ, અમદાવાદ]