ભારતીયકથાવિશ્વ-૨/મહાભારતની કથાઓ-૨/હયગ્રીવ
ભૂતકાળમાં જગતના સમુદ્રો એક થઈ ગયા એટલે ધરણી જળમય બની ગઈ. જળ અગ્નિમાં, અગ્નિ વાયુમાં, વાયુ આકાશમાં અને આકાશ મનમાં લીન થયું એટલે મન મહત્ તત્ત્વમાં લીન થયું અને વ્યક્ત અવ્યક્ત પ્રકૃતિમાં, પુરુષમાં અને પુરુષ પરબ્રહ્મમાં લીન થયું એટલે સર્વ તમોમય બન્યું, વિશેષ લુપ્ત થયું અને એને કારણે કશું જણાતું ન હતું. તમ: સન્નિધાનથી જગત્કારણભૂત બ્રહ્મ પ્રગટ થયું. તેમનું મૂળ છે અમૃતતત્ત્વ. તમ દ્વારા જ બ્રહ્મે વૈરાગ્ય શરીર અવલંબીને વિશ્વ નામ ધારણ કર્યું છે. તેને જ અનિરુદ્ધ કહે છે અને એને જ પંડિતો પ્રધાન કહે છે. તે પ્રધાન એટલે જ અવ્યક્ત અને ત્રિગુણાત્મક. તે અવસ્થામાં વિદ્યાશક્તિથી સંપન્ન સર્વવ્યાપી ભગવાન શ્રી હરિએ યોગનિદ્રાનો આશ્રય લઈ જળમાં શયન કર્યું હતું. તે સમયે વિવિધ ગુણોથી ઉત્પન્ન થનારી સૃષ્ટિ વિશે વિચારતા પોતાના ગુણનું સ્મરણ થયું. પછી તેમાંથી અહંકાર પ્રગટ્યો. તે અહંકાર જ ચાર મોંવાળા બ્રહ્મા છે, તે કલ્યાણકારી હિરણ્યગર્ભ લોકપિતામહ છે. તે કમલનયન બ્રહ્મા અહંકારમાંથી પ્રગટીને સહદલવાળા કમળમાં બેસી ગયા, તે દ્યુતિમાન છે અને સનાતન છે. તે અદ્ભુત રૂપવાળા બ્રહ્માએ પહેલાં જળમય સમસ્ત લોક જોયા. ત્યાર પછી પરમેષ્ઠી વિવિધ પ્રાણીઓ સર્જ્યાં. તે કમળપત્ર સૂર્ય સમાન તેજસ્વી હતું, તેના પર નારાયણની પ્રેરણાથી ગુણપ્રધાન જળનાં બે બિંદુ પડ્યાં હતાં, આદિ અન્ન વિનાના ભગવાન અચ્યુતે તે બે બિંદુ જોયાં, તેમાં એક બિંદુ મધ જેવું આભા અને સુંદર પ્રભાવાળું હતું. તે સમયે નારાયણની આજ્ઞાથી તામસ મધુ નામના દૈત્યના આકારમાં પરિણત થયું અને બીજું બિંદુ કઠોર હતું. એટલે રજ:પ્રધાન કૈટભના રૂપે પ્રગટ થયું. તે બંને તમસ અને રજસથી યુક્ત શ્રેષ્ઠ, બળવાન, હાથમાં ગદા લઈને મધુ અને કૈટભ જન્મતાં વેંત ચારે બાજુ દોડવા લાગ્યા. તેમણે સુંદર વિગ્રહ અને ચાર વેદને સર્જનારા અત્યંત તેજસ્વી બ્રહ્માને અરવિંદ (કમળ)ની વચ્ચે જોયા. ત્યાર પછી વિશાળ શરીરવાળા બંને અસુરશ્રેષ્ઠોએ બ્રહ્માના દેખતાં વેદ છિનવી લીધા. બંને દાનવશ્રેષ્ઠો સનાતન વેદોેને લઈને પૂર્વીય મહોદધિના માર્ગે પાતાળમાં જતા રહ્યા. વેદો છિનવાઈ ગયા એટલે બ્રહ્મા મોહવશ બન્યા, વેદવિહીન થઈ પરમ ઈશ્વરને કહેવા લાગ્યા, ‘વેદ મારા પરમ નેત્ર છે, વેદ મારું પરમ બળ છે, વેદ મારું પરમ ધામ છે, વેદ મારા ઉપાસ્ય છે. બંને બળવાન દાનવો બળપૂર્વક મારા વેદ હરી ગયા, વેદ વિના મને બધા લોક અંધકારમય ભાસે છે, વેદ વિના કેવી રીતે લોકોની સૃષ્ટિ સર્જું? અરે, વેદનો નાશ થવાથી મહદ્ દુઃખ થાય છે, મારા શોકમય દ્રવ્યને તીવ્ર દુઃખથી પીડા આપે છે. આ સમયે શોકાર્ણવ (શોકસમુદ્ર)માં ડૂબેલા મને અહીંથી કોણ ઉગારશે? કોણ નષ્ટ થયેલા વેદ લઈ આવશે? હું કોનો પ્રિય થઈશ?’ બ્રહ્મા આમ વિચારતા રહ્યા ત્યારે તેમને હરિના સ્તોત્ર માટે બુદ્ધિ પ્રગટી. ત્યાર પછી બ્રહ્મા હાથ જોડી પરમ જાપ મંત્ર જપવા લાગ્યા.
