મિતાક્ષર/સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મતા


આ નોંધમાં સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મતાના સંબંધની ઐતિહાસિક ભૂમિકા રજૂ કરીને, વર્તમાન સંદર્ભમાં એની વિશિષ્ટ સમસ્યા તરફ આંગળી ચીંધવા પ્રયત્ન કરીશ. (૧) ભારતમાં પ્રાચીન કાળથી વસતી આદિવાસી પ્રજાઓનાં, અને પરદેશથી સતત ભારતમાં પ્રવેશી રહેલી ટોળીઓનાં ધર્મો, રીતરિવાજો અને માન્યતાઓ તથા તેમની બોલીઓને એક સૂત્રે પરોવવામાં અને અનેકવિધતા જાળવી રાખીને ભારતીય એકાત્મતા વિકસાવવામાં સંસ્કૃત ભાષા, દેવનાગરી લિપિ અને સંસ્કૃત સાહિત્યે જે ફાળો આપ્યો છે તે સુવિદિત છે. આમ છતાં, આનું રહસ્ય શોધવું જરૂરી છે. મારી દૃષ્ટિએ, એમ કહેવું ઉચિત નથી કે પ્રાચીન ભારતીય સંસ્કારિતાની અખંડતા—એકતા અને એકાત્મતાના પાયામાં સાહિત્ય હતું. કેમ કે પ્રાચીન યુગમાં ધર્મ જ સર્વાંગી જીવનની—વ્યક્તિ અને સમષ્ટિના ભોતિક, નૈતિક અને આધ્યાત્મિક જીવનની —આધારશિલા હતો. વ્યક્તિ અને સમાજની મહેચ્છાઓ, ભાવનાઓ, આદર્શો અને વ્યવહારના કેન્દ્રમાં ધર્મ હતો અને એ કેન્દ્રને અનુરૂપ થઈ રાજકારણ, અર્થકારણ, સામાજિક નીતિનિયમોની પ્રવૃત્તિઓ તથા જ્ઞાન-વિજ્ઞાન અને સાહિત્ય[1] સુધ્ધાં વિકસ્યાં હતાં. મોક્ષરૂપી આધ્યાત્મિક સાધ્યનાં સૌ, અને સંસ્થા રૂપે ધર્મ પણ, સાધન માત્ર હતાં. પરંતુ અહીં ધ્યાન ખેંચે એવી વાત એ છે કે, આ સંસ્કૃત સાહિત્યનું અધ્યયન કરી શકે એવા, અને એ અધ્યયન માટે અધિકારી ઠરેલો વર્ગ મૂઠીભર હતો. છતાં આ elite પ્રજામાં ઓતપ્રોત હતો, પ્રજાની ભાવનાઓ, આકાંક્ષાઓ સાથે તેનો સુમેળ હતો બલ્કે એનાં ચિંતન-સર્જનમાં પ્રજાનો પ્રાણ ધબકતો હતો. એટલે કે, ધર્મને કેન્દ્રમાં રાખીને રચાયેલા સમાજમાં, સારા એવા પ્રમાણમાં સંવાદિતા, એકરૂપતા અને એકાત્મતા સહજ હતી. (૨) એથી જ તો, આ મૂળભૂત ધર્મ ભાવના સંકીર્ણ અને જીર્ણ બનતાં, સમાજ વિચ્છિન્ન બનવા લાગ્યો. મધ્યયુગમાં પરધર્મી વિદેશીઓના પ્રહાર નીચે અસ્તવ્યસ્ત બન્યો. અને ત્યારે ભારતના સંતો અને ભક્તોએ પ્રજાની ભાષાઓમાં— દરેક પ્રદેશની પ્રજાની પોતપોતાની બોલીમાં—વિશાળ ઉદાર ધર્મભાવનાની પ્રતિષ્ઠા કરવાના ભગીરથ પ્રયાસ કર્યા. આમ, વળી એક જબરજસ્ત રાષ્ટ્રીય કટોકટીને