યુગવંદના/નવ કહેજો!

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
નવ કહેજો!

રણવગડા જેણે વીંધ્યા,
વહાલી જેને વનવાટ;
જે મરતાં લગ ઝંખેલો
ઘનઘોર વિજન રઝળાટ:
જે ગગન ચુંબતાં ગિરિશૃંગે સુણતો હાકલ અવિરામ –
એ સુભટ કાજ કો નવ કહેજો: ‘પ્રભુ, દે એને વિશ્રામ!’
દમ દમ કર્મે મચી રહેતાં
ઊછળે ઉરમાં ધબકાર;
ભલી એ એની વિશ્રાંતિ
એ સુખ, જીવનઆધાર:
એ પડે-લડથડે, છતાં ઊઠી ફરી ચડે યુદ્ધ અવિરામ –
એ સુભટ કાજ કો નવ કહેજો: ‘પ્રભુ, દે એને વિશ્રામ!’
ધગધગ ધખતા સહરામાં
એ મહાલે શીતળ સેજ;
ઘન ઘન અંધારનિશામાં
ભાળે ભાસ્કરનાં તેજ:
વંટોળ વિષે પણ પામન્તો ફૂલદોલ તણા આરામ –
એ સુભટ કાજ કો નવ કહેજો: ‘પ્રભુ, દે એને વિશ્રામ!’
જ્યમ શતશત પહાડશિખરથી
જળધોધ ઘૂઘવતો જાય,
જ્યમ ખુશખુશાલ કો જોદ્ધો
નિજ અશ્વ નચવતો જાય:
ત્યમ સત્ય તણો શોધક નિજ પંથે ધસે સદા અવિરામ –
એ સુભટ કાજ કો નવ કહેજો ‘પ્રભુ, દે એને વિશ્રામ!’
વનવનમાં વદન હસવતી
કો સરિતા ચાલી જાય;
દુર્ગંધ જગતની વહતી
સાગરમાં શાંત સમાય:
સાચા જગસેવકનું જીવન ત્યમ પામે મૌનવિરામ –
એ સુભટ કાજ કો નવ કહેજો, ‘પ્રભુ, દે એને વિશ્રામ!’
૧૯૨૮/૨૯.