ભારતીય કાવ્યસિદ્ધાંત/ભટ્ટ લોલ્લટનો મત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧. ભટ્ટ લોલ્લટ : ઉત્પત્તિવાદ : મીમાંસકોનો મત :

સૌ પ્રથમ ભટ્ટ લોલ્લટનો વાદ આવે છે. ભરતના સૂત્રનું એ આ રીતે વિવરણ કરે છે : લલના, ઉદ્યાન આદિ આલંબન અને ઉદ્દીપનના કારણરૂપ વિભાવોથી રત્યાદિ ભાવ જન્મે છે. કાર્યરૂપ કટાક્ષભુજાક્ષેપ આદિ અનુભાવોથી એ પ્રતીતિયોગ્ય બને છે અ સહકારીરૂપ નિર્વેદાદિ વ્યભિચારી ભાવોથી એ પુષ્ટ બને છે. આ રીતે ઉત્પન્ન થયેલો, પ્રતીતિયોગ્ય બનેલો અને પુષ્ટ થયેલો સ્થાયીભાવ તે જ રસ. એ પ્રધાનપણે રામાદિ અનુકાર્યમાં (એટલે કે જેનાં પાત્ર નટો ભજવે છે તે તે મૂળ નાયકાદિમાં) રહેલો છે; પણ એના રૂપની સાથેના અનુસંધાનમાં બળે અનુકર્તા, એટલે કે નટમાં પણ એ પ્રતીત થાય છે. (૧૧) ૧. ભટ્ટ લોલ્લટ મીમાંસક છે અને વિભાવાદિને એ ‘કારણ’ ‘કાર્ય’ અને ‘સહકારી’ એ મીમાંસાની સંજ્ઞાઓથી સમજાવવા કોશિશ કરે છે. આ રીતે એ સ્થાયી ભાવ અને વિભાવો વચ્ચે જન્યજનકસંબંધ દર્શાવે છે; પણ એ યોગ્ય નથી, કારણ કે સ્થાયી ભાવ માણસના ચિત્તમાં વાસનારૂપે પડેલો જ હોય છે; વિભાવો એનાં કારણ કે જનક નહિ, પણ એના આવિર્ભાવમાં નિમિત્તમાત્ર છે. વ્યવહારમાં આપણે જે શિથિલ પ્રયોગ કરીએ છીએ તે જ ભટ્ટ લોલ્લટના આ વાદમાં કાયમ રહ્યો છે. એ સ્થાયી ભાવની ઉત્પત્તિ દર્શાવતા હોવાથી એમના મતને કેટલીકવાર ઉત્પત્તિવાદ પણ કહે છે. ૨. ભટ્ટ લોલ્લટના મતે રત્યાદિ સ્થાયી ભાવ ઉત્પન્ન થઈ, પુષ્ટતા પામી, રસરૂપ તો બને છે રામાદિ મૂળ પાત્રોમાં, નટમાં નહિ, પણ નટનું રામાદિરૂપ સાથે અનુસંધાન થાય છે એ કારણે આપણને એ નટમાં પણ પ્રતીત થાય છે. નટમાં રત્યાદિ સ્થાયી ભાવ ખરેખર હોય છે કે નહિ તે મુખ્યત્વે નાટ્યશાસ્ત્રનો – અભિનયકલાનો – પ્રશ્ન હોઈ, આપણે અહીં વિચારવાનો નથી; પણ નટમાં રત્યાદિ સ્થાયી ભાવ અને તજજન્ય શૃંગારરસ પ્રતીત તો થાય છે જ. એનું કારણ જેમ એનું રામાદિ-રૂપ સાથે અનુસંધાન છે, તેમ આપણે એનામાં રામાદિ-રૂપનું આરોપણ કરીએ છીએ તે પણ છે. ૩. કાવ્યમાં મૂળ પાત્રોમાં અને નાટકમાં નટમાં રસદશાએ પહોંચતા સ્થાયીભાવની આપણે તો માત્ર પ્રતીતિ જ કરવાની છે એમ ભટ્ટ લોલ્લટનું કહેવું જણાય છે. પણ પ્રતીતિ તો જ્ઞાનમાત્ર છે. એ આસ્વાદ્ય કેવી રીતે બને? ધુમાડો જોઈને અગ્નિ હોવાની પ્રતીતિ થાય છે. પણ એવી કોઈ પ્રતીતિને ‘રસ’ ન કહી શકાય. ખરી વાત એ છે કે આ મતમાં સામાજિક રત્યાદિ ભાવથી કેવળ તટસ્થ રહે છે; સામાજિકની વાસનાને અહીં ગણનામાં લેવામાં આવી નથી, એ આ મતનો દોષ છે. જેનામાં પ્રણયની વાસના નથી રહી તેવો વિરક્ત યોગી પણ રામાદિના ભાવની પ્રતીતિ કરે છે, પણ એને માટે એ રસાનુભવ નથી. વળી, ભાવની કેવળ પ્રતીતિને જ રસાનુભવ ગણીશું, તો ભિન્ન ભિન્ન ભાવોની પ્રતીતિ વેળા આપણું ચિત્ત પણ ભિન્ન ભિન્ન પ્રકારનો આનંદ અનુભવે છે તેનો ખુલાસો નહિ કરી શકાય; કારણ કે પ્રતીતિ તો જ્ઞાનમાત્ર હોઈ તેનો આનંદ બધે એક પ્રકારનો જ હોવાનો. ટૂંકમાં, જુદા જુદા ભાવોનાં કાવ્યો વાંચતાં આપણા ચિત્તમાં જુદી જુદી લાગણીઓ થાય છે એનો ભટ્ટ લોલ્લટે સૂક્ષ્મ રીતે વિચાર નથી કર્યો.