પ્રસંગે સંત સાહિત્ય દ્વારા એક વિરાટ કર્મ પાર પડ્યું. અલબત્ત હવે બધી રીતે બદલાયેલી પરિસ્થિતિમાં, અગાઉના જેવી એકાત્મતાની સિદ્ધિ અશક્ય જ હતી. અહીં પણ હું એ બાબત ધ્યાન ખેંચવા ઇચ્છું છું કે આ રાષ્ટ્રીય એકાત્મતાના ભગીરથ પુરુષાર્થની સફળતા અને નિષ્ફળતાનું રહસ્ય પણ, તે યુગનાં ધાર્મિક પરિબળોની બલિષ્ઠતા અથવા તો નિર્બળતામાં છે. સાહિત્ય અને ભાષાએ તેમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે, પણ તે મુખ્ય નથી, (૩) આ પછી અંગ્રેજો આવ્યા. તેમના રાજ્યઅમલ દરમિયાન રાષ્ટ્રીય કટોકટી સર્વાંગી બની—ભારતની કેવળ મૂળભૂત ધર્મભાવના ઉપર જ નહિ પરંતુ વ્યક્તિ અને સમષ્ટિનાં તમામ ધારણતત્ત્વો ઉપર વજ્રાઘાત થયો. અંગ્રેજી ભાષા દ્વારા અંગ્રેજી સાહિત્યના એટલે કે પશ્ચિમી તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, ઇતિહાસ, રાજકારણ, અર્થકારણ આદિના સંપર્કથી ભારતની રહીસહી પ્રાચીન ભાવનાત્મક એકાત્મતાની જડ ઊખડવા માંડી; અને આપણી સામે અર્વાચીન યુરોપીય આદર્શો અનુસારની ભૌગોલિક-આર્થિક-રાજકીય એકતાની પ્રતિચ્છવી સમી રાષ્ટ્રીય એકાત્મતાનું નવું સ્વરૂપ ખડું થયું. એની પ્રાપ્તિ માટે મનોરથ જાગ્યા તે પુરુષાર્થ કરવાય આપણે પ્રેરાયા. (આ ઘટના પોતે કાંઈ સર્વથા ઇષ્ટ કે અનિષ્ટ ન હતી.) પરંતુ અહીં નોંધવા જેવી બે વાત છે: એક તો પ્રાચીન યુગની સંસ્કૃત ભાષાની જેમ આ યુગની અંગ્રેજી ભાષાય મુઠ્ઠીભર eliteની ભાષા હતી. પણ એથી ઊલટી બીજી વાત એ કે, સંસ્કૃતભાષી elite પ્રજાજીવનમાં સર્વતયા ઓતપ્રોત હતા; ત્યારે અંગ્રેજી યુગનો elite પ્રજાજીવનથી પરાયો રહ્યો! એટલે જ અંગ્રેજી ભાષા અને સાહિત્ય દ્વારા જૂજ elite વર્ગમાં યુરોપીય નૂતન ભાવના, આદર્શો, મનોરથો વિકસ્યા ને એમની દ્વારા રાષ્ટ્રીય એકાત્મતા પ્રગટવાની શક્યતા જાગી. હા, શક્યતા જ કેમ કે પ્રાચીન યુગની ધર્મભાવનાનું સ્થાન લઈ શકે એવું સત્ત્વ અને એવાં મૂલ્યો આ નવા ભૌતિક વિકાસ અને સુધારો જગાડી ન શક્યાં. પૂર્વ અને પશ્ચિમનાં શ્રેષ્ઠ તત્ત્વોનો સમન્વય થઈ ન શક્યો(બન્નેની ઊણપોના કારણે). પરંતુ ત્યારે ગાંધીયુગી સ્વાતંત્ર્યના સંગ્રામની પચીસી દરમિયાન, અંગ્રેજી ભાષા દ્વારા અંગ્રેજીથી આકર્ષિત elite વર્ગને, અને હિંદી