મણિલાલ હ. પટેલ/૧૦. પડતર
રૂપા નવરી ભોંયને જોઈ રહી. એમાં ઊગી આવેલા ઝીણા ઝીણા ઘાસનેય ફૂલો આવ્યાં હતાં. જાતભાતનું ઘાસ. સાસુબાના શબ્દોમાં તો નકામું ‘ખહલું.’ બધાંનાંય ફૂલો રૂપેરંગે જુદાંજુદાં હતાં. ઝીણાં જાંબલી ફૂલો એને વધુ ગમ્યાં, પણ એ ચપટીમાં ચૂંટી શકાય એવડાંય ક્યાં હતાં? પણે શેઢા ઉપર, સફેદ માથે રાતા જાંબુડિયા રંગની કલગીવાળાં લાંબડાંના ફૂલો ડોલતાં હતાં. વાડેવાડે વધેલો કાશ એની રૂંછાંદાર કલગીઓ સાથે સુકાવા માંડેલો. વાડવેલાનાં પાન સુકાઈ-સુકાઈને ખરી ગયાં હતાં. પડતર ભોંયમાં હવે ભેજ નહોતો એથી કઠણ લાગતી હતી. રૂપાએ દાતરડાની અણી મારી તોય પડ ઊખડ્યું નહિ. ખેતરને અડીને ઊભેલું આ પડતર ઠેઠ ટેકરીઓ સુધી લંબાતું હતું, ટેકરીઓની પેલે પાર નદી, ઉપરવાસમાં પુલ અને એ પુલને પેલે પાર ઊતરીને ગાડી પકડીને જવાય મુંબઈ. રૂપાથી ટેકરી જેવડો નિઃશ્વાસ મુકાઈ ગયો. એને લાગી આવ્યું : ‘બળ્યો આ અવતાર. હપરવા દા’ડોમાંય ધણી ઘેર ન આવે તાણે આ કાંમ કૂટકૂટ કરવાનો હું અરથ? એની આંખો ભીની થઈ. ગળામાં ડૂમો બાઝતો હતો. ચાર્ય વાઢતાં-વાઢતાં એના હાથ થંભી ગયા. કૂણાંકૂણાં કાંડાં ઉપર બે દિવસથી કાચની નવી રંગીન બંગડીઓ પહેરી હતી. હાસ્તો, દિવાળીના દિવસોમાં તો ખરકલો કરવી પડે – એકબે રબરની બંગડી થોડી ચાલે કંઈ? સાસરે આવતાં પહેલાં શહેરમાંથી લાવી રાખેલી. બહેનપણીઓ તો કહેતી’તી, ‘તારો વર તો મુંબઈથી આવશે એટલે ભાતભાતની બંગડીઓ ને સાડીઓ લાવશે. હીરા ઘસવામાં તો ઘણી કમાણી, ને મુંબઈમાં તો પેલી સિનેમાવાળીઓ રહેતી હોય પછી મફતલાલના વટનું તો શું કહેવાનું હોય? મૂઈ તું બીજી વાર તો ઘણું સારું મેળવી બેઠી એમ ગણાય, બીજવર લડાવે લાડ...’ સહિયરોનું હસવાનું સાંભરી આવતાં એનો જીવ કરપાતો હતો. ચઢતા દિવસનો તડકો આકરો લાગતાં એને શેઢાના મહુડા તળે જઈને બેસવાનું મન થયું, પણ હજી ભારો ચાર વઢાઈ નહોતી. સાસુબાએ કહેલું કે ‘હપરવા દંન સે તે મફતભૈ આબ્બાનો જ, તું થોડું રાંધી રાખ, મઠિયાં, હુખડી, ચેવડો; શેરમાં રે’લા ઑય એમનો તો નાસ્તાય જૉયૅ...’ પણ રૂપાએ કહેલું, ‘ના રે મા, મને એવું એકલીને નઈ ફાવે, તમતમારો ખાવા રાંધો, બાચીનું બપોરે આપડે જોડે કરશું. હું ભારો ચાર લેતી આવું પહાતામાંથી.’ ‘વહુ બેટા, આજ હ૫રવે દા’ડે હેતરોમાં નીં જાય તોય સાલહે, ભેંહોને તો હુંકું ખહલુંય ચ્યાં નથી નંખાતું તે –’ સાસુબાનો બોલ સાંભળ્યા છતાં – ‘ઘડી વારમાં આઈ હમજજો –’ કરતી રૂપા નીકળી ત્યારે સાસુબાએ કહેલું, ‘ભલે, ભા, તાણૅ શાક હારુ ગવારોની હેગો વેણતી આવજે, જો સાંળી મળે તો એ લાવજે, મફત આવહૅ તો એને તો સાંળી જ વધારે –’ છેલ્લા શબ્દો રૂપાને સંભળાયા નહોતા. ‘મહુડાનો છાંયોય ચેટલી વાર મારી બૈ? હોળી કરીને મુંબઈ જેલો ધણી આજ આઠઆઠ મહિના થ્યા તોય આબ્બાનું નામ લેતો નથી! એકલાં એકલાં હપરવા દા’ડાનેય હું હૂંઘવાના? લોક વૈશાખના લગનગાળામાં લૅર કરતું ઑય, સુમાહું બેહતાં તો ધણીધણિયાણી બેય હેતરમાં ને હેમમાં હાથે ને હાથે ઑય... ચ્યારી રોપાય, નેંદવા-ગોડવાનું પાર મેલાય ને શાવણના મેળામાં મા’લતું ઑય લોક... ને તમારે રૂપાંબૈ... એક ભવમાં બે ભવ કર્યા તોય શિયાળબુનના ઉંવાએ ઉંવા...’ રૂપાની અંદર જ રૂપાને કોઈ કહેતું હતું. કાલે સાંજે સાસુબાય જીવ બાળતાં-બાળતાં મફતના બાપાને સંભળાવતાં હતાં, મારો પીટ્યો આ મફોય ખરો સૅ, અંદાદવાળા ને વડોદરાવાળા બધાય આઈ પોંચ્યા, ને આ આપડૉ ભૈ ખરો સૅ, હપરવા દા’ડે તો બધાં કામ ને નોકરો પડતાં મેલીને નેંકળી આબ્બાનું ઑય કે આંમ વાટ્યો જોવડાબાની? કમાવાના તો ઘણા દંન સૅ. પૈશા, તે પૈશાને તો કૂતરાંય નથી હૂંઘતાં.’ મફતના બાપા બધુંય સમજતા હતા. રૂપા સામું જરા મર્માળ જોતાં જોતાં – ‘એ તો આવહેં જ નીં, ચ્યાં જવાનો સૅ? આજ નીં તો કાલ હાંજ હોરો –’ કહીને એ ચૂપચાપ ગામમાં વળી ગયેલા. પણ રૂપાની આંખો ભીની થઈ ગઈ હતી. એને તો જાત ને નસીબ વિના કોને દોષ દેવાનો હતો? એના હોઠે તો ઘણુંય આવેલું કે : ‘કૂતરાં ભલેને રૂપિયા ના હૂંઘતાં ઑય, માંણહ તો એના વના ચ્યમ ચ્યમ કરે સૅ એ તો બધી દુન્યો જાંણૅ જ સૅને. આ મારા બાપા પાંહે રૂપિયા ઓત તો ઉંય પીટીસી થઈને મ્હેતી થઈ ઑત, તો પે’લો ધણી હું કામ કાઢી મેલત? હગઈ થઈ તાણે તો હૌને અતું કે રૂપાને એના બાપા પીટીસી કરાવહે.... પણ દહમામાં ટૂશનના આલવાના, ચોરી કરાવવાના, માર્ક વધારાબ્બાના વીહ વીહ હજાર આલવાના – ગાંમનાં માસ્તોર કે’કે બ્હારનાને આલવા પડે... પેલા ડિપોટીસાહેબ તો વળી પીટીસીના છેલ્લા વરહમાંય ટકા વધારાબ્બાના વીહ વીહ હજાર ઉઘરાવતા અતા. બોર્ડના મોટા સાહેબ આપણી નાતના ઑય પસે તો હું કે’વાનું? હૌ હૌને ફાવે એમ ખિસ્સાં ભરે. આપડાં એવાં નસીબ ચ્યાંથી કે પીટીસી થઈ જઈએ? ને પીટીસી થે’લા ઑવ એવા તો પીટીસી વહુ હોધતા ફરે એમાં