યાત્રા/સદૈવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સદૈવ
(સૉનેટયુગ્મ)

[૧]


સદૈવ સ્મરણે રહો પરમ મૂર્તિ તારી, શિવે!
સદામધુર પદ્મરમ્ય મધુસદ્મ શી મોહના!
પરાગપુટ શી સમૃદ્ધ છલકતી તેજચ્છટા,
પરાત્પરની પૂર્ણિમા અકલ સૌ કલાસંયુતા.

અમે બહુ ય ઝંખ્યું, ઝાંખી પણ ક્યાંય લાધી નહિ,
અમે બહુ મથ્યા, પરંતુ નવ પ્રાપ્તિ સાધી કંઈ,
દરિદ્ર અને લક્ષ્મી સૌ, અબલ આ અમારું બલ,
અમારી મતિમાં ગતિ ન, અમ જ્ઞાન અજ્ઞાન હા!

ત્વદીય શુભ દર્શને નયન તૃપ્ત હાવાં થતાં,
હવે જ ઋતધામના ઉઘડતા દિસે આગળા,
હવે જ ગરલો થકી અમૃત કેરી આશા થતી,
હવે સઢ-ઢળેલ નાવ ત્વરમાણ લેતી ગતિ.

તને નયનમાં, તને હૃદયમાં હવે સ્થાપશું,
સદૈવ તવ સંગતે જગત્પથ વટાવશું.

[૨]

જગતપથ વટાવશું, તવ જ્યોર્મિ લલકારશું,
સમસ્ત અરિ સંગ ઉગ્ર પડકાર ઉચ્ચારશું,
ત્રિશૂલ તવ લેઈ શૂલ સહુ સૃષ્ટિનાં વીંધશું,
પરાત્પરની એક આણ અહીં માત્ર આરાધશું.

પરાત્પરની પૂર્ણતા – ન અણુ ઊન એથી હવે,
હવે મનની મૂર્તિઓ પ્રતિ ન મીટ કે માંડવી,
હવે અમ અધૂરી ભાવભરતી બધી છાંડવી;
પ્રકાશ પરમેશનો જ, રસ તો જ રાસેશનો.

સહસ્ર યુગની હવે ઉદિત પૂર્ણિમા શારદી,
રસેશ તણી રીત, પ્રીત પરમોત્તમા પૂર્ણની,
ધરાતલ પરે હવે ગગનશૃંગ ઉત્તુંગ ને
મનસ્તલ વિષે સમસ્ત ઋતની જ શશ્વપ્રભા.

અહા મધુર દીધ શું મધુર સ્વપ્ન તે, શ્રીમયી!
પસાર વર હસ્ત, સર્વવરદાયી લીલામયી!


ડિસેમ્બર, ૧૯૪૭