તથા દેશી ભાષાઓ દ્વારા પ્રજાના વિશાળ સમૂહોને, રાષ્ટ્રીય એકાત્મતાના એક નવા સ્તર ઉપર સ્વરાજ સાધનાના નિશ્ચિત ઉદ્દેશ માટે સંગઠિત કરી શકાયા. અહીં હું ફરીથી એ મુદ્દો ધ્યાન પર લાવવા ઇચ્છું છું કે આ યુગની બંને કક્ષાએ જે કોઇ સ્વરૂપની રાષ્ટ્રીય એકાત્મતા સધાઈ તેની સફળતા નિષ્ફળતાનું કારણ સાહિત્ય નહિ, પરંતુ અર્વાચીન યુગનાં પરિબળોની શક્તિ અને નિર્બળતા હતાં. અહીં પણ પ્રાચીન અને મધ્યયુગની જેમ સાહિત્યે સાધન રૂપે અગત્યનો ભાગ જરૂર ભજવ્યો હતો. આજની સમસ્યા આજના નવા સંદર્ભમાં નવેસરથી વિચારવી જરૂરી બની છે. (૧) આજે આપણે પ્રાચીન ધર્મયુગથી ઘણા દૂર નીકળી ગયા છીએ. અંગ્રેજોનો સુધારાયુગ પણ પાછળ ફેંકાઈ ગયો છે. સ્વરાજ્ય બાદ આપણી રાષ્ટ્રીય એકાત્મતાની તમન્ના વધુ નક્કર અને દૃઢતર બને તે માટે ખાસા ગંભીર પ્રયાસો આદર્યા છે. અને એક રીતે તો અનુકૂળતાઓ વધી જાય છે.—દા. ત. ભારતની વિવિધ ભાષાભાષી પ્રજાઓનો પરસ્પર સંબંધ વધ્યો છે. વિવિધ ભાષાઓનું જ્ઞાન અને તેથીય વિશેષ વિવિધ ભાષાઓનાં સાહિત્યનો પરિચય(અનુવાદરૂપેય) વધ્યો છે; અને ઘણો બધો વધે તેવી તજવીજો ચાલુ છે. ત્યારે જ, બીજી બાજુ બે પડોશી ભાષાઓવાળી પ્રજાઓ દા. ત. મરાઠી-ગુજરાતી, ગુજરાતી-રાજસ્થાની, બંગાળી-બિહારી, બંગાળી-ઊડિયા, બંગાળી-આસામી અને એક જ હિંદી ભાષા બોલનારી પ્રજા વચ્ચેય પારાવાર વિસ્ફોટક વૈમનસ્ય વધ્યાં છે. અંગ્રેજ અમલ દરમિયાન, મૂળભૂત ધર્મભાવના સંકુચિત થતાં, વિદેશી સત્તાની ઉશ્કેરણી નીચે, ભારતમાં હિંદુ-મુસ્લિમ, મુસ્લિમ-પારસી દંગાઓ થયા હતા; આજે સ્વરાજની છત્રછાયામાં ધર્મ, પંથ, મત, કોમ, પ્રદેશ, ભાષા અને પક્ષો વચ્ચેનાં ખુલ્લાં દંગલોએ અને છૂપા હિંસક દ્વેષોએ, ભારતને રાષ્ટ્રીય આંતરવિગ્રહની દિશામાં ધકેલ્યો છે. (૨) અગાઉ આપણે પ્રાચીન યુગ અને મધ્ય યુગમાં સવિશેષ રીતે અને અંગ્રેજી અમલમાંય, સાહિત્યનો રાષ્ટ્રીય એકાત્મતા સાથેનો જે સંબંધ જોયો તેનાથી બિલકુલ ઊલટું ચિત્ર આજે ઊભું થઈ રહ્યું છે! ભાષાવાદ પોતે જ ભંગાણવાદનો અગ્રેસર બનતાં સાહિત્ય દ્વારા એકાત્મતા સાધવાની ધારણા જ વિકૃત પરિણામોવાળી બની ગઈ છે. ભાષા અને સાહિત્ય બંને જુદાં છે— બંનેનાં કર્મો પણ જુદાં છે—પરંતુ આજે તો ભાષાવાદના વર્ચસ્વને કારણે સાહિત્ય પણ ‘રાષ્ટ્રીય એકાત્મતા’ને નામે આક્રમક રાષ્ટ્રવાદનું સાધન બની જવાનો ભય જાગ્યો છે ત્યારે સાહિત્યના વિનિમય દ્વારા રાષ્ટ્રની આંતરિક એકતા અને આંતરરાષ્ટ્રીય મૈત્રી સંબધો દૃઢ કરવાની વાતો નરી ભાવુકતા-ભરેલી નથી લાગતી ?