નવઈ આ ૨ઈ સે? બેય જોડું.. પાહે નોકરી લેવાની, બદલીનાય રૂપિયા આલવાના... પસે લે’ર. સમાજ હચવાય, ખેતીય હચવાય ને નેંહાળ તો ચ્યાં જતી રે’વાની અતી? પટેલો કાંય અમથા રૂપિયા નથી વેરતા? બાપાની ઇચ્છા તો ઘણીય અતી, ને પોતે કરેલી જાતમે’નત હું કાંમની? આજે એ રૂપિયાથી ટકા લાયેલાં બધાંય જોડાં માસ્તર સે... ન આપડા નસીબમાં તો આ દાતેડું ને બન્ધ્યા જ રયાં. નસીબ નઈ તો બીજું હું બુન? ચાર્ય વાઢતાં રૂપા પાછી થંભી ગઈ, ઊભી થઈ સીમમાં નજર દોડાવી. દિવાળીને દા’ડેય લોક જંપતા નહોતા. પડખેના ખેતરમાં વાડની પેલીકોર અંબાલાલ હળ હાંકતો હતો ને બાજુના ક્યારામાં દાડિયાને ડાંગર વાઢવા વળગાડીને રવજી માસ્તર અંબાલાલના ખેતર તરફ જતાં-જતાં સીમમાં બધું હેરતા હતા જાણે.. કોના ખેતરમાં કોની વહુ ચાર્ય વાઢે છે ને કોણ ક્યાં રખડે છે. રૂપા જાણતી હતી કે નોકરી મેલીને ખેતીમાં વળગેલા ૨વજી માસ્તરની નજર સારી નથી. ગામની કેટલીય વહુદીકરીઓ ૫ર એમની દાનત રાસડા લેતી રહેતી હતી. રૂપાને સંભળાવતા હોય એમ માસ્તર બોલવા લાગ્યા : ‘ચ્યમ અંબાલાલ? દિવાળીને દા’ડે તો બળદોને જંપવા દે. અમોહ પાળી નથી?’ ‘માસ્તર, અમારે મજૂરિયાં લોકને વળી દિવાળી ચેવી? આપડે તો આ શેતી એ જ ફજેતી. હોળી – દિવાળી બધું હરખું ભૈ. હાંજ પડે બે લાડવા ને દાળભાત ખાવાનાં. ગોખલે દીવો થાય ને સોરાં બે ટેટા ફોડે એટલે આપડી દિવાળી પૂરી. ખરી દિવાળી તો ભૈ શેરમાંથી ઘેર આવનાર મોટિયારોની... કહીને અંબાલાલે રૂપાને વાતમાં વણી લઈ માસ્તર સામે આંખ મીંચકારતાં કહ્યું, ‘લ્યો બીડી, તાંણાં...’ બળદોને ઊભા રાખતાં – ‘કાલે પડતર દંન સૅ, આજે તો ચૌદહ ને દિવાળી ગણી સૅ કાલે પડતર દંનને અમોહ સૅ. કાલે આરામ તમારે’ કહીને બેઉ બીડી પીતાં-પીતાં વાતે વળગ્યા. રૂપા જરા વાડને ઓથે આઘીપાછી થતાં બબડી, ‘મૂઆ નફ્ફટ, ગાંમના અરાયા પાડા.’ ફરી ચાર્ય વાઢવા બેસતાં લૂગડાં સંકેલતાં જોયું સાડી-ચણિયાને કેટકેટલું ઘાસ વળગેલું – લાંપ, તરણાં, રૂંછાળું, કાંટાળું... વીણતાં-વીણતાં એનાથી બોલી જવાયું, ‘ખરી હગઈ તો આ ખહલાની, વાઢાં તોય વળગતું આવે...’ એ ભારો બાંધતી હતી ને પેલા બેઉ મોટેથી ગમ્મતે ચઢ્યા હતા કે રૂપાને ભાળીને ભુરાયા થતા હતા? અંબાલાલ મોટેથી બોલતો હતો. ‘રવજીભૈ, ખરું શેડવાની શીજન જ આ. ભેજાળી માટી રસબસ થાય પસે જોવાં એની મજા. ભોંય તો શેડાય એટલી હારી, ભૈ.’ ‘પણ એકબે શીજન વાસૅલ મૅલા તો હારું નૈ? હાંમેતર થાય તો પાકે હારુંં ખરું કે નીં? આ લોક અમથા ચાર-ચાર છ-છ મઈના ભોંય પડતર મૅલે સૅ? ‘વાત તો હાચી, આ તો પેલા કુટુંબનિયોજનવાળા કે’સે ને કે બે બાળકો વચ્ચે સૅટું રાખવું – એના જેવું સૅ, પણ ભોંય તો શેડાય એટલી હુંવાળી થાય, કાહર જેવી... ધણીથી ના થાય તો શેવટે જણ કરીનેય ભોંય તો શેડાબ્બી જ પડે...’ ‘ખરું ભૈ, પડતર રે’વા દેઈએ તો ઉગાવો ભોંય કઠણઈ જાય પસે શેડવામાં વીતૅ ને ઉગાવો ઝટ જાય નીં.’ કહેતાં માસ્તર ઊપડ્યા. ‘મારેય કાલે ચેડ્ય માળવાળું ખાલી હેતર શેડાબ્બુ સૅ, શિયાળુ જાર થાય તોય ઉનાળે ઢોર ખાય.’ અંબાલાલે પાછું હળ દબાવ્યું. ‘ખરું ખરું, હારી ભોંય ચ્યાં સે ભૈ... અવે તો વાસેલ પણ શેડવાં પડહેં...’ કહેતા માસ્તર વાડ પાછળ ભારો ખેતરમાં ગુવાર-શીંગ વીણતી રૂપાને જોતાં-જોતાં ક્યારી તરફ ચાલ્યા ગયા. ‘ગાંમના ઉતાર.... હૌને મજાક હુઝે સૅ.. એ તો જેને વીતી ઑય એ જાંણે....’ બબડતી રૂપા પાછી ભૂતકાળમાં જઈ ઊભી. પહેલવા૨કો ધણી માસ્તર હતો. પીટીસી માસ્તર. એને પીટીસી થયેલી જોઈતી હતી ને બાપની પહોંચ નહોતી એટલે પોતે પીટીસી ના થઈ શકી. પરણ્યા પછી પોતાને એડમિશન જેટલા ટકા ન આવ્યા તે છૂટાછેડા સુધી ગઈ, પણ માસ્તર સમજુ... ચૉરીમાં હાથમેળાપ થયો એ થયો. છેડાગાંઠણાંય એ દા’ડે થયાં એ માફ. પોતે પહેલે આંણે ગઈ ત્યારથી જ માસ્તરની ‘ના’ હતી તે રાતે ખાટલેય નહિ ફરકેલો. બીજો હોય તો ‘ના’ પાડતો જાય ને ખવાય એટલું ખાઈ લ્યે...’ ઘણો સમજુ માણસ. ‘પણ મારી બૈ લાખ રૂપિયાનો હતો તોય તારે શું કાંમ આયો?’ જેવો વિચાર ત્યારેય ઘેરી વળેલો. પંચે છેડાછૂટના પાંસઠ હજાર ઠરાવેલા ને માસ્તરના બાપે ગણી આપેલા. હાસ્તો, એમને કમાતી લાવવી હતી. લોક કહેતું કે પૈસા રૂપાને હજી વધારે મળત, પણ વચમાં ખાંધિયા પચીસ હજાર જેટલા ખાઈ ગયા. આજે તો લાખ-સવાલાખ વિના છૂટાછેડા ક્યાં થાય છે? રૂપાના બાપાએ એને મફત સાથે નાતરે દીધી ત્યારે પચીસ હજારનાં ઘરેણાં-લૂગડાં આપ્યાં ને બાકીના એના આગલા લગનના ખર્ચા પેટે ગણીને ભઈએ બૅંકમાં મૂક્યા. રૂપાને થયેલું કે પોતે શું પામી? રૂપિયાની તો મા મૂઈ, મફત સાથે એનું નક્કી કરતાં એને પૂછવાનુંય નહિ રાખેલું એથી એ વધારે દુઃખી થયેલી. માસ્તર ના મળે તો કોઈક બીજો સરખો જુવાન, જરા લાગણીવાળો, સમજણો. પણ રૂપાએ મન મનાવેલું – એક વાર ‘છાંડેલી’ ગણાઈ ગઈ એ ભલેને નકરી વીંધાયા વનાની હોય, તોય એને કુંવારકા થોડી માને લોક? એ તો બીજવારકી એટલે નાતરાનો જ ધણી મળે. જોકે આ નાતમાં દાક્તરી ભણતો છોકરોય, માબાપ નાતની બીક બતાવે ને કહ્યું કરતો થઈ જાય, સાથે દાક્તરી ભણતી વાણિયાની છોકરીને છોડીને નાતની ગામડિયણ છોકરી માટે સંમત થઈ જાય ત્યાં રૂપા જેવીને કોણ પૂછે? આ નાતમાં તો, રૂપા જાણે છે કે, ઇજનેરી ભણેલાનેય પીટીસી વહુ નહિ મળે, એને તો પીટીસી છોકરો જ જોઈએ. દાક્તર ને ઇજનેર એમને મન ઠીકઠાક, ખરાં તો પીટીસી ભણેલાં જોડાં જ. નોકરીની નોકરી ને ઘરનું ઘર. આ પોતાના બીજવર ધણી મફતનુંય એવું જ થયેલું ને? એને, પીટીસીની વાત તો બાજુ પર રહી, પૈસા ખર્ચતાંય એ નાપાસ થયેલો ને પરણાવેલો એ વહુ પીટીસીમાં ગઈ. પછી તો એ મ્હેતીએ કહેલું કે ‘મારે આઠે અંગ આ ધણી ના જોઈએ.’ અવળા ધણીને વીસ હજાર આપીને એ છૂટી થઈ ગયેલી. નાતમાં નવો ધારો પડેલો. રૂપાને થયેલું કે ધન્ય છે પીટીસીને. જાણે એ તો પ્રજાની દેવી છે દેવી. પોતા ઉપર અને મફત ઉપર એ દેવી ના રીઝ્યાં એટલે તો આ ‘હપરવે’ દા’ડે આ ઉધામા. રૂપા જરાક અકળાઈ હતી. દૂરની સડકે નવી સૂટકેસો લઈને શહેરવાળા દિવાળી કરવા આવતા ભાળતાં ફરી એને કાળીચૌદશની આંધળી રાત ઘેરી વળી. ઘરના અંધારા કોલામાં કરોળિયાના ગોળગોળ ધોળાધોળા થૉકલા ચળકતા હતા, જાણે હીરાના અજવાળાના ભણકારા ભીંતે આવીને જડાઈ ગયા ન હોય! રૂપાને થયેલું – મુંબઈ જેવું શહેર, ત્યાં શી વાતની કમી હોય તે ‘ઘર’ સાંભરે? એનાથી બોલી જવાયેલું – ‘મુંબઈમાં રાંડોનો હું કાળ?’ અમળાઈને ઘાસનો ભારો માથે ચઢાવતી રૂપાને અંબાલાલના ખેતર શેઢેથી પાછો અવાજ સંભળાયો. સાડીના ખોળામાં ગુવાર-શીંગો સરખી કરીને એ ચાલવા જતી હતી ત્યાં જ મુખીનો અવાજ ઓળખાયો, ‘કુણ સે ભા? મફતની વહુ કે?’ રૂપાને બદલે અંબાલાલે મોટેથી જવાબ વાળ્યો – ‘ચ્યમ કાકા, એમ કાંઈ વાટમાં પડી સૅ તે મફતની વહુ’ કો’ સૉ?’ એનું હસવાનું રૂપાને ન ગમ્યું. પોતે ‘મફતની વહુ’ છે એનો બીજો અર્થ કરીને લોકો હસતાં એ રૂપાને ઝેર જેવું લાગતું. મુખીએ અંબાલાલને જરા તતડાવ્યો, ‘તુંય હું ભૈ, જરાય લાજશરમ વના ફાવ્યું એમ બોલબોલ... આજે અમોહના દા’ડે શેડવાનું બંન રાખવું મેલીને આમ –’ પણ નફ્ફટ અંબાલાલ વાયરે ચઢેલો તે કહેવા લાગ્યો : ‘કાલે અમોહ પાળવાની... મઈનામાં એક દંન બળદોને વિરામ. પણ હેં, મુખીકાકા, આ શેરવાળા દિવાળી કરવા ઘેર આયા સે એ બધા શેડ્યા વના થોડા રે’વાના? એમને તો થાય એટલી બે-ચાર શેડ્યો આ બે દંનમાં જ કરવાની ને! બાચીના બધાય દંન ‘પડતર’ એ ચ્યાં અમોહ પાળવાના સૅ, હૅ?’ ‘જરા, લગામ રાખ ભૈ, મુઢે આયું એ બધુંય ભરડ-ભરડ કરતો અહેં... કહેતાં મુખીકાકા નદી તરફનાં ખેતરોમાં વળી ગયા. રૂપા મહુડાને છાંયડે આવીને ખમચાઈ ઊભી. છાંયો ટાઢો લાગ્યો. ઝાડ નીચેની વણખેડી ભોંય સૂનમૂન પડેલી દેખાઈ. ઝાડનો વણછો લાગે એ ભોંયમાં ઘાસ પણ આછુંપાતળું જ ઊગે મહુડા નીચેની ભોંય એને ટાઢી કઠણાઈ ગયેલી લાગી. કદી નહિ ને આ ઘડીએ એને થયું – ‘પોતેય આ નવરી ભોંય જેવી ગળામાં બાઝતી ખખરીને રોકવા મથતી રૂપા મોડું થયાનું ભાન આવતાં ઘર તરફ ઉતાવળાં પગલાં ભરી રહી. વાટમાં ખેડેલાં ખેતરોની ઢેફાંદાર માટી એના પગે સુંવાળું-સુંવાળું અડકતી હતી. એને યાદ આવ્યું – ‘બા, અમુક દા’ડાઓમાં માટીનાં નાનાંનાનાં દબડાં ખાતી હતી... નાની હતી ત્યારે તો એને કાંઈ સમજાયેલું નહિ, પણ મોટી થતાં બધી ખબર પડવા માંડેલી. ખેડેલાં ખેતરોની કંસાર જેવી સુંવાળી માટીને બાથમાં ભરી લેવાનું ને ચપટી ચાખવાનું રૂપાને મન થયું. જાણે એનામાંથી કોઈ એને પૂછતું હતું – ‘ક્યાં સુધી રૂપા, હવે, હજી ક્યાં લગી?’ મકાઈ-બાજરી વઢાઈ ગયા પછીનાં ખેતરો ખેડાતાં હતાં. એક પાક લેવાઈ ગયા બાદ બીજા પાકની તૈયારીઓ થતી હતી. રૂપાને એટલું તો સમજાતું હતું કે આ માટી તો ખેડવા માટે જ છે. ધરતીમાં વવાતું એ બધું ઊગી નીકળતું એ જોવાની એને સમજણી થઈ ત્યારથી મજા આવતી હતી. સોઢાતી ડાંગર ક્યારીઓ વચ્ચેથી જતી-નીકળતી વખતે રૂપાએ કાલે જ પહેરેલી ઝાંઝરી રણકતી હતી. એ દાણાઓના ભારથી લચી-લળી પડેલી ડાંગર કંટીઓને જોઈ રહી – એ લળી-લળીને શું કહે છે એ તો એને ન સમજાયું, પણ પવનમાં એ કંટીઓ એને રણકતી સંભળાતી હતી. ખેડેલાં ખેતરોની ભેજાળ સુગંધી એના ઊના શ્વાસને ઉશ્કેરતી હતી. એને તો કશી ઊંડી ગતાગમ નહોતી પડતી, પણ આ માટી શેઢે બેસી પડવાનું એને મન થતું હતું. ખેડેલી ભોંયમાં થોડું આળોટી લેવા જાણે એ તલસતી હતી. કેટલાક વાડવેલા પર હજી ફૂલો હતાં ને કોકકોક વેલા સુકાઈ ગયા હતા. ઘેર પહોંચીને ભારો પડસાળના કોલામાં નાખ્યો તો ભૂરી ભેંસ ખાવા માટે દામણું તોડું-તોડું કરતી હતી. રોજ એને માથે હાથ ફેરવતી ચાર્ય નાખતી રૂપા આજે ચૂકી ગઈ. ખાસ તો પડસાળમાં લાલો હવાર વતાં ને દાઢી કરતો હતો – ત્યાં ઘરડા ને મોટિયારોના દિયારા ચાલતા હતા. એમાં એની નજર શહેરોમાંથી આવેલા નોકરિયાતોને જાણેઅજાણે ખોળતી હતી. ઘરમાં નજર પડી તો ક્ષણ વાર હૈયું થડકી ઊઠ્યું – ‘મફત આવી ગયો હતો?’ એ ઉતાવળે ચોપાડમાં ગઈ. સસરો વતું-દાઢી કરાવી નાહધોઈને ઝભ્ભો પહેરીને તૈયાર થયા હતા. તહેવારમાં એ સજાવટમાં રહેતા. મફતથી વધારે શોખીન રૂપાને જ નહિ, ઘણાને લાગતું કે બાપબેટો બેઉ ડિલે – મોરખાણે સરખેસરખા લાગતા હતા – એકને બેસાડો ને બીજાને ઉઠાડો. મફત નહિ, પણ આ તો સસરો છે તે જોઈને ખોટી પડતાં એ ઉંબરે અથડાઈ. ઘાસ વાઢતાં કાપડામાં ઘૂસેલા લાંપ રૂપાને ડિલે ચટકતા હતા. નાહીને કપડાં બદલ્યાં, મન વગર લૂસ-લૂસ ખાઈને નાસ્તો-ચેવડો તળવા વળી ત્યારેય પેલો લાંપ લૂગડામાં હજી અણી ભોંક્યા કરતો રહેલો. સાંજ પડી, દીવા પ્રગટ્યા. છોકરાં મેરાયાં લઈને નવી વહુવારુઓવાળાં ઘરોની પડસાળો ગજવતાં હતાં – ‘આજ દિવાળી કાલ દિવાળી મફતભૈએ બાયડી મારી મેર મેરાયું...’ મફત હોત તો રૂપાને હરખ થયો હોત આ સાંભળીને એ મેરાયામાં તેલ પૂરવા જઈ ન શકી. સાસુબાએ જઈને તેલ પુરાવી પલટણને વિદાય કરી. ઘર-પડસાળ સૂનાં પડ્યાં. સસરા ગામમાં બેસવા ગયા. રાત ઊતરી – લાડુદાળનાં જમણ, નોકરિયાતોના ટેટા, સિગારેટોના દમ ને ઠઠ્ઠામજાક ચારે તરફ હજી સંભળાતાં હતાં. છેલ્લી બસ ચૂકેલો દલાકાકાનો નગીન પણ પાટિયાથી ચાલતો આવી ગયો હતો. એના આંગણે મળેલી વહુવારુઓ – ડોશીઓ તારાકણી ને ચકરડી-ઘંટી-કોઠીઓની આતશબાજી જોતી હતી ને રૂપા તથા એના સાસુબાને બોલાવતી હતી. ‘હેંડ, બેટા રૂપા.’ કહેતાં સાસુબા ગયાં. ‘આવું છું – એવું માંડ ગળગળા સાદે બોલેલી રૂપા ઘરમાં જ બેસી રહી. ઘી ખૂટતાં દીવાય બુઝાઈ રહ્યા હતા. બહાર એકલદોકલ દીવા સિવાય અંધારું વધારે ને વધારે ઘાઢું થતું હતું. રૂપા ઓરડે જઈને સૂના ખાટલે ઢળી. પછીતમાં કોકના ખળામાં ડાંગર મસળવાનું ઢૂલું ફરતું સંભળાતું હતું. કોક ઘરમાં છાશવારો ઝૈડકો લેતો હતો. ગોળીમાં રમરમાટ ફરતો રવૈયો, રૂપાને પોતાની અકળામણ સમજાઈ નહિ. નેતરાં વતી રવૈયાને રમરમાવવા એના હાથોમાં જાણે ચળ ઊઠી હતી. દૂર ઊફરી ફળીમાં હજી શહેરિયું દારૂખાનું ફૂટતું હતું ને નોકરિયાતોનો બોલાશ એને સંભળાતો હતો. પડખું ફરતીને પેલો લાંપ લૂગડામાં ક્યાંક લપાઈને ડિલે ચંપાતો હતો. સાસુબા આવીને ‘બેટા રૂપા, બેટા, હૂઈ જઈ –’ કરતાં-કરતાં