ભારતીય કાવ્યસિદ્ધાંત/(૧૦) અનુમાન અને વ્યંજના
Jump to navigation
Jump to search
(૧૦) અનુમાન અને વ્યંજના :
વસ્તુવ્યંજના અને અલંકારવ્યંજનાથી રસવ્યંજના એક રીતે જુદી તરી આવે છે. વસ્તુવ્યંજના અને અલંકારવ્યંજનામાં વ્યંગ્ય કોઈ હકીકત હોય છે, સૂક્ષ્મ બુદ્ધિવાળા માણસોને એ પ્રાપ્ય હોય છે અને સૂક્ષ્મ પ્રકારનો અનુમાનવ્યાપાર એમાં રહેલો હોય છે; જ્યારે રસવ્યંજના એ ભાવનું આસ્વાદનમાત્ર છે, સહૃદયને જ એ ગમ્ય છે અને અનુમાનવ્યાપાર એમાં લગભગ કામ કરતો નથી. માનસશાસ્ત્રની દૃષ્ટિએ જ્ઞાન (cognition) અને લાગણી (feeling) વચ્ચે જે ભેદ છે તે આ બંને વચ્ચે છે. આવા મુદ્દાઓને આગળ કરી આચાર્ય રામચંદ્ર શુક્લ જે દર્શાવે છે કે રસની અનુભૂતિ માટે પણ વ્યંજના શબ્દ વાપરવો બહુ ઉચિત નથી, તે લક્ષમાં રાખવા જેવું છે.૧[1]
- ↑ ૧. ’રસમીમાંસા’ (હિન્દી) : પૃ. ૪૭૨