‘હે બ્રહ્મહૃદય, તમને નમસ્કાર, મારા પૂર્વજ, તમને પ્રણામ. લોકના આદિ કારણ, ભુવનશ્રેષ્ઠ, સાંખ્યયોગનિધિ, હે વિભુ, પ્રણામ. વ્યક્ત જગત અને અવ્યક્ત પરમાણુ વગેરે સર્જનાર અચિન્ત્ય. તમે ક્ષેમકર પન્થના નિવાસી, અયોનિજ, વિશ્વભુક્ત અને સર્વ પ્રાણીઓના અન્તરાત્મા, હે લોકધામ, તમે સ્વયંભૂ, હું તમારી કૃપાથી જન્મ્યો છું, પહેલાં તમારા દ્વારા જ દ્વિજોથી સત્કૃત મારો માનસજન્મ થયો છે. બીજી વાર તમારા નેત્રમાંથી મારો જન્મ થયો, તમારા પ્રસાદ (કૃપા)થી ત્રીજી વાર મહત્ત્વપૂર્ણ વાચિક જન્મ થયો. મારો ચોથો જન્મ તમારા કાનમાંથી થયો, પાંચમો જન્મ નાસિકામાંથી થયો, તમારાથી મારો છઠ્ઠો જન્મ અંડજ કહેવાયો. હે અમિતપ્રભ (અત્યંત તેજસ્વી) આ સાતમો જન્મ પદ્મમાંથી થયો છે. સર્ગે સર્ગે ત્રિગુણવર્જિત તમારા પુત્ર રૂપે જન્મતો રહું છું. હે પુંડરીકાક્ષ (કમલનયન) શુદ્ધ સત્ત્વમય શરીરથી હું જન્મ્યો છું, તમે ઈશ્વર, સ્વયંભૂ, પુરુષોત્તમ છો, તમે મને વેદરૂપી ચક્ષુવાળો સર્જ્યો છે, અત્યારે મારા નેત્રરૂપી વેદ છિનવાઈ ગયા છે, એટલે હું અંધ છું. તમે જાગૃત થઈને મને ચક્ષુદાન કરો, હું તમારો પ્રિય છું, અને તમે મારા પ્રિય છો.’