[2] એટલે કે આજની પરિસ્થિતિમાં આપણે નવેસરથી સાહિત્ય અને રાષ્ટ્રીય એકાત્મતા વચ્ચેના સંબંધની અને તેના રહસ્યની વાત વિચારવી રહી. અને ત્યારે, આરંભમાં જ આપણે એ વાત સ્પષ્ટ સમજવી અને સ્વીકારવી રહી કે, જ્યારે વ્યક્તિ અને સમષ્ટિના જીવનનું પ્રેરક તત્ત્વ સુનિશ્ચિત અને સુદૃઢ હોય, ત્યારે તેને પરિણામે માનવ વ્યવસાયનાં તમામ ક્ષેત્રો વચ્ચે, અને પ્રત્યેક વ્યવસાયની આગવી સૃષ્ટિની અંદરેય, સંવાદિતા(harmony),એકતા(unity) અને એકાત્મતા(integration) સ્થપાય; પરંતુ મૂળભૂત પ્રેરક તત્ત્વ લોપ પામ્યું હોય, અને સામાજિક વિકાસની અતિ જટિલ કક્ષાએ એ પ્રકારનું નવું પ્રેરક તત્ત્વ અશક્ય બની ગયું હોય અને સાર્વત્રિક છિન્નભિન્નતા જ યુગનું મુખ્ય લક્ષણ બની ગયું હોય ત્યારે, રાષ્ટ્રીય એકાત્મતાના સંદર્ભમાં સાહિત્યની પાસે કેવી અપેક્ષા યોગ્ય અને શક્ય ગણાય? એટલે કે, આજનો સવાલ એ નથી કે સાહિત્યે રાષ્ટ્રીય એકતામાં ભાગ ભજવવા શું કરવું, પરંતુ સવાલ એ છે કે સાહિત્યનો સાહિત્ય તરીકે રાષ્ટ્રીય એકાત્મતા સાથે સંબંધ પુનઃ કેવી રીતે સ્થાપવો ? આના જવાબમાં, માની લઈએ કે, આજનો સાહિત્યકાર, એવું સંભળાવી દે કે— તમારા આ ધર્મ-પથ-કોમ-જાત-પક્ષ-વર્ગના ટુકડા તમે જાતે જ સર્જેલા છે. તમારા આ ધર્મકારણ, રાજકારણ, અર્થકારણ અને સમાજકારણના કીમિયાય તમે અજમાવી નિષ્ફળ ગયા છો. તમે હાથે કરીને ટુકડા પાડી હરદમ વિચ્છિન્નતા જ વધારતા જાઓ છો, એવા વિકર્મમાં મને સંડોવો નહિ... તમારી આ બધી ભાંજગડમાં મને રસ નથી. વ્યવહાર-જગતનાં તમારાં મૂલ્યો સાથે મને નિસબત નથી. માનવ-ઉદ્ધારની તમારી શ્રદ્ધા મને અધિક અશ્રદ્ધાળુ બનાવે છે, ને તમારું નર્યું ઉપયોગિતાવાદી સૂત્રોચ્ચારી ઝનૂન મને અકળાવી મૂકે છે; અને ખાસ તો તે પછીની, તમારી નિરાંતવૃત્તિ મને પાગલ બનાવી મૂકે છે. બહેતર છે કે તમે મને એકલો છોડો — મારું કામ મને કરવા દો. હું મારા સહજકર્મમાં લીન રહું એની આડે તમે ન આવો એટલું જ બસ છે. શું