ચોપાડમાં જંપી ગયાં. રૂપા બોલ્યા વિના સૂમસામ ઓરડામાં ખાટલાની ઇસને વળગીને જાગતી પડી હતી. બહાર દિવાળીની રાત પૂરી થઈ જવામાં હતી ને ઘેર આવેલા નોકરિયાતોના ઓરડાઓમાં બંગડીઓ-ઝાંઝરીઓના ઝીણાઝીણા અવાજો પછીતની બહાર જાય એ પહેલાં જ ઠરી જતા હતા. રૂપાની આંખો ક્યારે ઘેરાઈ ને ક્યારે એ જંપી ગઈ એની એને કશી ખબર ન રહી. મોડી રાતે પડખામાં કશોક ઊનો-ઊનો સુંવાળો સ્પર્શ થતો હતો. એને તો એય ભ્રાંતિરૂપ લાગેલું. કોક એને બાથમાં લઈને ભીંસતું, મસળતું, ઊની-ઊની જીભે ચાટતું હતું. બંગડીઓના ખરકલા જરાતરા રણકતા હતા ને પગની ઝાંઝરી આછું-આછું છમછમતી હતી. એની વ્યથિત ભ્રમણા જાણે કે ઘૂંટાતી હતી. રીસની મારી એ કોઈ પરાયા પુરુષને હડસેલી રહી હોય એવુંય થયું, પણ પછી તો જાણે મફત એના અંગેઅંગ પર હાથ ફેરવતો, ચૂમતો, ચૂંટતો ને પાણીનાં મોજાંની જેમ તાણતો પછાડતો હતો ને છેક ઊંડે ને ઊંડે ઊતરતો હતો. વણખેડેલી ભોંયમાં હળ ફરતું હતું ને ખેડાયેલા ભભરાં ખેતરોમાં ધણી ડુઆટીને સમાળ દેતો હતો. માટી ફોરતી હતી. રૂપા તો ધરતીની જેમ ખરાનકરી કર્યા વિના પ્રસન્નતાથી પડી હતી. પુરુષની ધમણ અટકી અને – રૂપાને ખ્યાલ આવી ગયો, અરે, આ તો એ – પડખામાંથી ઊઠીને ગયા એ તો સસરો... એની કાયાનો મનગમતો થાક એને પુનઃ તંદ્રામાં ને છેવટે ઊંડી ઊંઘમાં ખેંચી ગયો. પેલો મનમાં ઊઠેલો પ્રશ્ન અધવચાળે જ લટકતો ગયો હતો. પડતર દિવસની સવાર પડી. બેસતું વર્ષ તો કાલે. આ તો બે વરસની વચ્ચેનો દિવસ. સાસુબાએ જાગીને જોયું તો નિત્ય સૌ પહેલી જાગી જનારી રૂપા હજી ઊઠી નહોતી. ‘ભલે સૂતી’ વિચારતાં એ કામમાં જોતરાયાં. ભેંસ દોહી, ખાણપાણી ને કચરોકૂટો. ચાપાણી કરતાં પહેલાં સાસુબા ફરી રૂપાના ઓરડામાં ગયાં. સવારના ટાઢા અજવાળામાં નિરાંતે સૂતી રૂપાના મોઢા પરની શાંતિ જોઈને એમનો ગઈ કાલનો ઊંચકાયેલો જીવ ઠર્યો એ બબડ્યાં – ‘આજે તો હાંજ હોરો તો મફો આયા વના નીં રે...’ મોડી જાગ્યા છતાં રૂપા હાંફળીફાંફળી થયા વિના ઝડપથી દાતણ પરવારીને સસરાનો ચાનો કપ લઈને પડસાળમાં ગઈ ત્યારે એ જણને ખેડવા સમજાવતા હતા, ‘પડતર ભોંયને જરાક હાચવીને ઉખેડવી પડે. તું ઊફરા પાહેથી શેડ્ય મેલજે... બેત્રણ શેડ્ય થતાંમાં તો તું જોજેને ભોંય ચેવી હુંવાળી થઈ જાય તે –’ નીચી નજરે જ વહુ પાસેથી ચાનો કપ લેતાં ઉમેર્યું : ‘ભોંય શેડાય એટલે એનો શક્કો જ ફરી જાય, ભૈ...’