સર્વતોમુખ ભગવાન પુરુષે આ પ્રકારની સ્તુતિ સાંભળીને નિદ્રાનો ત્યાગ કર્યો, વેદકાર્ય કરવા માટે ઐશ્વર્ય પ્રયોગથી બીજું શરીર ધારણ કર્યું. ત્યારે સુંદર નાસિકાવાળા શરીર વડે ચંદ્રપ્રભા જેવા થઈને શુભ્ર હયશિરા રૂપે વેદના આલય બન્યા. નક્ષત્ર અને તારાઓવાળું આકાશ તેમનું મસ્તક બન્યું, સૂર્યકિરણો સમાન પ્રકાશવાળા તેમના કેશ અત્યંત લાંબા હતા. આકાશ અને પાતાળ તેમના બંને કાન હતા, બધાં પ્રાણીઓને ધારણ કરનારી પૃથ્વી લલાટ, પુણ્યા મહાનદીઓ ગંગા અને સરસ્વતી તેમની ભ્રમરો હતી. ચન્દ્ર અને સૂર્ય તેમનાં બંને નેત્ર, સંધ્યા તેમની નાસિકા, ઓમકાર તેમનું આભૂષણ અને વીજળી તેમની જીભ થઈ. સોમપાન કરનારા પિતૃઓ તેમના દાંત, ગોલોક અને બ્રહ્મલોક તેમના હોઠ અને ગુણપ્રધાન કાલરાત્રિ તેમની ગ્રીવા હતી. નાના મૂર્તિઓ વડે છવાયેલા આ હયશિરા અંતર્હિત થઈને પાતાળમાં પ્રવેશ્યા. રસાતલમાં પ્રવેશી પરમ યોગનો આધાર લઈ શિક્ષા સંબંધી સ્વર વડે ઓમ સ્વર ઉત્પન્ન કર્યો. તે નાદ અને સ્વરથી વિશિષ્ટ સ્નિગ્ધ અને અનુનાદવાળો સ્વર રસાતલમાં પ્રગટી બધાં પ્રાણીઓને હિતકર થયો. ત્યાર પછી બંને અસુરોએ વેદોને કાળપાશથી બદ્ધ કરીને રસાતલમાં ફેંકી દીધા અને જ્યાં શબ્દ થતો હતો ત્યાં દોડ્યા. તે જ વેળા હયગ્રીવ રૂપધારી હરિએ પાતાળમાં પડેલા વેદ લઈ લીધા અને બધા વેદ બ્રહ્માને આપ્યા અને તે પોતાની પ્રકૃતિને પામ્યા. પૂર્વીય સમુદ્ર તટે વેદોના આશ્રય અને વેદોના ઉદ્ધાર માટે જ ભગવાન અશ્વશિરા બન્યા હતા. દાનવ મધુ અને કૈટભે વેદધ્વનિના સ્થળે કશું ન જોઈ વેગથી જ્યાં વેદો ફેંક્યા હતા ત્યાં આવી ચઢ્યા, ત્યાં પણ કશું ન હતું. પછી તે બળવાનશ્રેષ્ઠ અસુરો અત્યંત વેગે પાતાળમાંથી ઉપર આવ્યા અને આદિ પુરુષને જોયા. તે ચંદ્રમા જેવા વિશુદ્ધાત્મા, ઉજ્જ્વળ પ્રભાવાળા અને ગૌર વર્ણવાળા હતા. અનિરુદ્ધ શરીરવાળા હતા. તે અત્યંત પરાક્રમી ભગવાન યોગનિદ્રામાં સૂતા હતા. પાણી ઉપર શેષનાગની શય્યા ભગવાનના શરીરને અનુરૂપ હતી અને જ્વાલામાલાથી અલંકૃત હતી. તેના પર વિશુદ્ધ ગુણસંપન્ન સુંદર શોભાવાળા ભગવાન સૂતા હતા, તેમને જોઈને બંને દાનવ મોટેથી હસવા લાગ્યા. રજસ્ અને તમસ્ યુક્ત બંને બોલ્યા, ‘આ શ્વેત વર્ણવાળો પુરુષ નિદ્રાધીન થયો છે. ખરે જ આણે પાતાળમાંથી વેદોનું હરણ કર્યું છે, આ કોનો પુત્ર છે? કોણ છે? શા માટે ભોગશય્યા પર સૂતો છે?’
બંને દૈત્યોએ આમ કહી હરિને જગાડ્યા, પુરુષોત્તમે વિબુદ્ધ (સભાન) થઈને તેમને યુદ્ધાર્થી માન્યા. તે બંને અસુરોને જોઈને યુદ્ધ કરવામાં મન પરોવ્યું, અને પછી બંને સાથે નારાયણનું યુદ્ધ થયું. મધુ અને કૈટભનું શરીર રજ અને તમથી વ્યાપ્ત હતું. મધુસૂદને બ્રહ્માનું સમ્માન કરીને બંનેનો વધ કર્યો. પુરુષોત્તમે ત્વરાથી તેમનો નાશ કર્યો અને વેદ પાછા લાવી બ્રહ્માનો શોક દૂર કર્યો. વેદથી સત્કૃત થયા એટલે બ્રહ્માએ સ્થાવરજંગમ લોકોની સૃષ્ટિ સર્જી. હરિ પિતામહ બ્રહ્માને લોકસર્જનની ઉત્તમ બુદ્ધિ અર્પીને ત્યાંથી અંતર્ધાન થઈને જ્યાંથી આવ્યા હતા ત્યાં જતા રહ્યા. હરિએ હયશિર ધારણ કરીને બંને દાનવોનો વધ કર્યો અને પ્રવૃત્તિ ધર્માર્થ માટે તેમણે તે શરીરને ધારણ કર્યું હતું.
(શાન્તિપર્વ, ૩૩૫)