ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૧) ભટ્ટ લોલ્લટનો મત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
(૧૧) ભટ્ટ લોલ્લટનો મત : (પૃ.૭૪)

મમ્મટનો એમનો મત આ પ્રમાણે રજૂ કરે છે : एतद् विवृण्वते विभावैः ललनोध्यानादिभिः आलम्बनोद्दीपन कारणौ रत्यादिको भावो जनितः अनुभावैः कटाक्षभुजाक्षेपप्रभुतिभिः कार्यैः प्रतीतियोग्यः कृतः व्यभिचारिभिः निर्वेदादिभिः सहकारिभिः उपचितः मुख्यया वृत्त्या रामादौ अनुकार्ये तद्दूपतानुसंघानात् नर्तकेऽपि प्रतीयमानो रस इति भट्टलोल्लटप्रभृतयः । ભટ્ટ લોલ્લટ રસ અને વિભાવાદિ વચ્ચે કાર્યકારણસંબંધમાં અને રસની ઉત્પત્તિમાં માને છે એવું અર્થઘટન કરવામાં આવે છે અને પછી એવી ટીકા કરવામાં આવે છે કે આ બરાબર નથી — વિભાવાદિ રસનાં નિમિત્તકારણ ન હોઈ શકે, કેમ કે વિભાવાદિ નષ્ટ થતાં રસ રહેતો નથી; વિભાવાદિ રસનાં જ્ઞાપક કારણ ન હોઈ શકે કેમ કે રસ પહેલેથી સિદ્ધ હોતો નથી. પરંતુ ઉત્પત્તિ નહિ પણ ‘ઉપચય’ ભટ્ટ લોલ્લટના મતનું મુખ્ય તત્ત્વ છે. તેથી આ બધી ટીકાઓ અપ્રસ્તુત જેવી બની જાય છે. એ ખરું છે કે લોલ્લટની સમજૂતી લોકવ્યવહારને અનુસરે છે અને એમના ખ્યાલમાં નથી આવતું કે રસ (aesthetic experience) એ ભાવની માત્ર ઉપચિત દશા ન હોઈ શકે, એનું કોઈક પ્રકારનું રૂપાંતર હોઈ શકે.