આ Art for Art's sakeનું પુનરાવર્તન છે? શું આ બિનસામાજિક વૈયક્તિક ભાગેડુવૃત્તિ છે? કવચિત્ — ક્યાંક હોઈ શકે છે; પણ છે જ એવુંય નથી. ન પણ હોય. સાચા ચિંતક-સર્જક માટે તો કશું ક્યાંય ભાગવાપણું– છટકવાપણું છે જ નહિ, એટલે એની વતી તો આપણે ખોળાધરી આપી શકીએ. કેમ કે— સાહિત્યની લાક્ષણિકતા જ એની આંતરિક સંવાદિતામાં છે. આ સંવાદિતા માટે અખિલાઈ અનિવાર્ય છે. અખિલાઈ એટલે જ અપરંપાર વિચ્છિન્નતા અને વિવિધતામાં એકતા અને અખંડિતતાનું સર્જન. એની પ્રક્રિયા fission—વિભાજનની નહિ. Fusion—સાયુજ્યની છે. એમાં આંશિકતા, અલગતા પોતે જ ભંગાણખોર ઠરે. એમાં કશું જ બહારનું (તરીકે) રહી ન શકે ત્યાં જીવન, અને જીવનની સમસ્યાઓ, એનાં સુખદુ:ખ અને મૂલ્યો તથા માનવીની મથામણો શી રીતે બહિષ્કૃત રહી શકે? અશક્ય જ છે. આખરે સર્જન અને સાહિત્ય માનવી અને એના જીવનનો, ગમે તેટલો મહત્ત્વનો તોય, એક અંશ છે. એક અંશ ક્યાં લગી સમગ્રતાથી વિમુખ રહી શકે?— તેમાંય અખિલાઈમાં જ જેની ફલશ્રુતિ છે તે સાહિત્ય? ચિંતક-સર્જક ભલેને કહેતો કે ‘મને કશાની પડી નથી,' પરંતુ આપણે એ જાણવું જરૂરી છે કે એ અનુભવે છે શું? અને કરે છે શું? મને ખાતરી છે કે દુનિયાના કોઈ પણ ખૂણે માનવીની માનવતા રગદોળાતી તે જોતો હશે ને એનું હૈયું વિષણ્ણતાથી થીજી ગયા વિના નહિ રહેતું હોય; એમાં સહભાગી બન્યા વિના એને ચેન નહિ જ પડતું હોય. તો સમગ્ર માનવજાતના અસ્તિનાસ્તિના કપરા કાળમાં કદાચ એ જ્યાં હશે ત્યાં સમસ્ત માનવજાતની યુગવ્યાપી મથામણોની ‘માંહે થઈને' (living through) જીવતો હશે. કદાચ એની દશા અધિકતર કપરી હશે— ખાસ કરીને, ‘સૂત્રો’, આંદોલનો અને ‘ક્રાંતિ’- ઓ પતી ગયા પછીનાં વિકૃત પરિણામોથી એ જાણકાર હોઈને, એની દશા શાપિત માનવી જેવી હશે ! અને એનું કર્મ ? એ એના ચિંતન-સર્જનના કર્મમાં રચ્યોપચ્યો જ હશે. એક બાજુ જ્યારે વ્યવહાર-જગતમાં સર્વત્ર છિન્નભિન્નતાનો વ્યાપ વિસ્તરતો રહ્યો છે ત્યારે, આંતરિક સંવાદિતા પ્રગટાવવાનું અત્યંત દુષ્કર બન્યું છે ત્યારે, એ તો પોતાના સાહસમાં પોતાની કૃતકૃત્યતા માનતો હશે. શક્ય છે, કેટલીક વાર આવેશમાં. આવી શૂન્યતાની વાતો કરતો એ કેવળ હતાશા અને નિષ્ક્રિયતાનું મોજું પણ ફેલાવી જતો હશે. પરંતુ આખી જિંદગી અંધસંમતિવાદી જીવનપદ્ધતિને પકડનાર માટે, અંતે તો, એ નિરાશા—હતાશા પણ ક્ષણભંગુર જ હશે. ખરેખર તો, પોતાની ચિંતક-સર્જક તરીકેની હસ્તીની સાબિતીરૂપે તે જીવતો હશે, ઝૂઝતો હશે તે લખ્યે જતો હશે. અલબત્ત, એ વાત સાચી છે કે એય આજના વિચ્છિન્ન યુગનો જ માનવી હોઈ એના વિરોધાભાસોય હોવાના જ (૧) બધામાંથી ભાગી છૂટવાના પડકાર સમી nonconformist વૃત્તિ અને વાણી, (૨) બધાંમાં લસોટાઈને તાતી બનેલી અક્ષુણ્ણ સંવેદનશીલતા અને (૩) ચિંતન અને સર્જનની સત્ય અને સૌંદર્યનિષ્ઠ અખંડ સાધના ! પરંતુ આવા આદમી બાહ્ય સૃષ્ટિની સમસ્યાઓથી અલિપ્ત, વિમુખ, ઉદાસી હોઈ જ ન શકે. એક સાથે તાદાત્મ્ય અને તાટસ્થ્યની એની સિદ્ધિ એના વિલક્ષણ વ્યવસાયને કારણે શક્ય બની ચૂકી હશે જ. આ વિનાનું બીજું કોઈ પણ ચિત્ર, જગતના મહાન ચિંતકો-સર્જકોનાં જીવન, સંઘર્ષ અને સર્જન વિષે જાણ્યા પછી, આલેખવુ કે કલ્પવું મને તો અશક્ય લાગે છે. આવા જાગ્રતાત્મા એના ચિંતન-સર્જનમાં સહજ-કર્મ દ્વારા જે મૂલ્ય પ્રગટ કરી જશે એ મૂલ્ય કેવળ કળાનું, કેવળ ચિંતનનું નહિ જ રહી શકે. એ મૂલ્ય સામાજિક વિચ્છિન્નતાના વિદારણ અને એકાત્મતાની સ્થાપના માટેનું અમોલું પ્રબળ આંતરિક તત્ત્વ બની ગયું હશે. બહારથી પીટવામાં આવતા ઢોલનાં ઠાલાં સૂત્રો કરતાં કદાચ આ સૂર વધુ સૂચક અને અર્થપૂર્ણ હશે. અલબત્ત, આવો ચિંતક-સર્જક વિરલ હોવાનો. પરંતુ આપણ સૌનો ધ્રુવતારક તો એ જ બની શકે ને?

[૧૯૬૧ ડિસેં. : દાહોદ જ્ઞાનસત્ર]
પરબ ૧૯૬૨


  1. ૧. તે વખતનું સાહિત્ય એટલે અધ્યાત્મ ચિંતનથી માંડી ભૌતિક વ્યવહારની પરિપાટી તૈયાર કરી આપનાર — વેદો, ઉપનિષદો, સ્મૃતિઓ, પુરાણો—મહાભારત, બલ્કે—બ્રહ્મજ્ઞાનથી માંગી કાનૂન, વૈદક, વ્યાકરણ, તર્કશાસ્ત્ર વગેરે... નાટકો અને કાવ્ય ગ્રંથો પણ સીધી રીતે ધર્મનાં ઉપદેશક ન હોય ત્યારેય એકંદર ધર્માધારિત સમાજના નિશ્ચિત આદર્શો એમના પ્રેરણાસ્રોત હતા.
  2. ૨. ચીન અને ભારતની પ્રાચીનતમ સંસ્કૃતિઓ બુદ્ધના સહિયારા ઉપદેશોનો વારસો પૂર્વીય — એશિયાઈ સમાજજીવનની નિકટતા અને ૨૦૦૦ વર્ષનો લગાતાર સાંસ્કારિક સંપર્કનો ઇતિહાસ સુધ્ધાં આજે સંઘર્ષને ખાળવા નિર્માલ્ય ઠર્યો છે. —ત્યાં સાહિત્ય દ્વારા એકતા સાધવાનાં સૂત્રો વિશે શું કહેવું ?